° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


શા માટે એક રાતે સચિન દેવ બર્મન સાવ ગંજી અને લુંગીમાં મન્ના ડેના બંગલે પહોંચી ગયા?

01 August, 2021 05:27 PM IST | Mumbai | Rajani Mehta

વિજ્ઞાન આપણને સાબિતી આપે છે, પરંતુ તમારી ‘ગટ ફીલિંગ’ તમને એક નવી દિશા સુઝાડે છે

મન્ના ડે, સચિન દેવ બર્મન

મન્ના ડે, સચિન દેવ બર્મન

અંતરાત્મા જ્યારે આપણને કંઈક કહે છે ત્યારે એને કેવળ સાંભળવાનો  નથી, એનો અનુભવ કરવાનો હોય છે. અંતરાત્માને આજની ભાષામાં Intuition કે Gut Feeling કહેવામાં આવે છે. વિજ્ઞાન આપણને સાબિતી આપે છે, પરંતુ તમારી ‘ગટ ફીલિંગ’ તમને એક નવી દિશા સુઝાડે છે. જે થિન્કિંગને કારણે પ્રશ્ન ઊભા થાય છે એની જ મદદ લઈને જો તમે જવાબ શોધશો તો એમાં નિરાશા જ મળશે. આવા સમયે તમારી ગટ ફીલિંગ તમને મદદરૂપ થાય છે. શક્ય છે તમે નિષ્ફળ જાઓ, કારણ કે હૃદય દરેક વખતે તમને સફળતા ન અપાવી શકે, પરંતુ એ સચ્ચાઈ તરફ જરૂર લઈ જશે.        

ક્લાસિકલ મ્યુઝિકમાં રાગદારીની તાલીમ લેતા મન્ના ડેનો અંતરાત્મા કહેતો હતો કે જ્યાં  સુધી લાઇટ ક્લાસિકલ સંગીતમાં નિપુણતા નહીં મળે ત્યાં સુધી તેઓ એક કમ્પ્લીટ પ્લેબૅક સિંગર નહીં બની શકે. પોતાની આવડત પર ભરોસો અને અંતરાત્માના અવાજ પરની શ્રદ્ધાને અનુસરીને તેમણે ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન પાસે લાઇટ ક્લાસિકલ મ્યુઝિકની તાલીમ શરૂ કરી. તેમને વિશ્વાસ હતો કે એ દિવસ દૂર નહીં હોય જ્યારે મોહમ્મદ રફી, મુકેશ અને તલત મેહમૂદ જેવા કલાકારની જેમ તેમની ગણના એક લીડિંગ સિંગર તરીકે થશે. કહેવાય છેને કે Concentrated thoughts make things. એ આત્મવિશ્વાસ હકીકતમાં પરિણમ્યો જ્યારે સચિન દેવ બર્મને ફિલ્મ ‘મશાલ’ના ‘ઉપર ગગન વિશાલ, નીચે ગહેરા  પાતાલ’ માટે પ્લેબૅક સિંગર તરીકે તેમને પસંદ કર્યા. કવિ પ્રદીપ લિખિત આ ગીત અત્યંત લોકપ્રિય બન્યું. આ ગીત માટે તેમને નૅશનલ અવૉર્ડ મળ્યો. આમ સાચા અર્થમાં પ્લેબૅક સિંગર તરીકે મન્નાદાની કરીઅરની શરૂઆત થઈ.

એક સમય હતો જ્યારે મન્નાદા સચિનદાના અસિસ્ટન્ટ તરીકે કામ કરતા એટલે બન્ને વચ્ચે સારો ‘રેપો’ હતો. સચિનદા વિશે વાત કરતાં મન્નાદા મને કહે છે, ‘હું જ્યારે તેમનો અસિસ્ટન્ટ હતો ત્યારે તેમનાં અંગત કામોમાં પણ સહાય કરતો. તેમને માટે રૅશન લાવવું કે પછી પાન લાવવા જેવાં બીજાં નાનાં-મોટાં કામ હોય એમાં હું મદદ કરતો. એમ કહી શકાય કે આપણી ગુરુ-શિષ્યની જૂની પરંપરાનું હું પાલન કરતો. એનું કારણ એ કે હું તેમના સંગીતથી ખૂબ પ્રભાવિત હતો. એટલું જ નહીં, એક શિષ્ય તરીકે હું તેમને માન આપતો. બીજું કારણ એ કે હું તેમનો લાડકો હતો અને હા, ફુટબૉલ એ અમારા બન્નેનું પૅશન હતું એટલે અમે કામના સમયે બહાનાં કાઢીને મૅચ જોવા જતા.

જ્યારે ‘ઉપર ગગન વિશાલ’ માટે તેમણે મને પસંદ કર્યો ત્યારે  લોકોને નવાઈ લાગી હતી. તેમને મારા પર ભરોસો હતો. મને કહે, ‘મન્ના, આ ગીત મેં તારા માટે જ બનાવ્યું છે. મને ખાતરી છે કે તું નિરાશ નહીં કરે.’ મેં આ ગીતમાં જાન રેડી દીધો. રેકૉર્ડિંગ વખતે સચિનદાએ એમાં થોડી બાબુકાકાની સ્ટાઇલ ઉમેરવાનું કહ્યું હતું. ત્યારે તેમણે  કહ્યું એ પ્રમાણે મેં ગાયું, પરંતુ જ્યારે-જ્યારે આ ગીત મેં સ્ટેજ પર પર્ફોર્મ કર્યું છે ત્યારે હું એમાં મારો રંગ ભરું છું. હમેશાં હું એ કોશિશ કરતો કે મારી પોતાની એક અલગ ઓળખ બને.

વેસ્ટ ઇન્ડીઝના એક સ્ટેજ-શોમાં આ ગીત સાંભળીને એક ઇંગ્લિશ મહિલા મને કહે, ‘મને આ ગીત ખૂબ ગમે છે. પ્લીઝ એના શબ્દો  લખાવોને?’ હું આશ્ચર્યમાં પડી ગયો. કહ્યું, ‘વાહ, તમને હિન્દી આવડે છે.’ તો કહે, ‘ના, સાચું કહું તો તમે આ ગીતના શબ્દો મને અંગ્રેજીમાં ભાષાંતર કરીને આપશો તો હું આભારી થઈશ.’

તેનો ઉત્સાહ જોઈને હું વિચાર કરતો હતો. ભારતીય શ્રોતાઓને આ ગીત ગમે એની નવાઈ ન હોય, પરંતુ એક વિદેશી મહિલાને પણ આ ગીતે આટલી અસર કરી? મારાથી બનતી કોશિશ કરીને મેં તેનું અંગ્રેજીમાં યોગ્ય ભાષાંતર કરી આપ્યું. તેણે કહ્યું, ‘તમારી ગાયકી પરથી આ ગીતનો ભાવાર્થ હું સમજી ગઈ, પરંતુ આ ગીતના શબ્દો જાણીને મારે એનો પૂરતો આનંદ લેવો હતો એટલે મેં તમને આ વિનંતી કરી.’

જોકે એ માટે મારે સંગીતકારને વધુ શ્રેય આપવું જોઈએ. સચિનદા આવી બાબતમાં નાના બાળક જેવા હતા. તેમને પ્રસિદ્ધિની બહુ પડી નહોતી. તેમનામાં જરા પણ અભિમાન નહોતું. ધૂન બનાવતી વખતે ઘણી વાર મને પૂછતા, ‘મન્ના, આ ધૂન કેવી લાગે છે?’ શરૂઆતમાં હું વિચારતો જાણે મારો અભિપ્રાય બહુ અગત્યનો હોય. ત્યારે લાગતું કે મને પૂછવા ખાતર પૂછે છે. સમય જતાં મને સમજાયું કે તેઓ સાચે જ મારો મત જાણવા માટે આતુર રહેતા. હું કહેતો કે સારી ધૂન બની છે તો થોડી વાર થાય એટલે પાછા પૂછે, ‘સાચું કહેજે, ધૂન બરાબર બની છેને? આમાં કાંઈ સુધારાવધારા કરવાના હોય તો સંકોચ રાખ્યા વિના મને કહેજે.’

પર્ફેક્શન માટેનો તેમનો આ આગ્રહ જ તેમને એક મહાન સંગીતકાર બનાવે છે. આ વળગણ તેમને ચેનથી જીવવા નહોતું દેતું. એક ગીત કમ્પોઝ કર્યા બાદ તેઓ સતત એમાં કશુંક નવું-નવું ઉમેરવા માટે પ્રયત્નશીલ રહેતા. એક વખત કામ કરવા  બેસે એટલે એકદમ સિરિયસ થઈ જાય. આજુબાજુ શું થઈ રહ્યું છે એની જરાય અસર ન થાય. રિહર્સલ વખતે કોઈ પણ જાતની મસ્તી-મજાક તેઓ ચલાવી ન લે, પરંતુ એક વાર કામ પૂરું થાય એટલે તેઓ અસલી રંગમાં આવી જાય.’

સચિન દેવ બર્મનની વાત નીકળી એટલે મેં મન્નાદાને યાદ દેવડાવ્યું કે તેમની સેન્સ ઑફ હ્યુમરના અનેક કિસ્સા જાણીતા છે. એ વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘સચિનદાની ‘ડ્રાય સેન્સ ઑફ હ્યુમર’ અલગ પ્રકારની હતી. એમાં કટાક્ષની સાથે જીવનની સચ્ચાઈ પણ હોય. અમુક સમયે લોકો એ સમજી ન શકે. મારા એક ગીતનું રેકૉર્ડિંગ હતું. અમે જ્યારે સ્ટુડિયો પહોંચ્યા ત્યારે જોયું કે અરેન્જર રેકૉર્ડિંગ માટેની તૈયારી કરતો હતો. અમને જોઈને તેણે કહ્યું કે થોડી જ મિનિટમાં રેકૉર્ડિંગ શરૂ કરીશું. સમય હતો એટલે અમે ફરીથી ગીતનું રિહર્સલ કરવા લાગ્યા. થોડી મિનિટને બદલે બે કલાક થઈ ગયા, પરંતુ હજી મ્યુઝિશ્યન્સની સીટિંગ અરેન્જમેન્ટ્સ અને સાઉન્ડ બૅલૅન્સ થયાં નહોતાં. સચિનદા ઊંચા-નીચા થતા હતા. છેવટે કંટાળીને તેમણે અરેન્જરને બોલાવ્યો અને કહ્યું, ‘હજી કેટલી વાર છે? મન્ના હવે અધીરો થઈ ગયો છે.’

જવાબ મળ્યો, ‘સર, અડધા કલાકમાં બધું રેડી થઈ જશે.’

સચિનદા ગંભીર ચહેરે બોલ્યા, ‘ઠીક છે, તો એક કામ કરીએ, પહેલાં મન્ના ગીત રેકૉર્ડ કરી લે. ત્યાર બાદ તમે તમારી અરેન્જમેન્ટ કરજો.’ પેલો સમજ્યો નહીં કે સચિનદા મજાક કરે છે કે સિરિયસ છે.’

સચિનદાની સેન્સ ઑફ હ્યુમરના અનેક કિસ્સા આ પહેલાં હું લખી ચૂક્યો છું. પંડિત શિવકુમાર શર્મા સાથેની મુલાકાતોમાં તેમણે એક સરસ કિસ્સો શૅર કર્યો હતો તે યાદ આવે છે...

‘એક દિવસ હું, હરિજી (હરિપ્રસાદ ચૌરસિયા) અને બીજા મ્યુઝિશ્યન્સ સચિનદાના ઘરે રિહર્સલ માટે બેઠા હતા. એ દરમ્યાન કલકત્તાથી એક મહેમાન રસગુલ્લા લઈને આવ્યા અને એક બાઉલમાં અમારી વચ્ચે મૂક્યા.

રિહર્સલ ચાલતું હતું. હરિજી મીઠાઈના શોખીન એટલે સતત તેમની નજર રસગુલ્લા પર હતી. સચિનદા ખાવાની ઑફર કરે એની રાહ જોતા હતા, પણ દાદા ચૂપ હતા. કોઈક કામ માટે તેઓ ઊભા થયા એટલે હરિજીએ એક રસગુલ્લું મોઢામાં મૂકી દીધું. થોડા સમય બાદ તેમણે દાદાની નજર ચૂકવીને બીજું રસગુલ્લું ખાઈ લીધું. અમે સૌ મહામુસીબતે હસવાનું રોકીને કામ કરતા રહ્યા. રિહર્સલ લાંબું ચાલ્યું. એ દરમ્યાન હરિજી ચાર-પાંચ રસગુલ્લા ખાઈ ગયા. અમે દાદાનો સ્વભાવ જાણીએ. મનમાં હતું કે ગુસ્સે થશે, પણ એવું કાંઈ બન્યું નહીં.

બીજા દિવસે રેકૉર્ડિંગમાં હરિજીએ સુંદર બાંસુરી વગાડી. સૌ ખુશ હતા. સચિનદાએ હરિજીને શાબાશી આપતાં કહ્યું, ‘હરિ, તુને બહોત અચ્છા બજાયા.’ અને કહે, ‘તુમ સબકો માલૂમ હૈ યે આજ ઇતના મીઠા ક્યોં બજાયા? કલ હમારા ઘર રિહર્સલ થા. ઉસ ટાઇમ હરિ હમારા પાંચ રસગુલ્લા ખાયા ઇસલિયે આજ ઇતના મીઠા બજાયા.’

સચિનદાના મિજાજના બીજા પાસાને ઉજાગર કરતાં મન્નાદા આગળ કહે છે, ‘તેઓ એક સીધાસાદા માણસ હતા, પણ પહેરવેશની બાબતમાં એકદમ બેદરકાર હતા. એક રાતે લગભગ ૯ વાગ્યે અચાનક મારા બંગલે આવી પહોંચ્યા. સ્લીવલેસ ગંજી અને લુંગી પહેરીને. હાથમાં કાગળ લઈને આવેલા સચિનદા એકદમ એક્સાઈટેડ હતા. મને કહે,’ મન્ના, ફટાફટ તારું હાર્મોનિયમ લે અને નોટેશન લખી લે. આવતી કાલે આપણે આ ગીત રેકૉર્ડ કરવાનું છે. એટલું યાદ રાખજે કે આ ગીત રાગ આહીર ભૈરવ પર આધારિત છે. તારાથી શક્ય હોય એટલું ધૂનમાં ઇમ્પ્રોવાઇઝેશન કરી શકે છે.’

મેં હાર્મોનિયમ લીધું અને તેમણે બનાવેલી ધૂન પર ગાવાનું શરૂ કર્યું. જેમ-જેમ એમાં હું ઇમ્પ્રોવાઇઝ કરતો ગયો એમ-એમ તેઓ રિલૅક્સ થતા ગયા. બીજા દિવસે અમે એ ગીત રેકૉર્ડ કર્યું. એ ગીત હતું, ‘પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ’ (‘મેરી સૂરત તેરી આંખેં’ – શૈલેન્દ્ર).’

હું નસીબદાર હતો કે મારી પહેલી જ મુલાકાતમાં મન્નાદાએ આ ગીતનો ઉલ્લેખ કરતાં હાર્મોનિયમ વગાડતાં ગાવાનું શરૂ કર્યું અને મારા રૂંવાડાં ઊભાં થઈ ગયાં. જે હરકત અને મુરકીઓ તેમણે રેકૉર્ડ થયેલા ગીતમાં નથી લીધી એ સાંભળતાં મેં જે રોમાંચ અનુભવ્યો એ લખતાં-લખતાં ફરી જીવંત થઈ રહ્યો છે. આ ગીત સંગીતપ્રેમીઓનું જ નહીં, મન્નાદાનું અત્યંત ફેવરિટ ગીત છે. આ ગીત સાથે સંકળાયેલી એક ઘટના તેમણે શૅર કરી એ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...

 ‘એ વર્ષે સચિનદા અને અમે સૌ દાવાથી માનતા કે આ ગીતને ફિલ્મ ફેર અવૉર્ડ મળશે. જે દિવસે ‘ઇવનિંગ ન્યુઝ ઑફ ઇન્ડિયા’માં ફિલ્મ ફેર અવૉર્ડના સમાચાર આવવાના હતા એ દિવસે સચિનદા હૉસ્પિટલમાં હતા. બે દિવસ પહેલાં જ તેમની આંખોનું મોતિયાનું ઑપરેશન થયું હતું. હું તેમની ખબર કાઢવા હૉસ્પિટલ ગયો હતો. બન્ને આંખે પાટા  બાંધેલા સચિનદા અને હું બેચેનીથી છાપાની રાહ જોતા બેઠા હતા. અચાનક કાંઈક અવાજ થયો એટલે સચિનદાએ પૂછ્યું, ‘આયા ક્યા?’ (છાપું આવ્યું?) મેં કહ્યું, ‘ના.’ થોડી વાર થઈ અને અવાજ થયો. ફરી સચિનદાએ પૂછ્યું, ‘આયા ક્યા?’ મેં કહ્યું, ‘હા.’ ધડકતા દિલે મેં છાપું ખોલ્યું અને નિરાશ થઈ ગયો. અધીરા થયેલા સચિનદાએ પૂછ્યું, ‘મિલા ક્યા?’ મેં કહ્યું, ‘ના.’ થોડી ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સચિનદાએ ભાવુક થઈને મારો હાથ પકડી લીધો. મેં તેમના ચહેરા સામે જોયું તો પાટો બાંધેલી આંખમાંથી બે-ત્રણ આંસુ નીકળી આવ્યાં હતાં. મેં તેમને આટલા માયૂસ કદી નહોતા જોયા. એ આંસુ લૂછવાની મારામાં હિંમત નહોતી.’

જ્યારે વેદનાને શબ્દો નથી મળતા ત્યારે એ આંસુનું સ્વરૂપ લે છે. સર્જક જ્યારે ઘાયલ થાય ત્યારે રક્ત નહીં, આંસુ વહે છે. આ કિસ્સો કહેતાં મન્નાદાનો અવાજ ભીનો થયો એટલે તેમની આંખમાં ભીનાશ જોવાનો મેં મિથ્યા પ્રયત્ન કર્યો હતો, પણ મને એમાં  સફળતા નહોતી મળી. લાગે છે તેમણે આ પંક્તિઓ જરૂર આત્મસાત્ કરી હશે... 

‘આંખોને કહો આજ છલકે નહીં,

મહેફિલમાં સવાલ આબરૂનો છે.’

01 August, 2021 05:27 PM IST | Mumbai | Rajani Mehta

અન્ય લેખો

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

21 September, 2021 08:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

20 September, 2021 09:19 IST | karnataka | Aashutosh Desai

બેધારી તલવાર બની શકે છે 5G

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

19 September, 2021 05:05 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK