° °

આજનું ઇ-પેપર
Wednesday, 14 April, 2021

જ્યારે ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જવાનું આમંત્રણ મળ્યું

25 February, 2021 12:53 PM IST | Mumbai | Latesh Shah

જ્યારે ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જવાનું આમંત્રણ મળ્યું

જ્યારે ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જવાનું આમંત્રણ મળ્યું

જ્યારે ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જવાનું આમંત્રણ મળ્યું

મને ફિલ્મમાં ઍક્ટિંગ કરવાનો શોખ નહોતો, કારણ કે મને લાગતું કે યે મુંહ ઔર મસૂર કી દાલ! મને ફિલ્મોમાં કામ ન જ મળી શકે. એમ છતાં જેવો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ કરવાનો યુનિવર્સિટીએ ચાન્સ આપ્યો એટલે મારા મોંમાં લાળ ટપકવા લાગી

ગયા ગુરુવારે મારા લાડકા સ્વ. અમૃત માસાને યાદ કર્યા, કારણ કે ૧૯૮૨-’૮૩માં તેમણે મને આપેલો સપોર્ટ ભૂલી શકાય એમ નથી. મારા બાપા કમ પપ્પાને તેમણે સમજાવ્યા. મને તેમણે નાટકો ભજવવાનું પપ્પાની મંજૂરીનું લાઇસન્સ અપાવ્યું. તેમણે પપ્પાને એમ કહીને સમજાવ્યા કે લતેશ કૉલેજમાં છે ત્યાં સુધી નાટકોમાં કામ કરવા દો. ગ્રૅજ્યુએટ થયા બાદ તો તમારો બિઝનેસ જ સાંભળવાનો છેને. હું પણ કૉલેજમાં આવી પ્રવૃત્તિઓ કરતો હતો, પછી ધંધે લાગી ગયોને! બાપુજીના ગળે વાત સડસડાટ, ઘીવાળા ચૂરમાના લાડુની જેમ ગળાની નીચે ઊતરી ગઈ. મને ખરા અર્થમાં આઝાદી મળી નાટકો કરવાની. થૅન્ક યુ માસ્ટર માઇન્ડ એ.કે. એટલે અમૃત કેશવજી છાડવા.
હવે ફુલ ફૉર્મમાં હું નાટકો કરવા લાગ્યો. વાગડ કલા કેન્દ્રનું નાટક કર્યું. આઇએનટીની ઍક્ટિંગ વર્કશૉપ જૉઇન કરી કે. સી. કૉલેજના કૉલેજ ડેમાં પાર્ટ લીધો. ગિરગામ સાર્વજનિક સ્કૂલના વાર્ષિક મેળાવડામાં ભાગ લીધો. એકસાથે ચાર જગ્યાએ નાટક માટે વ્યસ્ત થઈને અસ્તવ્યસ્ત થઈ ગયો. ચારેચાર જગ્યાએ મારે સમય આપવો પડતો હતો અને એમાં મને મારા ફેવરિટ રાજેશ ખન્ના, સંજીવ કુમાર, રિશી કપૂર અને જિતેન્દ્રની ફિલ્મો જોવા તો થિયેટરમાં જવું જ પડે અને ચાન્સ મળે એટલે મુમતાઝ, વહીદા રહેમાન અને આશા પારેખની ફિલ્મો પણ જોવાની જ. ફિલ્મો જોવાનો શોખ, પણ ફિલ્મો કરવાનો શોખ ક્યારેય ત્યારે મનમાં નહોતો. મને થતું કે ફિલ્મી ઝાકઝમાળમાં આપણું કામ નહીં. આપણા માટે નાટકો જ બરાબર છે. એ સમયની મારી લઘુતાગ્રંથિ હતી. છતાં એ જ સમયમાં હું મુંબઈ (એ વખતે બૉમ્બે) યુનિવર્સિટીની ફિલ્મ સોસાયટીમાં પણ જોડાયો હતો. ત્યાં પણ જૂની અને નવી ફિલ્મો જોવા મળતી. વચમાં ફિલ્મ ફેસ્ટિવલો આવે એટલે એમાં ફિલ્મ સોસાયટીને લીધે ભાગ લેવાની તક મળતી. બૉમ્બે યુનિવર્સિટી વર્ષમાં એક વાર ભારતની ઍક્ટિંગ અને બીજાં ટેક્નિકલ પાસાંઓની ટ્રેઇનિંગ માટે ફેમસ ઇન્સ્ટિટ્યૂટ એફટીઆઇઆઇ (ફિલ્મ ઍન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા)માં વિઝિટ કરાવવાના હતાં .
કુદરતની કરામત કહો કે કરિશ્મા કહો, આવે ત્યારે ચારે તરફથી ઑપોર્ચ્યુનિટી એટલે કે તક આવે અને એ ઉંમર જ એવી હતી કે બધું ઝડપી લેવાનું મન થાય.
એક બાજુ કૉલેજ અટેન્ડ કરવાની. કૉલેજમાં આપણો વટ પડતો હતો. કે.સી.માં ઍક્ટર તરીકે પ્રખ્યાત થઈ ગયો હતો. દોસ્તો સાથે કૅન્ટીનમાં બેસવાનું અને મોટા-મોટા ગોલગપ્પા હાંકવાની મઝા જ અલગ હતી. સ્ત્રી અને પુરુષ મિત્રોની સંખ્યા વધતી જતી હતી. એ સમયે તો બધા ફ્રેન્ડ્સ ગણાય એકને છોડીને. તે એક હતી પરી (નામ બદલ્યું છે). તે પણ ફ્રેન્ડ હતી કે ગર્લફ્રેન્ડ એ સમજાતું નહોતું. બન્નેએ મગનું નામ મરી પાડ્યું નહોતું. એ જમાનામાં પ્રેમ નિર્દોષ હતો. એકબીજાને આઇ લવ યુ કહેતાં દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી જતાં અને એમાં બેમાંથી એકનાં લગ્ન થઈ જતાં અને બીજી વ્યક્તિ દેવદાસ કે મીનાકુમારી બની જતી. પ્લૅટોનિક પ્રેમમાં પડેલાં પ્રેમી પારેવડાંઓ ડિસ્ટન્સ પર સાહજિક રીતે રહેતાં. એકબીજાને નાની-મોટી ભેટ આપીને ખુશ થતાં. ભેટમાં પેણ હોય કે ડાયરી હોય, ફૂલોનો ગુચ્છો હોય કે કૅડબરી હોય. અમુક બહિર્મુખીઓ પ્રેમકથા આલેખતી નવલકથાઓ કે વાર્તાઓનાં પુસ્તક આપીને પરોક્ષ રીતે પ્રેમ વ્યક્ત કરતાં. ધોઝ વર ધ ગોલ્ડન ડેયઝ. ગીતો ગાય અને કવિતાઓ લખે અને હિંમતવાળા પ્રેમપત્ર લખે. એકરાર કરતાં પહેલાં દિલની ધડકનો રાજેશ ખન્ના સ્ટાઇલથી જ ધડધડાવી દેતા. રાતના બોલાવેલા સપનાંઓમાં જ એકબીજા સાથે ધબધબાટી બોલાવતા. એકબીજા સાથેની પ્રીતની સફળતા મળી એના બોનસમાં લતા મંગેશકર અને મોહંમદ રફીનાં ગીતો ગણગણતા અને જો નિષ્ફળ નીવડે તો મુકેશ અને બેગમ અખતરના ગળાનો ઉપયોગ કરતાં અને વિવિધ ભારતીના ઉદાસી, હતાશા-નિરાશા ભરેલાં ગીતો અગાસીમાં કે બાલ્કનીમાં ઊભા રહીને હીંચકા પર બેસીને સાંભળતા-સાંભળતા માબાપથી છુપાવીને આંસુઓ વહાવવાનાં. જલસો હતો. આજે પણ એ સુવર્ણ દિવસો મનમંદિરમાં અંકાયેલા છે. હું પરીને ગુજરાતી અથવા અંગ્રેજીમાં ક્યારેય કહી ન શક્યો કે હું તને પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરે છે ડાર્લિંગ?
હું બેવકૂફ એકસાથે ઘણીબધી જગ્યાએ વ્યસ્ત હતો. ક્યાંય સમય પર પહોંચી નહોતો શકતો. એક બાજુ નાટકો, બીજી બાજુ પ્રેમ. એક તો ખિસ્સામાં ફદિયા નહીં એટલે બસ સ્ટૉપ પર સમયનો વ્યય કરીને વેડફાઈ જઈને જે રિહર્સલમાં પહોંચું ત્યાં બેશરમીથી જૂઠું બોલવાનું કે કેમ મોડો પડ્યો. હળહળતા ખોટા કૉન્ફિડન્સ સાથે બોલવાનું અને કોઈની પણ સાથે નજર મેળવ્યા વગર રિહર્સલમાં મંડી પડવાનું. બધા મારો સમય સાચવે. મારે એક રિહર્સલમાંથી બીજા રિહર્સલમાં જવાનું હોય એટલે પહેલેથી જ મેં બધાને ચેતવી દીધેલા. હું ઘણી વખત પૈસા ખિસ્સામાં ન હોય એટલે એક રિહર્સલમાંથી બીજા રિહર્સલના લોકેશન પર ચાલીને જતો.
કૉલેજમાં ઍક્ટર હોવાને લીધે બહુ વિદ્યાર્થીઓનો મિત્ર હતો જેથી કૅન્ટીનમાં જલસા હતા. જીવવાનો જલસો હતો દોસ્તો. એ સમય જેવો સમય ક્યારેય ફરીથી આવ્યો નથી. એ એકબીજાના પૈસે નાની-નાની તાગડધિન્ના કરવાની મજા, મોડે સુધી સૂવાની મજા, પાંચ નંબરના બસ સ્ટૉપ પર બસ આવવાની રાહ જોવાની મજા, પેલી ફૂલફટાક ફાલ્ગુની અને ગોળમટોળ, ફુગેલા ગાલવાળી ઉષાની રાહ જોઈ બસ છોડવાની મજા, ભીડમાં કન્ડક્ટરને ક્યારેક પૈસા ન આપી છૂપાછૂપી ખેલી ડબલડેકર બસમાં ઉપર-નીચે થવાની મજા. ક્લાસ બન્ક કરવાની મજા. કૅન્ટીનમાં ફ્રેન્ડ્સ સાથે ટાઇમ પાસ કરવાની મજા. મૅટિની શોમાં દોસ્તોના પૈસે પૉપકૉર્ન, સમોસા, આઇસક્રીમ, ગોળા ઝાપટવાની મજા. એમને એમ અમથા કૉલેજ કૅમ્પસમાં ઊભા રહી ફેંકવાની મજા, સડેલા જોક્સ મારવાની મજા. હસતા-રમતાં તાળી મારતાં અચાનક એકબીજા સાથે ઝઘડવાની મજા, રિસાવાની મજા, નાનું અમથું વેર લેવાની મજા, મહેશ પેલી સુંદર છોકરીને પટાવી ગયો એની ઈર્ષામાં બળી જવાની મજા. કોણ આપણને કેટલું અટેન્શન આપશે એ માટે અલગ-અલગ ઉધામા અને નવા પ્રયોગો કરવાની મજા. કૉલેજ કાળ એટલે ફુલ ટુ નશાકાળ. સમય એટલો જલસામાં, મોજમાં પસાર થયો કે સમય હતો એનું ભાન જ ન રહ્યું. પંદર વર્ષ કૉલેજમાં ક્યાં પસાર થઈ ગયાં એ જ ખબર ન પડી. હા, પંદર વર્ષ મેં કૉલેજમાં મોજ માણી છે. એનો હિસાબ પછી ક્યારેક આપીશ.
હું એકસાથે દસ પ્રવૃત્તિ કરતો અને દરેક જગ્યાએ મોડો કોઈક ને કોઈક કારણસર પડતો અને ડિફેન્સમાં બહાનાંઓ અને દલીલો રજૂ કરતો. બધા મને લેટ લતીફ, લેટ શાહ કહેતા; પણ દર વખતે મારાં બહાનાંઓ સાંભળવાની લોકોને મજા આવતી, કારણ કે દર વખતે નવાં જ બહાનાં હોય. બહાનાંઓ મારાં હંમેશાં ક્રીએટિવ રહેતાં. હા હા હા. આજે પણ લખતી વખતે બધું યાદ આવે છે. આપણું તો ભાઈ એવું છે કે જે જેમ છે એ એમ જ કહેવું એટલે કહેવાની મજા આવે. મગજની માંહે પ્રવેશ ને જૂની યાદોને ઉખેડવાની, ઉલેચવાની મજા આવે. હું દરેક જગ્યાએ પહોંચું, રિહર્સલમાં મહેનત કરું તો ક્યારેક વર્કશૉપમાં પહોંચી ન શકાય. એ વખતે ટૅક્સીમાં જવાના પૈસા હોય નહીં એટલે બસ, ટ્રેન અને પગ આ ત્રણ જ વેહિકલ હતાં એટલે સમયસર પહોંચવું અઘરું હતું. એમાં એક મોટી ઘટના બની. મને બૉમ્બે યુનિવર્સિટીમાંથી FTII, પુણે જવાનું આમંત્રણ મળ્યું જ્યાંથી ઘણા ફિલ્મ ઍક્ટરો તૈયાર થયા હતા. આમ મને ફિલ્મમાં ઍક્ટિંગ કરવાનો શોખ નહોતો, કારણ કે મને લાગતું કે યે મુંહ ઔર મસૂર કી દાલ. મને ફિલ્મોમાં કામ ન મળી શકે તો ફિલ્મોમાં કામ કરવાનો મોહ શું કામ રાખવો. જેવો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટ કરવાનો યુનિવર્સિટીએ ચાન્સ આપ્યો એટલે મોંમાંથી લાળ ટપકવા લાગી. ફિલ્મ ઍક્ટર બનવાનાં સપનાં સાકાર થતાં હોય એમ લાગ્યું. જો હું પુણે જાઉં તો મારે બેત્રણ દિવસ અહીંનાં બધાં રિહર્સલોમાં દાંડી મારવી પડે. એ લોકો મને નાટકોમાંથી કાઢી મૂકે.
હે ભગવાન, શું કરું?
વાંચીએ આવતા ગુરુવારે.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
ચારે બાજુથી જ્યારે તક આવે કે મુસીબત આવે ત્યારે કુદરતી સંકેતને જાણવો અને પિછાણવો જરૂરી છે. કુદરત તમને કોઈ ઊંચા સ્તર પર લઈ જવા માગે છે. તમે જે માગ્યું હશે એ જ તમને કુદરત આપવા તૈયાર હોય છે. પણ આપણું ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન પૉઝિટિવ વિચારતાં ક્યારે નેગેટિવ વિચારી નાખે છે એની આપણને સમજ નથી પડતી. આવતી તકો અને મુસીબતોને આવકારવા કે ઝીલવાની આપણી તૈયારી નથી રહેતી એટલે આપણે ઊલમાંથી ચૂલમાં પડીએ છીએ. તૈયાર રહો. સતર્ક, સજાગ, સચેત થઈને પગલાં લો અને જલસા કરો. તક અને મુસીબતને માણો અને મોજ કરો.

25 February, 2021 12:53 PM IST | Mumbai | Latesh Shah

અન્ય લેખો

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:24 IST | Mumbai | Sanjay Goradia

જોગાનુજોગ

જોગાનુજોગ

15 March, 2021 01:06 IST | Mumbai | Samit purvesh Shroff

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

બે સેક્સ-સાઇકલ વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ?

15 March, 2021 01:04 IST | Mumbai | Dr. Mukul Choksi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK