Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાચું બોલવાનું છે : કહો જોઈએ, ચહેરા પર આ ભાર રાખીને ફરવાનું તમને કોણે શીખવ્યું?

સાચું બોલવાનું છે : કહો જોઈએ, ચહેરા પર આ ભાર રાખીને ફરવાનું તમને કોણે શીખવ્યું?

22 November, 2021 08:40 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

લોકો મારા માટે શું વિચારશે એવી વાતોને બહુ મહત્ત્વ આપવાને બદલે જો શક્ય હોય તો એટલું જ વિચારો માત્ર કે હું જે કરવા માગું છું એનો મને આનંદ મળશેને?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જુઓ તમે ધ્યાનથી, આપણે સતત, એકધારા અને ચોવીસે કલાક ભારમાં રહીએ છીએ. ખૂલીને હસી નથી શકતા, મન ભરીને રડી નથી શકતા. પેટ પકડીને હસાવી નથી શકતા કે પછી હળવાશ સાથે જીવી નથી શકતા. આપણે સતત ભારમાં જ જીવ્યા કરીએ છીએ અને આ જે ભાર છે એ ભાર દેખાડે છે કે આપણે ક્યારેય કશું નવું કરવામાં કે પછી ગમતું કરવામાં ખચકાટ અનુભવતા રહીએ છીએ. થોડા સમય પહેલાં તમને સુરતના એક પરિવારની યુટ્યુબ-વેબસાઇટ પરની ચૅનલની વાત કરી હતી. એ ચૅનલના વિડિયો જુઓ તો તમને દેખાશે કે એમાં દેખાતી એક પણ વ્યક્તિ ભારમાં નથી. ભાર રાખતાં આવડતું નથી એટલે એ સમયનો પૂરતો આનંદ લઈ શકે છે અને ખુલ્લા મન સાથે જીવનને જીવી શકે છે. જીવન જીવવું હોય તો ભાર મૂકી દેવો પડે. જીવન માણવું હોય તો ભાર વહેતો કરી દેવો પડે. જો ભારને અકબંધ રાખશો તો જીવનને માણી નહીં શકો અને જો માણી નહીં શકો જીવન તો જીવનનો સ્વાદ પણ ક્યારેય લઈ નહીં શકો.
જીવન જીવવા માટે છે અને એટલું જ યાદ રાખવાનું છે. હું કેવો લાગીશ કે પછી હું કેવી દેખાઈશ, લોકો મારા માટે શું વિચારશે એવી વાતોને બહુ મહત્ત્વ આપવાને બદલે જો શક્ય હોય તો એટલું જ વિચારો માત્ર કે હું જે કરવા માગું છું એનો મને આનંદ મળશેને?
જવાબ જો હકારાત્મકતા સાથે મળે તો પછી આગળના વિચારોને તિલાંજલિ આપી દો અને ભારને વહેતો કરી દો. ભારને વહેતો કરશો તો જ પોતીકાપણું બહાર આવશે. આપણે એ બહાર લાવવામાં જ પાછળ પડીએ છીએ. આપણે એ જ સમજતા નથી કે મન મૂકીને વરસવામાં કશું લૂંટાઈ નથી જવાનું. મેઘો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જરા યાદ કરો મન મૂકીને વરસતા વરસાદને. એ વરસે ત્યારે પોતે તો હળવો થાય જ છે, પણ તમને પણ હળવા કરી દે છે અને સાથોસાથ વરસી લીધા પછી એ પોતે પણ એક નવો નિખાર હાંસલ કરે છે. તમે પણ એ જ મેઘરાજ બનો, તમે પણ મન મૂકીને વરસો. મન મૂકીને વરસશો તો જ સામેનાને પણ તમારી સાથે તમે વહાવી શકશો, મન મૂકીને વરસશો તો જ તમારી સાથે સામેની વ્યક્તિ પણ ભાર મૂકવાનું કામ કરી શકશે.
ભારને કારણે ૧૦૦માંથી ઑલમોસ્ટ ૯૦ લોકો કશું કરી શકતા નથી. ભાર કઈ વાતનો છે એ જાણવાની કોશિશ કરશો તો તમને દેખાશે કે માણસના મનમાં જે ભાર હોય છે એ ભાર શરમનો ભાર છે, કોઈ ટીખળ કરશે એ વાતની બીકનો ભાર છે અને હાંસી ઉડાડવામાં આવશે એ વાતનો ભાર છે, પણ જે એવું કરવાના છે એ તમારા છે જ નહીં તો પછી શું કામ એનો ભાર રાખવાનો. શું કામ એનો ભાર રાખવો, જેના આધાર પર જીવવું નથી અને જેના સહારે કશું ઊભું નથી કરવાનું. બાકી વાત રહી, હાંસી ઉડાડવાની તો સાહેબ, એ તો આજની તારીખે અમિતાભ બચ્ચનની પણ ઊડતી હોય છે અને અક્ષયકુમારની પણ ઊડતી રહે છે. તેમણે ભાર પડતો મૂકી દીધો છે અને એ ભાર પડતો મૂક્યો છે એટલે જ તે આજના આ સ્ટારડમ પર છે.
કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભાર નહીં રાખો. ભાર સાથે ક્યારેય આગળ વધી શકાતું નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 08:40 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK