Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘સૂર્યવંશી’ ફિલ્મ હોય કે અટક, હું એની સાથે જાતને જોડી દઉં

‘સૂર્યવંશી’ ફિલ્મ હોય કે અટક, હું એની સાથે જાતને જોડી દઉં

11 November, 2021 11:51 AM IST | Mumbai
JD Majethia

આમ કહેવાનું કારણ એ કે હું એ ‘સૂર્યવંશી’ને સતત જીવ્યો હતો અને એ માણસે મને ગુજરાતી રંગભૂમિ પર પ્રસ્થાપિત કર્યો હતો. નામ અને અવૉર્ડ પણ એણે જ અપાવ્યાં હતાં

‘સૂર્યવંશી’ ફિલ્મ હોય કે અટક, હું એની સાથે જાતને જોડી દઉં

‘સૂર્યવંશી’ ફિલ્મ હોય કે અટક, હું એની સાથે જાતને જોડી દઉં


‘સૂર્યવંશી’.
દિવાળીના દિવસોમાં આ ફિલ્મ રિલીઝ થઈ અને એની સાથે જ મને મારી કરીઅરનું મહત્ત્વનું કહેવાય એવું નાટક ‘સૂર્યવંશી’ યાદ આવી ગયું અને આપણે એ નાટકની વાત શરૂ કરી. ગયા શુક્રવારે મેં તમને કહ્યું એમ એક જ સમયે અને એક જ દિવસે મને બે નાટકની ઑફર આવી. એક નાટક હતું શૈલેષ દવેનું અને બીજું નાટક હતું કિરણ ભટ્ટનું. શૈલેષભાઈ ‘કેવડાના ડંખ’ રિવાઇવ કરતા હતા. શૈલેષભાઈ બિરલા ક્રીડા કેન્દ્રમાં પહેલા માળે એક ઑફિસમાં બેસીને લખતા. હું ત્યાં ગયો અને શૈલેષભાઈને મળ્યો. તેમણે વાત કરી. કિરણ મને મળ્યો અને તેણે પણ મને નાટક ઑફર કર્યું એ વાત પણ મેં શૈલેષભાઈને કરી એટલે તેમણે મને બહુ ઈમાનદારીથી કહ્યું, ‘બેટા, કિરણના નાટકમાં બે પાત્ર છે જેમાં એક મુખ્ય પાત્ર છે સૂર્યવંશી. જો એ મળે તો છોડતો નહીં.’ શૈલેષભાઈએ મને ત્યાં સુધી કહ્યું કે મેં એ આખી સ્ક્રિપ્ટ વાંચી છે, એ પાત્ર મને ઑફર થયું હતું. 


મારી ઇચ્છા શૈલેષભાઈ સાથે કામ કરવાની એટલે મેં તેમને કહ્યું, પણ તેમનો આગ્રહ એવો હતો કે હું ‘સૂર્યવંશી’ કરું. તેમણે નિષ્ઠાથી કહ્યું કે રંગભૂમિના અનુભવી કલાકાર અને લેખક-દિગ્દર્શક તરીકે મારી ફરજ છે કે તને સાચી વાતથી વાકેફ કરું, તને જિંદગીમાં અફસોસ ન થવો જોઈએ કે તેં શું મિસ કર્યું. 

શૈલેષભાઈને મળીને હું નીચે આવ્યો. નીચે કિરણ ભટ્ટ અને બીજા મિત્રોનું નાટકનું ગ્રુપ હતું - નવરત્ન આર્ટ્સ. કિરણને મળ્યો એટલે તેણે મને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે તું આ લઈ જા અને ભાનુપ્રતાપ ભગવંતરાય સૂર્યવંશીનો રોલ વાંચી લે. ત્યાંથી નીકળીને મેં ચર્ની રોડથી ટ્રેન પકડી. કાંદિવલી ઊતરવાનું, પણ ત્યાં સુધીમાં મેં અમુક પાના વાંચ્યાં અને નિર્ણય કરી લીધો કે આ નાટક કન્ફર્મ. મિત્રો, એ સમયે ભલે અમે નવા નિશાળિયા ગણાઈએ અને ઇન્ટર-કૉલેજિયેટમાંથી બહાર આવ્યા હોઈએ, પણ એટલું સમજાતું હતું કે આ નાટક પાંચ શો પણ ચાલશે તો પણ એવું મોટું પ્લૅટફૉર્મ આપશે કે રંગભૂમિના લોકો મને ઓળખતા થઈ જશે. નક્કી કર્યું કે હું રોલમાં જીવ રેડી દઈશ. વાંચીને જ મજા આવી ગઈ એ ભાનુપ્રતાપનું મુખ્ય પાત્ર. એ સમયે મારી ઉંમર બાવીસ વર્ષની. કહ્યું હતું એમ મારું એમબીએ ચાલુ એટલે મારી અમુક કન્ડિશન હતી કે હું આ સમયે જ રિહર્સલ્સ કરીશ, લેક્ચરને સાચવવાં પડશે. મંજૂર. મારી વાત માનવામાં આવી અને એમ ‘સૂર્યવંશી’ની સફર શરૂ થઈ.
ઝેવિયર્સ કૉલેજની પાછળ આવેલા રંગભવનની પાછળ ઓપન ઑડિટોરિયમમાં રિહર્સલ્સ થાય તો થોડાં રિહર્સલ્સ બિરલા ક્રીડા કેન્દ્રમાં પણ થયાં. એક-એકથી ચડિયાતા સાથીઓ. ઘણાનાં તો આજે નામ પણ મને યાદ નથી, પણ જેમનાં નામ યાદ છે એમને તો યાદ કરવા જ જોઈએ. સૌથી પહેલો આવે એમાં નીતિન દેસાઈ, નેપોલિયન મને બહુ યાદ આવે. બહુ નાની ઉંમરે અમેરિકામાં ગુજરી ગયો. અર્ચના મ્હાત્રે, બકુલ ઠક્કર, રાજેશ સોલંકી, મિતેષ સફરી, પ્રીતિ ઠક્કર, રાધાશ્રી આ બધાં પહેલી વાર રંગભૂમિમાં આવેલાં. કમલેશ મોતા પણ ખરા. એક બહુ જ ઉમદા કલાકાર. આજે હવે તે આપણી વચ્ચે નથી. આખી યંગ ફોર્સ. બહુ જ મજા આવતી. ગ્રૅન્ડ રિહર્સલ્સ પૂરાં થયાં અને પહેલો શો આવ્યો જે જોવા માટે ગુજરાતી રંગભૂમિના ઘણા લોકો આવ્યા હતા. નવી ટૅલન્ટનું કામ બધાને ગમ્યું બહુ, નાટક પણ બહુ ગમ્યું. જોકે બુકિંગબારીએ નાટક ચાલે નહીં. લોકોને થાય કે નવા-નવા છોકરાઓ છે શું જોવા જવાનું એમાં? એ સમયે પણ આજની જેમ સ્ટારસ્ટડેડ નાટકનો જમાનો હતો. 

અમે લોકો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? બધાએ પોતાના થોડા-થોડા પૈસા કાઢીને નાટક બનાવ્યું હતું. એવામાં જો બુકિંગ ન આવે તો નુકસાન થાય અને નુકસાન તો પોસાય નહીં. વચ્ચે એકલદોકલ ચૅરિટી શો મળે. થોડા સમય પછી અમને કહેવામાં આવ્યું કે આપણે બહુ ઓછા પબ્લિક શો કરીશું. બધાએ સાથે મળીને નક્કી પણ કર્યું કે જ્યાં સુધી પબ્લિક શોના નુકસાનમાંથી નાટક બહાર ન આવે ત્યાં સુધી કોઈએ પેમેન્ટ લેવું નહીં. કોઈનો વિરોધ નહોતો, કારણ કે બધાને હતું કે નાટક બહુ સારું બન્યું છે તો એ ચાલે અને બધા એને ચલાવતા રહ્યા. થોડા શો થયા અને ગુજરાતમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય ઍકૅડેમી સ્પર્ધા આવી. બહુ જ રેપ્યુટેડ. અમે એમાં અગિયાર અવૉર્ડ લીધા. 
અવૉર્ડના ૩૬ કલાક પછી ભાઈદાસમાં અમારો શો. રવિવારની ઍડમાં અમે એ અનાઉન્સમેન્ટ મૂકી અને આખું ભાઈદાસ હાઉસફુલ. એ પછી નાટકે પાછું વળીને જોવું નથી પડ્યું. ‘સૂર્યવંશી’ના દોઢસોથી વધુ પ્રયોગો થયા. જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં-ત્યાં અમારી આ ટીમ પહોંચી. હવે શૈલેષ દવેવાળી વાત કરું. જે રોલ માટે શૈલેષ દવે, અરવિંદ જોશી જેવા દિગ્ગજોને પૂછવામાં આવ્યું હતું એ રોલમાં હું શું કરતો એની વાત કહું. 
ભાનુપ્રતાપના એ રોલમાં ઇન્ટરવલ પછી મારે પચાસ વર્ષના આધેડનો રોલ કરવાનો હતો, જેને બાવીસ-ત્રેવીસ વર્ષની દીકરી. ફર્સ્ટ ઍક્ટમાં તે પોતે ચોવીસ-પચ્ચીસનો યંગ અને સેકન્ડ હાફમાં એવડી તેની દીકરી એટલે ડબલ રોલ કહેવાય એવો રોલ. ઈશ્વરની કૃપાથી મેં બખૂબી બન્ને રોલ નિભાવ્યા. એ રોલ માટે જે કૉમ્પ્લિમેન્ટ્સ મળ્યાં એની વાત કરું તો એમાંથી એક હતાં અરવિંદ જોશીનાં. અરવિંદભાઈ બૅકસ્ટેજમાં મને મળ્યા. હું તેમનો બહુ મોટો ફૅન. અરવિંદભાઈ કહે, બહુ જ સારું કર્યું છે તેં. મેં કહ્યું, તમે હોત તો ચાર ચાંદ લાગી જાત. તો મને કહે, ‘ના, એવું નથી. તેં જે કર્યું છે એ હું ન કરી શક્યો હોત. મોટી ઉંમરનો રોલ મારાથી સારી રીતે થયો હોત, પણ ફર્સ્ટ હાફનો યંગ એજનો રોલ ન કરી શક્યો હોત. તેં બન્ને રોલ સરસ કર્યા. તું બહુ આગળ આવીશ.’ સરિતા જોષીએ પણ વખાણ કર્યાં. મારે મન એ સૌથી ઉપર છે. પરેશ રાવલ ભાઈદાસમાં નાટક જોવા આવ્યા અને મને કહે કે આપણે શો પછી મળીએ. 
જુહુમાં એક જગ્યાએ અમે મળ્યા. પરેશભાઈએ વખાણ પણ કર્યાં અને સમજાવ્યો પણ કે અમુક વખતે આપણે ખોટી દિશામાં જતા રહીએ છીએ, એ ન થાય એનું ધ્યાન રાખજે. પરેશભાઈ સાથેનું એ ડિનર હું ક્યારેય નહીં ભૂલું અને બસ, આમ મારી સાથે ‘સૂર્યવંશી’ જોડાઈ ગયું. ક્યાંય સૂર્યવંશી શબ્દ આવે કે પછી કોઈની અટક હોય તો તરત હું મારી સાથે રિલેટ કરતો. જે આ વખતે ફિલ્મ ‘સૂર્યવંશી’ આવી અને બની ગયું એમ.
‘સૂર્યવંશી’એ ખૂબબધી પ્રસિદ્ધિ અપાવી, અવૉર્ડ અપાવ્યા. રંગભૂમિ પર મારું પહેલું પગલું અને મને સેટ કરી દીધો. બાવીસ વર્ષે મળેલું આ સ્ટારડમ મને ત્યારે પણ સમજાતું નહોતું અને આજે પણ સમજાતું નથી. હું આટલો લોકોને ગમતો, સારો અભિનય કરતો, આટલો પૉપ્યુલર હતો. અમુક વાતો તો મને પાછળથી ખબર પડી જ્યારે મારી એક મિત્ર કલાકારે મને કહી. બહુ સમય પછી તેણે મને કહ્યું કે અમે તને જોવા જ ખાસ તેજપાલ આવતા, તારા નામની તો બોલબાલા હતી. 
ભાનુપ્રતાપ ભગવંતરાય સૂર્યવંશી એટલે રેશમી શાલમાં લપેટાયેલો ચિત્તો.

આ ઉપમા હતી નાટકમાં ભાનુપ્રતાપ માટેની. બહુ જ સરસ અને આવા ચોટદાર સંવાદો હતા. આજે પણ એ યાદ આવે અને શરીરમાં એકેએક રૂંવાડું ઊભું થઈ જાય. ઍનીવે, ‘સૂર્યવંશી’ની વાત પર પૂર્ણવિરામ મૂકવાની સાથે નવા વર્ષની તમને અઢળક શુભેચ્છા અને એ શુભેચ્છા સાથે સૌ કોઈને સાલ મુબારક.

નાટક બૉક્સ-ઑફિસ પર ચાલે નહીં એટલે નુકસાન સહન કરવું પડે. નુકસાન કોણ વધારે વખત સહન કરે? એટલે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી પબ્લિક શોના નુકસાનમાંથી નાટક બહાર ન આવે ત્યાં સુધી કોઈએ પેમેન્ટ લેવું નહીં. કોઈનો વિરોધ નહોતો, કારણ કે નાટક ચાલે એવું બધા ઇચ્છતા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 November, 2021 11:51 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK