Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શા માટે રાજ કપૂરે ‘બરસાત’માં સંગીતકાર તરીકે રામ ગાંગુલીને બદલે શંકર-જયકિશનને પસંદ કર્યા?

શા માટે રાજ કપૂરે ‘બરસાત’માં સંગીતકાર તરીકે રામ ગાંગુલીને બદલે શંકર-જયકિશનને પસંદ કર્યા?

16 January, 2022 12:01 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

ગૉસિપ કૉલમનિસ્ટોએ તીસરી કસમની નિષ્ફળતાના એક કારણરૂપે રાજ કપૂરની ફિલ્મ માટેની ઉદાસીનતાને જવાબદાર ગણાવી.

શા માટે રાજ કપૂરે ‘બરસાત’માં સંગીતકાર તરીકે રામ ગાંગુલીને બદલે શંકર-જયકિશનને પસંદ કર્યા?

શા માટે રાજ કપૂરે ‘બરસાત’માં સંગીતકાર તરીકે રામ ગાંગુલીને બદલે શંકર-જયકિશનને પસંદ કર્યા?


ફિલ્મ ‘આગ’ની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો હતો એની ‘બોલ્ડ ટ્રીટમેન્ટ’નો. એક હીરો સાથે ત્રણ હિરોઇનવાળી આ ફિલ્મનાં ઉત્કટ પ્રણયદૃશ્યોની રજૂઆત એ સમયે પ્રેક્ષકો માટે એક નવો રોમાંચ હતો. દરેક કલાકાર પોતાની ભૂમિકાને એટલી જીવંત રીતે પ્રકટ કરતો કે પ્રેક્ષકો  ઓતપ્રોત બનીને મનોમન પોતાને જ એ પાત્રમાં જોતા. પૂરી ફિલ્મ કલાકારોની એવી ટીમનું પરિણામ હતું જે કંઈક નવું કરવા, કશું સાબિત કરવા ઉતાવળિયા હતા. કેવળ પડદા પર નહીં, પડદા પાછળ પણ રાજ કપૂર, વિશ્વ મેહરા, બાબુભાઈ ઠક્કર (એડિટર), અરુણ ભટ્ટ (ફિલ્મ પ્રોસેસર) અને બીજા કસબીઓ ૨૦-૨૨ વર્ષના યુવાનો હતા. ‘આગ’ કેવળ ‘વિઝ્‍યુઅલ પ્રેઝન્ટેશન’ માટે નહીં, પરંતુ ટેક્નિકલ રીતે જમાનાથી આગળ હતી. 
સંગીતકાર રામ ગાંગુલી પૃથ્વી થિયેટર્સ સાથે સંકળાયેલા હતા. ‘આગ’માં તેમનું સંગીત હતું. ફિલ્મનાં અનેક ગીતો લોકપ્રિય થયાં. ‘ઝિંદા હૂં ઇસ તરહ કે ગમે ઝિંદગી નહીં’ (મુકેશ), ‘કાહે કોયલ શોર મચાયે રે, મુઝે અપના કોઈ યાદ આયે રે’ (શમશાદ  બેગમ), ‘દેખ ચાંદ કી ઔર મુસાફિર’ (શમશાદ બેગમ - શૈલેશ) ‘આગ’ની સફળતા પછી રાજ કપૂરે નવી ફિલ્મ ‘બરસાત’ની શરૂઆત કરી. સ્વાભાવિક છે કે તેમના સંગીતકાર હતા રામ ગાંગુલી. તો પછી એવું તે શું બન્યું કે તેમને બદલે એ ફિલ્મથી શંકર–જયકિશનનું આરકે ફિલ્મ્સમાં આગમન થયું? એ પૂરો ઘટનાક્રમ વિશ્વ મેહરા પત્રકાર બની રુબેન સાથે શૅર કરતાં કહે છે... 
 ‘શંકર (તબલાં) અને જયકિશન (હાર્મોનિયમ) રામ ગાંગુલીની ઑર્કેસ્ટ્રામાં નિયમિત વગાડતા. બન્ને ખૂબ હોનહાર હતા. એ દિવસોમાં એચએમવીની ૭૫ આરપીએમની થાળી રેકૉર્ડ્સ આવતી. એની ઉપર સંગીતકાર ‘રામ ગાંગુલી’ અને ધૂન બનાવનાર ‘શંકર’ કે ‘જયકિશન’ એવી રીતે નામ પ્રિન્ટ થતું. એ લોકોને ધૂન બનાવવા માટે ૧૫૦ રૂપિયા મળતા. એ સિવાય એક ટેકમાં કામ કરવાના પૈસા અલગ મળતા.
 ‘બરસાત’નાં બે ગીત રેકૉર્ડ થઈ ગયાં હતાં જેની ધૂન આ બન્નેએ બનાવી હતી. એ સમયે ગીતનું રેકૉર્ડિંગ બે વાર થતું. એ દિવસોમાં રેકૉર્ડિંગ-સ્ટુડિયો નહોતા એટલે સ્ટુડિયોના ફ્લોર પર પહેલાં રેકૉર્ડિંગ થતું (પછીથી તાડદેવમાં અને વરલીમાં રેકૉર્ડિંગ  સ્ટુડિયો આવ્યા એમાં થતું). બીજી વાર એ રેકૉર્ડિંગ એચએમવીના સ્ટુડિયોમાં થતું, જેના પરથી કંપનીની કલકત્તા ફૅક્ટરીમાં રેકૉર્ડ તૈયાર કરવામાં આવતી. 
રામ ગાંગુલીએ થોડા મ્યુઝિશ્યન્સનાં વાઉચર મને સાઇન કરવા આપ્યાં હતાં એમાં ગરબડ લાગતી હતી. અધૂરામાં પૂરું હોય એમ જ્યારે અમે એચએમવીના સ્ટુડિયોમાં રિપીટ રેકૉર્ડિંગ માટે ગયા ત્યારે અમને સમાચાર મળ્યા કે રામ ગાંગુલી રાજ કપૂર માટે રિઝર્વ રાખેલી ધૂન બીજાને આપે છે. એ સાંભળીને રાજ કપૂરને ગુસ્સો આવ્યો. મને કહે, ‘આનું કંઈક કરવું પડશે.’ મેં તરત કહ્યું, ‘આમ પણ આ ધૂન શંકર-જયકિશને બનાવી છે તો સંગીતકાર તરીકે તેમનું જ નામ આપી દઈએ.’ રાજ બોલ્યો, ‘યસ, એ જ બરાબર છે.’ તરત મેં મૅનેજમેન્ટને નોટ લખીને આપી કે રેકૉર્ડ પર સંગીતકાર તરીકે શંકર-જયકિશનનું નામ પ્રિન્ટ કરવાનું છે. 
રેકૉર્ડિંગ પતાવીને અમે ઘરે આવ્યા. ડિનર પછી વાતો કરતા હતા ત્યારે રાજને થોડું ગિલ્ટી ફીલ થવા લાગ્યું. આમ પણ તે દિલનો ભાવુક છે. મને કહે, ‘આપણે કાંઈ ખોટું તો નથી કર્યુંને? મને લાગે છે કે સંગીતકાર તરીકે રામનું નામ રહેવા દઈએ.’ મેં ઘસીને ના પાડી દીધી. કહ્યું કે આપણે યોગ્ય નિર્ણય લીધો છે. આ બે  યુવાનોના સંગીતમાં જે ફ્રેશનેસ છે એ બીજે ક્યાંય નહીં મળે. આમ શંકર-જયકિશનની જોડીનો આરંભ થયો. આજે પણ મને એ રાત યાદ છે કે બન્નેને અમે ઘરે બોલાવ્યા અને વહેલી સવાર સુધી પાર્ટી કરી હતી. 
બન્ને સીધાસાદા પણ ખૂબ મહેનતુ હતા. જ્યાં સુધી કામમાં પર્ફેક્શન ન આવે ત્યાં સુધી તેઓ ચેનથી બેસે નહીં. ‘બરસાત’નાં અમુક ગીતોની પ્રિન્ટ લૅબોરેટરીમાંથી પ્રોસેસ થઈને આવી ત્યારે એક પ્રૉબ્લેમ થયો. એનો સાઉન્ડ બરાબર નહોતો. બન્ને ચિંતામાં પડી ગયા. હું અને અરુણ ભટ્ટ તેમના ચહેરા સામે જોતા હતા. અમે એકમેક સામે આંખ મારીને તેમની મસ્તી કરવાનો પ્લાન કર્યો. ગંભીર થઈને મેં શંકરને એક બાજુ લઈ જઈને કહ્યું, ‘મને લાગે છે કે આ સઘળી ગરબડ ‘ઇમ્પોર્ટેડ શુગર’ને કારણે થઈ છે.’
