Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉત્તરાયણનું મૃત્યુ શુભ શું કામ?

ઉત્તરાયણનું મૃત્યુ શુભ શું કામ?

14 January, 2022 12:08 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બાણશૈયા પર પ૮ દિવસ સુધી રહીને દેહત્યાગ માટે ઉત્તરાયણની રાહ ભીષ્મ પિતામહે એટલા માટે જોઈ કે જેથી દેહત્યાગ પછી તે બ્રહ્મલોકમાં જાય અને આત્માને કરોડો વર્ષોનું આયુષ્ય આપી શકે

ઉત્તરાયણનું મૃત્યુ શુભ શું કામ?

ઉત્તરાયણનું મૃત્યુ શુભ શું કામ?


શાંતનુ પુત્ર દેવવ્રત એટલે કે ભીષ્મ પિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન હતું. પોતાના આ વરદાનને કારણે જ ભીષ્મ પ૮ દિવસ સુધી બાણશૈય્યા પર રહ્યા અને દેહત્યાગ વિના ઉત્તરાયણની રાહ જોતા રહ્યા. ઉત્તરાયણ. સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ. શાસ્ત્રો કહે છે કે ઉત્તરાયણ દરમ્યાન કરેલાં સદ્કાર્યો, સદાચારની નોંધ ભગવાન બ્રહ્મા પોતે લેતા હોય છે અને એટલે જ ઉત્તરાયણના દિવસે દાનપુણ્યનો મહિમા ગવાતો રહ્યો છે પણ હકીકત એ છે કે ઉત્તરાયણ પૂરતું જ નહીં; ઉત્તરાયણ દરમ્યાનના છ મહિના દરમ્યાન કરવામાં આવેલું દાન, કરવામાં આવેલાં સદ્કાર્યો સદ્ગતિ આપવામાં કારક બને એવું પણ શાસ્ત્રોમાં નોંધવામાં આવ્યું છે. આમ તો સદ્કાર્યો હંમેશાં દુર્ગતિ માટે અવરોધક જ હોય છે એટલે ઉત્તરાયણને બદલે દક્ષિણાયન દરમ્યાન થાય તો પણ લાભકારી જ છે એ ભૂલવું નહીં. છાન્દોગ્યોપનિષદમાં કહેવાયું છે કે જો ખરાબ કર્મ કરનારાનું મૃત્યુ ઉત્તરાયણ દરમ્યાન થાય તો તેને બ્રહ્મલોક નથી જ મળતો પણ તેનો આત્મા સ્વર્ગથી નર્કની દિશાનો રહે છે. આ જ છાન્દોગ્યોપનિષદમાં એ પણ ચોખવટ કરવામાં આવી છે કે અતિ પુણ્યપ્રતાપી અને શેઠ જગડુશા સમાન દાનવીરતા ધરાવતા કોઈનું મૃત્યુ ધારો કે દક્ષિણાયન દરમ્યાન થાય તો તેને નર્ક નથી મળતું, તેમના સ્વર્ગનો માર્ગ નર્કમાંથી પસાર થાય છે પણ એ આવે છે સ્વર્ગમાં જ એટલે કે બ્રહ્મલોકમાં. આવું શું કામ એ જરા જાણવું જોઈએ.
છ મહિનાના બે આયન |  આપણે ત્યાં છ-છ મહિનાના બે આયન હોય છે, જે પૈકી ઉત્તરાયણના છ મહિના હોય છે તો દક્ષિણાયનના છ મહિના હોય છે. ઉત્તરાયણનો આરંભ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે થાય. આ પ્રવેશ પછીના છ મહિના એટલે કે સૂર્ય મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન રાશિમાં થઈને કર્ક રાશિમાં પ્રવેશે ત્યારે દક્ષિણાયનની શરૂઆત થાય છે. દક્ષિણાયન પણ છ મહિનાનો હોય છે. સૂર્ય એક મહિનો એક રાશિમાં રહેતો હોય છે, જે સામાન્ય રીતે ૧૪-૧૫ તારીખે ટ્રાન્ઝિટ એટલે કે ફરે છે. આ એંસી વર્ષની એક સાઇકલ છે, જેમાં દર ૮૦ વર્ષે એકેક દિવસ આગળ થતો જાય છે. આ સાઇકલની દૃષ્ટિએ એંસી વર્ષ પછી મકરસંક્રાન્તિની ઉજવણી તો ધાર્મિક માનસિકતા વચ્ચે જાન્યુઆરીની ૧૪મી તારીખે જ થશે પણ હકીકતમાં ત્યારે સૂર્ય મકરમાં પ્રવેશ ૧૬મી તારીખે કરતો હશે.
ઉત્તરાયણ અને દક્ષિણાયન કેવી રીતે આવે એ પણ સમજવા જેવું છે. સૂર્ય ઊગે પૂર્વમાં અને આથમે પશ્ચિમમાં. ઉત્તરાયણ દરમ્યાન સૂર્ય પૂર્વમાં ઊગીને ઉત્તર તરફથી પશ્ચિમમાં આવશે તો દક્ષિણાયન દરમ્યાન સૂર્ય પૂર્વમાં ઊગીને દક્ષિણ તરફથી પશ્ચિમમાં પ્રવેશ કરશે. આ આખી વાત સહજ રીતે પડછાયા પરથી પણ જોઈ અને સમજી શકાય છે. આજ પછી બપોરે બાર વાગ્યે તમારો પડછાયો જોશો તો એ તમને દક્ષિણ તરફ ઢળેલો દેખાશે. સામાન્ય પ્રકાશબિંદુ પ્રક્રિયા અહીં કામ કરે છે. તમે લાઇટ જે બાજુએથી આપો એની વિરુદ્ધ દિશામાં પડછાયો ઊભો થાય.
ઉત્તરાયણને શાસ્ત્રો શુભ માને છે, જેને લીધે મકર સંક્રાન્તિ સાથે છ મહિના શુભ કાર્યો થઈ શકે છે. આ છ મહિના દરમ્યાન શુભ કાર્યોમાં કુદરત્તી આપત્તિ આવતી નથી પણ દક્ષિણાયન દરમ્યાન ધમધોખતો તડકો, વરસાદ અને કડકડતી ઠંડી વિઘ્ન બની શકે છે. ઉત્તરાયણના છ મહિના દરમ્યાન શિશિર, વસંત અને ગ્રીષ્મ એમ ત્રણ સીઝન જોવા મળે.
શું કામ ઉત્તરાયણ શુભ? | ઉત્તર-પૂર્વને ઈશાન કહેવામાં આવે છે અને ઈશાન ઈશ્વરનો વાસ ધરાવે છે તો ઉત્તર દિશા કુબેરનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્ય ઈશ્વરના વાસ એવા ઈશાનમાં પ્રવેશીને કુબેરની દિશામાં થઈને આગળ વધતો પશ્ચિમમાં ઢળે છે, જેને લીધે ઉત્તરને શુભ માનવામાં આવે છે પણ આ જ વાત જ્યારે દક્ષિણની આવે ત્યારે જાણવું પડે કે દક્ષિણને યમની દિશા કહેવામાં આવી છે તો પૂર્વ-દક્ષિણ એટલે અગ્નિકોણને કેના ઉપનિષદમાં અસૂરોનું સ્થાન કહેવામાં આવ્યું છે. સૂર્ય અસૂરોના સ્થાન પરથી પસાર થઈ યમને મળે અને પછી પશ્ચિમ તરફ ઢળે છે, જેને લીધે આ ગતિને એટલે કે દક્ષિણાયનને અશુભ માનવામાં આવે છે.
ઉત્તરાયણને દેવતાઓના દિવસો તરીકે જોવામાં આવે છે તો દક્ષિણાયનને અસૂરોના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણના છ મહિના દરમ્યાન જોવા મળતી શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુ દરમ્યાન સૂર્ય પોતાના મૂળભૂત રૂપમાં પરત આવતો જાય છે. દિવસ લાંબો થતો જાય છે અને સૂર્યની તેજસ્વિતામાં પણ બદલાવ આવી જાય છે. સૂર્યકિરણમાં ઊર્જા છે અને બીમારી ભગાડવાની ક્ષમતા છે. ઉત્તરાયણ દરમ્યાન સૂર્યનાં કિરણોમાં જન્મતી ઊર્જા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે તો વાતાવરણમાંથી નકારાત્મકતા દૂર કરવાનું કામ પણ આ જ ઊર્જા કરે છે.
વિશ્વમાં બનેલી કોઈ પણ ખોફનાક ઘટનાઓનો કાળ જોશો તો મોટા ભાગની ઘટના દક્ષિણાયન દરમ્યાન બની હોવાનું સ્પષ્ટ દેખાશે. કારણ છે, સૂર્ય ઊર્જામાં રહેલી નકારાત્મકતા અને ઉત્તરાયણકાળમાં એવી ઘટના ભાગ્યે જ બને છે, કારણ છે ઊલટું; સૂર્ય ઊર્જામાંથી પ્રાપ્ત થતી સકારાત્મકતા.

 ઉત્તરાયણને દેવતાઓના દિવસો તરીકે અને દક્ષિણાયનને અસૂરોના દિવસો તરીકે ઓળખવામાં આવે છે.



સૂર્ય ઉત્તરમાં, કૃષ્ણ આંખ સામે


ઇચ્છામૃત્યુથી વરદાનિત ભીષ્મ પિતામહની ઇચ્છા માત્ર ઉત્તરાયણના દેહત્યાગની નહોતી. એક આખું પુસ્તક લખી શકાય એવી ઉત્તમોત્તમ વિચારધારા આ પ્રસંગમાંથી નીતરે છે, ભીષ્મ પર્વ છે એ તો. ભીષ્મની ઇચ્છા હતી સૂર્ય ઉત્તરમાં પ્રવેશે ત્યારે શુક્લ પક્ષની અષ્ટમી હોય એ દિવસ, સમય મધ્યાહ્નનો હોય અને આંખ સામે નરહરિ એટલે કે કૃષ્ણ હોય એવા સમયે દેહનો ત્યાગ કરવો. સૂર્ય ઉત્તરમાં પ્રવેશ કરે એ સમયની ભીષ્મએ રાહ જોઈ. દેહત્યાગ સમયે સૌકોઈ ત્યાં પહોંચી ગયા ત્યારે બધા પિતામહની આસપાસ ગોઠવાઈ ગયા, જેમાંથી 
અર્જુન અને કૃષ્ણએ ક્યાં બેસવું એ પિતામહે કહ્યું હતું. તેમણે અર્જુને મસ્તક પાસે અને કૃષ્ણને અંતિમ ઇચ્છા મુજબ પોતાની આંખ સામે રાખ્યા હતા. અંતિમ સમયની એ પળોમાં તેમણે કૃષ્ણ પાસે કન્યાદાનની ઇચ્છા વ્યક્ત કરી. બ્રહ્મચર્યનું પ્રખર સ્વરૂપ અને કન્યાદાન! પિતામહે પણ આ જ વાત કહી કે હું કન્યા, પુત્રી, દીકરી ક્યાંથી લાવું આ સમયે પણ હે કૃષ્ણ, હું તમને મારી મતિનો હાથ તમારા હાથમાં સોંપું છું. 
એનું ધ્યાન રાખજો. 
કૃષ્ણએ ભગવદ્ગીતાના આઠમા અધ્યાયના ૨૪મા શ્લોકમાં ઉત્તરાયણનો ઉલ્લેખ કરતાં કહ્યું છે,
અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ।।
અર્થાત પ્રકાશ સ્વરૂપ અગ્નિના અધિપતિ દેવતા, દિવસના અધિપતિ દેવતા, શુક્લ પક્ષના અધિપતિ દેવતા અને છ મહિનાના ઉત્તરાયણના અધિપતિ દેવતા છે એ માર્ગ પર જે બ્રહ્મવેતા પુરુષ બ્રહ્મલોકને પ્રાપ્ત કરશે અને પછી બ્રહ્માજી સાથે લીન થશે.

શબ્દાંકન : રશ્મિન શાહ


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 12:08 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK