° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


કોઈ અકસ્માત થાય ત્યારે આપણે શું કરીએ છીએ?

20 November, 2021 06:56 PM IST | Mumbai | Jigisha Jain

વિશ્વભરમાં અકસ્માતના વિક્ટિમ્સને યોગ્ય ન્યાય મળે એ માટે આવતી કાલના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવશે ત્યારે મળીએ એવા મુઠ્ઠીઊંચેરા માનવીઓને જેમની સમયસૂચકતાએ બીજા કોઈકને  નવજીવન બક્ષ્યું છે

કોઈ અકસ્માત થાય ત્યારે આપણે શું કરીએ છીએ?

કોઈ અકસ્માત થાય ત્યારે આપણે શું કરીએ છીએ?

વર્લ્ડ ડે ઑફ રિમેમ્બરન્સ ફૉર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ   મોટા ભાગે અકસ્માત જોઈને લોકો ફોટો અને વિડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે, પણ મદદ કરવાનું સાહસ બહુ ઓછા લોકો કરે છે. વિશ્વભરમાં અકસ્માતના વિક્ટિમ્સને યોગ્ય ન્યાય મળે એ માટે આવતી કાલના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવશે ત્યારે મળીએ એવા મુઠ્ઠીઊંચેરા માનવીઓને જેમની સમયસૂચકતાએ બીજા કોઈકને  નવજીવન બક્ષ્યું છે

આપણે ત્યાં કોઈ પણ જગ્યાએ ઍક્સિડન્ટ થાય એટલે લોકો ટોળું વળીને ઊભા રહી જાય. હવે તો ઍક્સિડન્ટને કારણે ઘાયલ અને દરદથી કણસતા લોકોને જોઈને દરેક વ્યક્તિના મનમાં થાય છે કે હું મદદ કરું, પરંતુ આવા મજબૂર માણસોની મદદ કરનારા મહાનુભાવો ઘણા ઓછા હોય છે કારણ કે દરેકને લાગે છે કે અમે આ વ્યક્તિની મદદ કરીશું તો ફસાઈ જઈશું, પોલીસ અમારી પૂછપરછ કરશે, કોણ પડે પોલીસના લફરામાં. વધુમાં લોકો ફક્ત પોલીસને કે ઍમ્બ્યુલન્સને ફોન કરી દે છે. જોકે એ આવતાં વાર લાગે છે અને ત્યાં સુધી ઘાયલ વ્યક્તિની હાલત નાજુક થઈ જાય છે.  આપણી સમયસૂચકતા કોઈને નવું જીવન આપી શકે છે. ઍક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરીને માણસાઈની લાજ રાખવાનો સંતોષ કેટલો મોટો હોય છે એ કેટલાક માયાળુ લોકો પાસેથી જાણીએ. 
પોલીસનો ડર દૂર કરવો
મુલુંડમાં રહેતા અને કેટરિંગનો બિઝનેસ કરતા મિતેશ પલણ ૨૦૧૬ની ફેબ્રુઆરીની પાંચમી તારીખે પોતાના ઘરેથી લગ્નની વાડીએ જવા નીકળ્યા ત્યારે તેમણે રસ્તામાં રિક્ષા આખી હવામાં ઊછળતી જોઈ. એક મારુતિ કાર અને રિક્ષાનો ઍક્સિડન્ટ થયો હતો. રિક્ષા-ડ્રાઇવર ખૂબ જખમી હતો. કોઈ આ માણસને હાથ લગાડવા તૈયાર જ નહોતું. મિતેશભાઈએ બૂમો પાડી-પાડીને બધાને બોલાવ્યા. ૪-૫ માણસો મદદે આવ્યા. એ માણસને તેમણે પોતાની ગાડીમાં લીધો અને નજીકની ગોદરેજ હૉસ્પિટલમાં લઈ ગયા. તેમના મગજ પર ઘણી અસર થઈ ગઈ હતી એટલે આ ભાઈ દોઢ મહિને માંડ પહેલાં જેવા ઠીક થઈ શક્યા. એની વાત કરતાં મિતેશભાઈ કહે છે, ‘લોકો એટલા માટે આવા સમયે સાથ નથી આપતા હોતા કે પોલીસના લફરામાં કોઈ પડવા નથી માગતું હોતું. જોકે મને કાનૂનની ખબર છે. તમે જો માણસને બચાવતા હો તો પોલીસ તમને કોઈ પણ બાબતે હેરાન ન કરી શકે. જોકે આ કેસના અઠવાડિયા પછી મને બે વાર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો. હું મળી આવ્યો. બધી વાત પણ પોલીસને કરી.’ 
મિતેશભાઈએ એ દિવસે પેલા રિક્ષાવાળાનો જ જીવ બચાવ્યો એવું નથી. તેમણે ગુજરાતમાં એક દિવસ બરોડા એક્સપ્રેસવે પર એક બાઇકરનો જીવ પણ બચાવ્યો હતો અને સુરત હાઇવે પર એક બળતી ગાડીને પોતાની પાસે રહેલા ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવીને બચાવી હતી. તેઓ કહે છે, ‘હોનારતો રોડ પર થતી જ રહે છે. સજાગતા હોય તો માણસ કપરા સંજોગોમાં પણ બચી શકે છે. ૬૦૦ રૂપિયાનું એક ઇન્વેસ્ટમેન્ટ લાખો રૂપિયાની ગાડીને બચાવી શકે છે. બાકી માણસ માણસને કામ નહીં લાગે તો કોણ લાગશે?’
જાતે જવાબદારી લીધી
ઘાટકોપરનાં સમાજસેવિકા ડિમ્પલ પંડ્યા જાન્યુઆરી મહિનામાં વિક્રોલીથી ઘાટકોપર જતો જે હાઇવે છે એના પરથી ટૅક્સીમાં જઈ રહ્યાં હતાં. ત્યારે તેમણે જોયું કે યુવાન છોકરા અને છોકરીનો ભયંકર ઍક્સિડન્ટ થયો હતો. એમાં છોકરાની પૂરી ડાબી બાજુ ડૅમેજ થઈ ગઈ હતી. કોઈ કાળે બંને ઊભાં થઈ શકે એવી હાલત જ નહોતી. બંનેના ફોન આખા વી શેપમાં વળી ગયા હતા. એ દિવસને યાદ કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘છોકરીનાં કપડાં ફાટી ગયાં હતાં. એટલે મેં મારી દીકરીનું જૅકેટ તેને પહેરાવ્યું. ત્યાં પોલીસ આવી ગઈ જે એ બંનેને સાયન લઈ જવાની વાત કરી રહી હતી. બંને યુવાનો પર મને દયા આવી ગઈ હતી. મેં પોલીસને કહ્યું કે રાજાવાડી લઈ જઈએ, કારણ કે ત્યાં મને કોઈ પણ સહાયની જરૂર પડત તો લોકો હતા. પોલીસે મને કહ્યું કે જો તમારે આ લોકોને રાજાવાડી લઈ જવા હોય તો અમે ફક્ત હૉસ્પિટલ સુધી જ સાથે રહીશું. મેં એ બંનેની જવાબદારી લીધી અને તેમને રાજાવાડી લઈ આવી.’
બંનેના ઘરના લોકોને જાણકારી થઈ શકે એમ જ નહોતી, કારણ કે તેમના મોબાઇલ તો તૂટી ગયા હતા. આ વિશે વાત કરતાં ડિમ્પલબહેન કહે છે, ‘મેં તે છોકરીને કહ્યું કે તું હિંમત કરીને એક નંબર જે તને યાદ હોય એ બોલ. છોકરી દુઃખમાં કણસતી હતી, પરંતુ મારો હાથ તેણે છોડ્યો જ નહીં. તેને એમ હતું કે હું તેની સાથે જ રહું. ધીમે-ધીમે તે બોલી. તેના ભાઈનો નંબર તેને યાદ આવ્યો. મેં તેના ભાઈને ફોન કર્યો. તે આવ્યો ત્યારે તેની બહેન પર ગુસ્સે હતો. મેં તેને પણ શાંત કર્યો. પછી બધું થાળે પડ્યું. એ દિવસે રાત્રે ૧૨ વાગ્યે હું ઘરે પહોંચી.’ 
થૅન્ક યુ કહેતાં થાકતી નથી
૩૯ વર્ષના પરાગ રાજથી ૨૦૦૬નો એ બનાવ ક્યારેય ભુલાય એમ નથી, કારણ કે એ દિવસે તેમની પહેલી મૅરેજ ઍનિવર્સરી હતી. અંબરનાથ જતી ટ્રેનમાંથી સાયનથી કુર્લાની વચ્ચે એક છોકરી ચાલતી ટ્રેને પડી ગઈ. તેને જોવા માટે કુર્લા સ્ટેશન પર રૉન્ગ સાઇડ જમ્પ મારીને પરાગભાઈ ઊતર્યા અને તે છોકરી પાસે પહોંચ્યા. એ દિવસને યાદ કરીને પરાગ કહે છે, ‘મેં પહેલાં જોયું કે તેના શ્વાસ ચાલતા હતા. એટલે મને થયું કે જલદીથી હવે તેને હૉસ્પિટલમાં લઈ જવી પડે. મારી સાથે એક માણસ પણ ઊતર્યો હતો. તેને મેં કહ્યું કે તું સ્ટ્રેચર લઈ આવ. તેનાં કપડાં પૂરાં ફાટી ગયાં હતાં. તે બિચારી ખૂબ ખરાબ પરિસ્થિતિમાં હતી. મેં તરત મારું શર્ટ ઉતાર્યું. તેને ઢાંકીને અમે સ્ટ્રેચર પર સાયન હૉસ્પિટલ લઈ ગયા.’ 
ત્યાંથી તેના ઘરના લોકોને ઇન્ફૉર્મ કર્યા. રોડ પર કપડાં વેચતા ભાઈ પાસેથી ૮૦ રૂપિયાનું ટી-શર્ટ લઈને પહેર્યું અને પછી રાત્રે મોડા ઘરે પહોંચ્યા. લગ્નની પહેલી ઍનિવર્સરી પર પત્ની સાથે તેમનો ઝઘડો થઈ ગયો, કારણ કે ફિલ્મી લાગતી આ કહાની પર તેમનાં પત્નીને તરત વિશ્વાસ થયો નહીં. જોકે એ પછી પેલી યુવતી જેનું નામ કરીના હતું તે સ્વસ્થ થયા પછી આભાર પ્રગટ કરવા આવેલી એની વાત કરતાં પરાગભાઈ કહે છે, ‘કરીનાને એવું હતું કે મારે કારણે જ તેને નવજીવન મળ્યું છે. મેં તેને કહ્યું કે તું બચી ગઈ એ તારી કિસ્મત છે, મારો એમાં કોઈ હાથ નથી. અમારી પહેલી ઍનિવર્સરીનું ગિલ્ટ તેના મનમાં હતું એટલે લગ્નની બીજી ઍનિવર્સરીના દિવસે તે ગિફ્ટ લઈને અમને મળવા આવેલી. તે નોકરીએ લાગી ત્યારે પહેલો પગાર લઈને મને આપવા આવેલી. આમ જોઈએ તો આપણા હાથમાં કંઈ નથી. કોઈનું જીવન કે મરણ આપણા હાથમાં નથી હોતું, પણ આપણે તો માત્ર પ્રયત્ન કરવાનો. બાકી તો જેવી ઈશ્વર મરજી.’ 

પોલીસકેસ બાબતમાં કાનૂની લડત

અકસ્માતગ્રસ્ત લોકોને હૉસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાની મદદ કરવા માટે ડરતા લોકોની તકલીફ સમજીને ભારતના સેવ લાઇફ ઇન્ડિયા ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરી હતી. માર્ચ ૨૦૧૬માં આર્ટિકલ ૧૪૧ અનુસાર આ લૉને મંજૂરી આપવામાં આવી. આ કાયદા અનુસાર અકસ્માતગ્રસ્ત વ્યક્તિને જે બચાવે છે તેની મરજી વિરુદ્ધ પોલીસ તેને કોઈ પૂછપરછ કરી શકતી નથી. આ બાબતે સેવ લાઇફ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર પીયૂષ તિવારી કહે છે, ‘આ કાનૂન નવો છે અને એ બાબતે જાગૃતિ ફેલાવવાની ખૂબ જરૂર છે. આ કાનૂન લોકોને એમની માનવતા સાથે જોડાયેલા રહેવામાં સહાયક બને છે. એ વ્યક્તિને વગર કોઈ ડરે ઈજાગ્રસ્તની મદદ કરવા માટેનું કવચ પ્રોવાઇડ કરે છે. જરૂર છે કે દરેક રાજ્ય વહેલી તકે આ કાનૂનનો અમલ કરે.’
આ બાબતે કાનૂન આવ્યા પછી ૨૦૧૮માં સેવ લાઇફ ઇન્ડિયા ફાઉન્ડેશને કરેલા સર્વે અનુસાર મદદ કરવા ઇચ્છતા લોકોની સંખ્યામાં વધારો ચોક્કસ થયેલો, પરંતુ ૪૩ ટકા લોકોએ કહ્યું કે તેઓ જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ ગયા હતા ત્યારે તેમની પર્સનલ ડિટેલ્સ માગવામાં આવી હતી. એટલું જ નહીં, ૫૯ ટકા લોકોએ કહ્યું હતું કે તેમને પોલીસે પૂછપરછ 
અને બીજી બાબતો માટે પકડ્યા હતા.

20 November, 2021 06:56 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK