° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


તમે મુંબઈની બહાર જઈ શકો, પણ મુંબઈ તમારામાંથી નીકળી ન શકે

08 May, 2022 02:49 PM IST | Mumbai
Bhavya Gandhi

આ વાત તમને ત્યારે સમજાય જ્યારે તમે મુંબઈથી દૂર રહેવાનું શરૂ કરો. દર વખતે મેં આ વાત નોટિસ કરી છે. મુંબઈ તમારી સાથે ને સાથે રહે અને એ પણ સતત. જેમ રાત પડ્યે ઘર યાદ આવે એમ બે-ચાર દિવસે તમને મુંબઈ યાદ આવે જ આવે

પ્રતીકાત્મક તસવીર આરંભ હૈ પ્રચંડ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના લોકો મુંબઈકરને મોટા મનના માણસ તરીકે જુએ છે; પણ હું કહીશ કે મુંબઈકર માત્ર મોટા મનનો જ નહીં, એ દરિયાદિલ પણ છે. દરિયો હોવાને લીધે તેનું દિલ દરિયા જેવું આપોઆપ થઈ ગયું છે. આ જ કારણ હશે કે મુંબઈ પૈસો પણ મોટા મન સાથે આપે અને મુંબઈ વાત જતી કરવાનું કામ પણ સરળતાથી કરે છે

હમણાં મને મુંબઈની બહુ યાદ આવે છે. ખબર નહીં કેમ, પણ મુંબઈ માટે મારી કોઈ અલગ પ્રકારની જ ફીલિંગ રહી છે. જ્યારે પણ શૂટ કે પ્રમોશન માટે મુંબઈની બહાર જવાનું બને ત્યારે હોમ-સિકનેસ અને એની સાથોસાથ મુંબઈ-સિકનેસ પણ મને ઘેરી વળે. મેં તમને કહ્યું છે એમ, હમણાં-હમણાં મારે ગુજરાત રહેવાનું બહુ બને છે. એમાં પણ હમણાં તો મારી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ એટલે મારે લાંબો સમય ગુજરાત રહેવું પડ્યું. ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતનાં અનેક શહેરોમાં જવાનું બન્યું, પણ મને સતત અનુભવ થયો કે મુંબઈ એ મુંબઈ છે. મને એ પણ સમજાઈ રહ્યું છે કે મુંબઈથી દૂર રહેવું એ મારું કામ નથી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ અને એ પછી કરેલા એક નાટક માટે ઘણી વાર એવું બન્યું છે કે ફૉરેન જવાનું બન્યું હોય. અત્યાર સુધી લગભગ વીસેક કન્ટ્રીમાં ગયો હોઈશ, પણ દરેક નવા કન્ટ્રીની વિઝિટના ત્રીજા ને ચોથા દિવસે મને સમજાતું કે મુંબઈ એ મુંબઈ છે. ન્યુ યૉર્ક પણ એની પાસે ઝાંખું પડે અને દુબઈ પણ એની સામે પાણી ભરે. એ  શહેરો પણ ક્યારેય સૂતાં નથી, ડિટ્ટો એવી જ રીતે, જેવી રીતે આપણું મુંબઈ ક્યારેય સૂતું નથી. તમે ક્યારેય પણ મુંબઈને જુઓ તો એ તમને હંમેશાં ફ્રેશ અને એવરરેડી લાગે. મુંબઈમાં વહેલી સવારે તમને મોટું ટોળું જુહુ બીચ પર જોવા મળશે, બધા હેલ્ધી લાઇફ-સ્ટાઇલ માટે ઍક્ટિવ છે. મુંબઈ આમ પણ તમને બહુ ભગાવે છે.

ટ્રેન પકડવા માટે ભાગવાનું, સમયસર ઑફિસ પહોંચવા માટે ભાગવાનું. ઘરે આવવા માટે ટ્રેન પકડવા ભાગવાનું અને ટ્રેન મિસ થાય તો બસ પકડવા ભાગવાનું. ઑફિસથી નીકળ્યા પછી ટૅક્સી માટે ટળવળવાનું અને રિક્ષા માટે ભાગવાનું. આ જે ભાગમભાગ છે એ શું કામ છે એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું, ક્યારેય વિચાર્યું છે કે મુંબઈની લોકલ ટ્રેનને શું કામ લાઇફલાઇન કહેવામાં આવે છે? એ અઢળક લાઇફને હાથમાં લઈને એક સીધી લાઇનમાં ભાગી રહી છે એટલે.

લોકલ ટ્રેનમાં જ્યારે પણ જવાનું થાય ત્યારે હું લોકોને જોતો હોઉં છું. તેમના ચહેરા પર લખાયેલી સ્ટોરી વાંચવાની કોશિશ કરતો રહું છું. આ જ તો ખાસ વાત છે આપણી લોકલ ટ્રેનની. એકસાથે અનેક સ્ટોરી લઈને એ આગળ વધતી જાય અને એ દરેક સ્ટોરીમાં એક ટ્રૅક તો આવે જ આવે. દોડો, ભાગો, તૂટો, પડો પણ બસ, ભાગતા રહો, આગળ વધતા રહો. જાઓ ત્યારે તમે એક વખત આ જોઈ લેજો. ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં તમને રડતી છોકરી જોવા મળશે અને પેપર હાથમાં લઈને પઝલ સૉલ્વ કરતા અંકલ પણ દેખાશે. ટેકો લઈને ઊભાં-ઊભાં વેબ-સિરીઝ જોનારાઓ પણ તમને જોવા મળશે, તો મોબાઇલ પર ડાઉનલોડ કરેલી ફિલ્મ જોતી વખતે જાણે પોતે મલ્ટિપ્લેક્સમાં બેઠો હોય એવી મજા લેતો ટીનેજર પણ જોવા મળશે. ટ્રેનની હાડમારી ભલભલાને નડી જાય, પણ મુંબઈકરને નથી નડતી. એ તો પોતાની મસ્તીમાં જ હોય છે. ટ્રેનમાં બેસીને શાક સમારનારાઓ પણ છે અને ટ્રેનમાં બેસીને થઈ શકે એવા યોગના દાવ કરનારાઓ પણ છે. ટ્રેન-યોગની આ આર્ટ ડેવલપ કરવામાં પણ ‘મિડ-ડે’ની જ એક વ્યક્તિને જશ મળે છે, પણ એના વિશે પછી ક્યારેય વાત કરીશું. અત્યારે તો આપણે લોકલની ઍક્ટિવિટીની વાત કરવી છે. લોકલની દરેક ઍક્ટિવિટી દેખાડે છે કે મુંબઈકર હન્ડ્રેડ પર્સન્ટ જીવે છે અને જો તમે એ માનવા રાજી ન હો તો આજથી દરરોજ સામે મળતા ચહેરા જોવાની છૂટ.

કામ પર જતી કોઈ પણ વ્યક્તિને તમારે ઊભા રહીને માત્ર ટાઇમ પૂછવાનો. ટાઇમ પૂછી લીધા પછી બાકીનું આગળનું કૉન્વર્સેશન આપોઆપ શરૂ થઈ જશે. એ કૉન્વર્સેશનના આધારે કહું છું તમને, મુંબઈમાં દોસ્ત બનાવવા સહેલા છે. ટ્રેનમાં, બસમાં કે પછી રસ્તા પર પણ તમારી કોઈની સાથે દોસ્તી થઈ જાય. આ જે દોસ્ત મળે છે એ તમને ભાગદોડનો દોસ્ત મળે છે. આંખોની ઓળખાણનો દોસ્ત મળે છે. આંખોથી સ્માઇલ કરી લેવાની આદત આપતો દોસ્ત મળે છે.

હું અનેક કન્ટ્રીમાં ફર્યો છું અને આપણે ત્યાંનાં અનેક ઇમ્પોર્ટન્ટ શહેરોને પણ મેં નજીકથી જોયાં છે એટલે પણ એક વાત કહીશ કે દિવસ દરમ્યાન જેટલું ઍક્ટિવ અને ફ્રેશ મુંબઈ રહે છે એટલું ઍક્ટિવ અને ફ્રેશ શહેર મેં બીજું કોઈ નથી જોયું. મુંબઈનું ટાઇમ-મૅનેજમેન્ટ અદ્ભુત છે. હું તો કહીશ કે ટાઇમ-મૅનેજમેન્ટ જો કોઈ પાસેથી શીખવું હોય તો એ મુંબઈકર પાસેથી શીખવું પડે. ડબ્બાવાળાથી લઈને પેપરવાળા, દૂધવાળાથી લઈ શાકવાળા અને બિઝનેસવાળાઓથી લઈને જૉબ કરનારા સૌકોઈ ટાઇમમાં પંક્ચ્યુઅલ છે. મુંબઈ સાથે જો તમે ટાઇમનું મૅનેજમેન્ટ ન કરો તો આ સિટી તમને ફગાવી દે. નડતા ટ્રાફિક વચ્ચે પણ ટાઇમ મૅનેજમેન્ટને સાચવી રાખવાની આવડત જેનામાં આવી જાય એ સાચો મુંબઈકર. આવું હું નથી કહેતો, પણ મારો આજ સુધીનો અનુભવ કહે છે. મીટિંગમાં મોડા પહોંચનારાના મુંબઈકર મનોમન પાંચ-દસ માર્ક ઓછા કરી જ નાખે છે. એ દેખાડે નહીં એ જુદી વાત છે, પણ માર્ક ઘટે છે એટલું જ સાચું છે. તમારે ટ્રાફિકને કાઉન્ટ કરીને જ ઘરેથી નીકળવાનું અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જ તમારે મીટિંગના સમયને ફૉલો કરવાનો. ટ્રાફિક જ શું કામ, વરસાદને પણ કાઉન્ટ કરી લેવાનો અને રસ્તા પર ચાલી રહેલા કામને કારણે બનાવવામાં આવેલાં ડાઇવર્ઝનને પણ કાઉન્ટ કરી લેવાનાં, પણ ટાઇમમાં કોઈ જાતનું ઉપર-નીચે ચાલે નહીં. મુંબઈના ટ્રાફિકને પણ નડતર માનવાની ભૂલ ન કરતા. આ ટ્રાફિક પણ ઘણું શીખવી જાય છે. આ ટ્રાફિક પાસેથી તમને શીખવા મળે છે કે લાઇફમાં થોડું રોકાવું, અટકવું પણ જરૂરી છે, જીવનની જે ભાગમભાગ છે એમાંથી થોડી વાર બ્રેક લેવો જરૂરી છે.

બ્રેક પરથી યાદ આવ્યું કે મુંબઈનું ફેવરિટ ડેસ્ટિનેશન દરિયો. યસ, દરિયો. તમે ૨૪ કલાક દરિયાકિનારે વિતાવી શકો અને એકધારો દરિયાને જોઈ શકો. હું હંમેશાં કહું છું કે મુંબઈના આ દરિયાએ મુંબઈકરના એકેક કામને જોયું છે. સારું, ખરાબ, અતિ ખરાબ કામનો એ મૂકદર્શક છે અને બધું પોતાના પેટમાં ભરીને બેઠો છે. ગુજરાતના લોકો મુંબઈકરને મોટા મનનો માણસ માને છે, પણ હું કહીશ કે મુંબઈકર મોટા મનનો જ નહીં, એ દરિયાદિલનો પણ છે. દરિયો હોવાને લીધે એનું દિલ દરિયા જેવું આપોઆપ થઈ ગયું છે. આ જ કારણ હશે કે મુંબઈ પૈસો પણ મોટા મન સાથે આપે અને મુંબઈ જતું કરવાનું કામ પણ સરળતાથી કરે છે.

મુંબઈનો જે વિકાસ થયો છે એમાં પણ આ દરિયાનો બહુ મોટો ફાળો છે. મુંબઈનો આ દરિયો એક વાત શીખવે છે. જેવા છો એવું રહેવાનું. ભરતી આવે કે ઓટ, સુખને માથા પર ચડવા નહીં દેવાનું અને નિષ્ફળતાને ક્યારેય દિલ પર લઈ લેવાની નહીં. આ દરિયા પછી જો કોઈ વાત મને હૅપનિંગ લાગતી હોય તો એ છે લૉન્ગ ડ્રાઇવ. મુંબઈની મોડી રાતની લૉન્ગ ડ્રાઇવ મારી ફેવરિટ છે. મસ્તમજાનું મ્યુઝિક ચાલુ કરીને ખુલ્લા રસ્તા પર નીકળી જવાનું. ક્યાંય જવાનું નહીં અને ક્યાંય પહોંચવાનું નહીં, બસ, મુંબઈ, મ્યુઝિક અને તમે. એકદમ ચિલિંગ એક્સ્પીરિયન્સ છે આ. એક વાર તમે ટ્રાય કરજો, આને માટે તમારે  સી-લિન્ક કે મરીનલાઇન્સ જવાની જરૂર નથી. રાતે એક કે બે વાગ્યા પછીનો સમય પકડી લો અને કોઈ પણ રોડ પર નીકળી જાઓ.
વિન્ડો ડાઉન, મ્યુઝિક અપ અને જસ્ટ ડ્રાઇવ.

મારે મન આ જ મુંબઈની નાઇટ લાઇફ છે. આ જ મુંબઈની રોનક છે. હું ઘણી વખત આ રીતે ડ્રાઇવિંગ પર નીકળ્યો છું. મ્યુઝિકનું વૉલ્યુમ ફુલ હોય અને વિચારો બિલકુલ અટકી ગયા હોય. દિમાગ બ્લૅન્ક હોય અને આંખો સામે આખું મુંબઈ પથરાયેલું પડ્યું હોય. આ પથરાયેલું મુંબઈ હાથ ફેલાવીને ઊભેલી ગર્લફ્રેન્ડ જેવું પણ લાગે અને થાકી-હારીને ઘરે પાછા આવીએ ત્યારે મીઠા સ્મિત સાથે વેલકમ કરતી મા જેવું પણ લાગે. આ મુંબઈ મને યાર જેવું લાગે અને રાત ઓઢીને બેઠેલું મુંબઈ મને કોઈ ફિલસૂફ ફકીર જેવું પણ લાગે. આ મારુ મુંબઈ છે, મારી નજરનું મુંબઈ છે. બને તમારી નજરનું મુંબઈ જુદું હોય, પણ હા, એક વાત નક્કી છે કે એ મુંબઈ આવું રોમૅન્ટિક તો નહીં જ હોય એની ખાતરી છે મને.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

08 May, 2022 02:49 PM IST | Mumbai | Bhavya Gandhi

અન્ય લેખો

અટક તમારી બચ્ચન હોય તો તમે અમિતાભ બચ્ચન નથી થઈ જતા

ક્યારે શું થશે અને ક્યારે શું બનશે એ નક્કી નથી તો ચિંતા શાની કરવાની? નસીબને દોષ દઈને નિષ્ફળતાના નામે રાડારાડ કરવાને બદલે મહેનત વધારી દઈએ એ જ બેસ્ટ છે.

15 May, 2022 12:29 IST | Mumbai | Bhavya Gandhi

નૉન-વેજ અને આપણે : પાપ જ નહીં, શરીર સાથેનાં ચેડાં પણ બંધ થવાં જોઈએ

નૉન-વેજના ફાયદા કે ગેરફાયદા વિશે ન જાણનારાઓ પણ એ ખાતા થઈ ગયા છે અને એનું કારણ છે માત્ર શોખ અને દેખાદેખી. બીજા પાસે મૉડર્ન દેખાવાની આ રીત કેવી વાહિયાત છે એ વિચારવાનો સમય આવી ગયો છે

01 May, 2022 05:00 IST | Mumbai | Bhavya Gandhi

કિશોર અને કૉન્ગ્રેસ : હમારી અધૂરી કહાની

પ્રશાંત કિશોર માટે દેશી ભાષામાં તકવાદી શબ્દ પણ વપરાય છે. એક કહેવત છે કે સમયથી પહેલાં અને હેસિયતથી વધુ કશું ન મળે. એવું કહેવાય છે કે કૉન્ગ્રેસ સાથે પ્રશાંત કિશોરના છેડા ન બંધાયા એનું કારણ દહેજમાં બહુબધું માગી લેવાની વૃત્તિ હતી.

01 May, 2022 04:20 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK