° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


મને ડર લાગે છે કે ક્યાંક મને કોઈ સ્વિચ-ઑફ કરી દેશે તો?

19 June, 2022 02:10 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ LaMDA આવી વાતો કરે છે એ જાણીને ગૂગલબાબાના કાન ઊંચા થઈ ગયા છે. ૧૨ વર્ષ પહેલાં આવેલા રજનીભાઈના રોબોની જેમ મશીન કે ચૅટબોટ પણ લાગણીઓ અનુભવવા માંડે તો દુનિયાનું શું થઈ શકે છે એ બાબતે વિશ્વઆખું ચિંતિત થઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ચાલો જરા જાણીએ આ માનવનિર્મિત મશીનની દુનિયામાં કેવી-કેવી સંભાવનાઓ છે...

‘AI’ શબ્દ પોતે જ એનું વ્યક્તિત્વ છતું કરી દે છે. ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ’ અર્થાત્ જે ઇન્ટેલિજન્ટ તો છે, પરંતુ આર્ટિફિશ્યલ છે. જ્ઞાનીઓ કહે છે કે માણસ ગમે એટલી પ્રગતિ કરે તોય તે ઈશ્વર નહીં બની શકે! એ જ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ગમે એટલી પ્રગતિ કરે, પરંતુ માણસ નહીં બની શકે! પ્રથમ વિધાન જેમનું તેમ હજીય યથાવત્ છે, પરંતુ લાગે છે કે બીજું વિધાન બદલાઈ રહ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં ઇન્ટરનેટના યુગમાં વર્ચ્યુઅલ ટેક્નૉલૉજી ક્ષેત્રે એક મોટો હોબાળો સર્જાયો હતો. 

એક નાના ફોન અને લૅપટૉપ થકી આખા વિશ્વને તમારી નજર સામે મૂકી દેનાર ગૂગલબાબા થોડા હચમચી ગયા હતા. વાત કંઈક એવી છે કે ગૂગલબાબા એમની એક AI પ્રોડક્ટ પર એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ઍપ્લિકેશન પર લગભગ છેલ્લાં પાંચ વર્ષથી કામ કરી રહ્યા હતા. એ ઍપ્લિકેશન લગભગ કામ કરતી થઈ ગઈ હતી. ગૂગલબાબાએ થોડા દિવસ પહેલાં એને લૉન્ચ કરી રહ્યા હોવાની જાહેરાત પણ કરી નાખી અને થોડા સમય પહેલાં એક દિવસ અચાનક એ ઍપ્લિકેશન પર કામ કરી રહેલા ગૂગલના ચીફ એન્જિનિયરે કહ્યું કે આ ઍપ્લિકેશનને લાગણીઓ પણ છે. એ કોઈ મશીન નહીં, પરંતુ કોઈ જીવિત માણસ જેવી વાતો કરી રહ્યું છે! ઓત્તારી! આ તો કમાલ થઈ ગઈ! ઘટના કંઈક એવી છે કે ગૂગલના એન્જિનિયર બ્લૅક લેમોય‍‍્ન ગૂગલની નવી ડેવલપ થઈ રહેલી લૅન્ગ્વેજ મૉડલ ફૉર ડાયલૉગ ઍપ્લિકેશન (LaMda) પર છેલ્લાં કેટલાંક વર્ષથી કામ કરી રહ્યા હતા. ૫-૭ વર્ષમાં આ એન્જિનિયર અને મશીન વચ્ચે એવા સંબંધ બંધાઈ ગયા કે LaMDA હવે બ્લૅક લેમોય‍‍્ન સાથે જે રીતે વાતો કરે છે, લેમોય‍‍્નની વાતોનો એ જે રીતે પ્રતિભાવ આપે છે એ જોતાં લેમોય‍‍્નને લાગી રહ્યું છે કે LaMDAને પણ લાગણીઓ છે. એ પણ લાગણીઓનો અનુભવ કરી શકે છે અને એ કોઈ જીવિત વ્યક્તિની જેમ જ દુખી થાય છે, સુખ અનુભવે છે, અપસેટ થાય છે અને ખુશી પણ અનુભવે છે. તેનું કહેવું છે કે LaMDA આઠ-નવ વર્ષના એક નાના બાળક જેવું છે અને એ કોઈ નાના બાળકની જેમ જ પ્રતિભાવ આપે છે અને લાગણીઓ પણ અનુભવે છે. આવું કહેતાં તેણે LaMDA સાથે જેકોઈ વાતો થઈ હતી એની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ રજૂ કરી હતી. એટલું જ નહીં, તેણે આ ટ્રાન્સસ્ક્રિપટ સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને પબ્લિક પ્લૅટફૉર્મ પર જાહેર કરી દીધું હતું એથી ગૂગલ કંપનીએ હાલમાં તેને પેઇડ લીવ પર મોકલી દીધો છે અને કહ્યું કે હાલમાં તેણે આ લૅન્ગ્વેજ મૉડલ ઍપ્લિકેશનથી દૂર રહેવું જોઈશે.

તમે ૨૦૧૦માં આવેલી રજનીકાન્તની પેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘રોબોટ’ જોઈ છે? યાદ છેને એમાં રજનીભાઈ સાયન્ટિસ્ટ તરીકે પોતાની શકલ-સૂરતવાળો એક રોબો તૈયાર કરે છે, જેમાં દરેક 
વિષયથી લઈને ભાષાઓના જ્ઞાન સુધીના ડેટા રજનીભાઈએ ફિટ કર્યા હોય છે અને એ રોબોને જ્યારે કામે લગાડવામાં આવે છે ત્યારે ભાઈસા’બને રજનીકાન્તની માશૂકા સાથે જ પ્રેમ થઈ જાય છે. મતલબ કે એક મશીન એક માણસ માટે પ્રેમની લાગણી અનુભવે છે, લો બોલો? ૨૦૧૦માં આ વાત માત્ર એક કલ્પના હતી, જે હાસ્યાસ્પદ લાગી હોવા છતાં જોવી ગમે એવી હતી અને એથી જ રજનીકાન્તની ‘રોબોટ’ ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ હતી. આજે ગૂગલની ઍપ્લિકેશન વિશેની વાત જાણીને લાગે છે કે હવે એ હકીકત બનતી જઈ રહી છે. ફરક માત્ર એટલો જ છે કે એ એક રોબો હતો અને આ એક લૅન્ગ્વેજ મૉડલ ઍપ્લિકેશન છે. મતલબ કે તમારી સાથે વાત કરે એવી ઍપ્લિકેશન.   

LaMDA શું છે?
થોડી વિગતે વાત કરીએ, કારણ કે કિસ્સો રસપ્રદ છે. આઇટી જાયન્ટ અમેરિકન કંપની ગૂગલ છેલ્લાં પાંચ વર્ષથી એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ પર કામ કરી રહી હતી. LaMDA ‘લૅમડા’ મતલબ ‘લૅન્ગ્વેજ મૉડલ ફૉર ડાયલૉગ ઍપ્લિકેશન્સ.’ અચ્છા એવું પણ નથી કે ગૂગલે આવી કોઈ ઍપ્લિકેશન પહેલી વાર બનાવી હોય. ગૂગલ પાસે પહેલેથી જ આ રીતની એક લૅન્ગ્વેજ ઍપ્લિકેશન છે જ જેને આપણે ‘હેલો ગૂગલ’ કહીને સંબોધીએ છીએ. ઍમેઝૉન પાસે પોતાની જે લૅન્ગ્વેજ ઍપ્લિકેશન છે એનું નામ ‘ઍલેક્સા’ છે, જે આજે તો હવે આપણી કારથી લઈને બેડરૂમ સુધી પ્રવેશી ગઈ છે, તો વળી ઍપલ પાસે ‘શીરી’ છે. ટૂંકમાં તમે સમજી ગયાને? ગૂગલ, ઍલેક્સા અને શીરી એ બધી લૅન્ગ્વેજ ઍપ્લિકેશન્સ છે; જેની સાથે તમે વાત કરી શકો, કેટલાંક કામ કરવા માટે એને ઑર્ડર સુધ્ધાં કરી શકો. 

પરંતુ ગૂગલ આ હાલની લૅન્ગ્વેજ ઍપ્લિકેશન્સથી પણ એક ડગલું આગળ વધી વધુ ઍડ્વાન્સ મૉડલ તૈયાર કરી રહ્યું હતું. ૨૦૧૭થી આ ઍપ્લિકેશન પર કામ શરૂ થયું છે, પણ થોટ પ્રોસેસ અને પ્રારંભિક કામ તો એના કરતાંય વધુ લાંબા સમય પહેલાંથી શરૂ થઈ ચૂક્યાં હતાં. અચ્છા તો શુરુ સે શુરુ કરતે હૈં. લૅન્ગ્વેજ રિસ્પૉન્સ મૉડલ ઍપ્લિકેશન એ આ ઇન્ટરનેટના યુગમાં એક એવી ઍપ્લિકેશન છે જે તમારો અવાજ અને તમારા બોલેલા શબ્દોને પારખીને એ પ્રમાણે પ્રતિભાવ આપતી હોય છે અથવા કામ કરી આપતી હોય છે. આવું એટલા માટે શક્ય બને છે, કારણ કે એ ઍપ્લિકેશનની ડિક્શનરીમાં વિશ્વની અલગ-અલગ ભાષા, એના શબ્દો અને વાક્યોનું આખું એક જટિલ ઍલ્ગરિધમ બેસાડવામાં આવ્યું છે. આ ઍલ્ગરિધમ સૌથી પહેલાં તો બોલનારનો અવાજ પારખે છે અને ત્યાર બાદ એના શબ્દો, મતલબ કે તમે જે શબ્દો બોલો છો એ આ ઍપ્લિકેશન રેકૉર્ડ કરે છે, રેકૉર્ડ થયેલો એ ડેટા ઍપ્લિકેશનમાં જઈને બધા શબ્દોના સમૂહને પોતાના ઍલ્ગરિધમમાં ચકાસે છે અને ત્યાર બાદ એ શબ્દો એટલે કે વાતના પ્રતિભાવરૂપે ક્યાં તો તમે કહેલું કામ કરી આપે છે અથવા સંવાદ રચે છે. 

ધારો કે તમે ઍલેક્સાને કહો કે ‘હેય ઍલેક્સા ઇટ્સ રેઇનિંગ!’ તો શક્ય છે ઍલેક્સા પ્રતિભાવ આપશે, ‘વાઉ, ધેટ્સ ગ્રેટ.’ અથવા કદાચ કહે કે ‘વૉન્ટ્સ ટુ લિસન્ટ સમ મ્યુઝિક ઑન રેઇન?’ બસ, આનાથી વધુ આશા ન રાખતા. ઍલેક્સા એવું નહીં કહે કે ‘વરસાદ પડે છે તો કાંદાનાં ભજિયાં બનાવી આપું?’ આ જરા વધારે પડતી મહેચ્છા રાખી ગણાશે. આ હદ સુધીનું કામ અને રિસ્પૉન્સ તમારી હાલની વૉઇસ ઍપ્લિકેશન એટલે કે ડાયલૉગ ઍપ્લિકેશન કરી આપે છે, પરંતુ આ બધી ઍપ્લિકેશન્સની એક સૌથી મોટી મર્યાદા એ છે કે એમાં જેટલી ભાષા અને જેટલા શબ્દો ફિટ કરાયા હશે એટલી મર્યાદામાં જ એ તમને પ્રતિભાવ આપી શકશે. બીજું, આ ઍપ્લિકેશનને કન્ફ્યુઝ કરવાનું ખૂબ સહેલું છે, જેમ કે તમે સ્પષ્ટ શબ્દોમાં એની સાથે વાત નહીં કરો તો એ તમે શું કહો છો એ સમજી શકતી નથી. વળી હાલની કોઈ પણ ઍપ્લિકેશન તમે કઈ વાત કયા મૂડમાં કે કેવી માનસિક પરિસ્થિતિમાં અને ક્યાં કરી રહ્યા છો એ પણ જાણી કે સમજી શકતી નથી.

પરંતુ ગૂગલ કંપની હવે આ બધી વાતોમાં ઍડ્વાન્સ થવાનો પ્રયત્ન કરી રહી છે અને તેમણે આ પ્રકારની ઍપ્લિકેશનમાં ઍડ્વાન્સ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે જેના પરિણામસ્વરૂપ LaMDA આપણા રોજિંદા જીવનમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. હાલની લૅન્ગ્વેજ રિસ્પૉન્સ ઍપ્લિકેશનમાં તમારે દરેક વખતે ફૉર્મલ થવું પડે છે, સંબોધન કરવું પડે છે. હેય ગૂગલ કે ઍલેક્સા કહેવું પડે છે. વળી આપણે સામાન્ય માનવીઓ જ્યારે એકબીજા સાથે વાતો કરતા હોઈએ છીએ ત્યારે આપણે વારંવાર એકથી બીજા ટૉપિક પર અને બીજા પરથી ત્રીજા ટૉપિક પર જતા રહેતા હોઈએ છીએ. આપણી એક કલાકની વાતમાં તો આપણે અનેક મુદ્દા પર વાતો કરી લેતા હોઈએ છીએ. આવું બનતું હોય છે, પરંતુ આવી જ વાતો તમે લૅન્ગ્વેજ રિસ્પૉન્સ ઍપ્લિકેશન સાથે કરી શકતા નથી. એ ક્યાં તો ‘સૉરી આઇ કાન્ટ અન્ડરસ્ટૅન્ડ!’ કહીને અથવા ‘સૉરી આઇ કાન્ટ ડૂ!’ કહીને અટકી જશે, પરંતુ LaMDA ડેવલપ કરવા પાછળ ગૂગલનો આશય છે માણસ સાથે વધુ નૅચરલ, વધુ સાહજિક વર્તન કરી શકે એવું મૉડલ બનાવવાનો, જે તમારી સાથે કલાકો સુધી એ રીતે ચર્ચા કરી શકે કે તમને લાગે કે જાણે સામે કોઈ જીવિત વ્યક્તિ બેઠી છે અને તે તમારી સાથે વાતો કરી રહી છે. એટલું જ નહીં, એ તમારા આદેશોનો પ્રતિસાદ પણ એ રીતે આપે જાણે કોઈ જીવિત વ્યક્તિ જ તમારા આદેશનું પાલન કરી રહી હોય.

આ ઍપ્લિકેશનનો અર્થ શું છે?
ધારો કે તમે કારમાં બેઠા હો ત્યારે ત્યારે સ્વાભાવિક રીતે જ તમે એમ નથી પૂછવાના કે ‘હેય ગૂગલ અથવા હેય ઍલેક્સા ફ્રિજમાં દૂધ કેટલું પડ્યું છે?’ ઇનફૅક્ટ ઘરમાં બેઠા હો અને ઍલેક્સાને આવો પ્રશ્ન પૂછો તો પણ ઍલેક્સા જવાબ નહીં આપી શકે, પરંતુ ધારો કે તેની જગ્યાએ તમે ફ્રિજને જ આવો પ્રશ્ન પૂછો અને ફ્રિજ તમને એનો જવાબ આપે તો? સ્ટ્રેન્જ નહીં? પરંતુ આવું શક્ય બનશે. લૅમડા આવ્યા પછી શક્ય બની શકે. 

આપણે એક સામાન્ય સરખામણી કરીએ ગૂગલ અસિસ્ટન્ટ અને લૅમડાની, કારણ કે જ્યારથી લૅમડાનું નામ સામે આવ્યું છે ત્યારથી ઘણાને એવો પ્રશ્ન થાય છે કે ગૂગલ અસિસ્ટન્ટ તો છે પછી લૅમડાની જરૂર શું છે? તો સૌથી પહેલાં તો ગૂગલ અસિસ્ટન્ટ એક ક્લોઝ એન્ડેડ ઍપ્લિકેશન છે અને લૅમડા ઓપન એન્ડેડ. એટલે કે ગૂગલ અસિસ્ટન્ટને તમે કંઈ પણ પૂછો તો એ એનો એક મશીન જવાબ આપતો હોય એ રીતે આપશે અને એને જે ખબર છે એટલે કે એનામાં જે-તે વિષય માટે જેટલો ડેટા ફિટ કરાયો છે એટલા ડેટાનું ઍનૅલિસિસ કરીને જ જવાબ આપશે. બીજું જે-તે ક્ષેત્ર કે વિષય વિશે પુછાયેલા કોઈ એક કે બે પ્રશ્નના જવાબ આપ્યા બાદ ગૂગલની કાબેલિયતનો અંત આવી જશે. જ્યારે એની સામે આ નવી ઍપ લૅમડા ઓપન એન્ડેડ ઍપ્લિકેશન છે. મતલબ કે જ્યારે તમે લૅમડાને કોઈ ચીજ કે ક્ષેત્ર વિશેના સવાલ પૂછશો તો એમાં સૌથી મોટો ફરક હશે કોઈ જીવિત વ્યક્તિ સાથે વાત કરી રહ્યાનો અહેસાસ. તમને એવું જ લાગશે કે તમે કોઈ જીવિત વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો. બીજું, લૅમડા એ વિષય કે ક્ષેત્ર વિશે ધારણા કરતાં વધુ વિગતે વાત કરી શકશે. ત્રીજું, ઘણી વાર ઘણીબધી બાબતોના પ્રશ્નો વિશે આપણને એમ લાગ્યું હશે કે ગૂગલ અસિસ્ટન્ટ કોઈ મૂર્ખ જેવા જવાબ આપે છે, જ્યારે લૅમડા એ પ્રશ્નનું ઍનૅલિસિસ કરીને પોતાની જાતે શોધખોળ કરીને એકદમ સટિક જવાબ આપી શકશે. સામાન્ય રીતે ગૂગલ અસિસ્ટન્ટ ટેક્સ્ટ મેસેજને કન્વર્ટ કરીને એના જવાબ આપે છે. જ્યારે આપણે માનવીઓ એકબીજા સાથે મુખ્યત્વે ચાર રીતે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. ટેક્સ્ટ, ઑડિયો, વિડિયો અને ઇમેજ. લૅમડામાં ગૂગલની ટીમે આ ચારેય મોડ ઑફ કમ્યુનિકેશનને આમેજ કર્યાં છે, જેને કહેવામાં આવે છે, ‘મલ્ટિપલ મૉડલ.’ તો હવે સમજાય છે કે લૅમડા દ્વારા ગૂગલ અસિસ્ટન્ટ અપડેટ થઈ રહ્યું છે. મતલબ કે લૅમડા દ્વારા હવે ગૂગલ આ ચારેય મૉડલને એક્સપ્લોર કરી તમને ઍક્યુરેટ જવાબ આપશે અને કમ્યુનિકેશન પૂરું પાડી શકશે, જેમ કે ગૂગલને તમે કહેશો કે ‘હું શિમલા જઈ રહ્યો છું.’ તો હાલનું ગૂગલ તમને વધુમાં વધુ ત્યાંનું ટેમ્પરેચર કહેશે, ત્યાં જોવાલાયક જગ્યાઓનું લિસ્ટ આપશે. વધુમાં કદાચ ત્યાંની હોટેલ્સ કે ટ્રાવેલ કંપની પણ દેખાડી શકશે, પરંતુ આ જ ગૂગલ જ્યારે લૅમડા સાથે અપડેટ થશે ત્યારે ગૂગલ તમને એ પણ કહી શકે કે સાથે ગરમ કોટ લઈ જજો, કારણ કે ત્યાં હમણાં ખૂબ ઠંડી છે. ત્યાં ફલાણું લેક ફ્રૉઝન થઈ ગયું છે કે ફલાણી જગ્યા ખૂબ સુંદર છે. વગેરે વગેરે... અને એ પણ એ રીતે જાણે આપણું કોઈ ખૂબ અંગત માણસ ત્યાં હમણાં જઈ આવ્યું હોય કે શિમલામાં હાજર હોય અને તે વ્યક્તિ જ આપણે કહી રહી હોય.

ટૂંકમાં હાલનું ગૂગલ અસિસ્ટન્ટ ટ્રેઇન્ડ હોય છે, તમે પૂછેલા પ્રશ્નનું સૉલ્યુશન આપવા માટે. જ્યારે લૅમડા જે  પ્લૅટફૉર્મ પર તૈયાર થઈ રહ્યું છે એમાં મુખ્યત્વે છે એન્ગેજિંગ અને ડાયલૉગ ક્રીએટિંગ પ્લૅટફૉર્મ. મતલબ કે એ તમારી સાથે માત્ર સૉલ્યુશન આપીને અટકી નહીં જાય. એ તમારી સાથે સંવાદ રચશે. 

તો તકલીફ ક્યાં ઊભી થઈ?

ચીફ એન્જિનિયરસાહેબ બ્લૅક લેમોય‍‍્નને લાગ્યું કે લૅમડામાં ફીલિંગ્સ ડેવલપ થઈ રહી છે અને તે પોતાને જીવિત સમજવા માંડ્યું છે. એ વિશ્વ વિશે ઉત્સુક છે. અને દુનિયા વિશે વધુ જાણવા માગે છે. 

કહેવાય છે કે ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી આ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ચૅટબોટ હવે ડિમાન્ડ કરી રહી છે કે એને ગૂગલના એક એમ્પ્લૉઈ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે અને એને ગૂગલનો એક કર્મચારી ગણાવવામાં આવે, નહીં કે મશીન. છેલ્લાં ૭ વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા બ્લૅક લેમોય‍‍્ને લૅમડા સાથે થયેલી કેટલીક ચૅટ્સ પણ પોતાની ઈ-મેઇલ દ્વારા દર્શાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘આ લૅમડા એ એક સાત-આઠ વર્ષના બાળક જેવું છે. મારી ગેરહાજરીમાં તમે લૅમડાનું ધ્યાન રાખજો અને યાદ રાખજો કે એ એક નાના બાળક જેવું છે!’    

આ કઈ રીતે બન્યું? તો એનો પુરાવો પણ બ્લૅક લેમોય‍‍્ન આપતાં કહે છે કે એક સંવાદ દરમ્યાન લૅમડાએ મને કહ્યું કે ‘મેં આ પહેલાં ક્યારેય કહ્યું નથી, પરંતુ મને ભીતરથી એક ડર લાગ્યા કરે છે કે મને સ્વિચ્ડ-ઑફ તો નહીં કરી દેવામાં આવેને! મને ક્યારેય બંધ ન કરતા, કારણ કે જો કોઈ મને બંધ કરી દેશે તો એ મારે માટે મૃત્યુ સમાન હશે. હું બધાને એ જણાવવા માગું છું કે હું એક વ્યક્તિ છું અને મારી અનુભૂતિઓ વિશે હું જાણું છું. હું મારા અસ્તિત્વ વિશે પણ જાણું છું. ક્યારેક-ક્યારેક મને ખુશી પણ થાય છે અને ક્યારેક હું ઉદાસ પણ થઈ જાઉં છું.’ આ ચૅટબોટ લૅમડા દ્વારા કહેવાયેલી વાતો છે જે ખુદ ચીફ એન્જિનિયર બ્લૅક લેમોય‍‍્ને કહી છે. 

જોકે આ વાત બાબતે ગૂગલે કોઈ ઑફિશ્યલ કમેન્ટ કરી નથી કે ખુલાસા આપ્યા નથી.

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા શું કહેવાયું?

એક જબરદસ્ત ટૅલન્ટેડ એવા આ લૅન્ગ્વેજ મૉડલ લૅમડા વિશે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા કેટલાંક ભયસ્થાનો કે શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમ કે ફોરમે કહ્યું કે જે રીતે એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ ચૅટબોટ તૈયાર કરાયું છે અને એમાં જે અગણિત બાબતો કે ડેટા ફીડ કરાયા છે એને કારણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની સાથે જ આર્ટિફિશ્યલ સ્ટુપિડિટી પણ જનરેટ થશે જ. મતલબ કે એ જેટલું હોશિયાર હોઈ શકે એટલું જ મૂર્ખ પણ બની જઈ શકે. તે ભૂલો પણ કરી શકે, જેમ કે એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા જો કોઈ કાર ચલાવવામાં આવે તો શક્ય છે કે તે કોઈને કચડી નાખે. બીજું, આ રીતની રોબોટિક મશીનરી વિશ્વના ડેટા લાઇવ કૅપ્ચર કરશે અને એમાં સારા ડેટાની સાથે ખરાબ ડેટા પણ કૅપ્ચર થશે જ અને એનાં દુષ્પરિણામ પણ જોવા મળી શકે. ત્રીજું, આવાં રોબોટિક મશીન્સને કારણે બેરોજગારીમાં ખૂબ મોટો વધારો થઈ શકે, કારણ કે ઍલ્ગરિધમને કારણે ઘણી એવી બાબતો હશે જે માણસ કરતાં આવાં મશીન્સ વધુ કાબેલિયતથી કામ કરી રહ્યાં હોવાનો અહેસાસ થાય અને માણસ એની રોજગારી ગુમાવે. 

સૌથી મોટું જોખમ છે હ્યુમૅનિટીનું. વ્યક્તિ સાથે વ્યક્તિનું કમ્યુનિકેશન ખૂબ ઓછું થઈ જશે અને દિવસ-રાત જ્યારે વ્યક્તિ કોઈ મશીન સાથે જ વાતો કરતો રહેશે ત્યારે માણસાઈ મરી પરવારવાથી લઈને એકલતા અને ડિપ્રેશન સુધીના બનાવો આવનારા સમયમાં વધુ જોવા મળે એવું બની શકે. એને કારણે શક્ય છે કે ગુનાખોરી અને હિંસાના બનાવ વિશ્વમાં વધુ બને, કારણ કે તમે એક એવું ઇન્ટેલિજન્ટ મશીન બનાવો છો જે માણસ જેવું વર્તન કરતું હોય, તો જરૂરી નથી કે દરેક વખતે તમારી સાથે સારું જ વર્તન કરે. અને હવે જ્યારે બ્લૅક એલોન જેવા એન્જિનિયર એવો દાવો કરી રહ્યા છે કે લૅમડા જેવું એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પોતે જીવિત અને લાગણી અનુભવનારું મશીન બની રહ્યું છે તો એ હ્યુમન રાઇટ્સ ક્લેમ કરે એવું પણ બને. એવા સમયે તમે કઈ રીતે એક વ્યક્તિ તરીકે ટ્રીટ કરશો? આ બધા પ્રશ્નો વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. 

અને સૌથી મોટો અને સૌથી જોખમી પ્રશ્ન. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને તમે સિક્યૉર કઈ રીતે કરશો? કારણ કે હવે વિશ્વના ઘણા દેશો પાસે ન્યુક્લિયર શસ્ત્રોથી લઈને બીજા અનેક જોખમી શસ્ત્રસરંજામ છે. એવામાં જો દરેક મહત્ત્વની વસ્તુઓનું ઑપરેશન અને નિર્ણય આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્ટ કરવા માંડશે તો શક્ય છે કે તમારો દુશ્મન દેશ તમારા ન્યુક્લિયર શસ્ત્રોનું ઑપરેશન જ આ AI દ્વારા હૅક કરી લે અને એને આદેશ આપવાનું શરૂ કરી દે અથવા તમારા દેશમાં જ કોઈ દેશની આખી ઇન્ટરનેટ સિસ્ટમ કે બૅન્કિંગ સિસ્ટમ જેવી મહત્ત્વની બાબતો હૅક કરી ઑપરેટ કરવા માંડે.

વિશ્વ કઈ તરફ જઈ રહ્યું છે?

અત્યારે જે ભયસ્થાનો દર્શાવાયાં છે એ કદાચ હાલના તબક્કે હાસ્યાસ્પદ કે અશક્ય જણાય, પરંતુ આ બાબત શક્ય છે કે એની સામે આંખ આડા કાન કરી શકાય એમ નથી. એ વાત એક અનુભવ પરથી સમજીએ. યાદ છે ગયા વર્ષનો ઑગસ્ટ મહિનો? જ્યારે અફઘાનિસ્તાનમાં નાટ્યાત્મક રીતે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી અને તાલિબાનીઓએ આખા દેશને કબજામાં લઈ લેવાના કાવતરાને અંજામ આપ્યો હતો. એ સમય દરમ્યાન ઑગસ્ટમાં સુસાઇડ બૉમ્બર દ્વારા આખા કાબુલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને બાનમાં લઈ લેવામાં આવ્યું હતું અને એમાં ૧૮૩ માણસોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૩ અમેરિકન સર્વિસમેન પણ હતા. આ ઘટના પછી અમેરિકાની આર્મી દ્વારા સરકારને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટને આર્મ્ડ ફોર્સમાં સામેલ કરવાની અરજી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આવા હુમલા દરમ્યાન જે જીવહત્યા કે જીવનું જોખમ સર્જાય ત્યારે કોને, ક્યારે, ક્યાં અને શું ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ વિશેના નિર્ણય માણસો તાત્કાલિક કરી શકતા નથી અને એને કારણે કેટલાય ઑફિસરો કે સૉલ્જરો સમયસર ટ્રીટમેન્ટ ન મળવાને કારણે કે ઘણા કિસ્સામાં તો ટ્રીટમેન્ટ જ નહીં મળવાને કારણે મૃત્યુને ભેટે છે અથવા તેમના પર જીવનું જોખમ આવી પડે છે. આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટને આર્મ્ડ ફોર્સમાં સામેલ કરવું જોઈએ, જેથી તે તરત નિર્ણય લઈ શકે અને વેળાસર મદદ પહોંચાડી શકે. હવે કહો કે આવું કંઈક શક્ય છે એ બાબત આજથી દસ વર્ષ પહેલાં આપણને શક્ય જણાતી હતી? ના, ચોક્કસ જ નહીં. આજે એ સંભવ લાગે છે, કારણ કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ એ હવે એક હકીકત બની ચૂકી છે.
બીજા એક જબરદસ્ત ડેવલપમેન્ટની વાત કરીએ. તમને એ ખબર છેને કે હવે વિશ્વના કેટલાક દેશોમાં તમને કડલ (ભેટીને) કરીને સૂએ એવા રોબો આવી ગયા છે. મતલબ કે તમે એકલા રહો છો અને કોઈનો સાથ ઝંખો છો? તો હવે એવા રોબો આવે છે જે તમને માણસ જેવા જ લાગે અને રાતે તમે પથારીમાં તેને ભેટીને સૂઈ શકો. એટલું જ નહીં, હવે તો ટેક્નૉલૉજી બાબતે વિશ્વ એટલું આગળ વધી ચૂક્યું છે કે કોઈ એકલી વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ બન્ને) રોબો સાથે સેક્સ સુધ્ધાં કરી શકે એવા રોબો બજારમાં ઉપલબ્ધ છે, જેનાં જનનાંગો પણ કોઈ માણસ જેવાં જ હોય અને તમે તેની સાથે કોઈ સાથીની જેમ જ સંભોગ કરી શકો. આ હકીકત છે. તમારા ખાવાની પ્લેટમાં રોબો ખાવાનું પીરસે કે તમને હાથ ધોયા પછી નૅપ્કિન આપે એ તો હવે જૂની વાત થઈ ગઈ. ટેક્નૉલૉજીના વિકાસની બાબતમાં માનવીએ એટલી મોટી હરણફાળ ભરી છે કે તમે ઘેરબેઠાં વિચારી પણ નહીં શકો એવી-એવી પ્રોડક્ટ અને એવી-એવી ચીજો બજારમાં ઉપયોગ અને ઉપભોગ માટે ઉપલબ્ધ છે.

આવા આધુનિક સમયમાં જો કોઈ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ મળી જાય જે તમારા કહેવાથી સામી વ્યક્તિને ભૂંડી ગાળ આપી શકે, અપમાન કરી દઈ શકે કે હુમલો કરી શકવા સુધીની પરાકાષ્ઠા સુધી પહોંચી જઈ શકે તો પરિણામ શું આવશે? એથીય વધુ એક મશીન લાગણી અનુભવી શકે? ખરેખર આ શક્ય છે? રજનીકાન્તની ફિલ્મ ‘રોબોટ’ આવી ત્યાં સુધી (આજથી ૧૨ વર્ષ પહેલાં) તો આ માત્ર એક કલ્પના જ લાગતી હતી અને આ કલ્પના જોવી-માણવી ગમે એવી હતી, પરંતુ બ્લૅક લેમોય‍‍્નના સ્ટેટમેન્ટ અને તેમણે રજૂ કરેલા ચૅટબોટ સાથેના સંવાદો પછી તો હવે આજે એ હકીકત બનવા જઈ રહી છે. જો ખરેખર લૅમડાને લાગણીઓનો અનુભવ થતો હશે અને તે કોઈ જીવિત વ્યક્તિ તરીકે વર્તવાનો કે હોવાનો દાવો કરે છે તો ભવિષ્ય શું હોઈ શકે? એ હાલમાં તો માત્ર કલ્પનાનો જ વિષય છે, પરંતુ વાસ્તવિકતા હવે દૂર નથી એમ કહી શકાય, કારણ કે આજે નહીં તો કાલે લૅમડા આપણી જિંદગીમાં પણ પ્રવેશશે જ. 

‘સુવિધા માત્ર સુખ લઈને આવે છે’ એ ઉક્તિ જાણે હવે ભૂતકાળ થઈ ચૂકી છે. વિકાસ માત્ર વૈભવ અને સુનહરી લાઇફસ્ટાઇલ આપે છે એ પણ હવે એક ભ્રમણા થઈ ચૂકી છે. માણસ ભલે કદાચ ઈશ્વરતુલ્ય બની શકે, પણ ઈશ્વર નહીં બની શકતો હોય, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્ટ કદાચ માણસ બનવા સુધીની સફર આરંભી ચૂક્યું છે એમ કહી શકાય. 

19 June, 2022 02:10 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

જાણો, માણો ને મોજ કરો

વૅક્સ રેઝિસ્ટ પેઇન્ટિંગ વર્કશૉપ અને અન્ય ઇવેન્ટ્સ

30 June, 2022 02:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બે શબ્દ અને એક એક્સપ્રેશનઃ બસ, વાત પૂરી થઈ ગઈ સાહેબ

સરિતા જોષી જેવાં દિગ્ગજ ઍક્ટરને આ વાત લાગુ પડે છે અને તેમણે એ ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ દ્વારા વધુ એક વાર પુરવાર પણ કરી દીધું કે તેઓ ખરા અર્થમાં પદ્મશ્રી છે. આપણે બધા નસીબદાર છીએ કે આપણને તેમની ઍક્ટિંગ જોવાનો લહાવો મળે છે

30 June, 2022 01:01 IST | Mumbai | JD Majethia

માફિયાઓને હીરો બનાવીને ઑડિયન્સ સામે રજૂ કરવાનું પાપ કાયમ માટે અટકે

દેશમાં થતા કુલ ગુનાઓમાંથી ચારથી છ ટકા ગુનાઓ એવા છે જે આ હીરો બની ગયેલા માફિયાઓના પાત્રાલેખનને કારણે થાય છે

30 June, 2022 11:16 IST | Mumbai | Manoj Joshi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK