Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોલિલ્લડા સરદારા: ખડગે કૉન્ગ્રેસને તારી શકશે?

સોલિલ્લડા સરદારા: ખડગે કૉન્ગ્રેસને તારી શકશે?

23 October, 2022 02:51 PM IST | Mumbai
Raj Goswami

ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે એના માથા પરથી ‘ગાંધી-પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભૂંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી-પરિવાર એને પાછલા બારણેથી ચલાવે છે એવી છાપ યથાવત્ રહેવાની છે એ સાચું, પણ અનિવાર્ય દૂષણ છે.

પ્રતીકાત્મક તસવીર

ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર


કૉન્ગ્રેસ પાર્ટીને ગાંધી-પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને એને માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી

અત્યાર સુધી કૉન્ગ્રેસ માટે જે ગાંધી પરિવાર આશીર્વાદરૂપ હતો એ હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી-પરિવારની સર્વસ્વીકૃત છબિની તોલે આવે એવો કોઈ નેતા પણ નથી.



ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કૉન્ગ્રેસમાં નવું જોમ ઉમેરીને એને ચૂંટણીના મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. ૨૪ વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. ખડગે સામે અંદર અને બહાર બન્ને મોરચે પડકારો છે. 


એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કૉન્ગ્રેસ કમિટીના અધ્યક્ષપદે, ૨૪ વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, એ પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બૅલટ-બૉક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં એ તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, એની એક મહત્ત્વની શિલ્પકાર ગણાતી કૉન્ગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઈ રહી છે, એ એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.

આ પદ પર, ૮૦ વર્ષના વરિષ્ઠ કૉન્ગ્રેસી મલ્લિકાર્જુન ખડગેની વરણીની સાથે, સોનિયા ગાંધીના કાર્યકાળનો અંત આવે છે, જે સૌથી લાંબા સમય સુધી કૉન્ગ્રેસના અધ્યક્ષપદે રહેવાનું ‘બહુમાન’ ધરાવે છે. સ્વતંત્રતા પહેલાંના એના ઇતિહાસને સળંગ ગણીએ, તો ૧૮૮૫થી શરૂ કરીને કૉન્ગ્રેસમાં ૯૭ લોકો અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. ખડગે ૯૮મા છે. સોમવારે જાહેર થયેલાં પરિણામમાં તેમને ૭૮૯૭  મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શશી થરૂરને 1072 મત મળ્યા હતા.


૧૯૫૧માં પહેલી વાર જવાહરલાલ નેહરુ પાસે પાર્ટીની કમાન આવી હતી. એ પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એ પાંચે વચ્ચે, કુલ ૧૦ બિન-નેહરુ-ગાંધી વ્યક્તિઓ અધ્યક્ષપદે રહી ચૂકી છે. જોકે, આ સર્વેનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો છે અને મોટા ભાગનાં વર્ષોમાં પાર્ટી ગાંધી-પરિવારના નિયંત્રણમાં રહી છે. ખડગે એમાં અગિયારમા બિન-ગાંધી અધ્યક્ષ છે. 

ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે કૉન્ગ્રેસને ‘પરિવારવાદી પાર્ટી’ કહીને કાયમ નિશાન બનાવી છે. ભાજપમાં આવો કોઈ આરોપ લાગી શકે એમ નથી. જોકે, કૉન્ગ્રેસ હવે ભાજપના અધ્યક્ષને ‘રબર-સ્ટૅમ્પ’ તરીકે ગણાવે છે, કારણ ભાજપમાં ઇલેક્શન નહીં, સિલેક્શન થાય છે. ૧૩૭ વર્ષ જૂની કૉન્ગ્રેસ પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઈ છે; ૧૯૩૯, ૧૯૫૦, ૧૯૭૭, ૧૯૭૭, અને ૨૦૦૦. સોમવારે એની છઠ્ઠી ચૂંટણી હતી. 

ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે એના માથા પરથી ‘ગાંધી-પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભૂંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી-પરિવાર એને પાછલા બારણેથી ચલાવે છે એવી છાપ યથાવત્ રહેવાની છે એ સાચું, પણ અનિવાર્ય દૂષણ છે. કૉન્ગ્રેસ પાર્ટીને ગાંધી-પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને એના માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી. 

ખડગેની જીત અપેક્ષિત મનાતી હતી. તેઓ ગાંધી-પરિવારની ‘પસંદ’ના ઉમેદવાર હતા. ખડગે ૫૦ વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં ગાંધી-પરિવારને સમર્પિત રહ્યા છે. તેઓ કર્ણાટકની વિધાનસભાની એક જ બેઠક પરથી ૧૯૭૨થી ૨૦૦૪ સુધી લગાતાર ચૂંટાતા આવ્યા હતા. એના માટે કન્નડમાં તેમને ‘સોલિલ્લડા સરદારા’ તરીકે બોલાવવામાં આવે છે; પરાજય વગરના નેતા.

ખડગે અધ્યક્ષપદની રિંગમાં ત્યારે આવ્યા હતા, જયારે ગાંધી-પરિવારની પહેલી પસંદ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટે રીતસર સોનિયા ગાંધી સામે બળવો કરી દીધો હતો. પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટને અખિલ ભારતીય કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો ‘પાઇલટ પ્રોજેક્ટ’ નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટના કારણે નિષ્ફળ ગયો હતો અથવા એવું કહો કે ગેહલોટે પોતે જ એને નિષ્ફળ બનાવ્યો છે. 

ગેહલોટ રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરે, તો પાર્ટીના ‘એક વ્યક્તિ એક હોદ્દા’ના નિયમ મુજબ તેમણે મુખ્ય પ્રધાનની ખુરશી ખાલી કરવી પડે.  ગાંધી-પરિવારે પક્ષના અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવા માટે ચૂંટણીની કવાયત હાથ ધરી, એમાં બે નેતાઓએ ઉમેદવારી કરવાની ઇચ્છા બતાવી હતી. એક, થિરુવનંતપુરમ-કેરળના સંસદસભ્ય શશી થરૂર અને બીજા ગેહલોટ. ઉમેદવારી કરવા માટે તેમણે સોનિયા ગાંધીની ‘મંજૂરી’ પણ લીધી હતી. ગેહલોટ ઉમેદવારી પત્ર પણ ભરવાના હતા, પણ એ પહેલાં આગલી રાતે રાજસ્થાન કૉન્ગ્રેસમાં બળવો થયો, અને સરકાર તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઈ.

દરઅસલ, ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે ગેહલોટ ઉમેદવારી કરશે તો ‘એક વ્યક્તિ એક હોદ્દા’ના નિયમનું પાલન થશે. તેમને ખબર નહોતી કે ગેહલોટ મુખ્ય પ્રધાનની ખુરશી છોડવા ઇચ્છતા નથી. અથવા એવું કહો કે તેઓ તેમના હરીફ સચિન પાઇલટને તેમના ઉત્તરાધિકારી બનવા દેવા માગતા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવાની કવાયત કેટલી પેચીદી છે એ આ ગેહલોટના ઉદાહરણ પરથી સાબિત થાય છે. ખડગેએ આવું સળગતું ઘર હાથમાં લીધું છે.

૩૨ વર્ષ સુધી જીત જાળવી રાખવાના તેમના વિક્રમના બદલામાં તેઓ ત્રણ વખત કર્ણાટકના મુખ્ય પ્રધાન બનતાં-બનતાં રહી ગયા હતા, પરંતુ દર વખતે એ નિષ્ફળતાને સ્વીકારીને તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાને બાજુએ મૂકીને પક્ષની નીતિઓ અને સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહેવાની તેમની વૃત્તિ તેમને કૉન્ગ્રેસમાં એક સન્માનનીય નેતા બનાવે છે.

જોકે એનો અર્થ એ નથી કે કૉન્ગ્રેસના અધ્યક્ષ તરીકે તેમનો રસ્તો આસાન છે. અત્યાર સુધી કૉન્ગ્રેસ માટે જે ગાંધી-પરિવાર આશીર્વાદરૂપ હતો, એ હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી-પરિવારની સર્વસ્વીકૃત છબીની તોલે આવે તેવો કોઈ નેતા પણ નથી. એ સાચું કે ગાંધી-પરિવાર પાર્ટીને જીત અપાવવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, પરંતુ સામે પક્ષે એ પણ એક વાસ્તવિકતા છે કે પક્ષના તમામ મણકા છૂટા ન પડી જાય એ માટે ગાંધી-પરિવારનો દોરો ટકી રહે જરૂરી છે, નહીં તો આંતરિક ખટપટો માટે કુખ્યાત કૉન્ગ્રેસીઓ પાર્ટીને લઈને ડૂબે તેવા છે.

ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કૉન્ગ્રેસમાં નવું જોમ ઉમેરીને એને ચૂંટણીના મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. ૨૪ વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. તેમણે એ જવાબદારીને સફળ સાબિત કરી બતાવવી પડશે. ખડગે સામે અંદર અને બહાર બન્ને મોરચે પડકારો છે. કૉન્ગ્રેસને ડૂબતું જહાજ ગણીને ઘણા નેતાઓ પાર્ટી છોડી ગયા છે એવા સંજોગોમાં તેમની ચૂંટણી એ ધોવાણને ખાળવા માટે અગત્યની હતી. ખડગેએ પાર્ટીને બચાવવાની પણ છે અને બદલવાની પણ છે.

બ્રિટનમાં એક જમાનાની સશક્ત લેબર પાર્ટીની આજે જે હાલત છે, એવી જ હાલત કૉન્ગ્રેસની છે અને લેબર પાર્ટી માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ટૉની બ્લેરે જે કહ્યું હતું, એ કૉન્ગ્રેસને પણ એટલું જ લાગુ પડે છે. 

ગયા વર્ષે તેમણે કહ્યું હતું, ‘માત્ર નેતા બદલવાથી પાર્ટી ઊભી નહીં થાય. એના માટે સંપૂર્ણ વિખંડન અને નવસર્જનથી ઓછું ના ખપે.’

ટૂંકા ગાળામાં, ખડગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ છે. બન્ને રાજ્યોમાં ભાજપનો કાબૂ છે. બન્ને રાજ્યોમાં કૉન્ગ્રેસ નબળી છે, એટલું જ નહીં, આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી ભાજપના મુખ્ય વિરોધ પક્ષની જગ્યા કબજે કરી રહી છે. ખડગે હજુ નવા છે એટલે આટલા ટૂંકા સમયમાં આ બે રાજ્યોમાં તે ખાસ ચમત્કાર નહીં કરી શકે, પરંતુ એમાં જેટલો પણ ધબડકો થશે એ તેમના નામે ઉધારાશે.

તેમનો લાંબા ગાળાનો પડકાર કૉન્ગ્રેસને એક લડાયક વિરોધ પક્ષ તરીકે અને અન્ય વિરોધી પક્ષોને એક દોરીએ પરોવાની તાકાત તરીકે સાબિત કરવાનો રહેશે. એના માટે ખડગેએ કૉન્ગ્રેસની વૈચારિક દિશા નક્કી કરવી પડશે, કારણ કે આર્થિક મુદ્દાઓ, લઘુમતીઓના મુદ્દાઓ, હિન્દુત્વના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદને લઈને પાર્ટીમાં સ્પષ્ટતાનો અભાવ છે અને એટલે પાર્ટીના કાર્યકરોથી લઈને મતદારો સુધ્ધાં મૂંઝવણમાં છે. અત્યાર સુધી તો કૉન્ગ્રેસ ભાજપ અને ખાસ તો નરેન્દ્ર મોદીની ટીકા કરવા સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. એણે જનતા સામે કોઈ વૈકલ્પિક વિચારધારા રજૂ નથી કરી. 

રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં ૧૧ જેટલાં રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં એક રાજ્ય ખડગેનું વતન કર્ણાટક છે. પાર્ટીમાં નેતાગીરીમાં આમૂલ પરિવર્તન અને દક્ષિણનાં રાજ્યોમાં રાહુલની યાત્રા કૉન્ગ્રસને જો ચાવીરૂપ રાજ્યોમાં પણ સંતોષજનક લાભ કરાવી શકે, તો ખડગે માટે રસ્તો થોડો આસાન થશે. બાકી, કૉન્ગ્રેસનું પતન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી, ટૉની બ્લેર કહે છે એમ, એનું વિખંડન ન થઈ જાય. 

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2022 02:51 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK