Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાયન્સની બાબતમાં આપણે આટલા નીરસ શું કામ છીએ?

સાયન્સની બાબતમાં આપણે આટલા નીરસ શું કામ છીએ?

09 May, 2021 10:47 AM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

દુનિયા ચાંદ પર પહોંચી ગઈ, પણ આપણે હજીયે ચાંદામામાની વાતો કરતા રહ્યા તો ચાંદ પાસેથી પતિની લાંબી ઉંમરની માગણી પણ કરતા રહ્યા. ચાંદામામાની વાતો ખુશી આપે તો કરો એની વાતો, પણ એનો અર્થ ચંદ્રનું અસ્તિત્વ નથી એવો તો નથી જ કરી શકાતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાની થર્ડ વેવ આવે ત્યારે આપણે બધા આપણા વેપનથી સજ્જ હોવા જોઈએ - વૅક્સિન વેપનથી, રાઇટ. વૅક્સિન વેપન છે અને એનાથી આપણે સજ્જ થવાનું છે. એમ છતાં આપણે વૅક્સિનની બાબતમાં સાચે જ બહુ, બહુ, બહુ નીરસ છીએ. મને લાગે છે કે આ આપણી જે નીરસતા છે એ ખરેખર તો આપણી સાયન્સ પ્રત્યેની નીરસતા છે અને એનું જ પરિણામ આપણે ભોગવવું પડે એવી સિચ્યુએશન આવી ગઈ છે.

સાયન્સનો આપણે હંમેશાં અનાદર કર્યો છે. વાત જ્યારે ઍલોપથીની આવે ત્યારે આપણે ત્યાં આજે પણ દસમાંથી ચાર લોકો એવા જાગી જાય કે તરત જ આયુર્વેદનો પક્ષ લઈ લે. વાત જ્યારે સાયન્સની આવે ત્યારે આપણે ત્યાં દસમાંથી બે લોકો ઇમિડિએટલી ધર્મને એમાં જોડી દેશે કે પછી ભગવાનને એમાં લઈ આવશે. કોવિડ માટે મેં અનેક લોકો પાસે એવું સાંભળ્યું કે આ તો ભગવાનનો કહેર છે, આપણે પાપ વધારી દીધાં એટલે ભગવાનને રોષ આવ્યો છે.



ભગવાનમાં માનવું એ સારી વાત છે, પણ આમ દરેક વાતમાં અને દરેક બાબતમાં ભગવાનને વચ્ચે લઈ આવવા એ સાવ ખોટી વાત છે. ભગવાન છે, ભગવાન છે એટલે જ આપણે છીએ, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું ભગવાનના આધારે જ થાય છે અને ભગવાન જ બધું કરાવી રહ્યો છે. આપણે લાઇફ જીવવાની બાબતમાં બંધનમુક્ત થઈ ગયા એને લીધે આજે એવી પરિસ્થિતી આવી કે આપણી ચારે બાજુએ તકલીફો ઊભી થવા માંડી. બહુ સામાન્ય વાત હતી. નાના હતા ત્યારે આપણને શીખવવામાં આવ્યું હતું કે આપણે ઑક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ અને ઝાડ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઑક્સિજન છોડે. આ સામાન્ય સાયન્સને પણ આપણે તરછોડી દીધું. પરિણામ શું આવ્યું? ઑક્સિજન માટે આજે આપણે ટળવળતા લોકોને જોવા પડે છે. સાયન્સ મહત્ત્વનું છે અને રોજબરોજની લાઇફમાં પણ સાયન્સની અનિવાર્યતા છે. આપણે એના આધારે જ જીવી શકવાના છીએ અને એ જ જીવવાની સાચી રીતે છે. નાનાં ગામોમાં આજે પણ વૅક્સિનનું નામ આવે એટલે લોકો દૂર ભાગે છે.


નાનાં ગામોમાં મારા ઘણા ફ્રેન્ડ્સ છે, ફૅન્સ છે. મેં એમાંથી ઘણા સાથે વાત કરી તો ખબર પડી કે એમાંથી મોટા ભાગના લોકોએ વૅક્સિન લીધી જ નથી. જો આ જ હાલત રહેશે તો કેવી સિચ્યુએશન ઊભી થશે એનો જરા વિચાર કરો. નાનાં ગામો તો છોડો, મુંબઈ જેવા શહેરની વાત કરો.

આજે અનેક લોકો અહીં પણ એવા છે જેઓ વૅક્સિન લેવા રાજી નથી. તેમની તમે વાતો સાંભળો તો તમને જેન્યુઇનલી સુસાઇડ કરવાનું મન થઈ આવે. કોઈની પાસે દલીલ છે કે સરકાર વસ્તી ઘટાડવા માગે છે અને વૅક્સિનના બહાને માણસોને મારવા માગે છે. કોઈ વળી એવું કહે છે કે વૅક્સિનથી લકવા થઈ જાય છે. કોઈ તો માતાજીને વચ્ચે લઈ આવે છે અને કહે છે કે માતાજી વૅક્સિનથી નારાજ થાય, ન લેવાય. આ આપણો દેશ છે? આવો આપણો દેશ? આજે પંચોતેર વર્ષ પછી પણ આપણે આવી દલીલો કરીએ છીએ અને આપણે આ લોકોની માનસિકતા નથી બદલી શક્યા.


શેમ ઑન અસ.

સાચે જ.

આપણે આટલાં વર્ષોમાં આપણા દેશના લોકોને સાયન્સની દિશામાં લઈ જવાનું કામ નથી કરી શક્યા. આપણે તેમને સાચી વાત સમજાવી નથી શક્યા કે રોગ અને ભગવાનને કોઈ નિસબત નથી. રોગ અને બીમારી આપણે પેદા કરતા હોઈએ છીએ. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આપણે હજી પણ ચાંદામામાની વાર્તાઓ સાથે બેસી રહ્યા. દુનિયા ચાંદના ગોળાર્ધની બીજી તરફ જવા માટે દોડતી થઈ ગઈ અને આપણે હજી પણ એ ચાંદની ફરતે કરવા ચૌથ મનાવતા રહ્યા. વાંધો કરવા ચૌથ અને ચાંદામામાની સામે નથી, પણ વાંધો બીજા લોકો તરફ જોવાની તસ્દી પણ નથી લીધી એનો છે.

ચાંદામામાની વાતો આપણને આનંદ આપતી હોય તો કોઈ તકલીફ નથી. આખી જિંદગી રમતા રહીએ ચાંદામામાની વાતો સાથે અને કરવા ચૌથ પણ કરતા રહીએ જો એનાથી સંતોષ મળતો હોય તો, પણ વાતને જ્યારે વિજ્ઞાનની સાથે જોવાની છે ત્યારે ચાંદામામાની ચર્ચામાંથી બહાર નીકળી જઈએ એ જરૂરી છે.

હૉસ્પિટલમાં ડૉક્ટરોને તમે સાંભળો. તમને સમજાશે કે માણસો કેવી બેદરકારી સાથે કોરોનાની સાથે રહે છે. માસ્ક અને વૅક્સિનની જ વાત નથી કરતો હું તમને. કોવિડ પૉઝિટિવ આવી ગયા પછી પણ માણસોની બેદરકારી ચરમસીમા પર છે. ગુજરાતમાં તો એનાથી પણ વધારે વાહિયાત બેદરકારી છે. ઍન્ટિજન ટેસ્ટ પૉઝિટિવ આવી ગયા પછી વ્યક્તિ પોતે સ્કૂટર લઈને ટેસ્ટ કરાવવા જાય અને ત્યાં તે પાછો બીજા લોકોની સાથે લાઇનમાં પણ ઊભો રહે. આને કોવિડ-પાર્ટી કહેવાય. હા, કોરોનાની પાર્ટી કરી હોય અને બધાને એ ભેટમાં આપવાનો હોય એવી નીતિ કહેવાય.

સમજવું પડશે અને સમજણ સાથે આગળ વધવું પડશે. કબૂલ કે અત્યારની સિચ્યુએશન જ એવી છે કે ક્યાંય કોઈ પહોંચી ન વળે. પણ આવું બન્યું હોય ત્યારે સૌથી પહેલી આવશ્યકતા મનને શાંત કરવાની અને એને શાંત કરીને નિર્ણય કરવા વિશે હોય છે. આગળ મેં કહ્યું એમ અત્યારે ડૉક્ટરો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. ડૉક્ટરો કહે છે કે મોટા ભાગના કેસમાં પેશન્ટની તબિયત બગડી ગયા પછી જ તેને હૉસ્પિટલમાં લઈ આવવામાં આવે છે. કબૂલ કે હૉસ્પિટલમાં જગ્યા નથી હોતી એટલે ઘરે રહેવું પડે છે, પણ ઘરે રહીનેય પ્રૉપર ડૉક્ટરની ઍડ્વાઇઝ લેવાને બદલે ઘરગથ્થુ ઇલાજો કરે અને એ ઇલાજ વચ્ચે પેશન્ટ નવી-નવી તકલીફોને આમંત્રણ આપે.

સમજદાર બનવાનો સમય આવી ગયો છે. પહેલી વેવમાંથી નીકળી ગયા પછી જે પ્રકારે આપણે બેદરકાર બન્યા હતા એ બેદરકારીને આપણે આ સેકન્ડ વેવમાં બહુ ખરાબ રીતે નજીકથી જોઈ લીધી. કોરોના માતાજીની કૃપાથી હવે આપણે એને પણ પાર પાડવાની તૈયારીમાં છીએ. એમ છતાં ત્રીજી વેવ સમયે આવી જ ખરાબ હાલત ઊભી ન થાય એનું ધ્યાન આપણે રાખવાનું છે અને અત્યારના જે લૉકડાઉન અને મિની લૉકડાઉનના નિયમો છે એ નિયમોને આપણે આપણી લાઇફસ્ટાઇલમાં જોડી દેવાના છે અને એને જ લાઇફ બનાવવાની છે. કોરોના હવે આપણી સાથે જ રહેવાનો છે એટલે કોરોનાને જગ્યા આપવાની સાથોસાથ આપણે સાયન્સને પણ જગ્યા આપવાની છે અને આપણા શરીરમાં વૅક્સિનને પણ.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2021 10:47 AM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK