Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફુટબૉલ મૅચ જોવા આવેલા રાજ કપૂરનો પ્રેક્ષકોએ શા માટે હુરિયો બોલાવેલો?

ફુટબૉલ મૅચ જોવા આવેલા રાજ કપૂરનો પ્રેક્ષકોએ શા માટે હુરિયો બોલાવેલો?

06 February, 2022 07:07 AM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

‘બાળકો જન્મથી ખરાબ હોય છે કે પછી એ માટે તેમનો ઉછેર જવાબદાર છે?’ એનો જવાબ આપવાની ફિલ્મમાં કોશિશ હતી. ‘આવારા’ને આપણે એક મ્યુઝિકલ હિટ ફિલ્મ તરીકે જોઈએ છીએ. જ્યારે  વિદેશી ફિલ્મમેકર્સે આ ફિલ્મના ‘અન્ડર કરન્ટ’ને વધુ મહત્ત્વ આપ્યું

રાજ કપૂર ક્રિકેટના દીવાના હતા. વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને મુંબઈ ઉપરાંત બીજાં શહેરોમાં રમાતી ટેસ્ટ મૅચ જોવાનું તેઓ ચૂકતા નહીં, દિલીપ કુમાર સાથે રાજ કપૂર.

Woh Jab Yaad aae

રાજ કપૂર ક્રિકેટના દીવાના હતા. વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને મુંબઈ ઉપરાંત બીજાં શહેરોમાં રમાતી ટેસ્ટ મૅચ જોવાનું તેઓ ચૂકતા નહીં, દિલીપ કુમાર સાથે રાજ કપૂર.


‘આવારા’ને દરેક પ્રકારના દર્શકોએ વખાણી. જે યુવાવર્ગ ગીત-સંગીત અને રોમૅન્સના શોખીન હતા તેમને માટે આ ફિલ્મમાં પૂરતો મસાલો હતો. જે વયસ્ક દર્શકો ફિલ્મોમાં કોઈ સોશ્યલ મેસેજ છે કે નહીં એની તલાશ કરતા તેમને પણ આ ફિલ્મ ગમી. ‘બાળકો જન્મથી ખરાબ હોય છે કે પછી એ માટે તેમનો ઉછેર જવાબદાર છે?’ એનો જવાબ આપવાની ફિલ્મમાં કોશિશ હતી. ‘આવારા’ને આપણે એક મ્યુઝિકલ હિટ ફિલ્મ તરીકે જોઈએ છીએ. જ્યારે  વિદેશી ફિલ્મમેકર્સે આ ફિલ્મના ‘અન્ડર કરન્ટ’ને વધુ મહત્ત્વ આપ્યું

‘Cricket is an Indian game accidentally discovered by the British.’
- Ashish Nandy (psycologist and political critic)
ભારતીયોની ક્રિકેટ પ્રત્યેની ચાહત અને ઝનૂન દુનિયાભરમાં જાણીતું છે. વિદેશમાં ક્યાંય પણ આપણે મૅચ રમતા હોઈએ ત્યારે ભારતીય દર્શકોની હાજપપરી જોઈને એમ લાગે કે પ્રાદેશિક દર્શકો લઘુમતીમાં છે. ‘Cricket is our religion and Sachin Tendulkar is our God’. દેશ-વિદેશમાં લહેરાતું આ બૅનર ભારતીય દર્શકોની મનોદશાને આબેહૂબ જીવંત કરે છે.   
રાજ કપૂર પણ ક્રિકેટના દીવાના હતા. વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને મુંબઈ ઉપરાંત બીજાં શહેરોમાં રમાતી ટેસ્ટ મૅચ જોવાનું તેઓ ચૂકતા નહીં. ખુલ્લા મેદાનમાં  લહેરાતી ઝુલ્ફો અને વિદેશી ગૉગલ્સ પહેરેલા સુકલકડી રાજ કપૂરને જોઈને દર્શકો ગાંડા થઈ જતા. નાનપણથી જ જીવનને ભરપૂર માણી લેવાની અદમ્ય ઇચ્છાને કારણે રાજ કપૂર પોતાના દરેક શોખને કોઈ પણ ભોગે પૂરા કરવા માટે હમેશાં તૈયાર રહેતા. કેવળ ક્રિકેટ નહીં, મુંબઈમાં રમાતી હૉકી અને ફુટબૉલની અગત્યની મૅચોમાં તેમની અચૂક હાજરી રહેતી. તેઓ બૅડ્મિન્ટન, ટેબલ ટેનિસ અને સ્વિમિંગમાં પણ પારંગત હતા. 
જે વ્યક્તિ પોતાના ફિલ્મમેકિંગના પૅશન માટે પત્નીના દાગીના ગીરવી મૂકીને સ્ટુડિયોમાં ડ્રીમ સીક્વન્સ માટે મોંઘો સેટ લગાવી શકે તે પોતાની ઘેલછા માટે શું કરી શકે એની કલ્પના કરવી મુશ્કેલ છે. એ દિવસોમાં તેમની ઇચ્છા હતી કે મુંબઈનું કૂપરેજ મેદાન (વેસ્ટર્ન ઇન્ડિયા ફુટબૉલ અસોસિએશન સાથે) ખરીદી લેવું અને પૂરા કૉમ્પ્લેક્સને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્પોર્ટ્સ સેન્ટર તરીકે ડેવલપ કરવું. પોતાના શોખને પૂરા કરવા ‘લાર્જર ધેન લાઇફ’ સપનાં જોવાં એ રાજ કપૂરની ખાસિયત હતી.  
રમતગમતના શોખીનો માટે પત્રકાર અને રમતગમતના કૉમેન્ટેટર  એએફએસ તાલ્યારખાનનું નામ અજાણ્યું નથી. રુસી કરંજિયાના વિખ્યાત સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ના તેઓ રેગ્યુલર કૉલમનિસ્ટ હતા. રાજ કપૂરના નિધન બાદ તેમને યાદ કરતાં ૧૯૮૮ની ૧૧ જૂનના અંકમાં તેઓ લખે છે, ‘યુવાનીના દિવસોમાં રાજ કપૂર ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયામાં નિયમિત સવારે બૅડ્મિન્ટન રમવા આવતા. એ દિવસોમાં અચૂક મારી તેમની સાથે વાતો થતી. દરેક રમત વિશે તેમને સારી જાણકારી હતી. કૂપરેજના ફુટબૉલ ગ્રાઉન્ડમાં તેઓ ઘણી વાર મૅચ જોવા આવતા. મૅચ દરમ્યાન તેમની એક્સાઇટમેન્ટ એટલી હોય કે તેમની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઊઠે. તેમની સાથે શમ્મી કપૂર પણ આવતા. ખીચોખીચ ભરાયેલા મેદાનમાં તેમની સાથે એવા જ શોખીન અભિનેતા પ્રાણની હાજરીથી ખેલાડીઓને પાનો ચડતો. મને યાદ છે ત્યાં સુધી ‘ડાયનેમો’ નામની ટીમને આ બન્નેએ સ્પૉન્સર કરી હતી.
એક દિવસ ન બનવા જેવી ઘટના બની. હું કોઈ પણ જાતની શેહશરમ વિના કૉમેન્ટરી કરવા માટે જાણીતો છું. મૅચ દરમ્યાન મારી એક કમેન્ટ રાજ કપૂરને ન ગમી હોવાથી તેમણે જાહેરમાં એનો વિરોધ કર્યો (આપણે એવા પ્રેક્ષક જોયા છે જેઓ ચાલુ કાર્યક્રમે કમેન્ટ કરીને પોતાની હાજરીની નોંધ લેવાય એના પ્રયત્ન કરે છે. રાજ કપૂર માટે આ શોમૅનશિપ હતી કે બીજું કાંઈ એ વાત વિસ્તારથી આગળ કરીશું). બાકીના પ્રેક્ષકોએ મારી તરફેણ કરતાં રાજ કપૂરનો હુરિયો બોલાવ્યો. ગુસ્સે થઈને રાજ કપૂરે પોતાના પગમાંથી પઠાણી સૅન્ડલ કાઢીને પ્રેક્ષકોને બતાવ્યું. એ જોઈને લોકોએ વધુ હુરિયો બોલાવ્યો. રાજ કપૂર માટે આ અસહ્ય હતું. તેઓ પોતાની મર્યાદા ભૂલીને પંજાબીમાં ગાળો બોલવા માંડ્યા. લોકોનો ગુસ્સો ઓર ભડક્યો. પરિસ્થિતિ કાબૂ બહાર જાય એ પહેલાં રાજ કપૂર ત્યાંથી નીકળી ગયા. 
બીજા અઠવાડિયે મારા લેખમાં મેં લખ્યું, ‘મને પંજાબી ભાષા સમજાય છે. એક લોકપ્રિય કલાકાર તરીકે પોતાના ચાહકો સામે આવું બેહૂદું વર્તન કરવું એ રાજ કપૂરને જરાય શોભતું નથી. જે દર્શકો રાજ કપૂરની લોકપ્રિયતાના જન્મદાતા છે તેમનું અપમાન કરવું એ પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું કામ છે.’
ત્યાર બાદ રાજ કપૂરે કૂપરેજમાં આવવાનું બંધ કર્યું. બે-ત્રણ વર્ષ બાદ અમારી મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું, ‘સૉરી, એ દિવસે હું ભૂલી ગયો હતો કે હું કોણ છું? મારા ગેરવર્તન બદલ હું ક્ષોભ અનુભવું છું.’
જે સહજતાથી તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી એ બતાવે છે કે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. મુંબઈની દરેક મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટમાં તેમની અચૂક હાજરી રહેતી. ખાસ કરીને ક્રિકેટ મૅચમાં તેમનું ખૂબ ઇન્વૉલ્વમેન્ટ રહેતું. એ દિવસોમાં અનેક ચૅરિટી  મૅચના આયોજનમાં રાજ કપૂર ખૂબ આગળ પડતો ભાગ લેતા.’
એએફએસ તાલ્યારખાન એ દિવસોની વાત કરે છે જ્યારે રાજ કપૂર એક તરફ ફિલ્મ બનાવતા અને સાથોસાથ ચેમ્બુરમાં આરકે સ્ટુડિયોના નિર્માણકાર્ય પર દેખરેખ રાખતા. બન્ને કામ જવાબદારીનાં હતાં, પરંતુ રાજ કપૂરના પૅશન સામે આ વાત નાની હતી. ‘બરસાત’ની સફળતા બાદ ‘આવારા’ માટે પ્રેક્ષકોને ખૂબ અપેક્ષા હતી. એ સંજોગોમાં કલાકારની જવાબદારી અનેકગણી વધી જાય છે. નસીબજોગ રાજ કપૂર એ પરીક્ષામાંથી પાસ થયા. ‘આવારા’ને જે સફળતા મળી એ દરેકની કલ્પનાની બહાર હતી. આ ફિલ્મને કારણે વિદેશમાં રાજ કપૂરની ચર્ચા થવા માંડી. તેમનું નામ ઇન્ટરનૅશનલ ફિલ્મમેકર્સ સાથે લેવાની શરૂઆત થઈ. મેહબૂબ ખાનની ‘આન’ પણ એ જ દિવસોમાં રિલીઝ થઈ. આ બે ફિલ્મોની સફળતાને કારણે હિન્દી ફિલ્મો માટેનું ‘ઓવરસીઝ માર્કેટ’ ખૂલ્યું. દરેક પ્રોડ્યુસરને એ વાતનો ખ્યાલ આવ્યો કે વિદેશમાં  ફિલ્મો રિલીઝ કરીને તગડી કમાણી થઈ શકે છે. 
‘આવારા’ને દરેક પ્રકારના દર્શકોએ વખાણી. જે યુવાવર્ગ ગીત-સંગીત અને રોમૅન્સના શોખીન હતા તેમને માટે આ ફિલ્મમાં પૂરતો મસાલો હતો. જે વયસ્ક દર્શકો ફિલ્મોમાં કોઈ સોશ્યલ મેસેજ છે કે નહીં એની તલાશ કરતા તેમને પણ આ ફિલ્મ ગમી. ‘બાળકો જન્મથી ખરાબ હોય છે કે પછી એ માટે તેમનો ઉછેર જવાબદાર છે?’ એનો જવાબ આપવાની ફિલ્મમાં કોશિશ હતી. ‘આવારા’ને આપણે એક મ્યુઝિકલ હિટ ફિલ્મ તરીકે જોઈએ છીએ. જ્યારે  વિદેશી ફિલ્મમેકર્સે આ ફિલ્મના ‘અન્ડર કરન્ટ’ને વધુ મહત્ત્વ આપ્યું.      
 ‘આવારા’માં રાજ કપૂરે પોતાની ચાર્લી ચૅપ્લિન ટાઇપ સંવેદનશીલ મશ્કરા પાત્રની ઇમેજ એસ્ટૅબ્લિશ કરી. સમાજે તિરસ્કૃત કરેલી વ્યક્તિ કઈ રીતે આશાવાદને સહારે, હસતાં-રમતાં સફળતા મેળવે છે એ પાત્રને રાજ કપૂરે પડદા પર જીવંત કરવાની શરૂઆત કરી. દેશના અનેક યુવાનોને એમાં પોતાની જ છબિ દેખાતી. આમ રોમૅન્ટિક, સીધા-સાદા, ભોળાભલા રાજુનો આ ફિલ્મથી જન્મ થયો એમ કહી શકાય. આ ઇમેજનો ઉપયોગ રાજ કપૂરે સફળતાપૂર્વક પોતાની અનેક ફિલ્મોમાં કર્યો. 
એ દિવસોમાં દિલીપકુમારની ફિલ્મી ઇમેજ એક ભગ્ન પ્રેમીની હતી. એવા સમયે રાજ કપૂરની આ ‘ચિયરફુલ ઇમેજ’ દર્શકો માટે એક ‘વેલકમ ચેન્જ’ બની ગઈ. જાણ્યે-અજાણ્યે બાળપણના મિત્રો એકમેકના ‘પ્રોફેશનલ રાઇવલ’ બનતા જતા હતા. જોકે સરવાળે આ પરિસ્થિતિ દર્શકો માટે લાભદાયક ઠરી હતી.                                   
‘આવારા’ પછી કશુંક હટકે કરવા માગતા રાજ કપૂરે નક્કી કર્યું કે હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર શેરપા તેનસિંગ નોરગેના જીવન પર ફિલ્મ બનવી જોઈએ. તેનસિંગે બ્રિટિશ પર્વતારોહક એડમન્ડ હિલેરી  સાથે આ સિદ્ધિ ૧૯૫૩માં મેળવી હતી. રાજ કપૂરે તેનસિંગ અને પરિવારને મુંબઈનું આમંત્રણ મોકલાવ્યું. મુંબઈમાં પત્રકાર-પરિષદમાં ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ. એ દિવસોમાં એક શેરપાના જીવન પરથી ફિલ્મ બને એ મોટી ઘટના હતી. સંજોગવશાત્ આ ફિલ્મ ન બની શકી. 
રાજ કપૂર નવી ફિલ્મ માટે ઉતાવળા થયા હતા. તેમણે એકસાથે ત્રણ ફિલ્મો શરૂ કરવાનો નિર્ણય કર્યો, એટલું જ નહીં, પોતાના ત્રણ અસિસ્ટન્ટને ડાયરેક્શન કરવાનો મોકો આપ્યો. એ ફિલ્મો હતી, ‘આહ’ (રાજા નવાથે), ‘બૂટ પૉલિશ’ (પ્રકાશ અરોરા) અને ‘બાબુ’ (બીરેન ત્રિપાઠી).
સૌથી પહેલાં ‘આહ’નું શૂટિંગ શરૂ થયું. રાજ કપૂર અને નર્ગિસની દર્દભરી પ્રેમકહાનીમાં અભિનેતા પ્રાણ પ્રથમ વાર વિલનનો નહીં, પણ ચરિત્ર અભિનેતા તરીકેનો રોલ ભજવી રહ્યા હતા. શંકર-જયકિશનનું કર્ણપ્રિય સંગીત હોવા છતાં આ ફિલ્મ ટિકિટબારી પર  સદંતર નિષ્ફળ ગઈ.  
 ‘આહ’ પ્રેક્ષકોને ન ગમી એનું મુખ્ય કારણ એ હતું કે એ નિષ્ફળ પ્રેમકથા હતી. રડતી હિરોઇન, દરેક વાતમાં આત્મસમર્પણ કરતો હીરો અને ‘દેવદાસ’ ટાઇપ કરુણ અંત;  આ બધું અને એ પણ એકસાથે એ પ્રેક્ષકોને સ્વીકાર્ય નહોતું. ફિલ્મમાં ગીત-સંગીત સિવાય બીજું કોઈ મનોરંજન નહોતું. ભલે આ ફિલ્મ રાજ કપૂરની પર્સનલ ફેવરિટ હતી, પરંતુ પૈસા ખર્ચીને આવેલા પ્રેક્ષકોને આ ફિલ્મ રાજ કપૂર બ્રૅન્ડ ન લાગી.                          
‘બૂટ પૉલિશ’ એક ‘લો બજેટ એક્સપરિમેન્ટલ’ ફિલ્મ હતી. મુખ્ય ભૂમિકામાં બાળકલાકાર  બેબી નાઝ અને માસ્ટર રતનકુમાર હતાં. આ ફિલ્મ  વિદેશના ઑડિયન્સ માટે અંગ્રેજીમાં ‘ડબ’ થઈને ‘One Cent’ નામે રિલીઝ કરવાનો રાજ કપૂરનો પ્લાન હતો. જ્યારે આ ફિલ્મ બનતી હતી ત્યારે ફિલ્મનું ટ્રેઇલર જોઈને ન્યુ યૉર્કના ‘ટાઇમ’ મૅગેઝિને રિવ્યુમાં લખ્યું, ‘A miniature masterpiece’. ફિલ્મના શૂટિંગ દરમ્યાન ‘આહ’ની નિષ્ફળતાથી હચમચી ગયેલા રાજ કપૂરે ‘બૂટ પૉલિશ’નાં અનેક દૃશ્યો ફરીથી શૂટ કર્યાં અને મનોરંજન તત્ત્વનો ઉમેરો કર્યો. ૧૯૫૪માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેબી નાઝને આ ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટિંગનો અવૉર્ડ મળ્યો. 
શંકર-જયકિશનના કર્ણપ્રિય સંગીતને કારણે આ ફિલ્મ થોડાઘણા અંશે 
લોકપ્રિય થઈ, પરંતુ એથી વધુ બીજું કાંઈ નહીં. 
વિવેચકોના મતે ‘બૂટ પૉલિશ’ રાજ કપૂરની ત્યાર સુધીની ઉત્તમ ફિલ્મ હતી. અનાથ બાળકની વ્યથાને સહજ રીતે રજૂ કરતી આ ફિલ્મમાં સમાજની જવાબદારી કેટલી છે એ વિષયની રાજ કપૂરે સરસ રીતે રજૂઆત કરી હતી. ભલે અપેક્ષા પ્રમાણેનું મનોરંજન નહોતું મળ્યું, પરંતુ એક ફિલ્મમેકર તરીકે રાજ કપૂર કેટલા પરિપક્વ થયા છે એનો અહેસાસ દર્શકોને થયો.  
બે ફિલ્મોમાં રાજ કપૂરને કેવળ કીર્તિ મળી; કલદાર ન મળ્યા,  એટલે નવા ડાયરેક્ટર્સને મોકો આપવાનો તેમનો ઉત્સાહ ઠંડો પડી ગયો. તેમણે ત્રીજી ફિલ્મ ‘બાબુ’ બનાવવાનો નિર્ણય પડતો મૂક્યો. બીરેન ત્રિપાઠીનું ડાયરેક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું. નારાજ થઈ તેઓ આરકે ફિલ્મ્સ છોડીને એડિટર-ડાયરેક્ટર હૃષીકેશ મુખરજીના અસિસ્ટન્ટ બની ગયા.
એમ કહેવાય છે કે You are as good or as bad as your last film.’  નાની ઉંમરે સફળતાનો સ્વાદ ચાખી ગયેલા રાજ કપૂર માટે નિષ્ફળ ફિલ્મમેકરનું ટાઇટલ મોટો આઘાત હતો. અભિનેતા અને બૅનર બન્નેની વિશ્વસનીયતા જોખમમાં હતી. સમય આવી ગયો હતો કે આરકે ફિલ્મ્સ ‘બરસાત’ અને ‘આવારા’ જેવી કમર્શિયલ હિટ ફિલ્મ બનાવે. રાજ કપૂરને એક સફળ અભિનેતા તરીકે અને આરકે ફિલ્મ્સના કર્તાહર્તા તરીકે નિષ્ફળ જવું હવે પરવડે એમ નહોતું. 


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2022 07:07 AM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK