Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉમ્પિટિશનમાં સફળતા મળી છતાં બાબુકાકાએ કેમ મન્ના ડેને તાલીમ આપવાનું બંધ કર્યું?

કૉમ્પિટિશનમાં સફળતા મળી છતાં બાબુકાકાએ કેમ મન્ના ડેને તાલીમ આપવાનું બંધ કર્યું?

20 June, 2021 01:07 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

મારા મનમાં એક વહેમ ભરાઈ ગયો કે સચિન દેવ બર્મન અને કે. સી. ડે પછી જો બીજો કોઈ પ્રતિભાશાળી કલાકાર હોય તો એ હું છું. - મન્ના દા

મગ્ન થઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહેલા મન્ના દા.

મગ્ન થઈને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહેલા મન્ના દા.


Life must be lived forwards but can only be understood backwards.
--- Soren Kirkguard


જે વ્યક્તિ પોતાના ભૂતકાળને સદંતર ભૂલી જાય છે તેનું ભવિષ્ય ઝાઝું યાદ કરવા જેવુ હોતું નથી. ભવિષ્યની સમજણ ત્યારે જ કેળવાય જ્યારે  ભૂતકાળની ઉપેક્ષા નહીં, પણ એની સમીક્ષા કરવામાં આવે. જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તમે અતીતને પોતાના વર્તમાન કરતાં વધુ મૂલ્યવાન ગણવા માંડો છો.

મન્નાદા સાથેની મુલાકાતોમાં મને એક વાતનો અહેસાસ થયો કે વીતેલા દિવસોની યાદોને તેઓ ઉત્કટતાથી ફરી પાછા જીવી રહ્યા હતા. પોતાની  સફળતા માટે તેઓ કાકા કે. સી. ડેના પ્રદાનને ખૂબ મહત્ત્વનું ગણતા. મારી સાથેની વાતચીતમાં તેમનો બાબુકાકા પ્રત્યેનો અહોભાવ કોઈ ને કોઈ રીતે પ્રકટ થયા કરતો. જોકે એક સમય એવો આવ્યો કે બાબુકાકાએ મન્નાદાની સદંતર ઉપેક્ષા કરવાનું નક્કી કર્યું. આ અચાનક નહોતું બન્યું. તેમના સ્વભાવમાં એ પરિવર્તન હતું કે પછી એ કોઈ  સમજીવિચારીને કરેલો નિર્ણય હતો? આ મહત્ત્વની ઘટના જાણે ગઈ કાલે જ ન બની હોય એ રીતે ક્રમવાર એને યાદ કરતાં મન્નાદા બાળપણમાં સરી પડતાં કહે છે...  
‘ઘણી વાર એવું બનતું કે હું બાબુકાકા સાથે સંગત કરતો હોઉં ત્યારે અંદરથી એક ધીમો અવાજ મારા કાનમાં ફૂંક મારીને કહે, ‘મન્ના, તારા મિત્રો મૅચ રમવા જઈ રહ્યા છે. આવો સરસ મોકો તારે ગુમાવી દેવો છે? જો, આકાશમાં ઊડતી પતંગ તારી રાહ જુએ છે. ચલ ભાગ. આ મ્યુઝિકરૂમમાં સમય વેડફી નાખીશ તો પછીથી પસ્તાવાનો વારો આવશે.’ આવી લાલચ મારા મનનો કબજો લઈ લેતી અને હું ત્યાંથી ભાગી છૂટવાનો વિચાર કરતો ત્યારે સંગીત મને રોકતું. ઘણી વાર એવું બનતું કે ફુટબૉલની કોઈ મૅચ રમતાં હું બૉલ કેવી રીતે પાસ કરવો એના વિચાર કરતાં-કરતાં રાગ બસંતની ધૂન ગણગણતો. આવું વારંવાર થતું અને એ પણ અનાયાસ. કોઈ વાર પતંગ ઉડાડતાં હું પૅચ લડાવવાનું ભૂલીને કોઈ ગીત ગાવાનું શરૂ કરી દેતો.’

‘કૉલેજમાં રિસેસ દરમ્યાન અમે સૌ ટોળે વળતા અને  બેન્ચ પર જોરશોરથી તાલ આપતા અને હું ગીતો ગાતો. બાકીના રિધમ સાથે તાળી વગાડતા. કોઈ સાઇકલની બેલ વગાડતું. મને પ્રેમગીતો બેહદ પસંદ હતાં. એ દિવસોમાં હું સચિનદાનાં ગીતો તેમની જ સ્ટાઇલમાં ગાતો. કૉલેજના દિવસોમાં હું ઇંગ્લિશ ગીતોના પરિચયમાં આવ્યો. એનું સંગીત, રિધમની પૅટર્ન, ગાયકી સઘળું મારા માટે સાવ નવું હતું છતાં મને એ ગમતું. ધીમે-ધીમે હું એ ગીતો ગાવા લાગ્યો. પરિણામસ્વરૂપ ચારે તરફ મારી વાહ-વાહ થવા લાગી. મારા મનમાં એક વહેમ ભરાઈ ગયો કે સચિન દેવ બર્મન અને કે. સી. ડે પછી જો બીજો કોઈ પ્રતિભાશાળી કલાકાર હોય તો એ હું છું.’
‘અને ત્યારે એક એવી ઘટના બની જેણે મને આસમાન પરથી ધરતી પર લાવી દીધો. બન્યું એવું કે ઇન્ટર કૉલેજિયેટ મ્યુઝિક કૉમ્પિટિશનની દરેક કૅટેગરીમાં મારા મિત્રોએ મારું નામ લખાવી દીધું. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે હું ડરી ગયો. મસ્તી કરતાં-કરતાં ગીતો ગાવાં એ અલગ  વાત હતી. આમાં તો પ્રોફેશનલ સિંગર્સ જેવો પર્ફોર્મન્સ આપવો પડે. જો હું હારી જાઉં તો મારો જે દબદબો હતો એનું શું થાય? આમાંથી છટકવું કેવી રીતે? મારો અહમ્ મને રોકતો હતો કે હું તેમને સાચી વાત કહું. મેં એક યુક્તિ કરી. મેં મિત્રોને કહ્યું કે તમે મારું નામ પાછું ખેંચી લો, કારણ કે બાબુકાકા મને જાહેરમાં ગાવા માટે રજા નહીં આપે.’
‘મારી વાત સાંભળતાં જ એ લોકો અકળાઈ ગયા અને કહ્યું, ‘એ હવે શક્ય નથી. છેલ્લી ઘડીએ અમે બીજા કોનું નામ લખાવીએ? આમેય તારા સિવાય બીજું છે કોણ? જો કોઈ ભાગ ન લે તો કૉલેજની ઇમેજ કેટલી ખરાબ થાય એની તને ખબર છે? અને હા, અમને એ સમજાતું નથી કે બાબુકાકાને તું જાહેરમાં પર્ફોર્મન્સ આપે એની સામે વાંધો શું છે? અમારે તેમને મળીને એનો જવાબ જોઈએ છે.’
વાત આટલી આગળ વધી જશે એની મને કલ્પના નહોતી. મેં કહ્યું કે તેમને મળવાનો કોઈ અર્થ નથી, પરંતુ તેઓ માન્યા નહીં. એ લોકો બાબુકાકાને મળ્યા અને પૂરી વાત સમજાવી. બાબુકાકાએ મારો પક્ષ લીધો અને કહ્યું, ‘મન્નાની વાત સાચી છે. તે કેવી રીતે પબ્લિક-પર્ફોર્મન્સ આપી શકે? તેણે સંગીતની કોઈ ફૉર્મલ ટ્રેઇનિંગ લીધી નથી. માફ કરજો, હું તેને રજા ન આપી શકું.’ 
પરંતુ મારા મિત્રો સહેલાઈથી વાતનો કેડો મૂકે એમ નહોતા. તેમણે બાબુકાકાને કહ્યું, ‘પ્રબોધ ખૂબ સારું ગાય છે. તમને કદાચ ખબર નથી; તમારી જ નહીં, સચિનદાના અવાજની અને સ્ટાઇલની જે કૉપી કરે છે એ સાંભળવા જેવી છે. અમને વિશ્વાસ છે કે તે ગમે એમ કરીને ‘મૅનેજ’ કરી લેશે.’
એટલું સાંભળતાં બાબુકાકા ગુસ્સે થઈ ગયા, ‘શું કહ્યું? તે ‘મૅનેજ’ કરી લેશે? એનો અર્થ એમ કે દુનિયાની સામે મારો ભત્રીજો ‘સેકન્ડ રેટ પર્ફોર્મન્સ’ આપીને ‘મૅનેજ’ કરી લેશે? બિલકુલ નહીં. મહેરબાની કરીને હું મારી ધીરજ ગુમાવીને કંઈક કરી બેસું એ પહેલાં ચૂપચાપ અહીંથી જતા રહો.’ 
મને થયું કે વાત અહીં પતી જશે, પણ ના, કિસ્મતમાં કંઈક બીજું જ લખાયું હતું. બાબુકાકાએ ખખડાવ્યા છતાં મિત્રો હાર માનવા  તૈયાર નહોતા. તેઓ પ્રિન્સિપાલ પાસે ગયા. ઈશ્વર હમેશાં તેની વાત સાંભળે છે જેના ઇરાદા સાચા અને સારા હોય. તેમણે મને બોલાવ્યો અને કહ્યું, ‘બેટા, તું જ મને કહે. તારે કૉમ્પિટિશનમાં ભાગ લેવો છે કે નહીં?’ તેમના ચહેરા પરની નિખાલસતા અને મારા પ્રત્યેની લાગણીનો પડઘો આ શબ્દોમાં હતો. રૂમમાં હાજર રહેલા મિત્રોના કાન મારો જવાબ સાંભળવા આતુર હતા. મારા મનમાં થોડો ડર હતો, પરંતુ સંગીતનો લગાવ એના પર ભારે હતો. મેં ‘હા’ પાડી ત્યારે મને ખબર નહોતી કે મારી પસંદગી સાચી હતી કે ખોટી?’
મારો અનુભવ છે કે Mannada is a very good orator.  અવાજના આરોહ-અવરોહથી તેઓ વાતની એટલી સરસ રીતે રજૂઆત કરે કે એ દૃશ્ય તમારી નજર સામે જીવંત થઈ જાય. અમારી વાતો ચાલતી હતી ત્યાં સિરિયલમાં  અચાનક કમર્શિયલ બ્રેક આવે એમ ટી-બ્રેક આવ્યો. નોકર ચા-નાસ્તો લઈને આવ્યો. મન્નાદા જ્યારે આ કિસ્સો મારી સાથે શેર કરી રહ્યા હતા ત્યારે તેમના હાવભાવ અને અવાજ પરથી લાગતું હતું કે આ ઘડીએ તેઓ એ દૃશ્ય જીવી રહ્યા છે. પ્રિન્સિપાલને હા તો પાડી, પરંતુ એ ક્ષણે તેમની માનસિક સ્થિતિ લોલકની જેમ હશે જે સતત હકીકતની વચ્ચે ઝૂલતું હતું. આમ પણ જીવનમાં એમ લાગે કે આ નિર્ણય ખોટો છે ત્યારે ખબર નથી હોતી કે એ જ નિર્ણય આપણને સાચી પસંદગીની દિશા તરફ લઈ જતો હોય છે.
અધૂરી વાતનું અનુસંધાન સાંધતાં મન્નાદા આગળ કહે છે, ‘મારી ‘હા’ સાંભળીને પ્રિન્સિપાલે બાબુકાકા પર એક પત્ર લખ્યો અને તેમની અનુમતિ માગી. પત્ર મળતાં બાબુકાકાએ મને કહ્યું, ‘હું તને પૂછું છું કે શું તારે આ કૉમ્પિટિશનમાં ભાગ લેવો છે?’
મેં ધીમેથી કહ્યું, ‘હા, પરંતુ જો તમે મને ટ્રેઇનિંગ આપો તો જ.’
તેમણે કહ્યું, ‘ભલે, પણ મારી બે શરત છે; એક, તારે દરેક કૅટેગરીમાં ભાગ લેવો પડશે અને બીજું, બે મહિના સુધી તારે સખત પ્રૅક્ટિસ કરવી પડશે.’ આમ વિધિવત્ તેમના શિષ્ય તરીકે મારી ટ્રેઇનિંગ શરૂ થઈ. બે મહિના બાદ તેમના આશીર્વાદથી કૉમ્પિટિશનની દરેકેદરેક કૅટેગરીમાં મેં ભાગ લીધો. એમાંની ધ્રુપદ, ધમાર, ખયાલ, ભજન, કીર્તન, બાઉલ, ભટિયાલી, ટપ્પા અને ગઝલની શ્રેણીમાં  હું પ્રથમ સ્થાને અને ઠૂમરી, મૉડર્ન સૉન્ગ્સ કૅટેગરીમાં બીજા સ્થાને આવ્યો. મારા જીવનનો આ પહેલો ‘પબ્લિક પર્ફોર્મન્સ’ હતો. કૉલેજમાં રાતોરાત હું એક ‘સેલિ‌બ્રિટી’ બની ગયો. 
જોકે હું એટલો ખુશ નહોતો. મારા મનમાં એક ખટકો હતો કે શા માટે બાકીની કૅટેગરીમાં હું પ્રથમ સ્થાને ન આવ્યો. મેં નિશ્ચય કર્યો કે આવતા વર્ષે હું દરેકમાં પહેલો આવીશ અને ત્યાર બાદ સતત ત્રણ વર્ષ હું દરેક કૅટેગરીમાં અવ્વલ આવ્યો. મારી આ અચીવમેન્ટ માટે મને એક ચાંદીનો તાનપૂરો એનાયત કરવામાં આવ્યો હતો. થોડાં વર્ષો પહેલાં મારા કૉલેજના એક મિત્રે મને કહ્યું, ‘આજની તારીખમાં પણ તારી એ વિજયગાથાની વાતો યાદ કરવામાં આવે છે.’ 
મને હતું કે મારી આવી સિદ્ધિ બદલ પરિવાર તરફથી મને સંગીતના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે, પરંતુ મોટા કાકા મને સતત વકીલાત માટે આગ્રહ કરતા રહ્યા. મને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે મેં બાબુકાકાને કહ્યું કે પહેલા જ વર્ષે કૉમ્પિટિશનમાં આટલી સફળતા મેળવી છે તો તમે મારી તાલીમ ચાલુ રાખો ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘હાલ પૂરતું આટલું બસ છે. હવે તારી તાલીમ બંધ. ભવિષ્યમાં જોઈશું શું કરવું છે.’
બાબુકાકા તરફથી આવા જવાબની મેં આશા નહોતી રાખી. મને હતું કે તેઓ મારી મહેનત જોઈને ખુશ થયા હશે. હું સાવ ભાંગી પડ્યો. મનોમન મારી જાતને કોસતો રહ્યો. હું બીજા કોઈ પરિવારમાં જન્મ્યો હોત તો મને કેટલું પ્રોત્સાહન મળ્યું હોત. બાબુકાકા આવી વાતો કરશે એવી મેં કલ્પના જ નહોતી કરી. 
બાબુકાકા મને અવૉઇડ કરતા હતા એ વાતની મારા પર ખરાબ અસર થઈ હતી. હું સમજી નહોતો શકતો કે અચાનક કેમ આવું થયું? શું કૉમ્પિટિશનમાં ભાગ લઈને મેં મોટી ભૂલ કરી હતી? તેમણે જો એ સમયે જ ના પડી હોત તો હું ભાગ ન લેત. જ્યારે મેં દિલ દઈને રિયાઝ કર્યો અને સફળતા મેળવી ત્યાર બાદ તેમનું આવું વર્તન મારા માટે અસહ્ય બન્યું હતું. જોકે સમય જતાં મને સમજાયું કે તેઓ મારી પરીક્ષા લેતા હતા. જાણે મને ચૅલેન્જ આપીને કહેતા હોય કે મારે જોવું છે કે સંગીત માટે તને કેવો અને કેટલો લગાવ છે. કૉલેજમાં મળેલી આ વાહવાહીથી તું સંતષ્ટ છે કે તારે એક સફળ ગાયક તરીકે પોતાની જાતને એસ્ટૅબ્લિશ કરવી છે. જો તું પોતે એક અલગ ઓળખ ઊભી કરવા ન માગતો હોય તો પછી મારે મારો કીમતી સમય તારી પાછળ નથી બગાડવો. 

તેમની આ ઉપેક્ષા એ મારા માટે એક મોટો પડકાર હતો. મેં નક્કી કર્યું કે હવે તો સંગીતને જ મારી કરીઅર બનાવવી છે. જોકે કુસ્તી માટેનું મારું આકર્ષણ પણ એટલું જ પ્રબળ હતું. એમાં ‘blessings  in disguise’ જેવી એક વાત બની. મારી આંખો નબળી થતી જતી હતી. ચશ્માં વિના મારી દૈનિક પ્રવૃત્ત‌િ  મુશ્કેલ હતી. એક દિવસ મૅચ રમતાં-રમતાં મારાં ચશ્માં તૂટી ગયાં અને બન્ને આંખની નીચે કાચની કરચ ઘૂસી ગઈ. જરાક માટે મારી આંખ બચી ગઈ. એ ઉપરાંત મારી વધુ પડતી ‘ફિઝિકલ એક્સરસાઇઝ’ને કારણે મારા ‘વોકલ કોર્ડ’ પર ખરાબ અસર પડવા લાગી. સમય આવી ગયો હતો કે મારે ‘સ્પોર્ટ્સ’ અને ‘મ્યુઝિક’માંથી એકને પસંદ કરવું પડશે. મેં સંગીત પર મહોર મારી. રહી વાત બાબુકાકાની, તો મને એક વાતનો ભરોસો હતો કે આજે નહીં ને કાલે, હું તેમને મનાવી લઈશ. એ માટે મારે જે પરિશ્રમ કરવો પડશે એ માટે હું તૈયાર હતો.’

કૉલેજના દિવસોમાં હું ઇંગ્લિશ ગીતોના પરિચયમાં આવ્યો. એનું સંગીત, રિધમની પૅટર્ન, ગાયકી સઘળું મારા માટે સાવ નવું હતું છતાં મને એ ગમતું. ધીમે-ધીમે હું એ ગીતો ગાવા લાગ્યો. પરિણામસ્વરૂપ ચારે તરફ મારી વાહ-વાહ થવા લાગી. મારા મનમાં એક વહેમ ભરાઈ ગયો કે સચિન દેવ બર્મન અને કે. સી. ડે પછી જો બીજો કોઈ પ્રતિભાશાળી કલાકાર હોય તો એ હું છું. 
 - મન્ના દા

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2021 01:07 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK