Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્ટીમરમાં અંગત સામાન તરીકે ઍરોપ્લેન લાવનાર તે પારસી યુવાન હતો કોણ?

સ્ટીમરમાં અંગત સામાન તરીકે ઍરોપ્લેન લાવનાર તે પારસી યુવાન હતો કોણ?

Published : 04 January, 2025 12:28 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મૂળ યોજના હતી ૧૯૩૨ના સપ્ટેમ્બરની ૧૫મીએ આ વિમાનને મુંબઈથી ઉડાડીને વિમાન સેવા શરૂ કરવાની. પણ એના થોડા દિવસ પહેલાં મુંબઈમાં ભારે વરસાદ થયો અને જેમ-તેમ કરીને જે કામચલાઉ રનવે બનાવ્યો હતો એના પર પાણી ફરી વળ્યાં એટલે ૧૫ સપ્ટેમ્બરની તારીખ તો પડતી મૂકવી પડી

મુંબઈમાં ઉતરાણ કર્યા પછી જે.આર.ડી. તાતા સાથીઓ સાથે

ચલ મન મુંબઈનગરી

મુંબઈમાં ઉતરાણ કર્યા પછી જે.આર.ડી. તાતા સાથીઓ સાથે


તારીખ-વાર તો નોંધાયાં નથી પણ ૧૯૩૨ના સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં મુંબઈની ગોદીમાં કેટલાય લોકોએ એક કૌતુક જોયું. લૉઇડ ટ્રિસ્ટીનો નામની કંપનીનું એક જહાજ, નામે વિક્ટોરિયા આવીને બેલાર્ડ પિયર પર નાંગર્યું. એ રવાના થયું હતું ઇટલીના નેપલ્સ બંદરેથી. એ જમાનામાં વિદેશની મુસાફરી માટે જહાજ સિવાય બીજું કોઈ સાધન હતું નહીં એટલે જહાજ મુસાફરોથી ભરપૂર હતું પણ નવી નવાઈની વાત એ હતી કે એ જહાજના તૂતક પર બે નાનકડાં ઍરોપ્લેન પાંખો વાળીને (ફોલ્ડ કરીને) બેઠાં હતાં અને એ બન્ને ઍરોપ્લેન આવ્યાં હતાં બે મુસાફરોના અંગત સામાન તરીકે. જહાજના ભડંકિયામાં બીજા સામાન સાથે તો એ મુકાય એમ નહોતું એટલે કંપનીએ એમને તૂતક પર રાખવાની ખાસ મંજૂરી આપી હતી. બેલાર્ડ પિયર પર બીજા સામાન સાથે એ બન્ને ટચૂકડાં પ્લેનને પણ ઉતારવામાં આવ્યાં પણ હવે બેલાર્ડ પિયરની બહાર લઈ જવાં કઈ રીતે? રસ્તો એક જ હતો, બન્ને ઍરોપ્લેનને એની પાંખો ફોલ્ડ કરીને બે બળદગાડાંમાં ગોઠવવામાં આવ્યાં અને પછી એ બે ગાડાં ધીમે-ધીમે, ધીમે-ધીમે ચાલતાં પહોંચ્યાં વિલે પાર્લે. મુંબઈના રસ્તાઓ પરથી એ ગાડાં પસાર થતાં હતાં ત્યારે બહુ ઓછાને ખ્યાલ આવ્યો હતો કે આ ગાડાંને પ્રતાપે થોડા દિવસમાં આ દેશમાં રચાવાનો છે એક નવો ઇતિહાસ.


પણ એ ઇતિહાસ વિશે વાત કરીએ એ પહેલાં થોડી વાત પેલા જહાજ વિશે અને થોડી વાત પેલાં બચૂકડાં ઍરોપ્લેન વિશે. વિક્ટોરિયા નામના જહાજના બાંધકામની શરૂઆત થઈ હતી ૧૯૩૦ના મે મહિનાની ત્રીજી તારીખે. અને બંધાઈ રહ્યા પછી એણે પહેલો પ્રવાસ કર્યો ૧૯૩૧ના જૂન મહિનાની ૨૭મી તારીખે. એ પ્રવાસ હતો ઇજિપ્તના ઍલેક્ઝાન્ડ્રિયા સુધીનો. એ વખતે બીજાં બધાં જહાજો કરતાં આ જહાજ ઘણી રીતે જુદું તરી આવતું હતું. કલાકના વીસ દરિયાઈ માઇલની એની ઝડપ એ વખતનાં બીજાં જહાજો કરતાં વધારે હતી. ફર્સ્ટ ક્લાસની કૅબિનોમાં ઍર-કન્ડિશનિંગની સગવડ આપનાર એ પહેલવહેલું જહાજ હતું. આ જહાજ એવું તો દેખાવડું હતું કે લોકો એને ‘સફેદ તી’ર, ‘સફેદ કબૂતર’, ‘મહારાજાઓનું જહાજ’, જેવાં હુલામણાં નામે ઓળખતા. એ પછી ઘણાં વર્ષો સુધી જુદા-જુદા દરિયાઈ માર્ગો પર આ જહાજ મુસાફરી કરતું રહ્યું પણ પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૨ના જાન્યુઆરીની ૨૪મી તારીખે બ્રિટિશ નૌકાસૈન્ય અને હવાઈદળના હુમલામાં એ સપડાયું અને એ જ દિવસે સાંજે લગભગ સાત વાગ્યે ૨૪૯ ખલાસીઓ અને અફસરોને લઈને એણે જળસમાધિ લીધી.



જે બે નાનકડાં સિંગલ એન્જિન પસ મોથ વિમાનો સ્ટીમર પર ચડીને મુંબઈના બેલાર્ડ પિયર પર ઊતર્યાં એ બ્રિટનની મેરીલૅન્ડ નામની કંપની બનાવતી હતી. ૧૯૨૯થી ૧૯૩૩ સુધી કંપનીએ આ પ્રકારનાં ૨૮૪ વિમાન બનાવ્યાં. એમાં આગલા ભાગમાં વિમાનચાલક કહેતાં પાઇલટને બેસવાની વ્યવસ્થા હતી અને પાછલા ભાગમાં કાં તો બે મુસાફરો બેસી શકે અથવા તો તેમને બદલે માલસામાન મૂકી શકાય. આ વિમાન ૨૫ ફીટ લાંબું હતું અને એની ઊંચાઈ સાત ફીટ જેટલી હતી. એની એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા સુધીની લંબાઈ ૩૬ ફીટ હતી.  અને નવીનતા એ હતી કે બન્ને પાંખોને સંકેલી લેવાની એટલે કે ફોલ્ડ કરવાની સગવડ હતી, અને એને લીધે એ વિમાનનું કદ ઘણું ઘટાડી શકાતું. વિમાનને ઊડવા માટે બે પંખા હતા. અને આજે આપણને નવાઈ લાગે પણ એ બન્ને પંખા લાકડાના બનેલા હતા. આ પ્લેનની ઊડવાની ઝડપ કલાકના ૧૨૮ માઇલ હતી જે એ વખતે ઘણી વધુ ગણાતી અને એ એક વાર ઈંધણ ભર્યા પછી ૩૦૦ માઇલ જેટલું ઊડી શકતું.


ચતુર સુજાણ વાચક જરૂર સવાલ પૂછશે કે વિમાનો ખરીદેલાં લંડનથી અને વિક્ટોરિયા સ્ટીમરમાં ચડાવ્યાં ઇટલીના નેપલ્સ બંદરેથી, એમ કેમ? એનો પણ નાનકડો ઇતિહાસ છે. વિમાન ખરીદનારની મૂળ યોજના તો જાતે પ્લેન ઉડાડીને લંડનથી મુંબઈ લાવવાની હતી. એક વાર ઈંધણ ભર્યા પછી પ્લેન વધુમાં વધુ ત્રણસો માઇલ ઊડી શકે એટલે રસ્તામાં ઘણી જગ્યાએ રોકાવું પડે. પોતાની યોજના પ્રમાણે ખરીદનારે પ્લેન જાતે ઉડાડીને લંડનથી નેપલ્સ તો પહોંચાડ્યું પણ ત્યાં તો એ ખરીદનારને આવ્યો તાવ. છતાં નેપલ્સથી જાતે પ્લેન ઉડાડ્યું તો ખરું પણ દસ જ મિનિટમાં સમજાઈ ગયું કે આ રીતે તાવ સાથે પ્લેન ઉડાડાય નહીં. એટલે નેપલ્સ પાછા આવ્યા અને ત્યાંથી પત્ની અને પોતે વિક્ટોરિયા સ્ટીમરમાં બેઠાં અને બન્ને પ્લેનને પણ અંગત સામાન તરીકે સાથે લીધાં. જો એ દિવસે તાવ ન આવ્યો હોત તો આપણા દેશની વિમાન-સર્વિસનો ઇતિહાસ જરા જુદી રીતે લખાયો હોત.  

બન્ને વિમાનો મુંબઈ તો પહોંચી ગયાં પણ પછી બીજી મુશ્કેલી ઊભી થઈ. મૂળ યોજના હતી ૧૯૩૨ના સપ્ટેમ્બરની ૧૫મીએ આ વિમાનને મુંબઈથી ઉડાડીને વિમાન સેવા શરૂ કરવાની. પણ એના થોડા દિવસ પહેલાં મુંબઈમાં ભારે વરસાદ થયો અને જેમ-તેમ કરીને જે કામચલાઉ રનવે બનાવ્યો હતો એના પર પાણી ફરી વળ્યાં એટલે ૧૫ સપ્ટેમ્બરની તારીખ તો પડતી મૂકવી પડી અને પછી પહેલી ફ્લાઇટ ૧૯૩૨ના ઑક્ટોબરની ૧૫મીએ ઊપડી, પણ એ મુંબઈથી નહીં; એ ઊપડી કરાચીથી, રસ્તામાં અમદાવાદ રોકાઈ અને પછી મુંબઈના જુહુ ઍરોડ્રોમ પર ઊતરી. પહેલાં તો આકાશમાં જાણે મોટું મગતરું ઊડતું હોય એવું દેખાયું. એ જેમ-જેમ નીચે અને પાસે આવતું ગયું તેમ-તેમ મોટું ને મોટું દેખાવા લાગ્યું. વિલે પાર્લેમાં બનાવેલી હવાઈ પટ્ટીને છેડે એક ઝૂંપડું હતું. માથે છાપરું તો કે તાડનાં સૂકાં પાંદડાંનું. ઝૂંપડાની બહાર એક પાટિયું લટકતું હતું. એના પર લખ્યું હતું : Tata Air Services. થોડી વાર પછી વિમાન ઊભું રહ્યું અને એમાંથી ઊતર્યો એક ૨૮ વરસનો તરવરતો પારસી યુવાન. સાથે લાવ્યો હતો આજના ૨૫ કિલો જેટલી ટપાલ ભરેલા કોથળા.  


પણ પહેલી ફ્લાઇટ માટે કરાચી કેમ પસંદ કર્યું હશે? એનું કારણ એ કે એ વખતે બ્રિટનથી આવતી ટપાલ કરાચી સુધી બ્રિટનની ઍર સર્વિસના વિમાનમાં આવતી પણ પછી ત્યાંથી આખા દેશમાં એને ટ્રેન રસ્તે જુદા-જુદા શહેરોમાં પહોંચાડવી પડતી. જે ટ્રેનમાં ટપાલનો ડબ્બો જોડાય એ ટ્રેનના નામમાં ‘મેલ’ શબ્દ ઉમેરાતો. જેમ કે પંજાબ મેલ, ગુજરાત મેલ, વગેરે. એટલે કરાચી આવેલી ટપાલ વિમાન દ્વારા મુંબઈ અને મદ્રાસ પહોંચાડી શકાય એ હેતુથી પહેલી ફ્લાઇટ અને પહેલી સર્વિસ કરાચી-મુંબઈ-મદ્રાસની શરૂ કરવામાં આવી. એ વખતે કરાચીમાં હવાઈ પટ્ટી નહોતી એટલે એક પહોળા રસ્તા પરથી પ્લેન ઊડ્યું હતું. એ ફ્લાઇટ અમદાવાદ નજીકના એક ખેતરમાં રોકાઈ ત્યારે ચાર ગૅલન જેટલું ઈંધણ ગાડામાં ભરીને પ્લેન સુધી લાવવામાં આવ્યું અને પછી એને એ નાનકડા પ્લેનની ટાંકીમાં રેડવામાં આવ્યું. અમદાવાદથી ઊપડ્યા પછી બપોરે બરાબર દોઢ વાગ્યે પાઇલટે ટપાલના કોથળા સાથે મુંબઈના જુહુ પર ઉતરાણ કર્યું અને એ દિવસે આપણા દેશમાં વિમાની સર્વિસની શરૂઆત થઈ. કરાચી-મુંબઈ-મદ્રાસની સર્વિસ શરૂ કર્યા પછી પહેલા જ વર્ષે કંપનીએ એટલો નફો કર્યો કે એમાંથી કંપનીએ વધુ મોટું વિમાન ખરીદ્યું અને દિલ્હીથી મુંબઈ વચ્ચે પણ વિમાન સર્વિસ શરૂ કરી.

પોતાના અંગત સામાન તરીકે બે ઍરોપ્લેન સ્ટીમરમાં સાથે લાવનાર હતું કોણ? ટપાલના કોથળા લઈને કરાચીથી મુંબઈ પ્લેનને ઉડાડનાર હતું કોણ? હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક સોનેરી પ્રકરણ ઉમેરનાર એ જુવાન હતો કોણ? એ હતા ભારતીય વિમાન વ્યવહારના આદિ પુરુષ જેઆરડી તાતા. આખું નામ જહાંગીર રતનજી દાદાભાઈ તાતા. તેમનાં બીજાં મોટાં-મોટાં કામોની વાત હવે પછી. 

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2025 12:28 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK