Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ભાઈ ઘરમાં હોય ત્યારે પત્નીને કિચનમાં નો એન્ટ્રી

આ ભાઈ ઘરમાં હોય ત્યારે પત્નીને કિચનમાં નો એન્ટ્રી

10 January, 2022 08:39 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

લેફ્ટઓવર ફૂડમાંથી બેસ્ટ ડિશ બનાવવામાં માહેર તિલકનગરના પ્રેમલ મહેતા ઘરે હોય ત્યારે રસોડામાં મસ્ત એક્સપરિમેન્ટ્સ કરે ને એનું રિઝલ્ટ પણ એટલું ટેસ્ટી હોય કે પત્ની અને પુત્રીને જલસો પડી જાય

આ ભાઈ ઘરમાં હોય ત્યારે પત્નીને કિચનમાં નો એન્ટ્રી

આ ભાઈ ઘરમાં હોય ત્યારે પત્નીને કિચનમાં નો એન્ટ્રી


ભાત, રોટલી, ખીચડી જેવી રસોઈ વધી પડે એમાંથી નવી ડિશ બનાવવાના આઇડિયાઝ સામાન્ય રીતે બધી ગૃહિણીઓ પાસે હોય છે પરંતુ ક્યારેય પુરુષને આવા વિચાર આવે? યસ, તિલકનગરમાં રહેતા ૪૫ વર્ષના બિઝનેસમૅન પ્રેમલ મહેતા કોઈ પણ વાનગી વધી હોય એમાંથી હટકે ડિશ બનાવી આપવાની ગૅરન્ટી આપે છે. જે રીતે સુરતનો લોચો ઇન્ટ્રોડ્યુસ થયો ને લોકપ્રિય બન્યો એવી જ રીતે લેફ્ટઓવર ફૂડમાંથી એક્સપરિમેન્ટ કરીને બનાવેલી તેમની તમામ આઇટમ ફેમસ થઈ છે. ફૅમિલી મેમ્બર જ નહીં, સગાંસંબંધીઓ પણ તેમના હાથે બનાવેલી વાનગીઓ ખાતી વખતે આંગળાં ચાટતા રહી જાય છે. 
ઇન્ટરેસ્ટ જાગ્યો
રસોડામાં થોડીઘણી હેલ્પ કરી શકું એટલું મમ્મીએ શીખવાડ્યું હતું એમ જણાવતાં પ્રેમલભાઈ કહે છે, ‘યંગ એજથી કુકિંગમાં ઇન્ટરેસ્ટ હતો. કોઈક વાર ટ્રાયલ ઍન્ડ એરર ચાલતું હતું. શાક સમારી આપવું, વઘાર કરવો જેવાં કામમાં પત્નીને મદદરૂપ થતો. કોરોના આવ્યો એમાં કિચનમાં ફુલ ફ્લેજ્ડ કામ કરવાની તક મળી. ગુજરાતી વાનગીઓના રસથાળથી શરૂઆત કરી. કોબીનું શાક, ફ્લાવરનું શાક, દાળ વગેરે બનાવ્યાં. મારા હાથનો સ્વાદ ઘરમાં બધાંને ભાવ્યો એટલે ઉત્સાહ વધ્યો. પંજાબી, મરાઠી અને ચાઇનીઝ ડિશ પર હાથ અજમાવ્યો.  એક વાર ઘરમાં ગેસ્ટ આવ્યા હતા. ઘાટી સ્ટાઇલનાં તીખાં તમતમતાં બટાટાંવડાં એટલાં ભાવ્યાં કે મને કહી દીધું અમે આવીએ ત્યારે રસોઈ તમારે જ બનાવવાની. બે વર્ષથી નિયમિતપણે રસોઈ બનાવું છું.’
કમાલના આઇડિયાઝ  
અન્નનો બગાડ થાય એ જરાય ગમતું નથી. લેફ્ટઓવર ફૂડ ડસ્ટબિનમાં જાય એના કરતાં આપણે જ એમાંથી સરસ મજાની સ્વાદિષ્ટ વાનગી બનાવીને ખાઈએ તો? આ વિચારમાંથી નવી આઇટમ ઇન્ટ્રોડ્યુસ થઈ એમ જણાવતાં તેઓ કહે છે, ‘એક વાર ફ્લાવરનું શાક વધી પડ્યું હતું. એમાં કાંદા, ચણાનો લોટ નાખી ભજિયાં બનાવ્યાં. બીજી વખત પરાઠાં બનાવ્યાં. મરી, જીરું અને ચડિયાતા મસાલા નાખો તો ટેસ્ટ બદલાઈ જાય. ત્યારથી નક્કી કર્યું કે જમવાનું વધ્યું હોય એમાંથી નવી ડિશ શોધી કાઢવી. ભાત કે કોબીનું શાક વધે તો કોફ્તા બનાવી નાખું. દાળ-ભાત વધ્યા હોય તો એમાં ચણાનો લોટ અને થોડો રવો ઉમેરી ઢોકળાં ઉતારી લેવાનાં. અરે, ટીંડોળાના શાકમાંથી પણ નવી ડિશ બનાવી છે. લેફ્ટઓવર ફૂડ વપરાઈ જાય અને એક્સ્ટ્રા મસાલા ઍડ કરવાથી જીભને નવો સ્વાદ પણ માણવા મળે. હવે તો મારી વાઇફ અને દીકરી પણ ઑર્ડર કરે છે કે આજે આ બનાવજો.’
પ્રેમલભાઈનો વાપીમાં વેસ્ટ પેપર રીસાઇક્લિંગનો બિઝનેસ છે. વીકમાં ત્રણ દિવસ તેઓ ગુજરાતમાં અને બાકીના દિવસો મુંબઈમાં હોય. લેફ્ટઓવર ફૂડમાંથી એટલા બધાં ઇનોવેટિવ આઇડિયાઝ ઇમ્પ્લીમેન્ટ કર્યા છે કે ઇન્ટરનેટ પર તેમના વિડિયોને પણ અઢળક લાઇક્સ મળે છે. તેઓ કહે છે, ‘લૉકડાઉન આવ્યું ને ગયું, પરંતુ કિચનમાં કામ કરવાનો રસ જરાય ઓસર્યો નથી. મુંબઈમાં હોઉં ત્યારે વાઇફને કિચનમાં નો એન્ટ્રી. ચૉપિંગથી લઈને તમામ કામ જાતે જ કરું. હું શું બનાવવાનો છું એ પણ સરપ્રાઇઝ હોય. વાસ્તવમાં કિચનની બાગડોર મારા હાથમાં આવે ત્યારે બન્નેને જલસો પડી જાય.’

રાઇસ કોફ્તા



કોફ્તા માટે સામગ્રી : એક વાટકી જેટલા વધેલા ભાત, મધ્યમ સાઇઝના ચાર બાફેલા બટેટા, બે ચમચી ચણાનો લોટ, ચાર ચમચી કૉર્નફ્લોર, એક ચમચી જીરું, આદું-મરચાંની પેસ્ટ, વાટેલું લસણ અને મીઠું સ્વાદ અનુસાર, તમાલપત્ર, લવિંગ, તજ, તળવા માટે તેલ. 
ગ્રેવીની સામગ્રી : ચાર ટમેટાં, ત્રણ કાંદા અને થોડા કાજુના ટુકડા, ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું.
રીત : વધેલા ભાતને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લો. બાફેલા બટાટાને ચોળીને એમાં મિક્સ કરો. કૉર્નફ્લોર, આદું-મરચાં, લસણ અને મીઠું નાખી બૉલ્સ (કોફ્તા) બનાવી લો. ચણાના લોટનું પાતળું ખીરું બનાવી કોફ્તાને બોળીને ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લો. કડાઈમાં સહેજ તેલ લઈ ટમેટાં, કાંદા અને કાજુને સાંતળી લેવાં. ત્યાર બાદ એને મિક્સરમાં વાટીને ગ્રેવી બનાવો. હવે કડાઈમાં ફરીથી તેલ લઈ લવિંગ, તજ અને તમાલપત્રનો વઘાર કરો. એમાં ગ્રેવી અને મસાલા નાખી સાંતળો. તેલ છૂટું પડે ત્યારે કોફ્તા નાખવા. ગાર્નિશ કરીને પીરસો. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 08:39 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK