રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખરા અર્થમાં પોતાના રાષ્ટ્રને જ પોતાનો ધર્મ માને છે અને એ ધર્મનું ચુસ્તપણે પાલન પણ કરે છે

પ્રતીકાત્મક તસવીર
આપણા દેશના રાજકારણમાં જ્ઞાતિ અને ધર્મના ભેદભાવો ઊભા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ રહી છે, પણ એ હમણાં કે પછી છેલ્લાં ચાર-છ વર્ષમાં નથી બન્યું. આ કામ તો આઝાદી સમયથી જ શરૂ થઈ ગયું હતું. એ ચાલતું જોઈને જ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચનાનો વિચાર બળવત્તર બન્યો અને એ રાષ્ટ્ર માટે વિચારતો એક સંઘ આખો ખડો થયો. આ સંઘને કેટલાક મિત્રો દ્વારા ભગવાધારી આતંકવાદી સંગઠન તરીકે ઓળખાવવાનો પ્રયાસ થાય છે અને એ પ્રયાસ વચ્ચે કેટલાક કમઅક્કલ એ માનવા પણ તૈયાર થઈ જાય છે. જોકે હકીકત તો એ છે કે આ સંઘ છે અને આ સંઘના કેન્દ્રમાં માત્ર ને માત્ર રાષ્ટ્ર છે, રાષ્ટ્રવાદ છે અને રાષ્ટ્રધર્મ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હંમેશાં રાષ્ટ્રના હિતમાં આગળ વધવાની અને રાષ્ટ્રના હિતમાં કામ કરવાની નીતિ રાખી છે અને એટલે જ જ્યારે આવી ફાલતુ અને પોકળ વાતો આવે છે ત્યારે કહેવાનું મન થાય છે કે ઍટ લીસ્ટ ધર્મને તો રાષ્ટ્રવાદથી દૂર રાખો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખરા અર્થમાં પોતાના રાષ્ટ્રને જ પોતાનો ધર્મ માને છે અને એ ધર્મનું ચુસ્તપણે પાલન પણ કરે છે. કરવામાં આવતા આ પાલનને જો આપણે કરવાનું પણ વિચારીએ તો પણ આપણને ઘરમાંથી કાઢી મૂકે. તોફાન, સાઇક્લોન, પૂર જેવી કુદરતી આફત સમયે જો સૌથી પહેલું કોઈ પહોંચતું હોય તો એ સંઘના સ્વયંસેવકો પહોંચે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આ કામ કરવામાં ક્યાંક પાછી પડે એવું બને, પણ મારા દેશના સંઘનો સ્વયંસેવક ક્યારેય પાછો નથી પડતો અને ઓછો નથી ઊતરતો.
સહાયકાર્ય કરતા, લાશોના ઢગલા ઉપાડતા કે ગંધ મારતા કાટમાળને ઉપાડતા આ સ્વયંસેવકને કોઈ જાતની પ્રસિદ્ધિની ભૂખ નથી અને એમ છતાં પણ તેઓ પોતાના કામમાં ક્યાંય દિલદગડાઈ નથી કરતા. હું કહીશ કે આજે આ દેશના રાષ્ટ્રીય ચિહ્નમાં જે ત્રણ સિંહ છે એ ત્રણ સિંહ ખરેખર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ કાર્યકરો દર્શાવતું પ્રતીક છે. બહાદુરી, નીડરતા અને ગૌરવ દર્શાવતા આ ચિહ્નનો જે સંદેશ છે એ જ સંદેશ સંઘે પોતાના જીવનમાં ઉતાર્યો છે અને ઉતારેલા એ સંદેશ સાથે જ એ જીવી રહ્યો છે.
સંઘના કાર્યકરની કોઈ ઉંમર નથી હોતી અને સંઘના કાર્યકરની કોઈ તકલીફ નથી હોતી. તે માત્ર આદેશની રાહ જુએ છે. આદેશ મળે એ પછી તે ફોટોગ્રાફરો ક્યાં બેઠા છે એ જોતા નથી અને રાહુલ ગાંધીની જેમ ફોટો પડાવવાના અભરખા પણ રાખતા નથી. તેમના મનમાં એક જ ભાવના છે કે મારા રાષ્ટ્રનો એકેએક નાગરિક સુખ પામે, તકલીફમાંથી બહાર આવે અને પીડારહિત બને. આ જે ભાવના છે એ ભાવના હકીકતમાં તો રાજકીય પક્ષોની હોવી જોઈએ, પણ પક્ષોની આજે કોઈ નીતિ રહી નથી ત્યારે રાજકારણને ધ્યાનમાં રાખ્યા વિના જીવી રહેલા સંઘને સન્માન આપવું જરૂરી છે. બને કે એક દિવસ તમને જ એની સહાયની આવશ્યકતા ઊભી થઈ જાય અને એવું બને એવા સમયે સંઘને ઉતારી પાડવા માટે લીધેલી તસ્દી જો નાસૂર બનીને મનમાં ભોંકાય તો એના કરતાં બહેતર છે કે તમારી આજને સુધારીને આવતી કાલને સુરક્ષિત કરો.