° °

આજનું ઇ-પેપર
Saturday, 28 January, 2023


સ્ટડીમાં ફોકસ માટે અપનાવો ક્લાસિકલ કન્ડિશનિંગ ટ્રિક્સ

11 November, 2022 10:53 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બોર્ડ એક્ઝામ અને કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ત્રણેક મહિના અગાઉથી રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવ દ્વારા શોધી કાઢવામાં આવેલી ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી મુજબ અભ્યાસ કરે તો ધાર્યું પરિણામ આવશે એવું પુરવાર થયું છે

પ્રતીકાત્મક તસવીર સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર

બોર્ડ એક્ઝામ અને કમ્પેટિટિવ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ત્રણેક મહિના અગાઉથી રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવ દ્વારા શોધી કાઢવામાં આવેલી ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી મુજબ અભ્યાસ કરે તો ધાર્યું પરિણામ આવશે એવું પુરવાર થયું છે ત્યારે આ થિયરી કઈ રીતે કામ કરે છે એ સમજી લો

ઊઠ હવે, ભણવા નથી બેસવું? બોર્ડ એક્ઝામને ત્રણ મહિના નથી રહ્યા ને આમ સૂતો રહીશ તો સિત્તેર ટકા માર્ક્સ પણ નહીં આવે. રોજ ભણવા બેસવાને મોડું થાય છે તોય સુધરતો નથી. આ રીતે બૂમબરાડા પાડીને સંતાનોને ઉઠાડવાં પડે એ નવી વાત નથી. આજકાલ વિદ્યાર્થીઓમાં ઇન્ટરનેટનો ચસકો એવો છે કે રાત્રે મોડે સુધી ઉજાગરાના કારણે ભણવાનો સમય વેડફાઈ જાય છે. બોર્ડ એક્ઝામની પૂર્વતૈયારીનો સમય અસ્તવ્યસ્ત ન થઈ જાય એ માટે વિદ્યાર્થીઓએ સાયન્ટિફિક ઢબે સ્ટડી કરવો જોઈએ. રશિયન મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલોવની ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી સ્ટુડન્ટ્સ માટે અગત્યની હોવાનું પુરવાર થયું છે ત્યારે આ થિયરી કઈ રીતે કામ કરે છે એ સમજીએ.

થિયરી શું છે 

સંતાનને દુનિયાની તમામ સુવિધા આપવાના આશયથી આજકાલ સંતાનોને અલાયદો રૂમ આપવાનો ટ્રેન્ડ બની ગયો છે. પેરન્ટ્સની વૉચ ન હોય ત્યારે તેઓ ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવે છે, પરિણામે સ્ટડીનું શેડ્યુલ ખોરવાઈ જાય છે.  એવામાં ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી પ્રમાણે ભણવાથી સમય વેડફાતો નથી અને પરીક્ષામાં ધાર્યું પરિણામ લાવી શકાય છે એવી માહિતી આપતાં મીરા રોડની વૉકહાર્ટ  હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સોનલ આનંદ કહે છે, ‘લર્નિંગ રિસ્પૉન્સ પર ઘણાં સંશોધનો હાથ ધરવામાં આવ્યાં છે. સાયન્ટિફિક સ્ટડી દરે ક્ષેત્રમાં ઉપયોગી નીવડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ ટેક્નિક ઘણી કામની છે. સાદી ભાષામાં સમજીએ તો ક્લાસિકલ કન્ડિશનિંગ એક પ્રકારની બિહેવિયર થેરપી છે જે ચોક્કસ સમયે ચોક્કસ કામ કરવા માટે તમારા મગજને તૈયાર કરે છે, જેમ કે કોઈ વિદ્યાર્થી મક્કમ મન સાથે થોડા દિવસ સવારના ચાર વાગ્યે ઊઠીને અભ્યાસ કરે તો આપોઆપ તેના બ્રેઇનમાં સ્ટડીનો ટાઇમ સેટ થઈ જાય છે. જેવો સમય થાય અલાર્મ વાગે છે અને મગજ ભણવાનું ઇન્ડિકેશન આપે છે. બે જુદી વસ્તુ એકસાથે જોડાઈને બિનશરતી પ્રતિસાદ આપે ત્યારે શીખવાની નવી પદ્ધતિ વિકસે છે. દરરોજ નિશ્ચિત સમય અને અવધિમાં અભ્યાસ કરવાથી પર્ફોર્મન્સ સુધરે છે. વાંચનમાં સાતત્ય જળવાઈ રહેતાં પરીક્ષામાં બહેતર પરિણામ આવવાની શક્યતા આપોઆપ વધી જાય છે.’

ડૉ. સોનલ આનંદ અને ડૉ. શાહિર જમાતી

ઇવાન પાવલોવની ક્લાસિકલ કન્ડિશનિંગ કદાચ સૌપ્રથમ બિહેવિયરિસ્ટ થિયરી તરીકે ઊભરી આવી હતી એવી જાણકારી આપતાં ભાયખલાની મસીના હૉસ્પિટલના સાઇકોલૉજિકલ વિભાગના હેડ ડૉ. શાહિર જમાતી કહે છે, ‘પાવલોવે આ થિયરીનો સૌપ્રથમ શ્વાન પર પ્રયોગ કર્યો હતો. તેમના પ્રયોગથી શ્વાને ચોક્કસ સમયે ઘંટનો અવાજ સાંભળતાં ખોરાકની અપેક્ષામાં લાળ ટપકાવી હતી. વાસ્તવમાં ખોરાકની અપેક્ષા એ તર્ક માત્ર હતો. એનો અર્થ તમે એક વિષય પર એક જ સમયે અને એક જ જગ્યાએ અભ્યાસ કરો છો ત્યારે તમારું મગજ તાલીમ પ્રમાણે જોડાણ બનાવે છે અને પૅટર્નનું પુનરાવર્તન થયા કરે છે. જેમ-જેમ પરીક્ષાનો સમય નજીક આવે છે તમારે ફક્ત ઇન્ડિકેશનને અનુસરવાનું છે. દસ મનિટમાં તમારો અભ્યાસ કરવાનો મૂડ બની જશે. બિનશરતી અને તટસ્થ ઉત્તેજનાઓ કન્ડિશનિંગ દ્વારા રિફ્લેક્સ પ્રતિભાવ સાથે સંકળાયેલી યુક્તિ અજાયબ રીતે કામ કરતી હોવાથી વિષય ગમે કે ન ગમે, તમે સ્ટડી કરવા બેસી જાઓ છો. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારાં પરિણામનું લક્ષ્ય રાખનારા વિદ્યાર્થીઓ માટે રશિયન મનોવૈજ્ઞાનિક દ્વારા શોધી કાઢવામાં આવેલી થિયરી ઉપયોગી સાબિત થઈ હોવાના અનેક દાખલાઓ છે.’ 

ક્લાસરૂમ સ્ટડી   

વિદ્યાર્થી તરીકે શું ભણવાનું છે અને ક્યારે ભણવાનું છે એ તમે જાણો છો, પરંતુ કઈ રીતે અભ્યાસ કરવો એ તમને શિક્ષકો શીખવે છે. આપણા દેશની શાળાઓમાં શીખવવાની આ પદ્ધતિ ખાસ જોવા મળતી નથી. ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરીને ક્લાસરૂમમાં અપ્લાય કરવાથી દરેક વિદ્યાર્થીને એનો લાભ મળશે તેથી આ ટેક્નિકમાં શિક્ષકોનો રોલ પણ એટલો જ અગત્યનો છે. ડૉ. સોનલ આનંદ કહે છે, ‘સ્ટુડન્ટ્સ અને શિક્ષક બન્ને આ થિયરીનો ઉપયોગ કરી શકે છે. શિક્ષકોએ ક્લાસરૂમની અંદર એનો પ્રયોગ કરવો જોઈએ, કારણ કે તેઓ વિદ્યાર્થીના માર્ગદર્શક છે. કન્ડિશન્ડ સ્ટિમ્યુલસ અને અનકન્ડિશન્ડ સ્ટિમ્યુલસ એકસાથે કુદરતી રીતે પ્રતિસાદ આપી શીખવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. શાંત અને રસપ્રદ વાતાવરણમાં થિયરીનો ઉપયોગ કરી ભણાવવામાં આવે તો જે તે વિષયમાં વિદ્યાર્થીઓની રુચિ વધે છે તેમ જ તેમનામાં કંઈક નવું શીખવાની પ્રબળ ઇચ્છા જાગે છે.’

ક્લાસરૂમ સ્ટડી સંદર્ભે વાત કરતાં ડૉ. શાહિર જમાતી કહે છે, ‘ક્લાસિકલ કન્ડિશનિંગ એ સહયોગી શિક્ષણપદ્ધતિનું રૂપ છે. દરેક વિદ્યાર્થીને અલગ વિષયમાં રુચિ હોય છે. કોઈ ખાસ વિષયના પિરિયડમાં તેમનો ભણવાનો મૂડ હોતો નથી અથવા બોરિંગ લાગે છે તો કોઈ વિષય ભણવાનું ખૂબ ગમે છે. જોકે, પરીક્ષામાં સારાં પરિણામો માટે તમામ વિષયોને સમજીને અભ્યાસ કરવો અનિવાર્ય છે. આ થિયરી વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર તનાવપૂર્ણ પરિસ્થિતિથી અથવા સ્ટડી પ્રેશરથી દૂર રાખી હકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મદદરૂપ થાય છે. દરેક વિદ્યાર્થીનો રસ જળવાઈ રહે એ રીતે શિક્ષકે ભણાવવાની પૅટર્ન સેટ કરવી જોઈએ. ક્લાસિકલ કન્ડિશનિંગનો ઉપયોગ વિદ્યાર્થીને ખાસ રીતે ટ્રીટ કરવા માટે પણ થઈ શકે છે. વિદ્યાર્થી સારા ગ્રેડ મેળવે ત્યારે તેને વિશિષ્ટ રીતે એપ્રિશિએટ કરવાથી એનું રિફ્લેક્શન દેખાય છે જે તેને ભવિષ્યમાં વધુ સારાં પરિણામો તરફ દોરી જાય છે.’ 

અગત્યની ટિપ્સ

 સ્ટડીમાં મોબાઇલ ન રાખો.

 કોઈ ચૅપ્ટર ન સમજાય તો એમાં ગૂંચવાયેલા રહેવા કરતાં કન્સેપ્ટ ક્લિયર કરો. 

 દરેક ટૉપિકના કી-પૉઇન્ટને ફોકસમાં રાખી મેમરાઇઝ કરો.

 મૅથ્સ અને સાયન્સના એક ચૅપ્ટરને બીજા ચૅપ્ટર સાથે લિન્ક કરવાનો પ્રયાસ કરો. એનાથી રિવઝિન પણ થઈ જશે.

OK4R ટૅક્નિક

ડૉ. વૉલ્ટર પૉકેની OK4R પદ્ધતિ પાવર રીડિંગ ટેક્નિક છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઘણી ઇફેક્ટિવ મનાય છે ત્યારે આ ટેક્નિક કઈ રીતે કામ કરે છે એ પણ જાણી લો.

O (ઓવરવ્યુ) : સૌથી પહેલાં એક નજરમાં કોઈ પણ ચૅપ્ટરનો ઇન્ટ્રોડક્ટરી પૅરેગ્રાફ, હેડિંગ, સબહેડિંગ અને સમરી વાંચો. એનાથી ચૅપ્ટરમાં શું સમાવવામાં આવ્યું છે એનો ખયાલ આવશે.
K (કી-આઇડિયા) : ચૅપ્ટરના ફકરાનું પ્રથમ વાક્ય, ત્રાંસા અને બોલ્ડ-પ્રકારનું લખાણ, કોષ્ટકો, ચિત્રો અને આકૃતિઓ, બુલેટેડ વિભાગો અને આઇટમાઇઝેશન ચૅપ્ટરના કી-પૉઇન્ટ કહેવાય તેથી એને મેમરાઇઝ કરો.

R1 (રીડિંગ) : ચૅપ્ટરમાં સ્ટાર્ટિંગ પૉઇન્ટથી એન્ડ સુધી ફરીથી વાંચીને કન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરો. 

R2 (રિકૉલ) : હવે તમારા પુસ્તકને બાજુ પર રાખો અને તમે જે વાંચ્યું છે એના મુખ્ય મુદ્દાઓ લખીને નોંધ બનાવો. તાત્કાલિક રિકૉલ કરવામાં માત્ર એક કે બે મિનિટનો સમય લાગશે, પરંતુ તમે જે વિષયનો અભ્યાસ કરી રહ્યા છો એના રીટેન્શન ટાઇમને બમણો કરે છે.

R3 (રિફ્લેક્શન) : જે મટીરિયલને તમારી મેમરીના સ્ટોરેજ યુનિટમાં સેવ કરીને રાખ્યું છે એને હવે પર્મનન્ટલી મગજમાં સ્ટોર કરવાની ટેક્નિકને રિફ્લેક્શન કહે છે. તમે જે વાંચ્યું છે, જે પુસ્તકમાં નોંધરૂપે ટપકાવ્યું છે અને જે શીખ્યા છો એને અન્ય ચૅપ્ટર સાથે લિન્ક કરવાનો પ્રયાસ કરો, જેથી પછીનાં ચૅપ્ટર સરળતાથી સમજાઈ જાય. 

R4 (રિવ્યુ અથવા રિવિઝન) : સમગ્ર સપ્તાહ દરમ્યાન જે શીખ્યા છો એની સમીક્ષા કરી તમારી જાતને ચકાસી જુઓ. શાળાઓમાં પરીક્ષણો અને ક્વિઝ હોઈ શકે છે જે તમને રિવિઝનમાં અને માહિતી એકઠી કરવામાં મદદ કરે છે. 

11 November, 2022 10:53 AM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

આજે પ્રજાસત્તાક દિન : સંવિધાન નહીં, માણસની માનસિકતા મહત્ત્વની પુરવાર થતી હોય છે

કઘહે છેને કે માણસના જાહેરમાં હોય છે એ વ્યક્તિત્વનો કોઈ આધાર ન બનાવી શકાય, પણ તે એકલો હોય ત્યારે કેવો છે અને કેવું વર્તે છે એ સૌથી મહત્ત્વનું છે.

26 January, 2023 07:26 IST | Mumbai | Manoj Joshi

ડાયમન્ડ્સ આર ફૉરેવર! ( પ્રકરણ ૪)

ઍર ઇન્ડિયાની મુંબઈ-સિંગાપોર ફ્લાઇટની વિન્ડો-સીટ પર ગોઠવાયેલી ઝંખનાએ દમ ભીડ્યો – નિર્દોષ પુરુષોને ફસાવીને હું કરોડપતિ બની ગઈ છું.

19 January, 2023 12:45 IST | Mumbai | Samit (Purvesh) Shroff

ડાયમન્ડ્સ આર ફૉરેવર! (પ્રકરણ ૩)

‘વાઉ! પપ્પા માટે તો બર્થ-ડે મોસ્ટ મેમરેબલ રહેવાનો... ડાયમન્ડ વૉચની ગિફ્ટ પણ તેમને ગમશે’

18 January, 2023 11:00 IST | Mumbai | Samit (Purvesh) Shroff

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK