બહુ સામાન્ય કહેવાય એવી વાતની ખબર ન હોવાને કારણે મોટા ભાગના લોકો ન વાપરવાની ચીજવસ્તુ પણ મંદિરમાં વાપરતા હોય છે
અરાઉન્ડ ધી આર્ક
ઘર મંદિર
મુંબઈમાં રહેતા અને નિયમિત કૉલમ વાંચતા એક ભાઈએ હમણાં ક્યાંકથી મારો નંબર શોધીને ફોન કર્યો અને એક પ્રશ્ન કર્યો, જે પ્રશ્નનો જવાબ સૌકોઈ માટે ઉપયોગી હોવાથી વિચાર આવ્યો કે એની ચર્ચા અહીં કરવી જોઈએ.
એ ભાઈનો પ્રશ્ન હતો કે મંદિરમાં શું-શું ન રાખવું જોઈએ?
ADVERTISEMENT
સ્વાભાવિક રીતે જવાબ બધાને લાગુ પડે છે. મંદિરમાં ક્યારેય સ્ટીલના દીવા કે અગરબત્તીના સ્ટૅન્ડનો વપરાશ ન કરવો જોઈએ. સ્ટીલ એ લોખંડ જ છે અને લોખંડને ધાર્મિક દૃષ્ટિએ સૌથી ઊતરતી ધાતુ ગણવામાં આવે છે. સ્ટીલનો દીવો જ નહીં, કાસ્ટિંગથી બનાવવામાં આવેલો દીવો પણ ન વાપરવો જોઈએ. કાસ્ટિંગ કરીને તૈયાર કરવામાં આવેલી કોઈ પણ ચીજવસ્તુમાં ઍલ્યુમિનિયમની ધાતુનો ઉપયોગ થાય છે. ઍલ્યુમિનિયમ પણ સૌથી ઊતરતી કક્ષાની ધાતુ માનવામાં આવી છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે એનો વપરાશ કરવો ન જોઈએ. વૈજ્ઞાનિક રીતે પણ ઍલ્યુમિનિયમના દીવામાં મૂકવામાં આવેલા ઘી અને એ પછી પ્રગટાવેલા દીવાથી જે વાયુ જન્મે છે એ નુકસાનકર્તા છે એટલે ઍલ્યુમિનિયમનો વપરાશ પણ કરવો ન જોઈએ. કૉપર (તાંબું) સૌથી શ્રેષ્ઠ ધાતુ છે. જો શક્ય હોય તો દીવો કે અગરબત્તીનું સ્ટૅન્ડ કૉપરનાં જ રાખવાં જોઈએ. પછી એ ઘરમંદિર હોય કે મંદિર હોય. મોટા ભાગનાં જાણીતાં મંદિરોમાં તો આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે, પણ નવાં બનતાં કે પછી આર્થિક અગવડ કે સંકડામણની વચ્ચે બનતાં ઘણાં મંદિરમાં જે બેલ હોય છે એ સ્ટીલનો વાપરવામાં આવે છે. હું કહીશ કે એ પણ ખોટું છે.
મંદિરમાં લાગેલી ઘંટી પણ કૉપરની હોવી જોઈએ. આવું જ ઘરમંદિરમાં પણ ધ્યાન રાખવું. ઘરના મંદિરમાં રાખવામાં આવેલી ઘંટડી પણ કૉપરની જ રાખવી જોઈએ. એ જે કૉપરની ઘંટડી છે એના અવાજમાં ઊર્જાનું સિંચન અલગ પ્રકારનું થતું હોય છે માટે પ્રયાસ કરવો કે એ પણ કૉપરની જ હોય. ઘણાં નાનાં મંદિરમાં આરતી વગાડવા માટે ઑટોમૅટિક મશીન લઈ આવવામાં આવે છે. અંગત રીતે હું કહીશ કે શાસ્ત્રોના આટલા અભ્યાસ પછી પણ હું એ તારણ પર પહોંચ્યો છું કે આરતી દરમ્યાન વાગતું સંગીત અવાજ માટે નહીં પણ ધ્વનિ દ્વારા ઊભાં થતાં સ્પંદનો માટે હોય છે. ચોક્કસ પ્રકારની સાધનસામગ્રી સાથે બનાવવામાં આવેલાં વાજિંત્રોથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ મનમાં પૉઝિટિવ ઊર્જા ભરવાનું કામ કરે છે. તમે જુઓ, ઘણાં મંદિરમાં થતી આરતીનો લાભ લીધા પછી તમારામાં જુદા જ પ્રકારની પૉઝિટિવિટી આવી જાય છે. આવું થવાનું કારણ એ મંદિર, પ્રતિમા અને એની સાથોસાથ આરતી દરમ્યાન જન્મેલી ઊર્જા જ છે.
મંદિરમાં રાખવામાં આવતી અન્ય કોઈ પણ જાતની સામગ્રીમાં પણ લોખંડ, સ્ટીલ કે ઍલ્યુમિનિયમ ન હોય એનું ધ્યાન રાખવું રહ્યું. જો મૂર્તિ રાખી હોય તો એ પણ હોલો એટલે કે અંદરથી પોલી ન હોય એનું ધ્યાન રાખવું. હોલો હોય એવી મૂર્તિમાં જો તળિયાના ભાગમાં જગ્યા હોય તો એની અંદર મીણ ભરી દેવું જોઈએ પણ હંમેશાં નક્કર મૂર્તિ જ રાખવી જોઈએ. એક ખાસ વાત, ક્યારેય કોઈ ખંડિત મૂર્તિ કે પ્રતિમા મંદિરમાં રાખવી નહીં, એને વહેલી તકે પધરાવી દેવી જોઈએ. મૂર્તિ પધરાવવા માટે નદી શ્રેષ્ઠ છે, પણ જો એની સગવડ ન હોય તો એને જઈને નજીકના કોઈ મંદિરે મૂકી આવવી જોઈએ.