અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ, ૧૯૫૨’ની કલમ ૨૧૨(બી) (૫) હેઠળ પરોલની છૂટ આપવામાં આવી છે. આમાં હ્યુમેનિટેરિયમ પરોલ એટલે કે માનવતાના સિદ્ધાંતો હેઠળ અપાતા પરોલ ખાસ કારણસર જ આપવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ હેઠળ જે ‘પરોલ’ છે એનો અર્થ અમેરિકામાં ટેમ્પરરી પ્રવેશવાની અને રહેવાની પરમિશન.
અમેરિકાના ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ, ૧૯૫૨’ની કલમ ૨૧૨(બી) (૫) હેઠળ પરોલની છૂટ આપવામાં આવી છે. આમાં હ્યુમેનિટેરિયમ પરોલ એટલે કે માનવતાના સિદ્ધાંતો હેઠળ અપાતા પરોલ ખાસ કારણસર જ આપવામાં આવે છે, હ્યુમેનિટેરિયમ પરોલ આપવા કે નહીં એ દરેક અરજદારના સંજોગો પર આધાર રાખે છે. પરદેશી માટે હ્યુમેનિટેરિયમ પરોલની માગણી તેનાં અમેરિકા રહેતાં સગાંવહાલાં, ઍટર્નીઓ, તેમનામાં રસ ધરાવતા અમેરિકન નાગરિકો કે કોઈ સંસ્થા પણ કરી શકે છે. એ માટે તેમણે ઍપ્લિકેશન ફૉર ટ્રાવેલ ડૉક્યુમેન્ટ ફૉર્મ આઇ-૧૩૧ અને ઍફિડેવિટ ઑફ સપોર્ટ ફૉર્મ આઇ-૧૩૪ આપવાની રહે છે.
ADVERTISEMENT
જેમને માટે પરોલની માગણી કરવામાં આવી હોય તે વ્યક્તિનું નામ, જન્મતારીખ અને સ્થળ, વ્યવસાય અને ઍડ્રેસ તેમ જ જે સ્પૉન્સર તેમને માટે અરજી કરી રહ્યો હોય તેની સાથે તેમનો શો સંબંધ છે એની માહિતી તેમ જ પરોલ કેટલા સમય માટે જોઈએ છે એ અને જે ફી હોય એ આપવાની રહે છે.
જો મેડિકલ ગ્રાઉન્ડ પર પરોલ માગવામાં આવી રહ્યા હોય તો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ આપવાનો રહે છે. વિગતવાર જણાવવાનું રહે છે કે એ વ્યક્તિ નૉન-ઇમિગ્રન્ટ વીઝા કેમ મેળવી શકી નથી. જો તેણે એ મેળવવાની કોશિશ કરી હોય તો એ ઍપ્લિકેશનની કૉપી અને નકારવાનો પત્ર આપવાનો રહે છે. એ ઉપરાંત બીજા અનેક દસ્તાવેજો પરોલની અરજી કરતી વખતે આપવાના રહે છે. પરોલનો સમય વધુમાં વધુ એક વર્ષનો આપવામાં આવે છે.
અનેક ભારતીયો માનવતાના સિદ્ધાંતો ખાતર અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં આ જે પરોલની સુવિધા આપવામાં આવી છે એનો ગેરલાભ ઉઠાવે છે. જૂઠાં કારણ અને બહાનાં દેખાડીને તેઓ પરોલ પર અમેરિકામાં પ્રવેશવા દેવાની માગણી કરે છે. આ કારણસર જ્યારે કોઈ માનવતાના કારણસર પરોલ પર અમેરિકામાં પ્રવેશવા દેવાની માગણી કરે છે ત્યારે તેમની અરજીઓ ખૂબ ઝીણવટપૂર્વક તપાસવામાં આવે છે. તેમણે જે કારણ આપ્યાં હોય એ સાચાં લાગે તો જ તેમને પરોલ પર અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવે છે.

