એક બાજુ સરકાર પ્લાસ્ટિકની થેલીઓ પર પાબંધી લગાવે છે અને બીજી તરફ સરકાર જ પ્લાસ્ટિકની થેલીઓ પર પોતાની ઍડ્વર્ટાઇઝમેન્ટ કરી સરકારી યોજના દ્વારા આનંદનું સીધું આપે છે.
બિન્દાસ બોલ
મિતાંશુ દરજી - ૧૭ વર્ષ, મીરા રોડ, સ્ટુડન્ટ
હાલ ઘરે-ઘરે ગણેશોત્સવ ખૂબ જ શ્રદ્ધાભક્તિથી ઊજવાઈ રહ્યો છે. રોજ બાપ્પાને પ્રસાદમાં જાતજાતની મીઠાઈઓ ધરાવવામાં આવે છે. સૌકોઈ તહેવાર ઊજવી શકે એ માટે સરકારે ગયા વર્ષની દિવાળીથી દરેક તહેવારમાં આનંદનું સીધું આપવાની શરૂઆત કરી છે. ખરેખર આ પ્રશંસનીય છે, પરંતુ આ સાથે જ આ સીધું જે થેલીમાં આપવામાં આવે છે એ થેલી પર રાજકીય પક્ષની ઍડ્વર્ટાઇઝ કરવામાં આવી છે. એક બાજુ સરકાર પ્લાસ્ટિકની થેલીઓ પર પાબંધી લગાવે છે અને બીજી તરફ સરકાર જ પ્લાસ્ટિકની થેલીઓ પર પોતાની ઍડ્વર્ટાઇઝમેન્ટ કરી સરકારી યોજના દ્વારા આનંદનું સીધું આપે છે. ગણેશોત્સવ નિમિત્તે જે આનંદનું સીધું આપવામાં આવ્યું છે એ થેલી પર પણ પક્ષોના નેતાઓનો ફોટો અને ગણેશજીનો ફોટો છાપવામાં આવે છે. આ થેલીમાં રવો, સાકર, પામોલીન તેલ, ચણાની દાળ આપવામાં આવ્યાં છે. તમને ખર્ચો કરવો જ છે તો પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીમાં આપવું જોઈતું હતું, જેથી લોકો એ થેલીનો યોગ્ય વપરાશ કરી શકત અને થેલી પાછળ કરેલો ખર્ચ પણ વ્યર્થ ન જાય.
મહારાષ્ટ્ર સરળ સેવા ભરતી ૨૦૨૩ માટે જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે એ એક્ઝામ માટે ફી ૧૦૦ રૂપિયા હતી, હવે એ એક્ઝામની ફી વધારીને ૧૦૦૦ રૂપિયા કરી દેવામાં આવી છે અને એનું મોટું કારણ એમ કહેવામાં આવે છે કે એક્ઝામની ફી વધારવાથી સ્ટુડન્ટ્સમાં એક્ઝામ પ્રત્યે સિરિયસનેસ વધશે અને સ્ટુડન્ટ્સ એક્ઝામનું મહત્ત્વ સમજે અને પૈસાનો બગાડ ન થાય, પરંતુ આ ફી વધારવાને લીધે કંપનીઓને ફાયદા થાય છે. આનંદનું સીધું દેતી વખતે ઍડ્વર્ટાઇઝ પર જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ પણ સામાન્ય વ્યક્તિએ ભરેલા ટૅક્સના પૈસામાંથી જ વાપરવામાં આવે છે. ત્યારે પૈસાનો બગાડ શું થતો નથી? આજે પણ આપણા દેશમાં સરકાર તરફથી મળતી મદદ માટે આવેલા સામાનના કાળાબજાર થઈ જતા હોય છે, જે ખરેખર ખેદજનક છે. યોગ્ય મદદ યોગ્ય રીતે મળે અને એનો ગેરવપરાશ ન થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે છેવટે તો એ મદદના નામે વપરાયેલાં નાણાં પણ દેશની જનતાનાં જ છે. સરકારે પોતાની નીતિ હવે ખરેખર બદલવાની જરૂર છે. સરકાર તરફથી મળનાર મદદ પર ઍડ્વર્ટાઇઝમેન્ટ એ વધારે જરૂરી છે?
ADVERTISEMENT
- બિન્દાસ બોલ
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)