શંકર કહે, ‘એ વળી શું છે?’
મેં એકદમ ભોળા ભાવે કહ્યું, ‘ફિલ્મ પ્રોસેસ કરતી વખતે પ્રિન્ટને સૉલ્યુશનમાં ડુબાવવી પડે. એ સૉલ્યુશનમાં ખાંડ નાખતા હોય છે જેથી સંગીતમાં મીઠાશ આવે. જો એ પ્રમાણસર ન હોય તો પ્રિન્ટ બગડી જાય. જો ઇમ્પોર્ટેડ શુગર નાખવામાં આવે તો રિઝલ્ટ બહુ સારું આવે અને હા, આમાં બેચાર રતલ નહીં, ગૂણી ભરીને ખાંડ નાખવી પડશે.’
મારી વાતને તેણે એટલી ગંભીરતાથી લીધી કે તરત તે બોલ્યો, ‘એમ વાત છે?’ તરત ખિસ્સામાંથી રૂપિયાની નોટોનું બંડલ મારા હાથમાં આપીને કહે, ‘જેટલી ખાંડ જોઈતી હોય એટલી લઈ આવો. અમારાં ગીતોની મીઠાશ માટે અમે કોઈ પણ જાતનું સમાધાન નહીં કરીએ.’ 
વિશ્વ મેહરાની વાત કદાચ માનવામાં ન આવે, પરંતુ વાત એ સાવ સાચી છે. હકીકત એ છે કે શંકર-જયકિશન બન્ને નાના ગામના અને બહુ સાધારણ પરિવારમાંથી આવતા હતા. સંગીત સિવાય બીજી ટેક્નિકલ બાબતોમાં તેમની ચાંચ ડૂબતી નહોતી. બસ, સંગીતક્ષેત્રે કોઈ પણ જાતની બાંધછોડ ન કરવી એ જ તેમનું આખરી ધ્યેય હતું.   
રાજ કપૂરની ફિલ્મોની સફળતા એક વ્યક્તિની નહીં, પૂરી આરકે ફિલ્મ્સની ટીમની છે.  કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે તમે એકમેકને સંભાળી લો છો, આદર કરો છો અને વિશ્વાસ કરો છો ત્યારે ટીમવર્ક એક ડ્રીમવર્ક બની જય છે. ‘હું’ નહીં પણ ‘અમે’ જ્યારે કર્તા બની જાય ત્યારે કર્મનું જ ફળ મળે એ અનોખું હોય છે. એકલદોકલ પ્રતિભાશાળી વ્યક્તિ જીત મેળવી શકે, પરંતુ જો સતત ચૅમ્પિયનશિપ જીતવી હોય તો ટીમવર્ક જોઈએ. એક ક્વોટેશન યાદ આવે છે, ‘If You want to go fast, go alone, but If You want to go far, go together.’ 
રાજ કપૂરની ફિલ્મોનું સંગીત અમરત્વ પ્રાપ્ત કરી ચૂક્યું એમાં તેમની સંગીતની સૂઝબૂઝ સાથે તેમની ટીમ જેમાં શંકર, જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરીની સાથે પડદા પાછળના બીજા અનેક કલાકાર-કસબીઓનો ફાળો છે. એમાંના મોટા ભાગના જીવન પર્યંત આરકે ફિલ્મ્સના પગારદાર હતા. ફિલ્મો માટે તેમનું કામ હોય કે ન હોય, દર મહિને તેમને પગાર ચૂકવવામાં આવતો.    
રાજ કપૂર અને શૈલેન્દ્રની પહેલી મુલાકાત એક મુશાયરામાં થઈ. તેમની કવિતાથી પ્રભાવિત થઈને રાજ કપૂરે શૈલેન્દ્રને ફિલ્મનાં ગીત લખવાનું આમંત્રણ આપ્યું. શૈલેન્દ્ર એ દિવસોમાં સામ્યવાદી વિચારસરણીથી રંગાયેલા હતા. તેમણે ના પાડી. રાજ કપૂરે કહ્યું, ‘તમારી કવિતા ખૂબ ગમી. સમય મળે ત્યારે ઘરે આવજો. નિરાંતે તમને સાંભળવાની ઇચ્છા છે.’ એક દિવસ શૈલેન્દ્ર ઘરે આવ્યા. ફરી એક વાર રાજ કપૂરે ઑફર મૂકી. શૈલેન્દ્ર પોતાની વાત પર કાયમ હતા. તેઓ કોઈ હિસાબે ફિલ્મો માટે ગીત લખવા રાજી નહોતા.  
નાસીપાસ થયા વિના રાજ કપૂરે કહ્યું, ‘ઠીક છે.’ અને એક કવરમાં પૈસા મૂક્યા, સીલ કર્યું અને એના પર શૈલેન્દ્રનું નામ લખ્યું. કહ્યું, ‘આ કવર મારી ઑફિસમાં મૂકી રાખું છું. જ્યારે પણ તમને કોઈ મુશ્કેલી હોય, જરૂર હોય ત્યારે તમે આવજો અને આ કવર લઈ જજો.’ શૈલેન્દ્રએ ત્યાંથી વિદાય લીધી.    
થોડા સમય બાદ શૈલેન્દ્રનો હાથ ખેંચમાં હતો. ઘરે પુત્રજન્મની તૈયારી હતી. ડૉક્ટર અને હૉસ્પિટલનાં બિલ માટે પૈસાની સગવડ કરવાની હતી. તેઓ રાજ કપૂરની ઑફિસ ગયા અને પૈસાનું કવર લઈ આવ્યા. રાજ કપૂરને આ વાતની ખબર પડી, પરંતુ તેમણે શૈલેન્દ્રનો સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. 
થોડા દિવસ પછી શૈલેન્દ્ર થોડી કવિતા લઈને આવ્યા અને રાજ કપૂરના હાથમાં આપતાં કહ્યું, ‘આ તમારા માટે છે.’ રાજ કપૂર કહે, ‘એની જરૂર નથી.’ સ્વાભિમાની શૈલેન્દ્ર બોલ્યા, ‘તમને એવું લાગે છે કે હું ચૅરિટી પર જીવું છું?’ 
એ દિવસથી શૈલેન્દ્રની આરકે ફિલ્મ્સમાં એન્ટ્રી થઈ. એ સંગીતમય સફર વર્ષો સુધી ચાલી. એક કમનસીબ ક્ષણે શૈલેન્દ્ર ફિલ્મનિર્માતા બનવાનો નિર્ણય કરી બેઠા. ‘તીસરી કસમ’ એક અદ્ભુત ફિલ્મ હોવા છતાં ટિકિટબારી પર સદંતર નિષ્ફળ ગઈ અને શૈલેન્દ્ર ઊંડા કરજમાં ડૂબી ગયા. ‘તીસરી કસમ’ના નિર્માણ દરમ્યાન જે તકલીફો આવી એ તેઓ જીરવી ન શક્યા. રાજ કપૂરે એ ફિલ્મમાં દોસ્તીદાવે એક પણ પૈસો લીધા વિના કામ કર્યું.
ગૉસિપ કૉલમનિસ્ટોએ ફિલ્મની નિષ્ફળતાના એક કારણરૂપે રાજ કપૂરની ફિલ્મ માટેની ઉદાસીનતાને જવાબદાર ગણાવી. એક જાણીતા પ્રવક્તાએ પોતાના કાર્યક્રમમાં ‘તીસરી કસમ’ના ગીતની ભૂમિકા બાંધતાં કહ્યું, ‘ફિલ્મના નિર્માણ દરમ્યાન રાજ કપૂર સહકાર નહોતા આપતા. એક દિવસ તબિયતનું બહાનું કાઢીને  તેઓ શૂટિંગમાં ન આવ્યા એટલે કંટાળીને શૈલેન્દ્ર ચેમ્બુર ગયા. ત્યાં રાજ કપૂર શરાબ અને સુંદરી સાથેની મહેફિલમાં મસ્ત હતા. આ દૃશ્ય જોઈને શૈલેન્દ્રને આઘાત લાગ્યો અને પાછા  ફરતાં આક્રોશમાં  પંક્તિઓ  લખી, ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ  જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ.’ શૈલી શૈલેન્દ્ર સાથેની મારી વાતચીતમાં તેમણે મને કહ્યું, 
‘પાપા અને રાજઅંકલના સંબંધ આટલા છીછરા નહોતા. લોકો મનઘડંત વાતો કરે છે. રાજઅંકલ અમારે માટે પિતા સમાન  હતા.’ 
રાજ કપૂર પૈસાના જોરે લોકોને મજબૂર કરતા હતા એવી વાતો હિતશત્રુઓ તરફથી અનેક વાર ફેલાવવામાં આવતી. એથી વિપરીત રાજ કપૂર સ્વભાવે દિલદાર હતા. તેમની નજીકના વર્તુળમાં તેમની ગણના ઉદાર નહીં, પરંતુ ઉડાઉ તરીકે થતી. તેમની દરિયાદિલીના અનેક કિસ્સા છે. એક ઇન્ટરવ્યુમાં અભિનેતા રાશિદ ખાન (નવકેતનની દરેક ફિલ્મના કલાકાર અને દેવ આનંદના ફેવરિટ કૅરૅક્ટર આર્ટિસ્ટ) કહે છે...
‘દરેકને એમ થાય કે ફિલ્મોની કમાણી ઉપરાંત બીજી ઉપરની આવક હોય તો કામ લાગે. મેં પણ એમ વિચારીને તમાકુનો ધંધો શરૂ કર્યો. એક આખું વૅગન ભરીને ટ્રેનમાં માલ મગાવ્યો, પણ એ છોડાવવાના પૈસાની સગવડ ન થઈ શકી. હું મારા ઓળખીતા, બહુ મોટા પ્રોડ્યુસર પાસે મદદ માટે ગયો. તેમણે અડધો કલાક તમાકુનો ધંધો કેટલો ખરાબ છે  એના પર ભાષણ આપ્યું અને પછી ના પાડી દીધી. 
‘મને ખબર નથી હું શું કામ રાજ કપૂર પાસે ગયો. મેં તેમની એક પણ ફિલ્મમાં કામ નહોતું કર્યું. કદાચ હું એકદમ ડેસ્પરેટ હતો. તેમણે શાંતિથી મારી વાત સાંભળીને કહ્યું, ‘તારે કેટલા પૈસા જોઈએ છે?’ ડરતાં-ડરતાં મેં રકમ કહી. તરત તેમણે મૅનેજરને પૈસા આપવાનું કહ્યું. 
હું તેમના ઉપકાર હેઠળ એટલો દબાયેલો હતો કે શું કહેવું એ મને સૂઝતું નહોતું. ધીમા અવાજમાં મેં કહ્યું, ‘મારે કેટલા સમયમાં આ પૈસા પાછા આપવાના છે?’ જવાબ મળ્યો, ‘એની જરૂર નથી. આ તારો સાઇનિંગ અમાઉન્ટ છે. જ્યારે તારા માટે મારી પાસે યોગ્ય રોલ હશે ત્યારે તને બોલાવી લઈશ.’

ગૉસિપ કૉલમનિસ્ટોએ તીસરી કસમની નિષ્ફળતાના એક કારણરૂપે રાજ કપૂરની ફિલ્મ માટેની ઉદાસીનતાને જવાબદાર ગણાવી. એક પ્રવક્તાએ પોતાના કાર્યક્રમમાં કહેલું ‘ફિલ્મના નિર્માણ દરમ્યાન રાજ કપૂર સહકાર નહોતા આપતા. એક દિવસ તબિયતનું બહાનું કાઢીને  તેઓ શૂટિંગમાં ન આવ્યા એટલે કંટાળીને શૈલેન્દ્ર ચેમ્બુર ગયા. ત્યાં રાજ કપૂર શરાબ અને સુંદરી સાથેની મહેફિલમાં મસ્ત હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 12:01 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK