Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નવી પેેઢી ખાનદાની બિઝનેસમાં જોડાવા ન ઇચ્છે ત્યારે...

નવી પેેઢી ખાનદાની બિઝનેસમાં જોડાવા ન ઇચ્છે ત્યારે...

17 January, 2022 03:52 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આ સ્થિતિમાં કાં તો વડવાઓનો બિઝનેસ ઠપ થઈ જાય છે અને કાં તો બીજી વ્યક્તિના હાથમાં સોંપવાનો વારો આવે છે. આજે સમજીએ એની પાછળનાં અમુક કારણો અને એના ઉપાય વિશે

નવી પેેઢી ખાનદાની બિઝનેસમાં જોડાવા ન ઇચ્છે ત્યારે...

નવી પેેઢી ખાનદાની બિઝનેસમાં જોડાવા ન ઇચ્છે ત્યારે...


નવો ચીલો ચાતરવાની ઘેલછા કે પછી બાપ-દાદાના બિઝનેસમાં જોડાવાની નવી પેઢીની નીરસતાથી બિઝનેસ, પરિવાર અને સમાજ પર  એની અસર થાય છે. આ સ્થિતિમાં કાં તો વડવાઓનો બિઝનેસ ઠપ થઈ જાય છે અને કાં તો બીજી વ્યક્તિના હાથમાં સોંપવાનો વારો આવે છે. આજે સમજીએ એની પાછળનાં અમુક કારણો અને એના ઉપાય વિશે

ભારતીય સમાજમાં પારંપરિક મૂલ્યો ઘણાં મહત્ત્વનાં છે. એમાં પણ જ્યારે બિઝનેસની વાત હોય ત્યારે બિઝનેસ કોઈ વ્યક્તિ એકલા હાથે જમાવતી નથી. બિઝનેસમાં હંમેશાં તેનો પરિવાર તેની સાથે જોડાયેલો હોય છે. દરેક બિઝનેસમૅનની એવી દિલની ઇચ્છા હોય છે કે આટલી મહેનતથી જમાવેલો બિઝનેસ તેનાં બાળકો સંભાળે, પરંતુ હંમેશાં એવું બનતું નથી. પહેલાં બાપનો બિઝનેસ દીકરો સંભાળે એ એનું પરમ કર્તવ્ય માનવામાં આવતું પરંતુ આજકાલ એવું રહ્યું નથી. નવી પેઢી ના પાડી દેતી હોય છે કે અમને તમારા બિઝનેસમાં કોઈ રસ નથી. સામાન્ય લાગતી આ ઘટનાની અસર એ બિઝનેસ ફૅમિલી પર જ નહીં, સમગ્ર સમાજ પર પડે છે. જે મૂલ્યો સાથે પરિવારે એક બિઝનેસ સેટ કર્યો હોય છે એ જ મૂલ્યો સાથે બીજી કે બહારની વ્યક્તિઓ એ બિઝનેસને ચલાવશે કે નહીં એ કહી ન શકાય. યોગ્ય લીડર વગર જો કોઈ બિઝનેસ ઠપ થઈ જાય તો પણ સમાજ પર એની અસર ઘેરી જણાય છે. 


નવી પેઢી બિઝનેસ માટે ના પાડી દે એનું કારણ ફક્ત એ નથી હોતું કે એ જીવનમાં કોઈક બીજી દિશા અપનાવવા માગે છે. પરંતુ આ સિવાય પણ ઘણાં કારણો છે જેને સમજીને એનું સોલ્યુશન લાવવું જરૂરી છે. પહેલાં મુંબઈની ફૅમિલી બિઝનેસ ઍડ્વાઇઝરી  કંપની ઇક્વેશનનાં ડિરેક્ટર ડૉ. મીતા દીક્ષિત પાસેથી જાણીએ એવાં કયાં કારણો છે જેને કારણે નવી પેઢી ખાનદાની બિઝનેસથી દૂર ભાગે છે અને એના ઉપાય શું હોઈ શકે. 

જૂની પુરાણી રીતો 
ઘણા પરિવારમાં બિઝનેસની જૂની પુરાણી રીતો જ ચાલુ રાખવામાં આવે છે. જેમ કે આજના સમય પ્રમાણે દરેક વસ્તુ કમ્પ્યુટરાઇઝ્ડ હોવી જોઈએ પણ ઘણા એ જ જૂની પદ્ધતિથી કામ કરતા હોય છે. વસ્તુ વેચવાથી લઈને ડીલ કરવા સુધીની દરેક વસ્તુમાં આજે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. પરંતુ જ્યારે તમે એ જ જુનવાણી પ્રથાઓ ચાલુ રાખો છો ત્યારે નવી પેઢી દૂર ભાગે છે. આ માટે જરૂરી છે કે જૂની પેઢી એની રીતોમાં બદલાવ લાવે. નવી પેઢીને ખૂલીને સમયની સાથે જીવવાની આઝાદી આપે. બિઝનેસ એ જ રહે બસ, એનો અંદાજ બદલાઈ જાય તો વાંધો નહીં. 

ઘર કી મુર્ગી દાલ બરાબર 
આજની પેઢીને ગ્લૅમર અને નામની ઘેલછા હોય છે. કરિયાણાનો કે કટલરીનો બિઝનેસ? ભલે એમાં કમાણી ઘણી હોય પરંતુ કોઈને કહીએ તો કેવું લાગે કે આપણે આ પ્રકારનો બિઝનેસ કરીએ છીએ? પરંતુ એ કરિયાણાવાળા બિઝનેસને તમે એક રીટેલ ચેઇનમાં ફેરવી શકવાનું કૌવત ધરાવો છો એ વિશે કોઈ નથી વિચારતું. નાનપણથી તમારા બિઝનેસ પ્રત્યે તમારાં બાળકોને માન હોય એ બહુ જરૂરી છે. તમે જે બિઝનેસ કરતા હો, એ માટે સંતાનો રિસ્પેક્ટ ન ધરાવે એથી ખરાબ શું હોઈ શકે? એ મોટાં થાય એમ સમજદારી કેળવી શકાય કે નાનામાં નાના બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિકસાવી શકાય. બસ, આવડત હોવી જોઈએ. 
તક ન દેખાવી 
તમારા બિઝનેસમાં આગળ વધવાની કે એને વિકસાવવાની કોઈ તક જ્યારે નવી પેઢી જોઈ નથી શકતી ત્યારે એ બિઝનેસ કરવામાં કતરાય છે. આ તકો તમારે એને દેખાડવી પડશે. તમારે એ તકો માટેની જગ્યા પણ ઊભી કરવી પડશે. જો ફૅમિલી બિઝનેસ ડિસ્પ્યુટમાંથી જ બહાર ન આવતો હોય તો નવી પેઢી એને શું કામ અપનાવે? 
કૉર્પોરેટ દુનિયાનો મોહ  
જે બાળક ભણવામાં ઍવરેજ હોય એ કૉલેજ કરીને પપ્પાનો બિઝનેસ સાંભળી લે છે; જ્યારે જે બાળક ખૂબ હોશિયાર હોય, ભણવામાં આગળ પડતો હોય, ખ્યાતનામ કૉલેજમાંથી અઘરા કોર્સિસ કરીને ડિગ્રીઓ મેળવી હોય એને કૉર્પોરેટ દુનિયાની લાલચ વધુ હોય છે. આ બાળકો માટે ફૅમિલી બિઝનેસ જૉઇન કરવો સેલ્ફ-પ્રાઇડ પર આઘાત સમું લાગતું હોય છે. એમને એવું મનમાં હોય છે કે અમે જે પણ કરીશું એ ખુદના દમ પર. પરંતુ આ પરિસ્થિતિમાં એમને એ સમજાવવું જોઈએ કે ખાનદાની બિઝનેસને એક મુકામ પરથી બીજા મુકામે આગળ વધારવો પણ કૌવત માગી લે છે અને એ ખુદના દમ પર જ કરવાનું હોય છે. એટલે આવા ફૉલ્સ પ્રાઇડમાં અટકાવાને બદલે સમજદારી સાથે કામ કરવું જરૂરી છે. 
જોઈએ એક ઉદાહરણ...
નવી પેઢી માટે બાપ-દાદાનો બિઝનેસ જૉઇન કરી લેવો સરળ નિર્ણય નથી હોતો. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં ડાયનાકોન્સ લિમિટેડ કમ્પ્યુટર હાર્ડવેરના માલિક ધર્મેશભાઈ અંજારિયા પણ ઘણી ગડમથલમાં હતા. તે પોતે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ICWA જેવી પ્રેસ્ટિજિયસ ડિગ્રી ધરાવતા હતા. પોતાની મનોવસ્થા વર્ણવતાં ધર્મેશભાઈ કહે છે, ‘હું ખૂબ હોશિયાર હતો અને સીએ કરીને એક ચકાચક કૉર્પોરેટ જૉબ કરવા માગતો હતો એટલે ખૂબ મહેનત કરી. પપ્પાનો બિઝનેસ કરવા વિશે મેં વિચાર્યું જ નહોતું એનું કારણ એ કે મને બિઝનેસ કરતાં કૉર્પોરેટ જૉબનું આકર્ષણ વધુ હતું. મેં ખૂબ મેહનત કરી. બે વર્ષ એક જગ્યાએ જૉબ પણ કરી પરંતુ પછી મને સમજાયું કે બિઝનેસનો ઑપ્શન ટ્રાય કરવા જેવો છે.’ 
તેમણે એ સમયે તેમના પિતા શિરીષભાઈને વાત કરી. એ વિશે શિરીષભાઈ કહે છે, ‘મેં તેને ક્યારેય એ વાતનું દબાણ કર્યું નહીં કે તું મારો બિઝનેસ જ કર. મેં હંમેશાં તેને કહ્યું કે તને જે કરવું હોય એની તને છૂટ છે. મારા મનમાં તો એવું જ હતું કે તે મારો બિઝનેસ કરે, પણ હું તેના પર કોઈ દબાણ નહોતો લાદવા માગતો. આખરે તેણે મને પૂછ્યું કે હું બિઝનેસ જૉઇન કરું? મેં તેને કહ્યું કે કર, પરંતુ એકદમ ઝીરોથી શીખવું પડશે. તને મંજૂર છે? તેણે હા પાડી.’ 
અઘરા નિર્ણયો 
ધર્મેશભાઈ ડિગ્રી હોલ્ડર હોવા છતાં પિતાના બિઝનેસમાં એકદમ નાની પદવીથી જોડાયા અને દરેક કામ શીખવાની ધગશ બતાવી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘બાપ-દાદાનો બિઝનેસ કરવાનો નિર્ણય લોકોને લાગે છે કે સાવ સરળ છે, પરંતુ એ એક મોટું રિસ્ક છે. સીએ બન્યા પછી મારે ફરીથી ઝીરોથી શરૂ કરવાનું સહેલું નહોતું. તમારે તમારા ઈગોને સાઈડમાં રાખીને કામ કરવું પડે છે. પરંતુ પપ્પાની શીખવવાની આ પદ્ધતિ પર મને વિશ્વાસ હતો.’ 

શિરીષભાઈએ ધર્મેશભાઈને ટ્રેઇનિંગ તો સારી આપી જ સાથે-સાથે આઝાદી સાથે નિર્ણયો લેવા દીધા, જેને લીધે કંપની ઘણી ગ્રો થઈ. આજે તેમની કંપનીમાં તેમના હેઠળ ૧૦૦૦થી પણ વધુ લોકો કામ કરે છે. એ વિશે વાત કરતાં ધર્મેશભાઈ કહે છે, ‘પપ્પાએ આ બિઝનેસ તેમના દમ પર ઊભો કર્યો એટલે જ કદાચ એક સમય હતો જ્યારે મને એવું લાગતું હતું કે સંતોષ ત્યારે થશે જ્યારે ખુદનું કંઈક ઊભું કરીશું. પરંતુ હકીકત એ છે કે બાપ-દાદાનો બિઝનેસ જ્યારે તમે એક નવી ઊંચાઈ સુધી લઈ જવામાં સક્ષમ બનો ત્યારે જે ગર્વ અનુભવાય એનો કોઈ જવાબ નથી. એક બાપ તરીકે મને લાગે છે કે મારો દીકરો મોટો થઈને એને વધુ આગળ લઈ જાય પરંતુ હું પણ મારા પિતાના નકશે કદમ પર તેને તેના નિર્ણયો જાતે લેવા દઈશ. મને ખબર છે કે મારી જેમ તે પણ સાચો નિર્ણય જ લેશે.’ 

 જરૂરી છે કે જૂની પેઢી જૂનવાણી ભરી રીતોમાં બદલાવ લાવે. નવી પેઢીને ખૂલીને સમયની સાથે જીવવાની આઝાદી આપે. બિઝનેસ એ જ રહે બસ, એનો અંદાજ બદલાઈ જાય તો વાંધો નહીં.
ડૉ. મીતા દીક્ષિત

ઘણા બિઝનેસ નેક્સ્ટ પેઢી સુધી પહોંચતા નથી
એક ઇન્ટરનૅશનલ આંકડાઓ મુજબ ૫૬ ટકા બિઝનેસ પહેલી જનરેશન સુધી જ સીમિત રહે છે. એટલે કે જે વ્યક્તિએ આ બિઝનેસ સ્થાપિત કર્યો છે એની આગલી પેઢી સુધી એ પહોંચી શકતો નથી, કેમ કે જો એ સફળ ન થયો તો બંધ થઈ જાય છે અને સફળ થયો તો બીજા કોઈને સારા પૈસે વેચી દે છે. જે બાકીના ૪૪ ટકા રહ્યા એમાં પણ ત્રીજી જનરેશન સુધી ૧૩ ટકા જેવા બિઝનેસ પહોંચે છે અને ફક્ત ૩-૪ ટકા બિઝનેસ છે જે ચોથી પેઢી સુધી વિસ્તરે છે. આમ જનરેશન્સ સુધી ચાલતા બિઝનેસ પોતાનામાં જ અમૂલ્ય કહી શકાય. એની કદર ફક્ત એ પરિવારે જ નહીં, સમાજે પણ કરવી રહી. 

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 03:52 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK