° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

તુમ્હી તુમ હો, હમહી હમ હૈ તો ફિર ક્યા ગમ હૈ...

01 February, 2021 02:43 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

તુમ્હી તુમ હો, હમહી હમ હૈ તો ફિર ક્યા ગમ હૈ...

તુમ્હી તુમ હો, હમહી હમ હૈ તો ફિર ક્યા ગમ હૈ...

તુમ્હી તુમ હો, હમહી હમ હૈ તો ફિર ક્યા ગમ હૈ...

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક, જેમને સમય અને શિસ્તના બંધનમાં રહીને આગળ વધવું હોય છે. તો બીજી બાજુ કેટલાક પોતાની મરજીના માલિક હોય છે. તેમને કોઈ બંધન ગમતાં નથી. બન્ને પ્રકારના લોકોની પોતપોતાની મર્યાદા હોય છે અને પોતપોતાની ખાસિયત. તેથી જે જેવા છે તેમને તેવા જ રહેવા દેવા જોઈએ. શહેરનો કાનૂન જંગલમાં ચલાવવા જઈએ તો નુકસાન જ થાય

જીવનમાં આપણે કેટલી વાર એવા લોકોને મળીએ છીએ જેઓ પોતાના જીવનથી સંપૂર્ણપણે સંતુષ્ટ હોય? કોઈને પોતાનો ભૂતકાળ બદલવો છે તો કોઈને વર્તમાન. કોઈને શાળાજીવનમાં મસ્તી-તોફાન ન કર્યાનો અફસોસ છે તો કોઈને કૉલેજકાળમાં મિત્રો સાથે મજા. કોઈને પોતાના શોખ ન પૂરા કર્યા હોવાનો અફસોસ છે તો કોઈને પોતાના ગમતા અભ્યાસ કે વ્યવસાય ન કરવા મળ્યા હોવાનું દુઃખ. બહુ ઓછા એવા માથાફરેલ હોય છે જેઓ પોતાને જે કરવું હોય છે એ કરીને જ ઝંપે છે. બાકીના આપણે બધા દુનિયાએ તૈયાર કરેલા ચોકઠામાં ગોઠવાઈ જવામાં જ થાકી જઈએ છીએ. એનું એક કારણ ક્યાંક આપણને આપણી પોતાની સ્ટાઇલ, પોતાની વર્કિંગ પૅટર્ન ન અનુસરવા દીધી હોવાની છૂટ પણ ભાગ ભજવતી હોય છે. મોટા ભાગના લોકો પોતાનાં બાળકોને ફક્ત શિસ્ત અને અનુશાસનના પાઠ ભણાવવામાં જ લાગેલા રહે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અવ્યવસ્થા અને અશિસ્ત પણ કેટલાક લોકોના જીવનનો મંત્ર હોઈ શકે છે?
હકીકત તો એ છે કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક, જેમને બરાબર ખબર હોય છે કે આજે તેમનો દિવસ કેવો જવાનો છે અને બીજા એ જેઓ પ્રત્યેક નવો દિવસ તેમના માટે શું સરપ્રાઇઝ લઈને આવવાનો છે એના ઇન્તેજારમાં રહે છે. પહેલા પ્રકારના લોકો પોતાની સમગ્ર જીવનશૈલી સમય અને શિસ્તના નિયમો અનુસાર ઘડે છે, જેને પગલે હવે પછી આગળ શું કરવાનું છે એનો તેમને એકદમ સ્પષ્ટ ખ્યાલ રહે છે. તેમના દિવસો વ્યવસ્થા અનુસાર જાય છે. આજે શું કરવાનું છે, કોને મળવાનું છે, કેટલા ફોન કરવાના છે બધું તેમની ડાયરીમાં લખેલું રહે છે. આ એવા લોકો હોય છે, જેમના જીવનની લગામ તેમના હાથમાં હોય છે. તેઓ બુદ્ધિશાળી તો હોય જ છે સાથે મહત્ત્વાકાંક્ષી પણ. તેઓ પોતાની મર્યાદા સમજતા હોવાથી એની સીમામાં રહીને કામ કરવાનું પસંદ કરે છે.
તો બીજા કેટલાક એવા હોય છે જેઓ પ્રત્યેક દિવસને એક પડકારરૂપે જુએ છે અને જે કંઈ સામે આવે એનો સ્વીકાર કરવા તૈયાર રહે છે. તેમને સવારે ચા મળે કે કૉફી, કશો ફરક પડતો નથી. અરે, એક દિવસ કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં કૉન્ટિનેન્ટલ બ્રેકફાસ્ટ કરવા મળે અને બીજા દિવસે સવારે નાસ્તામાં રાતની વધેલી રોટલી, તો પણ તેમને વાંધો આવતો નથી. આવા લોકોને જીવનમાં શું કરવું છે, શું મેળવવું છે, ક્યાં પહોંચવું છે એનો આછોપાતળો અંદાજ હોય છે; પરંતુ તેઓ સમય અને શિસ્તના બંધનમાં બંધાવાના સ્થાને જીવનના પ્રવાહમાં વહેવાનું પસંદ કરે છે. આવા લોકોને દુનિયા સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાને સ્થાને પોતાની દુનિયામાં ખોવાયેલા રહેવું વધુ ગમે છે.
કહેવાનું તાત્પર્ય પહેલા પ્રકારના લોકો સાચા છે અને બીજા પ્રકારના ખોટા કે પહેલા પ્રકારના ખરાબ અને બીજા પ્રકારના સારા એવો નથી. તેઓ જે છે તે છે. તો પછી કોઈને તેઓ જેવા નથી તેવા બનાવવાનો પ્રયત્ન કરવાનો શો અર્થ? આ તો ડાબોડીઓ પાસે બળજબરીપૂર્વક જમણા હાથે લખવાની આદત પડાવવા જેવી વાત થઈ કે પછી સવારે વહેલા ઊઠનારને રાતના મોડે સુધી જગાડવા જેવી. કદાચ આપણા આગ્રહને વશ તે એવું કરી પણ લે, પરંતુ બદલામાં માનસિક અને શારીરિક રીતે તેણે કેટકેટલી મુસીબતોનો સામનો કરવો પડશે એની આપણે ક્યારેય કલ્પના પણ કરતા નથી.
વાસ્તવમાં જન્મથી લઈ મૃત્યુ સુધી જીવનપથ પર આપણને જાતજાતના વિકલ્પો મળતા રહે છે. આપણું સમગ્ર જીવન ખરેખર તો એ વિકલ્પોમાંથી આપણે કરેલી પસંદગીઓનું સરવૈયું જ હોય છે. દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે દરેક વખતે સાચો વિકલ્પ જ પસંદ કર્યો હશે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો થાપ ખાધી જ હોય છે. તેથી જ કોઈ બીજાની પસંદગી પર ટિપ્પણી કરવાનો આપણને કોઈ અધિકાર નથી. જેમ આપણી પોતાની કામ કરવાની એક રીત છે, પોતાની એક સ્ટાઇલ છે એવી જ રીતે બીજાની પણ હોઈ શકે છે. માટે ફરી-ફરીને બીજાના માર્ગને જોયા કરવાનો શો અર્થ? શ્રેષ્ઠ તો એ જ છે કે બીજાને પણ પોતાના પથ પર સફળતા મળે એવી મનોકામના સાથે આપણે આપણી નજર ફક્ત આપણી મંઝિલ પર સ્થિર રાખીએ.
સાથે જ કોઈ બીજાને આપણો માર્ગ પ્રશસ્થ કરી આપવાની સ્વતંત્રતા પણ આપવી જોઈએ નહીં. અંદરખાને આપણને બધાને આપણા માટે શું સારું છે એનો ખ્યાલ હોય જ છે. તેથી આપણા માટે જે સાચું અને સારું છે એ કરતા રહેવું જોઈએ. આપણો ઉદ્દેશ્ય ગમે તેટલો સારો જ કેમ ન હોય, દિવસના ચોવીસ કલાક અને વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આપણે બધાને ખુશ રાખી શકીએ નહીં. એક ક્ષણ એવી આવે જ છે જ્યારે આપણને સમજાઈ જાય છે કે કેટલાક લોકોને આપણે ક્યારેક ખુશ રાખી શકીશું નહીં. આવા વખતે કાં તો આપણે માત્ર હસીને આગળ વધી જઈ શકીએ છીએ અથવા આંખનાં આંસુ છુપાવી બધું જ બરાબર હોવાનો ડોળ કરી શકીએ છીએ, પરંતુ આગળ તો વધવું જ પડે છે. આવું થાય ત્યારે મનમાં ખાલી એટલી તસલ્લી રહેવી જોઈએ કે આપણે કોઈને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી.
જ્યારે આપણે બીજા બધાનો અને ખાસ તો પોતાની જાતનો સંપૂર્ણ સ્વીકાર કરીએ છીએ ત્યારે જ આપણે પોતાની જાત માટે અલાયદો માર્ગ બનાવી શકીએ છીએ. ત્યારે જ આપણે પોતાની અલગ સ્ટાઇલ વિકસાવી શકીએ છીએ. એટલે હાથની પાંચે આંગળીને એકસરખી માનવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. દરેકની પોતાની ક્ષમતા અને પોતાની મર્યાદાઓ હોય છે. શહેરનો કાનૂન જંગલમાં ચલાવવાનો અર્થ નથી. ઉપર જણાવ્યું તેમ કોઈ જ સારું નથી કે કોઈ જ ખરાબ પણ નથી. આપણે પોતે અને બીજા બધા જેવા છે તેવા છે. માટે લોકો જેવા છે તેવા જ તેમને રહેવા દેવામાં સાર સમાયેલો છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

આપણો ઉદ્દેશ્ય ગમે તેટલો સારો જ કેમ ન હોય, દિવસના ચોવીસ કલાક અને વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આપણે બધાને ખુશ રાખી શકીએ નહીં. એક ક્ષણ એવી આવે જ છે જ્યારે આપણને સમજાઈ જાય છે કે કેટલાક લોકોને આપણે ક્યારેક ખુશ રાખી શકીશું નહીં. આવા વખતે કાં તો આપણે માત્ર હસીને આગળ વધી જઈ શકીએ છીએ અથવા આંખનાં આંસુ છુપાવી બધું જ બરાબર હોવાનો ડોળ કરી શકીએ છીએ, પરંતુ આગળ તો વધવું જ પડે છે.

01 February, 2021 02:43 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK