Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જ્યારે આખા શહેરમાં વખણાતી વિલે પાર્લેની વાડીઓની શાકભાજી

જ્યારે આખા શહેરમાં વખણાતી વિલે પાર્લેની વાડીઓની શાકભાજી

31 July, 2021 02:41 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

વિલે પાર્લેની બીજી એક વિશેષતા હતી ત્યાં બનતી પથ્થરની જણસો. આસપાસની પથ્થરની ખાણોમાંથી આવતા પથ્થરોમાંથી બનેલી અહીંની ઘંટી, ઓરસિયા, ચટણી વાટવાનો પથ્થર જેવી જાતજાતની ચીજો પણ વખણાતી

આવું હતું વિલે પાર્લે ઈસ્ટ.

આવું હતું વિલે પાર્લે ઈસ્ટ.


આમ તો આખા મુંબઈ શહેરના વિકાસ સાથે પારસીઓ સંકળાયેલા છે, પણ વિલે પાર્લે સાથે તેમનો નાતો ખાસ નિકટનો હતો. એક જમાનામાં અંગ્રેજ સરકારે જુહુ અને પાર્લે, એ બન્ને ગામડાં આખેઆખાં વાડિયા કુટુંબને વેચી દીધાં હતાં. આ કુટુંબના લવજી વાડિયાએ મુંબઈમાં જહાજવાડાનો પાયો નાખ્યો અને કંપની સરકાર માટે લાકડાનાં વહાણ બાંધવાનું શરૂ કરેલું. વાડિયા ટ્રસ્ટ અને સરકાર વચ્ચે રીતસરના કરાર થયેલા. એ કરાર મુજબ આ બન્ને ગામડાંમાં રસ્તાઓ બાંધવાની, લોકોને પાણી પૂરું પાડવાની, સામાજિક અને શૈક્ષણિક માળખું ઊભું કરવાની, તબીબી સગવડ પૂરી પાડવાની જવાબદારી વાડિયા ટ્રસ્ટની હતી. લોકો પાસેથી કરવેરા ઉઘરાવવાનું ટ્રસ્ટને માથે હતું, પણ એની પૂરેપૂરી રકમ સરકારી તિજોરીમાં જમા કરવાની હતી. અલબત્ત, આ બધાના બદલામાં વાડિયા ટ્રસ્ટને આ બન્ને ગામડાંની જમીન મફતમાં મળી હતી. મુંબઈના વિકાસ માટે આ મૉડલ કંપની સરકારે બીજી પણ ઘણી જગ્યાએ અપનાવ્યું હતું, કારણ કે લંડનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરો મુંબઈના વિકાસ માટે ઝાઝા પૈસા ખરચવા તૈયાર નહોતા પણ સરકારના સ્થાનિક અધિકારીઓ જાણતા હતા કે શહેરના વિકાસ વગર 
સરકારની આવક વધવાની નથી. વખત જતાં બર્વે અને અગાશે નામના બે મરાઠીભાષી જાણકારો વાડિયા ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી થયા. તેમણે વ્યવસ્થિત આયોજનપૂર્વક આ બન્ને ગામડાંનો વિકાસ કર્યો. 
તાતા કૉલોની
જ્યાં જે.આર.ડી. તાતાનું વિમાન ઊતરેલું એ નાનકડું જુહુ ઍરોડ્રોમ પણ બંધાયેલું વાડિયા ટ્રસ્ટની જમીન પર. ૧૮૯૦માં જમશેદજી તાતાએ પણ વિલે પાર્લેમાં પુષ્કળ જમીન ખરીદી હતી અને રહેવા માટે બંગલો પણ બાંધ્યો હતો. ૧૨૦૦ એકર જેટલી જમીનને સમથળ કરીને એને ૫૦૦ પ્લૉટમાં વહેંચી હતી. એના પર મોટી વસાહત ઊભી કરવાની તેમની યોજના હતી, પણ ૧૯૦૪માં તેમનું અવસાન થયા પછી એ આખી યોજના રખડી પડી. છતાં શહેરના બીજા ભાગોની જેમ આજે પણ સાંતાક્રુઝ, વિલે પાર્લે, અંધેરીમાં જુદી-જુદી જગ્યાએ તાતા કૉલોની જોવા મળે છે. 
જૂનું પાર્લા કેવું હતું?
કેવું હતું એ જમાનાનું પાર્લા? જ્યાં જુઓ ત્યાં આંબા-આંબલીનાં ઝાડનાં ઝુંડનાં ઝુંડ. શાકભાજીની વાડીઓ. ૧૯૨૯માં બીબીસીઆઇ રેલવેએ વિરાર અને ગ્રાન્ટ રોડ વચ્ચે રોજ ખાસ બજાર સ્પેશ્યલ ટ્રેન શાકભાજી માટે દોડાવવાનું શરૂ કરેલું. વહેલી સવારે વિરારથી નીકળીને એ ટ્રેન નાલાસોપારા, વસઈ, ભાઈંદર, બોરીવલી અને વિલે પાર્લે રોકાતી અને શાકભાજી તથા ફળફળાદિ ગ્રાન્ટ રોડ પહોંચાડતી. તળ મુંબઈમાં રહેતા ગુજરાતીઓ પાર્લેની શાકભાજી ખરીદવાનું ખાસ પસંદ કરતા. આ ટ્રેન શરૂ થઈ એ પહેલાં પણ વિલે પાર્લે આ બધું તળ મુંબઈને પૂરું પાડતું. પણ ત્યારે બધો માલ ગાડામાં કે નાના-મોટા મછવામાં મોકલાતો. પાર્લેનાં કાકડી, દૂધી, રીંગણાં, ભીંડા ખાસ વખણાતાં. અહીંના કૉલમ ચોખાની પણ શહેરમાં ખૂબ માગ રહેતી. 
એક જમાનામાં પાર્લેની બીજી એક વિશેષતા હતી ત્યાં બનતી પથ્થરની જણસો. સાંતાક્રુઝ ઈસ્ટ અને ગોરેગામ વેસ્ટમાં આવેલી ખાણોમાંથી ખાસ જાતનો પથ્થર પાર્લા લવાતો. નાનાં-મોટાં વાસણ અને વસ્તુઓ ઘડવા માટે એ પથ્થર ખાસ કામ લાગે એવો હતો. એ વખતે ઘરનાં બધાં કામ જાતમહેનતથી કરવા પડતાં. લગભગ દરેક ઘરમાં પથ્થરની બનેલી બે-ચાર વસ્તુ તો હોય જ. સૌથી પહેલી તે લોટ દળવાની ઘંટી. પછી ચટણી વાટવાનો પથ્થર. શ્રદ્ધાળુઓ પૂજાઅર્ચના માટે ચંદનનો ઉપયોગ કરતા. એ ઘસવા માટેના ઓરસિયા (આજના ઘણા યુવાનોએ તો એ નામ પણ નહીં સાંભળ્યું હોય!) પથ્થરના બનતા. ઘરનાં બારણાં પવનથી ભટકાય નહીં એ માટે આજનાં જેવાં મૅગ્નેટિક સ્ટૉપર તો એ વખતે હતાં નહીં એટલે ઘણા લોકો એ માટે નાના પથ્થર વાપરતા. થોડું નકશીકામ કરેલા આવા પથ્થર પાર્લામાં બનતા. ચોખા છડવા માટે તથા મસાલા કૂટવા માટેનાં પથ્થરનાં ખાંડણિયાં પણ પાર્લામાં બનતાં. ઘણાં ઘરોમાં અંદર અને બહાર પથ્થરના ગોખલા પણ રહેતા. ઘોડા વગેરેને પાણી પીવા માટે જે હવાડા બંધાતા એ પણ પથ્થરના. અને આ બધો સામાન પાર્લેમાં બનતો અને ગાડાંઓ દ્વારા શહેરમાં જતો. તો 
સાંતાક્રુઝ, પાર્લા, અંધેરીના કેટલાક ભાગોમાં જંગલો હતાં એનું લાકડું બળતણ માટે વપરાતું એટલે પાર્લામાં લાકડાની વખારો પણ હતી. 
ચર્ચ અને મંદિર
વિલે પાર્લેમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી હોવા છતાં ત્યાં એક પણ ચર્ચ નહોતું. એટલે દર રવિવારે શ્રદ્ધાળુઓ ગાડામાં બેસીને આંબોલી ચર્ચ જતા-આવતા. કાલીનાના ચર્ચના ફાધરના વડપણ હેઠળ એક સમિતિ બની જેણે પાર્લામાં રેલવે લાઇન નજીક સ્થાનિક લોકો પાસેથી જમીન ખરીદી લીધી. મિસક્વિટા કુટુંબે પણ પોતાની જગ્યા દાનમાં આપી. ફાધર ડિસુઝા ગોવાથી સંત ફ્રાન્સિસના પવિત્ર અવશેષ લઈ આવ્યા અને ૧૮૬૮માં આજના ચર્ચ રોડ પર સેન્ટ ઝૅવિયર્સ ચર્ચ બાંધ્યું. આ ચર્ચની પાછળની એક વસ્તીમાં મુખ્યત્વે દોરડાં બનાવનારાઓ રહેતા. શઢવાળાં વહાણોના જમાનામાં મજબૂત દોરડાનું પુષ્કળ મહત્ત્વ હતું. અગાઉ કોટ વિસ્તારમાં પણ રોપ વે સ્ટ્રીટ હતી જ્યાં દોરડાં બનાવવાનું કામ મોટે પાયે થતું. આ દોરડાં દેશ-વિદેશથી આવતાં મોટાં વહાણો વાપરતાં, જ્યારે વિલે પાર્લેમાં બનતાં દોરડાં ઉપનગરોનાં નાનાં બંદરો પરનાં નાનાં વહાણ વાપરતાં. એ જગ્યાની બાજુમાં ભંડારી વાડો હતો. ત્યાંની મુખ્ય વસ્તી કોળી, આગરી, ભંડારી, કણબી અને ઈસ્ટ ઇન્ડિયનની હતી. વિલે પાર્લેમાં પહેલવહેલું હિન્દુ મંદિર ૧૯૧૨માં બંધાયું. પાર્લે ઈસ્ટમાં આવેલું પાર્લેશ્વરનું મંદિર તે આ મંદિર. કેટલાક કહે છે કે વિલે પાર્લેનું નામ આ મંદિર પરથી પડ્યું છે પણ એ શક્ય નથી, કારણ કે આ મંદિર ૧૯૧૨માં બંધાયું એ પહેલાં જ ૧૯૦૭માં અહીં બંધાયેલા રેલવે-સ્ટેશનને વિડલે-પાડલે એવું નામ અપાઈ ચૂક્યું હતું.
૧૯૧૭માં વિલે પાર્લેની કુલ વસ્તી પાંચ હજારની હતી. એનો મોટો ભાગ ખ્રિસ્તીઓનો હતો, જ્યારે ૪૦૦થી ૫૦૦ ગુજરાતીઓ રહેતા હતા. એ જ અરસામાં તેમણે લક્ષ્મી ચોકમાં નવરાત્રિની ઉજવણી શરૂ કરી. રોજ સ્ત્રી-પુરુષો ગરબા-રાસ રમતાં અને માતાજીની આરતી ગાતાં. ત્યારથી વિલે પાર્લેમાં એક યા બીજે સ્થળે નવરાત્રિની સાર્વજનિક ઉજવણી થતી આવી છે. આ ઉપરાંત ગોખલેનું શ્રી રામ મંદિર ૧૯૧૩માં, શ્રી હનુમાન મંદિર ૧૯૧૮માં, મણિબહેન નાણાવટીનું જૈન મંદિર ૧૯૨૧માં અને મહાલક્ષ્મી મંદિર ૧૯૩૪માં બંધાયાં. ૧૯૩૮માં સંન્યાસ આશ્રમની સ્થાપના થઈ. 
પાર્લેની ખ્યાતિ પાર્લે-જી
પણ ‘પાર્લે’ નામને દેશના ખૂણે-ખૂણે પહોંચાડ્યું એ તો ગુજરાતના પારડી ગામના એક દૂરંદેશી દેશભક્ત યુવાને. જર્મનીમાં તાલીમ લઈને આવેલા મોહનલાલ ચૌહાણે પાર્લે ઈસ્ટમાં રેલવે લાઇન નજીકના એક તબેલામાં ૧૨ મજૂરો સાથે ૧૯૨૯માં એક નાનકડી ફૅક્ટરી શરૂ કરી. ચૌહાણ કુટુંબ સ્વદેશીની ચળવળ સાથે સંકળાયેલું હતું. એ વખતે બિસ્કિટ, પેપરમિન્ટ, ટૉફી, ચૉકલેટ જેવી વસ્તુઓ પણ ઇંગ્લૅન્ડથી આયાત થતી. જે પુષ્કળ મોંઘી હતી. અને મોંઘી હતી એટલે આમ આદમીને તો પોસાતી જ નહીં. બિસ્કિટ-ચૉકલેટ તો તવંગરોનાં ઘરમાં જ જોવા મળે. હન્ટલી પામર્સ, યુનાઇટેદ બિસ્કિટ્સ, બ્રિટાનિયા, ગ્લેક્સો વગેરે જાણીતી કંપનીઓનો માલ આયાત થતો. મોહનલાલને થયું કે આવી રોજિંદા વપરાશની ચીજો પણ આપણા દેશમાં ન બને એ કેવું? એટલે જર્મની જઈને બિસ્કિટ-પેપરમિન્ટ બનાવવાની તાલીમ લીધી. સ્વદેશ પાછા ફરતાં ૬૦ હજાર રૂપિયાની મશીનરી લાવ્યા અને ફૅક્ટરીમાં પહેલવહેલી બનાવી ઑરેન્જ કૅન્ડી. ૧૯૩૯માં બનાવ્યાં પહેલવહેલાં સ્વદેશી બિસ્કિટ, પાર્લે જી. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ The rest is history.  
સાંસ્કૃતિક વૈવિધ્ય
આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં જવા કરતાં પણ વધુ અઘરું કામ કયું? એક વાર પાસપોર્ટ અને વિઝા તમારા હાથમાં હોય તો પછી તમને અછો વાનાં કરીને વિદેશ લઈ જવા માટે વિમાન કંપનીઓ તો આતુર હોય છે, પણ ટૅક્સી કે રિક્ષામાં બેસીને મુંબઈના કોઈ પણ પરામાં ઈસ્ટમાંથી વેસ્ટમાં કે વેસ્ટમાંથી ઈસ્ટમાં જવાનું કેટલું કપરું છે એ તો રામબાણ વાગ્યાં હોય તે જાણે. જીઆઇપી અને બીબીસીઆઇ રેલવેએ આપણા પર ઘણા ઉપકાર કર્યા પણ તેમણે મુંબઈનાં પરાંઓને ઈસ્ટ અને વેસ્ટમાં વહેંચી નાખ્યાં. બન્ને અડધિયાંની  દુનિયા જ જુદી. આનો સૌથી વધુ અનુભવ થાય વિલે પાર્લેમાં. વિલે પાર્લે પશ્ચિમમાં ગુજરાતીઓના ડેરાતંબુ તો વિલે પાર્લે ઈસ્ટ એટલે મરાઠી ભાષા-સંસ્કૃતિનો ગઢ. મૂળ જેમની વસ્તી સૌથી વધુ હતી તે ખ્રિસ્તીઓની છાંટ બન્ને બાજુ થોડી-થોડી હજીયે જોવા મળે ખરી. શિક્ષણ, સાહિત્ય, સંસ્કૃતિની મોટી સંસ્થાઓ બન્ને બાજુ. પોત એક, પણ ભાત જુદી. જોકે છેલ્લા બેએક દાયકામાં મુંબઈમાં કોઈ સંસ્કૃતિ સર્વવ્યાપક બની હોય તો એ વેપારધંધાની સંસ્કૃતિ – જો એને સંસ્કૃતિ કહી શકાય તો. અને એટલે કોલાબાથી માંડીને દહિસર સુધીના ઘણા વિસ્તારો પોતાની આગવી ઓળખને ઓગાળીને આ વૈશ્ય સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ખાણીપીણી, પહેરવેશ, રહેણીકરણી, વિચારો, આદર્શોની વિવિધતા, એના પોતીકાપણા બાબતના આગ્રહો, વગેરે નવી પેઢીમાં ઓછા ને ઓછા થતા જાય છે. તેમની બોલચાલની ભાષા બમ્બૈયા હિન્દી કે ઇન્ડિયન ઇંગ્લિશ બનતી જાય છે. આની ખાતરી કરવી હોય તો વિલે પાર્લેના રેલવે સ્ટેશનનાં પ્લૅટફૉર્મ પર ઊભા રહી ટ્રેનોમાંથી ઊતરતા કે ચડતા, પશ્ચિમ કે પૂર્વની કૉલેજોમાં જતાં છોકરા-છોકરીને જોવાં-સાંભળવાં. જાણે કહેતાં ન હોય: હમ પંછી એક ડાલ કે.
અગલા સ્ટેશન અંધેરી.

 ૧૯૧૭માં વિલે પાર્લેની કુલ પાંચ હજારની વસ્તીમાં માત્ર ૪૦૦થી ૫૦૦ ગુજરાતીઓ રહેતા હતા.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2021 02:41 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK