° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


જ્યારે આખા ઘરનું ફર્નિચર ૫૫૧ રૂપિયામાં મળતું!

11 June, 2022 06:27 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પૉલિશ થાય એ પહેલાં લાકડાની ક્વૉલિટીની ખાતરી કરવા ગ્રાહક પોતાના મિસ્ત્રીને લઈને બધું ફર્નિચર જોઈ શકે

પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું એક ચિત્ર ચલ મન મુંબઈ નગરી

પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનું એક ચિત્ર

એ વખતે પારસીઓમાં લગ્ન વખતે ‘પદ’ આપવાનો રિવાજ. એમાં અપાય ઘરમાં વપરાય એવી જણસો. એ માટે ‘પૅકેજ ડીલ’ માં હોય બે બારણાંનું સુંદર કાચનું કબાટ, સુંદર ડિઝાઇનનો ડબલ બેડ, ઈઝીચૅર, સુંદર ગાદી જડેલી બે ખુરસી, રાઉન્ડ માર્બલ ટૉપનું ટેબલ, કપડાં નાખવાનું પીંજરું, ટોવેલ હૉર્સ, જરથોસ્ત સાહેબની આરસી, સુંદર લૅમ્પ, બૉર્ડરવાળું ગોદડું, બે તકિયા, બે ફ્રિલવાળા ગલેફ, ચારસો, મચ્છરદાની. અને પૉલિશ થાય એ પહેલાં લાકડાની ક્વૉલિટીની ખાતરી કરવા ગ્રાહક પોતાના મિસ્ત્રીને લઈને બધું ફર્નિચર જોઈ શકે

લખી કંકોતરી પૂરા પ્રેમથી,
મારે અમુલખ લગ્ન પ્રસંગ, 
ગાંધીજી પધારજો!
સાથે કસ્તુરબાને લાવજો!
લઈ રામ અને દેવીદાસ,
બાપુજી પધારજો
જો જો ભૂલતા શ્રી ગોપાળદાસને 
એ તો સૌરાષ્ટ્રના શિરદાર, ગાંધીજી...
મહંમદ અને શૌકત સાથમાં,
બી અમ્માને લાવે નિર્ધાર,
વૃદ્ધ અબ્બાસને ન વિસારશો,
સૌ સત્યાગ્રહી સાથ,
બાપુજી પધારજો!  
હા જી, આ પણ હતો ગુજરાતી લગ્નગીતોનો એક રંગ. ગાંધીજીની આગેવાની નીચેની આઝાદી માટેની લડતની અસર આપણા સમાજજીવન પર ક્યાં-ક્યાં અને કેવી-કેવી રીતે થઈ હતી! એ લડતના નેતાઓ વિશે, લડત દરમ્યાનની નાની-મોટી ઘટનાઓ વિશે તો થોકબંધ પુસ્તકો લખાયાં છે. આપણા સાહિત્યના એક કાળખંડને ‘ગાંધીયુગ’ એવું નામ અપાયું છે. પણ એ લડતનો પ્રવાહ લગ્ન જેવા માંગલિક પ્રસંગ સુધી આવાં ગીતો દ્વારા કેવી રીતે પહોંચ્યો હતો એના તરફ બહુ ઓછું ધ્યાન ગયું છે. પૂરાં પચાસ પાનાંનું લગ્નગીતોનું પુસ્તક ‘લગ્નગીત મણિમાળા’. લેખક મણિલાલ મોહનલાલ પાદરાકર. ૧૯૨૪માં આ પુસ્તકની પહેલી આવૃત્તિની બે હજાર નકલ છપાયેલી. કિંમત પાંચ આના (આજના ત્રીસ પૈસા). છપાવી પ્રસિદ્ધ કરનાર હતા નડિયાદના બુકસેલર જદુલાલ નારણદાસ ચોકસી. એક વાત નોંધી? ગીતમાં ગાંધીજી, કસ્તુરબા, તેમના પુત્રો રામદાસ અને દેવદાસ વગેરેને આમંત્રણ તો છે જ પણ સાથે મહંમદ અલી, શૌકત અલી, બી અમ્મા, અબ્બાસસાહેબ વગેરેને પણ નોતર્યાં છે. આજે કોઈ આવું ગીત લખે તો... જવા દો વાત.
પણ આ પાદરાકર હતા કોણ? ૧૯૮૭ના એપ્રિલની પહેલી તારીખે પાદરામાં જન્મ. અવસાન ક્યારે થયું એ જાણવા મળતું નથી. પાદરા, વડોદરા અને મુંબઈમાં ભણીને મેટ્રિક થયા. સંસ્કૃતના અભ્યાસ માટે મુંબઈ ઉપરાંત અમદાવાદ અને વિજાપુર રહેલા. પછી મુંબઈમાં ઝવેરાતનો ધંધો કરતા. સાથોસાથ એક શ્રીમંત શેઠના એસ્ટેટ મૅનેજર તરીકે પણ કામ કરતા. તેઓ પ્રભાવી વક્તા હતા એમ કહેવાય છે. પાદરાકારે આઝાદી માટેની લડતમાં પ્રત્યક્ષ ભાગ લીધો હતો કે કેમ એ તો ખબર નથી, પણ તેમનાં ઘણાં પુસ્તકો રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલાં છે. જેમ કે રાષ્ટ્રીય રાસકુંજ (૧૯૩૦), રાષ્ટ્રીય રાસમંદિર (૧૯૩૧), રાષ્ટ્રીય નવરાત્ર (૧૯૩૦). આ ઉપરાંત નવજીવન નામનો નિબંધ સંગ્રહ, સાકી નામની નવલકથા અને પ્રણય મંજરી નામનો કાવ્યસંગ્રહ પણ તેમણે પ્રગટ કર્યાં હતાં. આ ઉપરાંત ‘બુદ્ધિપ્રભા’, ‘ખેતી અને સહકાર’, ‘અંગબળ અને આરોગ્ય’ જેવાં સામયિકોના તેઓ તંત્રી હતા. 
૧૯૨૪માં જ આવું બીજું એક પુસ્તક પ્રગટ થયું હતું અને એ પણ નડિયાદથી. નામ હતું ‘રાષ્ટ્રીય લગ્નગીત સંગ્રહ.’ છપાયું હતું અમદાવાદમાં. પુસ્તકમાં છાપ્યું છે : “સંગ્રહ કરી છપાવનાર ને વેચનાર મણિલાલ મોહનલાલ માતરિયા, સાહિત્ય મંદિર, નડિયાદ.” આ પુસ્તક સંપાદન છે. પણ કેટલાંક કાવ્યોના કર્તાનાં નામ આપ્યાં છે, ઘણાંનાં આપ્યાં નથી. કેટલાંક કાવ્યો નીચે માત્ર ‘માતરિયા’ એટલું છાપ્યું છે. એટલે મણિલાલ પોતે પદ્યરચના પણ કરતા હોવા જોઈએ. આ પુસ્તકની પણ ૨૦૦૦ નકલ છપાયેલી.  
આ પુસ્તકની એક ખાસ બાબત છે ફટાણાં સાથે પણ રાષ્ટ્રીયતાને જોડી દેવાનું વલણ. જુઓ :
વેવાઈ તમે સાજન લઈ ભલે આવ્યા રે,
આવી અમને ભૂંડા વેશે શરમાવ્યા રે.
ટોપી પહેરી બન્યા ગોકુલની ગોપી રે,
વેવાઈ તમે પહેર્યા વિલાયતી જામા રે,
જામા પહેરી જાંગલાના બન્યા સાળા રે.
વેવાઈ તમે પહેરી વિલાયતી ધોતી રે,
ધોતી પહેરી માતાની કૂખ લજાવી રે.
વેવાઈ તમે પહેર્યા લેધરના બૂટ રે,
બૂટ પહેરી બન્યા સાહેબના પૂત રે.
વેવાઈ તમે બાળો વિલાયતી વેશ રે,
ખાદી પહેરી શોભાવો તમારો દેશ રે.
તો પ્રભુદાસ ઠક્કરનું આ સંવાદ કાવ્ય પણ જોવા જેવું છે :
છોકરો: બાપુ, વિદેશી વસ્ત્ર અંગે નહિ ધરું,
વાળ્યું વિદેશીએ સત્યાનાશ રે.
બાપ: ભાઈ, ઊંચ કુટુંબ કહે આપણું
પહેરે વિદેશી જામા-સુરવાળ રે.
લગ્ને ખાદી રે શોભે નહિ.
છોકરો: બાપુ, ખાનદાની ખાદીમાં બધી,
મૂકો વિદેશી વસ્ત્રમાં આગ રે.
બાપુ:  ભાઈ, સાસુ રે મહેણાં દેશે આપણી,
કરશે જ્ઞાતિમાં સૌ ફિટકાર,
લગ્ને ખાદી શોભે નહિ રે.
છોકરો: બાપુ, સહેવાશે ફિટકારો નાતના,
નહિ સહેવાશે પ્રભુ ફિટકાર,
લાવો લગનમાં ખાદી સૌ માટે.
સૂણી શબ્દો બાપુ ને સસરો ચેતીઆ,
લાવ્યા શુદ્ધ ખાદીનાં સૌ વસ્ત્રો 
ખાદી વિના રે લગ્ન ના કરો. 
એક જમાનામાં મુંબઈમાં ‘ગોળવાળાના ક્લાસ’ની વિદ્યાર્થીઓમાં બોલબાલા હતી. આ ક્લાસના માલિક-પ્રિન્સિપાલ હતા એરચ રુસ્તમજી ગોળવાળા. તેમણે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવાં પુસ્તકોની સાથોસાથ પારસી ધર્મ અને તેના વિધિવિધાન વિશે પણ પુસ્તકો લખ્યાં હતાં. ૧૯૨૯માં પ્રગટ થયેલું તેમનું પુસ્તક તે ‘પારસી લગ્ન : તેની બુલંદી અને તેના આશીર્વાદ.’ કિંમત એક રૂપિયો. કરિયાવરનો રિવાજ આપણે ત્યાં આજે પણ વ્યાપક છે. પણ અગાઉ પારસી સમાજમાં અને નાગર જ્ઞાતિમાં આ રિવાજ બિલકુલ નહોતો. બલકે આ બન્ને સમાજમાં છોકરાનાં માં-બાપ તરફથી છોકરીને ઘરેણાં તથા રોકડ પૈસા અપાતાં. પણ આ પુસ્તક છપાયું ત્યાં સુધીમાં પારસીઓમાં ‘પલ્લું’ દાખલ થઈ ગયું હતું. લેખકે પ્રસ્તાવનામાં આ રિવાજનો ઉગ્ર વિરોધ કર્યો છે. પારસીઓ લગ્નની ધાર્મિક વિધિને ‘આશીરવાદ’ તરીકે ઓળખે છે. આ પુસ્તકમાં મૂળ ‘આશીરવાદ’ સાથે એનો ગુજરાતી તરજુમો આપ્યો છે.
પણ આપણને વધારે રસ પડે એવી તો છે આ પુસ્તકમાં છપાયેલી કેટલીક જાહેરખબરો. જેમ કે મીનોચહેર હોરમસજી મિસ્ત્રીની આ જાહેરખબર. એવણની દુકાનનું ઍડ્રેસ હતું : ૧૦૩, ગનબાવ સ્ટ્રીટ, માણેકજી શેઠની વાડી પાસે, કોટ, મુંબઈ. અટક પ્રમાણે ધંધો સુતારી કામનો. એ વખતે પારસીઓમાં લગ્ન વખતે ‘પદ’ આપવાનો રિવાજ. એમાં અપાય ઘરમાં વપરાય એવી જણસો. આ દુકાનની એ માટે ‘પૅકેજ ડીલ.’ એમાં હોય બે બારણાંનું સુંદર કાચનું કબાટ, સુંદર ડિઝાઇનનો ડબલ બેડ, ઈઝીચૅર, સુંદર ગાદી જડેલી બે ખુરસી, રાઉન્ડ માર્બલ ટૉપનું ટેબલ, કપડાં નાખવાનું પીંજરું, ટોવેલ હૉર્સ, જરથોસ્ત સાહેબની આરસી, સુંદર લૅમ્પ, બૉર્ડરવાળું ગોદડું, બે તકિયા, બે ફ્રિલવાળા ગલેફ, ચારસો, મચ્છરદાની. અને પૉલિશ થાય એ પહેલાં લાકડાની ક્વૉલિટીની ખાતરી કરવા ગ્રાહક પોતાના મિસ્ત્રીને લઈને બધું ફર્નિચર જોઈ શકે. જાહેરખબરમાં લખ્યું છે : “અલબેલી મુંબઈ નગરીની ફર્નિચર માર્કિટમાં અમો આજે બી બિનહરીફ છીએ.’ અને આવા સોજ્જા લાકડાના આટલા ફર્નિચરની કુલ કિંમત કેટલી? રૂપિયા પાંચસો એકાવન ફક્ત! તો બીજી એક જાહેરખબર આ પ્રમાણે છે : આ પુસ્તકમાંથી ‘લગ્નની બુલંદી’ વિશે વાંચી જલદી જલદી લગન કરો અને વાગો અમારી જાનીતી ને લોકમાનીતી ફૅન્સી કાપડની દુકાનેથી ખરીદો. 
૧૯૪૩માં પ્રગટ થયેલું ‘આપણાં લગ્નગીતો’ એના સચિત્ર, સુઘડ છાપકામથી ધ્યાન ખેંચે એવું છે. 
આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તે ચાર મહિલાઓની મહેનતનું પરિણામ છે. પુસ્તકના સંપાદકો છે ધનિષ્ઠાબહેન મજમુદાર, નિર્મળાબહેન ભટ્ટ, અને શ્રીદેવી બુદ્ધ. અને ચિત્રો કર્યાં છે લાઠીનાં પ્રવીણકુંવરબાએ. દિવાળીબહેન ભટ્ટે લખેલી પ્રસ્તાવનામાં કહ્યું છે : ‘આ સંગ્રહમાં પ્રસંગો પ્રમાણેનાં લોકપ્રિય લગ્નગીતોની ગૂંથણી ચૂંટણીથી કરવામાં આવી છે. લગ્નના એકેએક પ્રસંગને સમજી તેને અનુરૂપ કાવ્યોનું સંપાદન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે અને ‘ઈશ્વરવિવાહ’, ‘સીતા સ્વયમવર’, ‘રૂક્ષ્મણી વિવાહ’ સમાં મહાગીતોને પણ આ સંગ્રહમાં પ્રગટ કરીને સંપાદિકાઓએ આપણા સાહિત્યનું લોકધન સાચવવાની જરૂર હતી તેને મૂર્ત સ્વરૂપ આપ્યું છે.’ અહીં સંગ્રહાયેલાં લગ્નગીતોને શ્રી ગણેશ, કંકોતરી, સાંજી, મંડપ, ચાક, પ્રભાતિયાં, માતાની સ્થાપના, ગૃહશાંતિ, જનોઈ, સામૈયું, વરઘોડો, માયરૂં, ચોરી, વળામણું, ગૃહલક્ષ્મીના ગરબા જેવા વિભાગોમાં વહેંચ્યાં છે. પુસ્તકના લગભગ દરેક પાના પર સુંદર રેખાંકનો મૂક્યાં છે, જે ખાસ આ પુસ્તક માટે તૈયાર કરેલાં છે. પુસ્તક પ્રગટ કર્યું હતું લાઠીના ગુર્જર સાહિત્ય ભંડારે અને ૧૭૮ પાનાંના આ પુસ્તકની કિંમત હતી ત્રણ રૂપિયા.   
આ છેલ્લાં ચાર અઠવાડિયાંથી આપણે મુંબઈ નગરીમાં લગનનો માંડવો બાંધ્યો છે તે છોડતાં પહેલાં વરઘોડિયાંને કાંઈ ભેટ-બેટ આપવાની કે નહીં? આપીએ, એક જમાનામાં ખૂબ અપાતી ભેટ, કનુ દેસાઈનાં ચિત્રોનું આલબમ ‘લગ્નોત્સવ.’ એમાં હતાં ‘દાંપત્યજીવનના પ્રારંભકાળની મંગળ ભાવનાઓ, આશાઓ અને આકાંક્ષાઓનાં આઠ ચિત્રો.’ અને ચિત્રો સાથે છોગામાં હતા કાકાસાહેબ કાલેલકર અને ડોલરરાય માંકડ જેવા પ્રતિષ્ઠિત લેખકોના લેખો. કાકાસાહેબ તેમના લેખમાં લખે છે: “નર અને નારી જ્યાં સુધી એકાકી છે ત્યાં સુધી તેઓ અપૂર્ણ છે. પોતાના જીવનમાં બન્ને તત્ત્વોને એ ઓતપ્રોત કરશે ત્યારે તેઓ સંપૂર્ણ થશે.’ એક જમાનામાં કાકાસાહેબ ગુજરાતી લિપિમાં અમુક અક્ષરો દેવાનાગરીના વાપરવાના હિમાયતી હતા. એટલે તેમનો લેખ એ રીતે છપાયો છે, જે આજે આપણને વાંચતાં થોડી તકલીફ થાય. જ્યારે નૉર્મલ ગુજરાતી લિપિમાં છપાયેલા લેખમાં ડોલરરાય માંકડે લગ્નવિધિ અને ખાસ કરીને સપ્તપદીનું મહત્ત્વ સમજાવ્યું છે. અને આટઆટલું ભેગું કરીને જાડા પૂંઠાના ફોલ્ડરમાં મૂકેલું એની કિંમત કેટલી હતી ૧૯૪૧માં? રોકડો સવા રૂપિયો એટલે કે આજના એક રૂપિયો ૨૫ પૈસા! પ્રખ્યાત ચિત્રકાર કનુ દેસાઈનો જન્મ ૧૯૦૭ના માર્ચની ૧૨મી તારીખે. અવસાન ૧૯૮૦ના ડિસેમ્બરની નવમી તારીખે. તેમણે ચિત્રોનાં આવાં ઘણાં આલબમ પ્રગટ કરેલાં. તેઓ ઘણા નામાંકિત લેખકોનાં પુસ્તકોના કવરની ડિઝાઇન તૈયાર કરી આપતા. ૧૯૪૫માં ‘રામ રાજ્ય’ ફિલ્મ માટે પ્લાસ્ટર ઑફ પૅરિસનાં પૂતળાં બનાવી આપ્યાં ત્યારથી તેઓ ફિલ્મો સાથે સંકળાયા. બૈજુ બાવરા, નવરંગ, ભરત મિલાપ અને ઝનક ઝનક પાયલ બાજે જેવી ફિલ્મોમાં તેમણે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કરેલું. ‘ઝનક ઝનક પાયલ બાજે’ માટે ૧૯૫૭માં તેમને બેસ્ટ આર્ટ ડિરેક્શન માટેનો ફિલ્મફેર અવૉર્ડ મળેલો. 
ઇતિ લગ્નકથા સમાપ્તમ્! લગ્ન પછી કુટુંબ. આવતા શનિવારે અથ શ્રી કુટુંબ માહાત્મ્યમ્!

11 June, 2022 06:27 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો

સ્વતંત્રતા સંગ્રામના સેનાની અને ગાયક પ્રજ્ઞાચક્ષુ કવિ હંસરાજ હરખજી કાનાબાર

એક સમયે પ્રભાત ફેરીઓ અને સભા-સરઘસોમાં જેમનાં ગીતો ગવાતાં એવા આ કવિરાજનું નામ આજે સાવ અજાણ્યું બની ગયું છે. આઝાદીનાં ૭૫ વરસના સરકારી ઉજવણામાં ઘણાં ઢોલ-ત્રાંસાં વાગે છે. એમાં આવી વીતેલાં વર્ષોની પિપૂડી તે વળી કોણ સાંભળે?

13 August, 2022 12:22 IST | Mumbai | Deepak Mehta

અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય

અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પહેલી શરત એ છે કે તમારો વ્યવહાર સાધારણ હોય. એક ઉત્તમ કલાકાર કેવળ તેણે સર કરેલી ઊંચાઈઓ માટે જ  નહીં, તેના સરળ સ્વભાવ અને વર્તનને કારણે યાદ રહી જાય  છે. 

13 August, 2022 12:07 IST | Mumbai | Rajani Mehta

રાજ કપૂર જાણે ચાહકોને કહેતા હતા, ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખત્મ નહીં હુઆ’

પ્રેક્ષકોની માગને વશ થવાને બદલે તેમને ‘ઇન્સપાયર’ કરે એવી ફિલ્મો બનાવવાની હથોટી રાજ કપૂર પાસે હતી. એમ છતાં ‘મેરા નામ જોકર’ નિષ્ફળ ગઈ એનું બીજું એક મોટું કારણ હતું પ્રેક્ષકો. 

06 August, 2022 12:43 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK