° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


ડૉક્ટર, આર્કિટેક્ટ કે સીએ બનવા માટે ભણવું પડે; પણ ઍક્ટર એમ જ બની શકાય!

23 April, 2022 02:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ક્ષેત્રમાં દરેક સંજોગમાં ટકી રહેવું હોય તો તમારે ઑલરાઉન્ડર બનવું પડશે અને ઑલરાઉન્ડર જ હંમેશાં લાંબી કરીઅર ધરાવે છે

ડૉક્ટર, આર્કિટેક્ટ કે સીએ બનવા માટે ભણવું પડે; પણ ઍક્ટર એમ જ બની શકાય! સેટરડે સરપ્રાઈઝ

ડૉક્ટર, આર્કિટેક્ટ કે સીએ બનવા માટે ભણવું પડે; પણ ઍક્ટર એમ જ બની શકાય!

આ વાત એ સૌને લાગુ પડે છે જેઓ કોઈ પણ જાતના સ્ટડી વિના જ ઍક્ટર બનવા માગે છે. ક્યારેય ભૂલવું નહીં કે જો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લાંબી રેસના ઘોડા બનવું હશે તો લાઇટ, સાઉન્ડ, કૅમેરા, સેટ, કૉસ્ચ્યુમ એમ દરેકનું થોડું નૉલેજ હોવું જોઈશે. આ ક્ષેત્રમાં દરેક સંજોગમાં ટકી રહેવું હોય તો તમારે ઑલરાઉન્ડર બનવું પડશે અને ઑલરાઉન્ડર જ હંમેશાં લાંબી કરીઅર ધરાવે છે

દરેક સમયની કેટલીક ખાસિયતો અને મર્યાદા પણ હોય. બદલાતા સમય સાથે એ મર્યાદા સમજીને જો કોઈ આગળ વધે તો તેના વિકાસની રફ્તાર વધી શકે. ૪૫ વર્ષની મારી ઍક્ટિંગ-કરીઅર છે એટલે આ ઇન્ડસ્ટ્રીના બદલાવોને અને આ ઇન્ડસ્ટ્રીમાં આવતા લોકોની માનસિકતાને હવે સારી રીતે સમજી શકું છું, કારણ કે જીવનમાં આ કામ સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. ઍક્ટિંગ તમારા ડીએનએમાં હોય એવું કહેનારો આપણે ત્યાં એક વર્ગ છે, પણ હું આગળ વધીને કહીશ કે ભલે અભિનય તમારા ડીએનએમાં હોય, એ પછી પણ એની ફૉર્મલ ટ્રેઇનિંગ જરૂરી છે. સ્ટેજ પર ગોખેલા ચાર ડાયલૉગ બોલી શકો એટલે તમે ઍક્ટર-મટીરિયલ છો એવું માનવું ન જોઈએ, કારણ કે માત્ર ડાયલૉગ-ડિલિવરીથી કામ પૂરું નથી થતું. તમે ચાર-પાંચ પ્રોજેક્ટમાં માત્ર આ આવડતને કારણે ટકી જાઓ, પણ જો તમારે લાંબી રેસના ઘોડા બનવું હોય, લૉન્ગ ટર્મ સર્વાઇવ થવું હોય તો માત્ર એટલાથી નહીં ચાલે. 
મારો પરિવાર રંગભૂમિ સાથે સંકળાયેલો હતો. દાદાજી અને પિતાજી આ કલાના ધુરંધરો ગણાતા. એ રીતે મારા માટે તો સાચા અર્થે ઍક્ટિંગ ડીએનએમાં હતી, એ પછી પણ પ્રારંભિક એજ્યુકેશન પૂરું કરીને હું દિલ્હી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ગયો. એ સમયે ગુજરાતી રંગભૂમિનો હું પ્રથમ વ્યક્તિ જે આ રીતે પદ્ધતિસર ઍક્ટિંગ અને એની સાથે સંકળાયેલા આર્ટને શીખવા ગયો હતો. મને બરાબર યાદ છે કે એ સમયે રાજ્યમાંથી એક જ વ્યક્તિને સિલેક્ટ કરવામાં આવતા. જોકે એ વર્ષે પહેલી વાર એવું બનેલું કે મહારાષ્ટ્રમાંથી કુલ ત્રણ લોકોને તેમની ટૅલન્ટના દમ પર સિલેક્ટ કરવામાં આવ્યા. હું અને મારા ઉપરાંત રોહિણી હટ્ટંગડી પણ. ૧૯૭૦ના આરંભમાં એટલે કે નાનપણમાં મારા પિતા મને નાટક જોવા લઈ જતા. મારે માટે એ વન્ડરલૅન્ડ હતું. કૉલેજમાં હું નાટક ભજવતો. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ગયો એ પહેલાંથી જ નાટકોનું જોરદાર એક્સપોઝર હતું અને એ પછી પણ કહીશ કે ત્યાં ગયા પછી સાવ નવી જ દુનિયા મારી સામે ઊઘડી. ત્યાં કુલ ૨૧ સબ્જેક્ટ્સ અમને ભણાવાતા. તમે વિચારો કે ડ્રામાની સ્કૂલમાં ૨૧ વિષય એટલે કેટલું વૈવિધ્ય અને કેટલું ઊંડાણ. ડ્રામા એટલે માત્ર ઍક્ટિંગ નહીં એ ત્યાં ભણનારા લોકો બરાબર સમજતા. ૨૦૦ રૂપિયાની સ્કૉલરશિપ મળતી, પણ જો ૨૧માંથી એક પણ વિષયમાં નાપાસ થયા તો સીધા ઘરે. મારા બાપુજી પ્રોફેસર હતા. આપણે કંઈ બંગલાવાળા હતા નહીં, ઘરે મોકલી દે તો પાછા ડ્રામા સ્કૂલમાં જવાનું બને નહીં એટલે એ ત્રણ વર્ષ બહુ જ નિષ્ઠા સાથે હું ભણ્યો. કૉસ્ચ્યુમ, ડિઝાઇન, સેટ, ડ્રૉઇંગ, સાઉન્ડ, લાઇટ્સ, કૅમેરા જેવી ઘણી બાબતોને ઝીણવટભરી રીતે ભણાવાતી. બીજા દેશોનાં સિનેમા અને થિયેટર્સની દુનિયા અમારી સામે ખૂલી. ઘણું શીખ્યો. ભલે ઍક્ટર તરીકે મારું કામ ડાયલૉગ-ડિલિવરીનું, પરંતુ સાથે અન્ય તમામ બાબતોનું જ્ઞાન હોવાને કારણે એ કાર્ય પણ બહુ બહેતરીન રીતે કરી શક્યો. એકેય બાબત મારા માટે નવી નહોતી ત્યાં. મને લાઇટની પણ સમજણ હોય અને સાઉન્ડ-ઇફેક્ટમાં પણ મારું ઍન્ટેના ઉપર હોય. 
મારા જીવનના દાખલાથી આ શરૂઆત કરવા પાછળનું કારણ એટલું જ કે હું જે સમયમાં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ગયો ત્યારે ટ્રેઇનિંગના ખાસ પર્યાય નહીં. આજે તો ઘણી સ્કૂલો છે જે સિનેમા અને નાટકની આંટીઘૂંટીઓ વિશે ટ્રેઇનિંગ આપે છે. એવા ડિગ્રી કોર્સ પણ છે. હવે અવેલેબિલિટી છે તો એનો લાભ લોને. શૉર્ટકટ બંધ કરીને પ્રોપર ટ્રેઇન થઈ ઇન્ડસ્ટ્રીમાં આવશો તો આગળ વધશો જ અને લાંબા સમય માટે તમારું અસ્તિત્વ અહીં જળવાયેલું રહેશે. આઇ ઍમ શ્યૉર, કોઈને વનટાઇમ વન્ડર તો નથી જ બનવું. જો લૉન્ગ ટર્મ ફ્યુચર સાથે તમે એન્ટરટેઇનમેન્ટમાં આવવા માગતા હો તો તમારાં મૂળિયાં ઊંડાં હોવાં જરૂરી છે. ઊંડાં મૂળિયાં એટલે સિમ્પલ કે તમે દરેક બાબતની જાણકારી અને સમજ ધરાવતા હો. 
ઘણા લોકોને મળ્યા પછી એક વસ્તુ મેં ઑબ્ઝર્વ કરી છે કે ઍક્ટિંગમાં પોતાની ઓળખ બનાવવા માગતા ઘણા લોકોમાં શીખવાની દાનતનો અભાવ છે. તેમને બધું ઝડપથી જોઈએ છે. નેમ અને ફેમ મેળવવામાં જે ઉતાવળ છે એવી ઉતાવળ શીખવામાં કે જાતને અપગ્રેડ કરવામાં નથી. કેટલાક એવા યુવાનોને મળ્યો છું જેઓ મુંબઈની ટૉપ ઍક્ટિંગ સ્કૂલમાંથી પાસ થયા હોય, પણ ચાર ડાયલૉગ સરખી રીતે બોલી ન શકતા હોય. જેનાથી વાતની શરૂઆત કરી હતી એ ટૉપિક પર ફરી આવીને કહું તો દરેક સમયની કેટલીક ખાસિયતો, તો કેટલીક મર્યાદાઓ છે. આજના સમયની ખાસિયત એ છે કે લોકો પાસે અકલ્પનીય એક્સપોઝર અને પ્લૅટફૉર્મ્સ ઉપલબ્ધ છે. પોતાની ટૅલન્ટને કોઈના પરવશ થયા વિના દુનિયા સુધી પહોંચાડી શકે એવું સ્ટ્રૉન્ગ સોશ્યલ મીડિયા માધ્યમ છે, તો આજના સમયની મર્યાદા પણ એ જ કે તમારા જેવી ટૅલન્ટથી છલોછલ ઘણા લોકો દુનિયામાં છે જેમણે આ એક્સપોઝરનો લાભ લીધો છે. એવામાં જો તમે અપગ્રેડ ન થયા કે તમારા નૉલેજમાં ઊંડાણ ન આવ્યું તો તમે પાછળ રહી જવાના, કારણ કે આજે અહીં ભીડ છે. શીખતા રહેવું પડશે સતત તો જ ટકાશે. તમે એક એવી ઇન્ડસ્ટ્રીમાં તમારી કિસ્મત અજમાવવા આવ્યા છો જેને સરકાર સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પણ નથી ગણતી. આ ઇન્ડસ્ટ્રીનો ભરોસો બૅન્કવાળા લોન આપવા માટે પણ નથી કરતા. 
તમારે ડૉક્ટર બનવું હોય તો ભણવું પડે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવું હોય તો ભણવું પડે, આકિર્ટેક્ટ બનવું હોય તો તમારે ભણવું પડે, તો એવી જ રીતે ઍક્ટર બનવા માટે કંઈ ન કરો અને એ પછી પણ તમને બધું મળી જાય એવું ધારતા હો તો એ તમારી ભૂલ છે અને એ જીવનની સૌથી મોટી ભૂલ છે. મારી દૃષ્ટિએ અત્યારે જે ફૅસિલિટી મળી રહી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. માહિતી હવે એક ક્લિક દૂર છે ત્યારે જાતને અપગ્રેડ કરતા રહો. બાકી તમે થેલો વળગાડીને, દાઢી વધારીને અને ઝભ્ભો પહેરીને ફરો એટલે થિયેટર-આર્ટિસ્ટ કે રાઇટર થઈ ગયા એવું ધારી લો તો એ તમારી મૂર્ખામી છે. 
મેં એનએસડીમાં મોટા ભાગે હિસ્ટોરિકલ નાટક કર્યાં છે. એમાં આર્ટિસ્ટ પણ અમે અને મેકઅપમૅન પણ અમે જ. ચા પીવી હોય તો એ પણ જાતે જ બનાવવાની. આજના કયા યંગસ્ટર્સ આવું કરે છે? 
આખી વાતનું સરવૈયું એટલું જ કે તમે છબછબિયા કરવાનું બંધ કરો હવે. કોઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ઊંડા ઊતરવું પડે એ નિયમ ઍક્ટિંગને પણ લાગુ પડે છે. ભણવું નહોતું ગમતું એટલે ચાલો ઍક્ટર બનીએ એમ વિચારીને આવતા હો તો રહેવા દેજો. અહીં પણ મહેનત કરવી પડશે અને અહીં પણ નૉલેજની જરૂર પડશે. ફિઝિકલ અને મેન્ટલ સ્ટ્રેન અહીં પણ જુદા સ્તરનો હશે. પ્લસ ઇનસિક્યૉરિટીની તલવાર સતત માથે લટકતી રહેશે. પાયો મજબૂત કરવા માટે તમારે સમય આપવો પડશે. થયું છે એવુંને કે આજની પેઢીને ભણવામાં સમય નથી વેડફવો. તેમને તરત જ સ્ટેજ જોઈએ છે, તરત જ નામ અને દામ જોઈએ છે.

તમે ઘણું બધું શીખ્યા હો અને બહુ બધી બાબતોના જાણકાર હો તો ક્યારેય જૉબલેસ નહીં થાઓ એ તેનો બીજો મહત્ત્વનો ફાયદો, જેના લાભ પૅન્ડેમિકમાં ઘણા લોકોને મળ્યા. ક્યારેક તમારી પાસે ઍક્ટર તરીકે કામ ન હોય તો તમે સેટ-ડિઝાઇનિંગમાં, સાઉન્ડ એન્જિનિયરિંગ કે પછી લાઇટિંગને લગતાં કામ પણ કરી શકો અને એ બધાં કામમાં ઍક્ટર કરતાં વધારે આવક છે. તમારા હાથ ક્યારેય કામ વિના ખાલી નહીં રહે. કંઈ ને કંઈ તમારી પાસે કરવા માટે હશે. વિદ્યાર્થી બનીને ઍક્ટર તરીકે આવો અને બધું જ શીખવાની તૈયારી રાખો. અહીં પણ નૉલેજનું મૂલ્ય બહુ વધારે છે જેને મોટા ભાગના લોકો ગંભીરતાથી નથી લેતા અને એ જ તેમની સૌથી મોટી ભૂલ છે.

 તમારે ડૉક્ટર બનવું હોય તો ભણવું પડે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ થવું હોય તો ભણવું પડે, આર્કિટેક્ટ થવું હોય તો ભણવું પડે તો એવી જ રીતે ઍક્ટર બનવા માટે કંઈ ન કરો અને એ પછી પણ તમને બધું મળી જાય એવું ધારતા હો તો એ તમારી ભૂલ છે અને એ જીવનની સૌથી મોટી ભૂલ છે.

23 April, 2022 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

થિયેટર હતાં, છે અને કાયમ રહેશે

ટીવી આવ્યાં ત્યારે પણ આ જ ચિંતા સૌને હતી અને વિડિયો-કૅસેટ આવી ત્યારે પણ બધાને આવો જ પરસેવો છૂટ્યો હતો, પણ રિઝલ્ટ સૌની સામે છે એટલે ઓણહું નથી માનતો કે ડિજિટલ પ્લૅટફૉર્મથી ફાટી પડવું જોઈએ.

25 June, 2022 08:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઑડિયન્સમાં હવે ધીરજ નથી રહી

તમે જુઓ, ૯૦ સેકન્ડના અને મફતમાં જોવા મળતા ઇન્સ્ટાગ્રામ-રીલ્સમાં પણ દમ ન હોય તો એ કોઈની રાહ જોયા વિના ફટાક દઈને સ્ક્રૉલ કરી નાખે છે, તો ફિલ્મમાં વાત તો દોઢ-બે કલાકની છે. એ નબળી હોય તો કેવી રીતે એ ચલાવી લે?

18 June, 2022 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કૉમેડી એટલે ખુલ્લા મને હસવું અને સાથોસાથ જ્ઞાન પણ લેતા જવું

કોણ શું કરે છે અને કોણે શું કરવું જોઈએ એ બધામાં પડવા કરતાં આપણે શું કરવું અને કેવી રીતે કરવું એના પર ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણે ભૂલ ન કરી બેસીએ

11 June, 2022 05:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK