આધ્યાત્મની ભાષામાં ઘણી વાર સાંભળ્યું હશે કે આપણે માટીમાંથી પેદા થયા છીએ અને માટીમાં જ મળી જવાના છીએ. આ જ માટી જીવન ટકાવી રાખવા અને સ્વસ્થ રહેવા માટે પણ એટલી જ જરૂરી છે. ચાલો આજે જાણીએ માટીના પ્રયોગો

પ્રતીકાત્મક તસવીર
આમ તો પૃથ્વી પરથી ગાયબ થઈ રહેલી ફળદ્રુપ માટીને બચાવવા માટે આજના દિવસે વિશ્વભરમાં સૉઇલ ડે મનાવવામાં આવે છે. માટી જ જો સ્વસ્થ અને હેલ્ધી નહીં હોય તો મનુષ્યને જીવવા માટે જરૂરી વનસ્પતિ પેદા થવાનું ઘટશે એટલું જ નહીં, જે વનસ્પતિ પેદા થઈ રહી છે એની ગુણવત્તા પણ ઘટી રહી હોવાથી આ બાબતે જાગૃતિ લાવવાની બહુ જરૂર છે. જોકે આજે આપણે માટીની ફળદ્રુપતાની નહીં, પણ માટીનું આપણા જીવનમાં મેડિસિનલ દૃષ્ટિકોણથી શું મહત્ત્વ છે એની વાત કરવી છે. સહુ જાણે છે કે માણસ પેદા થાય છે માટીમાંથી અને ડિસૉલ્વ પણ થાય છે માટીમાં જ. માટીમાંથી જે વનસ્પતિ જન્મે છે એના પોષણ દ્વારા જ માનવ શરીરનો વિકાસ થાય છે અને જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે પાર્થિવ શરીર પણ માટીમાં જ મળી જાય છે. આ જીવનનું એક અફર સત્ય છે જે કદાચ સહુ જાણે છે, પણ માટીમાં મૅજિકલ ક્ષમતાઓ છે એની આપણને ખબર નથી.
પહેલાંના જમાનામાં કેટલાક અસાધ્ય ગણાતા રોગોના દરદીને દિવસના કેટલાક કલાકો ગળા સુધી માટીમાં દાટીને રાખવામાં આવતા હતા અને ચમત્કારિક પરિણામો પણ મળતાં. ખેતરમાં કામ કરતી વખતે ઝેરી પ્રાણીનો દંશ લાગી જાય તો તરત જ તુલસીક્યારાની માટી એની પર દબાવી દેવામાં આવતી. આ બધી ખરેખર માન્યતા છે કે એ ચિકિત્સાની દૃષ્ટિએ અકસીર પણ છે એની વાત જણાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘વિવિધ પ્રકારની માટીઓ હોય છે, જેના અનેકવિધ ચિકિત્સા પ્રયોગોનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. નેચરોપથીમાં તો અનેક મર્ઝની દવા સ્વરૂપે મડથેરપી અપાય છે. આપણા દેશમાં જ નહીં, અનેક દેશોમાં એનો વપરાશ થાય છે. માટીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. એ અનેક રોગોનું કારણ પણ છે અને અનેક રોગોનું નિવારણ પણ. એનો સમજીવિચારીને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે.’
ADVERTISEMENT
શામાં નિવારણ બને? | સોજો અને મેદ ઘટાડવો હોય ત્યારે માટી અદ્ભુત કામગીરી આપે છે એમ જણાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ક્યાંય પણ સોજો હોય તો માટીનો લેપ કરાય છે. ચરબી ઘટાડવી હોય તો મડથેરપી અપાય છે. માટી લગાવવાથી આપમેળે શરીરમાં ચરબીના કોષોની ગળવાની પ્રક્રિયા શરૂ થાય છે. પહેલાંના જમાનામાં ફ્રૅક્ચર થઈ જતું ત્યારે પણ ચોક્કસ પ્રકારની ચીકણી માટીનો પ્રયોગ થતો. ફ્રૅક્ચરવાળા ભાગ પર માટીનો જાડો લેપ કરીને એ ભાગને હલાવ્યા વિના છોડી દેતા. આ લેપ પ્લાસ્ટર જેવું કામ આપી શકે છે. ખેતરમાં કાંટો કે બાવળ ચૂભે ત્યારે માટી લગાવવાથી આપમેળે ત્યાંના ભાગની લાલાશ થોડા જ સમયમાં શમી જાય છે. જ્યારે પણ ઇન્સેક્ટ બાઇટ એટલે કે જંતુના કાટવાથી ઍલર્જી થાય ત્યારે તુલસીક્યારાની માટી લગાવવાની. તુલસીના પાન કે એનો રસ નહીં, એ ક્યારો જેમાં ઊછર્યો છે એ માટી વધુ અસરકારક છે. હર્પીસ જેવા રોગમાં શરીરે ભયંકર દાહ અને બળતરા થતી હોય છે. એમાં પણ તુલસીક્યારાની માટીનો ઉપયોગ કરી શકાય છે. ભયંકર ઍસિડિટી અને શારીરિક બળતરા કેમેય શમતી ન હોય કે ખૂબ ઊંચો તાવ રહેતો હોય તો માટીનો અનોખો પ્રયોગ છે. માટીના ગોળાને આગમાં ખૂબ તપાવવો અને પછી એને પાણીમાં ઠંડો કરી દેવો. આવું સાત વાર કરવાનું. સાત વાર માટીનો ગરમ ગોળો જે પાણીમાં ઠંડો થયો હોય એ પાણી દરદીને પીવડાવવાથી ભલભલી ઍસિડિટી, ભલભલી બળતરા અને તાવ ઊતરી જાય છે.’
ક્યારે અવળું પડે?
માટી જ્યારે શુદ્ધ ન હોય કે એમાં પણ કેમિકલની ભેળસેળ હોય ત્યારે એ અવળી અસર કરી શકે છે. એક બહુ જ ઓછી જાણીતી વાત કરતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘બિકાનેરની જે ભુજિયા સેવ અને એમાંનો જાડો ગાંઠિયો તમે ખાધો છે? આ સેવ જેવી ક્રિસ્પીનેસ તમને બીજી કોઈ સેવ કે ગાંઠિયામાં નહીં મળે એનું કારણ છે એમાં બિકાનેર પાસે મળી આવતી ખાડિયા માટીના પાણીનો ઉપયોગ થયો હોય છે. ખાડિયા માટીને પલાળી રાખીને એનું પાણી સેવના લોટમાં વપરાય છે, જેને કારણે એ ક્રિસ્પી બને છે. આ માટી રસવહસ્રોતસને અવરોધે છે અને એને કારણે લોહીની કમી એટલે કે એનીમિયા થવાની સંભાવના રહે છે.’
આટલું અચૂક કરજો | માટીના પ્રયોગો જ્યારે માત્ર માંદા હો ત્યારે જ થાય એવું નથી. માંદા ન પડો અને આજકાલના જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એ ન થાય એ માટે પણ માટીનો સંસર્ગ બહુ જ અનિવાર્ય છે. રોજ સવારે વ્યાયામ કરતાં પહેલાં ચોખ્ખી માટીમાં ચાલવું. આ પ્રક્રિયાને ગ્રાઉન્ડિંગ કહે છે એમ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘અત્યારે જે રોગોનું પ્રમાણ વધ્યું છે એનું સૌથી મોટું કારણ આપણાં ફુટવેઅર અને આર્ટિફિશ્યલ ફ્લોરિંગ છે. જો ભૂમિ પર ખુલ્લા પગે ચાલવામાં આવે તો અનેક નકારાત્મક ઊર્જા આપમેળે શરીરમાંથી નષ્ટ થવા લાગે. રોજ પચીસ મિનિટ માટી સાથેનો સંસર્ગ મસ્ટ છે. માટીમાં ચાલવામાં આવે તો બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવા અનેક રોગો કાબૂમાં આવી શકે છે.’

