Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > KBC જેમ જીવનની ગેમમાં આપણી સામેBIG Bને બદલે ભગવાન બેસીને સવાલો કરે તો?

KBC જેમ જીવનની ગેમમાં આપણી સામેBIG Bને બદલે ભગવાન બેસીને સવાલો કરે તો?

19 November, 2020 09:14 PM IST | Mumbai
Jayesh Chitalia

KBC જેમ જીવનની ગેમમાં આપણી સામેBIG Bને બદલે ભગવાન બેસીને સવાલો કરે તો?

કેબીસીની જેમ જીવનની ગેમમાં આપણી સામે બિગ બીને બદલે પરમાત્મા બેસીને સવાલો કરે તો?

કેબીસીની જેમ જીવનની ગેમમાં આપણી સામે બિગ બીને બદલે પરમાત્મા બેસીને સવાલો કરે તો?


નવું વરસ શરૂ થઈ ગયું છે, વીતેલું વરસ કોરોનાના આઘાતનું રહ્યું. હજી પણ આમ તો એ માથે લટકે જ છે. તેમ છતાં નવા વરસ માટે નવી આશા સાથે આપણે એક નોખી કલ્પના કરીને શરૂઆત કરીએ. કલ્પના કરો, તમને કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં ભાગ લેવા માટે આમંત્રણ મળે, તમે હૉટ સીટ પર પણ આવી જાઓ છો! હા, કલ્પના કરોને બિન્દાસ. જીવન પણ અડધું વાસ્તવિકતા અને કલ્પના પર ચાલતું હોય છે. તો બોલો, કલ્પના કરી? હવે બીજી કલ્પના કરો, તમારી સામે સવાલો પૂછવા માટે અમિતાભ બચ્ચન નથી. ધત્ તારી! તમે કહેશો, તો શું મજા આવે? કેબીસીમાં જઈને હૉટ સીટ પર બેસીએ અને સામે બિગ બી ન હોય તો શું લાભ? શું એક્સાઇટમેન્ટ? આવો વિચાર આવવો સહજ છે, પરંતુ અમારી કલ્પનાની દુનિયા બિગ બીથી પણ આગળની અને ઊંચી છે. હૉટ સીટ પર તમારી સામે બિગ બી ઉપરાંત બધાના બિગેસ્ટ બી-ભગવાન-પરમાત્મા બેઠા છે અને સવાલો પણ તે જ પૂછવાના છે.
આ રિયલિટી ગેમ શોમાં આપણે એકેક જણ ખેલાડી છીએ અર્થાત્ દરેક જણ કલ્પના કરે યા ફીલ કરે કે તે પોતે કન્ટેસ્ટન્ટ (ખેલાડી) છે અને ઈશ્વર સવાલ પૂછી રહ્યા છે. તો શુરુ કરતે હૈં કૌન બનેગા…? આ ટાઇટલથી એક સ્પષ્ટતા જરૂરી છે કે પરમાત્મા આપણી સાથે પૈસાની ગેમ તો ન જ રમે. તે આપણને જે સવાલો પૂછશે એના જવાબ સાચા કે ખોટા એ પણ જાહેર નહીં કરે, પરંતુ આપણને ખયાલ આવી જશે અથવા આપણે આપણી ભીતર ફીલ કરી શકીશું કે આપણો જવાબ સાચો કે ખોટો? આપણે શું બની રહ્યા છીએ, આપણે શું બનીશું? આટલી લાંબી ભૂમિકા બાદ મૂળ સવાલોવાળી ગેમ પર આવી જઈએ.
ભગવાનના સરળ સવાલો શરૂ
પરમાત્માનો પહેલો, સહેલો સવાલ : માનવી, તમને કેટલાં વરસ થયાં? દરેકનો પોતાની ઉંમર મુજબ જવાબ આપે એટલે સહી જવાબ જ આવે, પણ આ સવાલને સમજો તો એમાં વ્યંગ આવી જાય છે, જે બીજા સવાલમાં સ્પષ્ટ થઈ જાય છે.
સવાલ બીજો : માનવી, તમે ‍અત્યાર સુધી શું કર્યું? જવાબમાં દરેક જણ પોતે ભણ્યા, નોકરીએ લાગ્યા કે બિઝનેસ માંડ્યો, પછી પરણ્યા, ઘણા હજી ભણે છે, પરણવાના બાકી છે, ઘણા નોકરી કે છોકરી શોધી રહ્યા છે, અનેક લોકો પોતાનાં સંતાનોનાં લગ્ન માટેની તૈયારી કરી રહ્યા છે, કેટલાય લોકો નિવૃત્ત થઈને વરિષ્ઠ નાગરિક તરીકે જીવન વિતાવી રહ્યા છે. ઘણા મોટી ઉંમરે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ જવાબ દરેકના પોતાના જીવનની કથા મુજબ રહેશે. આ સૌની સાંસારિક દુનિયાની વાત છે.
થોડા અઘરા સવાલ
પરમાત્માનો ત્રીજો સવાલ : માનવી, તમે પોતાના માટે શું કર્યું? અને સમાજ માટે-પરમાર્થ માટે શું કર્યું? અહીં માનવી જરા વિચારે ચડશે. પોતાના માટે શું કર્યું એ તો કહી શકશે, પરંતુ અન્ય માટે-પરમાર્થ માટે શું કર્યું એ વિચારવું પડશે, થોડી મૂંઝવણ પણ થશે, કારણ કે આવા જવાબ બહુ ઓછા લોકો પાસે હોય છે, મોટા ભાગના લોકો પોતાના માટે જીવવામાં જ જીવન પૂરું કરી નાખે છે. જેમ કીડી, મકોડા, ઉંદર સહિત અનેક જીવજંતુ જીવે છે. પરમાર્થની તક માત્ર માનવીને મળે છે. આ વિચાર કરીને એનો અમલ કરનારા ઓછા હોય છે, તેથી આ લોકો એક્સપર્ટ ઍડ્વાઇસ લેવા પોતાના કહેવતા ધર્મગુરુ યા માત્ર ગુરુની સહાય માગશે, એમાં તેને જે જવાબ મળશે એ આપશે.

સુખી છો કે દુખી?
ભગવાન વધુ અઘરો ચોથો સવાલ રજૂ કરે છે ઃ માનવી, તમે પોતાને સુખી માનો છો કે દુખી માનો છો? માનવી વિચારે છે કે આમાં તો મારે પબ્લિક ઓપિનિયન લેવો પડશે, કારણ કે માણસ પોતે સુખી કે દુખી છે એ બીજાને જોઈને નક્કી કરે છે યા માને છે. સુખ અને દુઃખ માનવીની પોતાની મનની અવસ્થા હોય છે, જે બીજાઓ સાથે તુલના કરીને અથવા બીજાનાં વાણી-વર્તનથી કે પછી બીજાનું અનુસરણ કરતા રહીને ઊભી થાય છે. તેનું મન આમાં મોટી ભૂમિકા ભજવે છે. આમ પણ માણસો ટોળાઓને જ ફૉલો કરતા હોય છે, તેને એકલા પડવું ગમતું નથી અથવા એકલા પડવાની હિંમત હોતી નથી. લોગ ક્યા કહેંગેનો વિચાર તેને સતત સતાવે છે. બીજાના વિચાર કરી-કરી તે જીવનનાં સુખ અને દુઃખનું સર્જન પણ કરતા રહે છે.



કોને વધુ પ્રેમ કરો છો?
પરમાત્માનો પાંચમો સવાલ છે ઃ માનવી, તમે સૌથી વધુ પ્રેમ કોને કરો છો? જવાબમાં માનવી ટૉપ પર પોતાને મૂકે છે. સહજ છે, ખોટું પણ નથી. પછી પોતાને ગમતા લોકોને-સ્વજનોને, મિત્રોને પ્રેમ કરે છે. પણ મોટા ભાગના માનવીના આ પ્રેમમાં પોતાની અપેક્ષા છુપાયેલી હોય છે, પોતાનો સ્વાર્થ પણ ક્યાંક દબાયેલો હોય છે જેને તે ભૂલી જાય છે. આવા પ્રેમને ખરેખર પ્રેમ કહેવાય એ તેને સમજાતું નથી. ઘણા વળી ધર્મને, ઘણા ભગવાનને પ્રેમ કરવાની વાતો કે દાવા પણ કરે છે, પરંતુ એનો અર્થ ભાગ્યે જ સમજે છે. તેમનો ભગવાન પ્રત્યેનો પ્રેમ પણ મતલબનો હોય છે, અપેક્ષાનો હોય છે. પણ માનવી આમ સ્વભાવે ચાલાક એટલે ખબર પડવા દેતો નથી. જોકે પરમાત્મા ન સમજે એ કઈ રીતે બને?


ભાવિનું લક્ષ્ય શું છે?
ખેર, પરમ તેમના છઠ્ઠા સવાલમાં પૂછે છે ઃ ભવિષ્યનું લક્ષ્ય શું છે? મોટા ભાગના માનવી તેમાં સ્પષ્ટ હોતા નથી, તેમને માત્ર ભવિષ્ય સુખ-સુવિધા અને સંપત્તિથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય હોય છે તેથી સતત તે જીવનને આ માટે વ્યસ્ત રાખે છે. આમાં ઘણા તો વળી ખૂબ કન્ફયુઝ્ડ હોય છે, તેઓ ફિફટી-ફિફટીનો, ઘણા 70-30નો ઘણા 80-20નો વગેરે જેવા પોતાને અનુકૂળ વિકલ્પ પસંદ કરે છે અને ઘણા વૃદ્ધો તો જવાબમાં કહે છે, અમારું લક્ષ્ય પ્રભુભક્તિમાં લીન રહેવાનું છે. તો ઘણા વળી પોતાના પરિવાર માટે ધન ભેગું કરવામાં, ઘણા પોતાની એક જ નહીં બલકે સાત પેઢીઓ માટે સંપત્તિ એકઠી કરી લીધા પછી પણ એની જ પાછળ રહે છે. સિકંદરની વાત બધાને જ ખબર હોય છે તેમ છતાં ભેગું કરવામાં, બધું જ જીતી લેવામાં-મેળવી લેવામાં માનવી સંતોષની રેખા સુધી પોતે ભાગ્યે જ પહોંચે છે.

મૃત્યુ વિશેના સવાલમાં જીવનનો સાર
પરમાત્માનો સાતમો અને આખરી સવાલ આવે છે મૃત્યુ વિશે : માનવીઓ, તમે મૃત્યુ વિશે વિચાર કરો છો? આ સવાલ આવતાં જ માનવીઓ એકદમથી મૌન કે ગમગીન થઈ જાય છે. અનેક લોકો તો ફ્લિપ ધ ક્વેશ્ચન (સવાલ જ બદલવાનો વિકલ્પ) અપનાવે છે. આ વિશે તેમને વિચાર આવતા હોય તો પણ કરવા નથી હોતા, તે વિચારમાત્રથી પણ ભયભીત થઈ જાય છે. દરેક માનવી એમ જ સમજીને કે માનીને જીવે છે કે તેને મૃત્યુ વહેલું નહીં આવે, વૃદ્ધ થયા બાદ જ આવશે. બીજાના મરણ પ્રસંગે જઈને પાછા ફર્યા બાદ પણ સૌ થોડી જ વારમાં મૃત્યુને ભૂલી જાય છે અને એની યાદ પણ આવે તો એને ભગાડવા નવા-નવા માર્ગ શોધી એમાં વ્યસ્ત થઈ જાય છે. આમ પણ આખો દિવસ મૃત્યુના વિચાર કરીને શા માટે જીવવાનું? પરંતુ સવાલ અથવા મુદ્દો એ નથી, માણસ સમજદારીપૂર્વક મરણનો વિચાર કરીને જીવે તો તેનું જીવન સાર્થક થવાની શક્યતા બહુ ઊંચી રહે છે. તેમ છતાં મોટા ભાગના માનવીઓ આ સાતમા સવાલનો જવાબ આપવાને બદલે ગેમમાંથી ક્વિટ (બહાર નીકળી જવાનું) થવાનું પસંદ કરે છે. એ તો કોઈક જ નચિકેતા હોય છે જે સામેથી મૃત્યુના દેવતાને જઈને પૂછે છે.
આખરે ક્વિટ તો થવાનું જ છે!
ખેર, આ ગેમ હોય કે જીવન હોય, આપણે દરેકે એક દિવસ ક્વિટ થવાનું જ છે. હારીને કે ગુમાવીને ક્વિટ થવા કરતા કંઈક પામીને ક્વિટ થવામાં વધુ સાર છે. આમ તો જીવન સરળ અને સહજ છે, પરંતુ આપણે એને વધુ ગૂંચવણભર્યું કરી નાખ્યું છે. પરમાત્મા આપણને સવાલ ન પૂછે તો પણ આપણે આવા અને બીજા વધુ સવાલ જાતને પૂછવા જોઈએ. ક્યાંક જીવનને નવા વિચાર મળે, નવા અભિગમ મળે, નવી દિશા મળે. દરેક નવા વરસે આપણે નવા સંકલ્પો લેવાનું વિચારતા હોઈએ છીએ. ચાલો, આ નવા વરસે ઈશ્વર સાથેના સવાલ-જવાબને આધારે જીવન વિશે નવેસરથી વિચારીએ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 09:14 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK