Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ‘પરણીને પસ્તાયા’ની શું વાત કરવી?

‘પરણીને પસ્તાયા’ની શું વાત કરવી?

22 November, 2021 03:46 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

કેટલાંક સર્જનો તમારાં એવાં હોય જે જિંદગીભર યાદ રહી જાય, તો કેટલાંક સર્જન એવાં હોય જે વીસરાઈ જાય, પણ કેટલાંક સર્જન એવાં હોય જેણે ક્યારેય તમને પીડા ન આપી હોય, તો કોઈ મોટી ખુશી પણ ન આપી હોય. ‘પરણીને પસ્તાયા’ અમારું એવું જ સર્જન હતું

‘પરણીને પસ્તાયા’ની શું વાત કરવી?

‘પરણીને પસ્તાયા’ની શું વાત કરવી?


‘હમ લે ગયે, તુમ રહ ગયે’માં મસ્તમજાની તોતિંગ નુકસાની ખાઈ લીધા પછી અમે નવા નાટકની તૈયારીમાં લાગ્યા, જેની વાર્તા હું તમને ગયા સોમવારે કહેતો હતો. વાર્તા ૭ વર્ષ જૂના એક કપલની હતી. વાઇફ રૂટીન કહેવાય એવા ઘરકામમાં ઢળી ગઈ હોવાને લીધે હવે તે પોતાના શરીર અને દેખાવ પર ધ્યાન નથી આપતી, જેને લીધે પતિને હવે વાઇફ પ્રત્યે અટ્રૅક્શન રહ્યું નથી. પતિ ઑફિસમાં કામ કરતી સાઉથ ઇન્ડિયન સેક્રેટરીના પ્રેમમાં પડે છે. જોકે આ તો થઈ સામાન્ય એક્સ્ટ્રામૅરિટલ રિલેશનની વાત, પણ અમે નાટકમાં નવો ઍન્ગલ લાવ્યા.
પતિ સેક્રેટરીના પ્રેમમાં છે એની જાણ પત્નીને થાય છે ત્યારે વિરોધ કરવાને બદલે અવળું બને છે. પત્ની હસબન્ડની ગર્લફ્રેન્ડને સ્વીકારીને સામેથી કહે છે કે તું તેને ઘરે લઈ આવ, મારો કોઈ વિરોધ નથી. જેવી ગર્લફ્રેન્ડ ઘરે આવે છે કે પત્ની પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરી દે છે અને ઘરની બધી જવાબદારી ગર્લફ્રેન્ડને સોંપી દે છે. હવે પેલીએ ઘરનું બધું કામ કરવાનું છે. છોકરી બધું સંભાળવા માંડે છે અને જવાબદારી વચ્ચે તે પોતાના પર ધ્યાન આપી શકતી નથી, જેને લીધે ગર્લફ્રેન્ડ હવે પતિને આકર્ષક લાગતી નથી. તો આ તરફ પત્ની પાસે તો ટાઇમ જ ટાઇમ છે. તે વર્કઆઉટ શરૂ કરે છે, બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે અને ફરી પહેલાં જેવી બ્યુટિફુલ દેખાય છે. હસબન્ડ ફરી તેના પ્રેમમાં પડે છે અને છેવટે હસબન્ડને રિયલાઇઝ થાય છે કે બાહ્ય સૌંદર્ય કરતાં આંતરિક સૌંદર્ય વધારે મહત્ત્વનું છે. 
આ અમારી વાર્તા અને આના પર અમે કામ શરૂ કર્યું. નાટક નક્કી કરો એટલે સૌથી પહેલાં આવે લેખક-દિગ્દર્શક. અમારા પ્રોડક્શનમાં દિગ્દર્શક તો ફિક્સ જ, વિપુલ મહેતા એટલે શોધવાનો હતો માત્ર રાઇટર. અમે ફરી ગયા અમારી જૂની લેખક બેલડી એવા અસલમ પરવેઝ અને નીલેશ રૂપાપરા પાસે અને તેમને નાટક લખવાનું કામ સોંપ્યું. અહીં મારે એક આડવાત કહેવી છે. મેં ક્યારેય લેખક પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ માગી નથી, ક્યારેય નહીં. એની પાછળનું કારણ સમજવા જેવું છે. મારું માનવું છે કે નાટક હંમેશાં ધીમે-ધીમે અને સ્ટેપ-બાય-સ્ટેપ ડેવલપ થાય. ઍક્ટર જેમ એક પછી એક સીન કરતો જાય અને ખીલતો જાય એવું જ લેખકનું પણ હોય. જેમ-જેમ સીન આગળ વધતા જાય એમ-એમ રાઇટર જોતો જાય કે કોણ કલાકાર છે, તે કેવું કામ કરે છે, કૅરૅક્ટર કેવું બહાર ઊપસે છે અને કૅરૅક્ટર સ્ટેજ પર કેવું દેખાય છે, તો સાથોસાથ દિગ્દર્શકનો અભિગમ શું છે એ પણ તે જોતો જાય અને એ રીતે નાટક આગળ લખાતું જાય. પણ હા, નાટકની વાર્તા તો પહેલા દિવસથી જ નક્કી હોય કે સ્ટોરી અહીંથી શરૂ થશે, આ ઇન્ટરવલ પૉઇન્ટ હશે અને આ આપણો ક્લાઇમૅક્સ હશે. 
ઍક્ટર પણ ઑલમોસ્ટ બધા ફાઇનલ થઈ ગયા હોય, પણ ડાયલૉગ્સ તો સીન જેમ-જેમ સેટ થતા જાય એમ-એમ લખાતા રહે એવો મારો અને વિપુલનો હંમેશનો અભિગમ રહ્યો છે. ઍનીવેઝ, અસલમ-નીલેશને નાટકનું રાઇટિંગ સોંપ્યું અને તેમણે કામ શરૂ કરી દીધું. હવે વાત આવી કાસ્ટિંગની. 
અલગ-અલગ નામ પર ચર્ચા કરતાં-કરતાં અમે નક્કી કર્યું કે કેતકી દવે અને રસિક દવે કપલનાં કૅરૅક્ટર કરે તો સેકન્ડ હાફમાં કેતકી વર્કઆઉટ અને બ્યુટી ટ્રીટમેન્ટ કરીને એકદમ બ્યુટિફુલ થઈ જાય છે ત્યારે તેનો એક ફ્રેન્ડ નાટકમાં એન્ટર થાય છે. એ ફ્રેન્ડ સાથે કેતકીને અફેર હશે એવો હસબન્ડને ડાઉટ જાય છે. આ ફ્રેન્ડવાળા કૅરૅક્ટર માટે અમે મુકેશ રાવલનો સંપર્ક કર્યો, તો રસિક દવે એટલે કે હસબન્ડ જેના પ્રેમમાં પડે છે એ રોલ માટે ગાયત્રી રાવલને કાસ્ટ કરી. ગાયત્રી રાવલ અત્યારે તો પરણીને ઠરીઠામ થઈ ગઈ છે, તેને એક દીકરો છે અને અત્યારે તે નિર્માત્રી બની ગઈ છે. હમણાં તે એક સિરિયલ પણ પ્રોડ્યુસ કરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ વાત અટકી ગઈ, પણ આવતા સમયમાં ગાયત્રી સિરિયલ-પ્રોડ્યુસર તરીકે જોવા મળશે એ નક્કી. 
રસિક દવે, કેતકી દવે, મુકેશ રાવલ અને ગાયત્રી રાવલ પછી વાત આવી કેતકીની સાસુના રોલની. એ રોલમાં અમે મનીષા મહેતાને લીધાં અને એ સિવાયના બીજા બે-ત્રણ ઍક્ટર પણ ફાઇનલ કરી અમે નાટકનાં રિહર્સલ્સ શરૂ કર્યાં. રિહર્સલ્સ દરમ્યાન જ અમે નાટકનું ટાઇટલ ફાઇનલ કર્યું,
‘પરણીને પસ્તાયા.’
૨૦૦પ અને ૨પ જાન્યુઆરી.
નાટક ઓપન કર્યું અને નાટક ઠીક-ઠીક રહ્યું. શોની દૃષ્ટિએ કહું તો ૭૦ શો થયા એ નાટકના. આ અમારું ૩૨મું નાટક હતું. ઓકે કહી શકાય એવો એનો બિઝનેસ હતો અને નાટક દરમ્યાન એવી કોઈ મહત્ત્વની કે અગત્યની ઘટનાઓ પણ બની નહોતી જે આજના સમયે યાદ હોય. 
‘પરણીને પસ્તાયા’ પછીના દિવસોમાં જ રાઇટર નૌશિલ મહેતા મારી લાઇફમાં આવ્યા. આમ તો નૌશિલભાઈ સાથેનો મારો સંબંધ ‘ચિત્કાર’ સમયથી એટલે કે ૮૦ના દસકાથી. એ સમયે નૌશિલભાઈ ઇન્ટરકૉલેજિયેટ માટે એકાંકી લખતા. બેચાર નાટકો તેમણે ડિરેક્ટ પણ કર્યાં હતાં, જેમાંથી એક નાટક મને આજે પણ યાદ છે. મને એ નાટક ખૂબ ગમ્યું હતું. નાટકનું ટાઇટલ હતું ‘શ...’ એટલે કે ચૂપ. આપણે કોઈને ચૂપ રહેવા માટે જે સિસકારો કરીએ એ સિસકારાનો સાઉન્ડ ટાઇટલમાં વપરાયો હતો. તેમનું એક બીજું નાટક હતું જેનું ટાઇટલ હતું ‘નૌશિલ મહેતા આત્મહત્યા કરે છે’. એ નાટકના એન્ડમાં ટાઇટલ-કૅરૅક્ટર બનેલાંઓ સુસાઇડ કરે છે. આ નાટક પરથી કેતન મહેતાએ ફિલ્મ પણ બનાવી હતી તો આ નાટક હિન્દીમાં બન્યું હતું અને બીજી ઘણી ભાષામાં પણ બન્યું હતું. હું કહીશ કે એકાંકીમાં શિરમોર ગણાય એવું નાટક હતું. ટૂંકમાં કહું તો, નૌશિલભાઈ સાથે મારી ઓળખાણ એ કાળથી. તેમણે એક નાટક બનાવ્યું હતું જેનું ટાઇટલ હતું ‘અત્યારે’. એ નાટકથી પહેલી વાર કાફે થિયેટરની શરૂઆત થઈ હતી. 
કાફે થિયેટર વિશે હજી બધાને ખબર નથી એટલે સહેજ એની વાત કરું તમને. રેસ્ટોરાંમાં બધા બેઠા હોય, ડ્રિન્ક્સ લેતા હોય અને એ વખતે નાટક ભજવાય. નાટક સ્ટેજ પર નહીં, પણ બધા ટેબલ વચ્ચે જગ્યા બનાવી હોય એ જગ્યામાં ભજવાય. 
કાફે થિયેટરનો કન્સેપ્ટ વેસ્ટર્ન કન્ટ્રીમાં બહુ પૉપ્યુલર થયો, જેના આધારે નૌશિલ મહેતાએ નાટક લખ્યું હતું. મને હજી પણ યાદ છે કે ઑબેરૉય શેરેટનની એક રેસ્ટોરાંમાં નૌશિલભાઈએ લતેશભાઈની સામે નાટકનું રીડિંગ કર્યું હતું. હું પણ એ સમયે હાજર હતો એટલે મને પણ એ સાંભળવાનો લહાવો મળ્યો હતો. એ નાટક પછી પૃથ્વી થિયેટરમાં ભજવાયું ત્યારે મેં જોયું અને એ પછી સ્ટુડિયો-29 નામનો ડિસ્કો-કમ-કાફે થિયેટર હતું ત્યાં પણ ભજવાયું. જોકે એ હું જોઈ શક્યો નહોતો, પણ પૃથ્વીનો શો મને આજે પણ યાદ છે. ચાર જ કલાકાર; સમીર ખખ્ખર, મીનલ પટેલ, મનોજ શાહ અને ચોથો ઍક્ટર, જેનું નામ મને અત્યારે યાદ નથી આવતું.
નૌશિલભાઈની બીજી એક કળા અને નૌશિલભાઈ લાઇફમાં આવ્યા પછી અમે શું કર્યું એની વાતો કરીશું આપણે આવતા સોમવારે... પણ મિત્રો એક વાત યાદ કરાવી દઉં કે થિયેટરો ખૂલી ગયાં છે. વૅક્સિન લઈ લીધી હોય તો આવો નાટક જોવા...

નાટક હંમેશાં ધીમે-ધીમે અને સ્ટેપ-બાય-સ્ટેપ ડેવલપ થાય. ઍક્ટર જેમ એક પછી એક સીન કરતો જાય અને ખીલતો જાય એવું જ લેખકનું હોય. જેમ-જેમ સીન આગળ વધતા જાય એમ-એમ રાઇટર જોતો જાય કે કોણ કલાકાર છે, કૅરૅક્ટર કેવું ઊપસે છે, દિગ્દર્શકનો અભિગમ કેવો છે એ પણ જોતો જાય અને એ રીતે નાટક આગળ લખાતું જાય.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2021 03:46 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK