Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ યુવાને એવું તે શું કર્યું કે કૃષિ-ઉત્પાદન ડબલ થઈ ગયું?

આ યુવાને એવું તે શું કર્યું કે કૃષિ-ઉત્પાદન ડબલ થઈ ગયું?

07 January, 2022 06:38 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીના ઉપયોગથી ટ્રેડિશનલ ફાર્મિંગ કરતાં પચાસ ટકા વધુ ઝડપથી પ્લાન્ટ્સ ઉગાડી શકાય છે એવો દાવો કરનારા કાંદિવલીના ધૈર્ય બજરિયાના વિઝન અને મિશન વિશે વાત કરીએ

આ યુવાને એવું તે શું કર્યું કે કૃષિ-ઉત્પાદન ડબલ થઈ ગયું?

આ યુવાને એવું તે શું કર્યું કે કૃષિ-ઉત્પાદન ડબલ થઈ ગયું?


ખેડૂતોએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો ખેતીવાડીની જૂનીપુરાણી પદ્ધતિને છોડી મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવું જોઈએ એવી સલાહ અને સૂચનો આપનારા ઘણા લોકો મળી જશે, પરંતુ આ દિશામાં ઠોસ કામ કરનારા લોકોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય એટલી માંડ હશે. જગતના તાત ગણાતા ખેડૂતોની દશા, અનિયમિત વરસાદ, પાણીની તંગી, મોંઘું બિયારણ, માથા પર કરજ, જમીનની ઘટી રહેલી ફળદ્રુપતા, વીજળી અને ઈંધણના દર, ખેતમજૂરોની અછત અને આહારની ગુણવત્તા જેવાં અસંખ્ય પરિબળોને ધ્યાનમાં લઈને કાંદિવલીના ૨૬ વર્ષના ધૈર્ય બજરિયાએ ભારત અને ઇઝરાયલની ટીમ સાથે મળીને એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજી વિકસાવી છે જેનાથી કૃષિક્ષેત્રે નવા અધ્યાયનો આરંભ થશે અને ખેડૂતોની મોટા ભાગની સમસ્યાઓનો અંત આવશે. આ ટેક્નૉલૉજી કઈ રીતે કામ કરે છે તેમ જ એને ડેવલપ કરવા પાછળનો ધૈર્યનો હેતુ શું છે એને સમજીએ. 
ટેક્નૉલૉજી શું છે?


સ્કાય બ્લિક્સ ઍગ્રો સાયન્સ આધુનિક કૃષિ સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલી કંપની છે એવી માહિતી આપતાં આ તરવરિયો યુવાન કહે છે, ‘અમારી ટીમે સ્કાય પોનિક્સ નામની ટેક્નૉલૉજી વિકસાવી છે અને એની પેટન્ટ કરાવી છે. અમે ડેટા સાયન્સમાં વિશ્વાસ કરીએ છીએ. સ્કાય પોનિક્સ ટેક્નૉલૉજી અદ્યતન સેન્સર્સ અને અસંખ્ય ડેટા પૉઇન્ટ્સની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને કૃષિ-ઉત્પાદન વધારે છે. આ એવી ટેક્નિક છે જેમાં વર્ટિકલ (ઊભી લાઇન) પદ્ધતિથી ગોઠવેલી ક્લોઝ ચેમ્બરની અંદર પ્લાન્ટ ગ્રો કરવામાં આવશે. ક્લોઝ ચેમ્બર છોડના વિકાસ માટે આવશ્યક તાપમાન, ભેજ, પોષક તત્ત્વો, પાણી અને વાયુ જેવાં તમામ પરિબળોને નિયંત્રિત કરી શકે છે. દરેક ચેમ્બર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને રોબોટિક્સ સિસ્ટમથી સંચાલિત હશે. પ્લાન્ટ્સના ગ્રોથ માટે સોલર અને જિયો-થર્મલ એનર્જીનો યુઝ થશે. ગ્રીન રિન્યુએબલ એનર્જીના વપરાશથી ૮૦ ટકા જેટલી ઊર્જા બચાવી શકાશે. વર્ટિકલ ફાર્મિંગમાં ક્લોઝ ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી પ્લાન્ટ્સને બહારના પ્રદૂષણથી થતા નુકસાનથી પણ બચાવી શકાય છે. ચેમ્બરમાં ઉગાડેલા પ્લાન્ટ્સ સો ટકા ડિસીઝ અને વાઇરસ-ફ્રી હશે તેમ જ એની ન્યુટ્રિશનલ વૅલ્યુને અસર નહીં થાય.’

ટીમવર્ક
મુંબઈમાં ઊછરેલા અને ફાઇનૅન્સ ફીલ્ડ સાથે જોડાયેલા યુવાનને કૃષિક્ષેત્રમાં રસ કઈ રીતે પડ્યો એવા પ્રશ્નનો જવાબ આપતાં ધૈર્ય કહે છે, ‘ખેતીવાડી મારી નસ-નસમાં દોડે છે. અમારા પૂર્વજો ખેડૂત હતા. આએ દિન કિસાનોની આત્મહત્યાના સમાચાર વાંચીને મારું હૃદય વિચલિત થઈ જતું. ભારતમાં ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિનાં કારણોની ખણખોદ કરતાં જાણવા મળ્યું કે તેમને મુખ્યત્વે હવામાન, વરસાદ અને જમીનની ફળદ્રુપતા પર આધાર રાખવો પડે છે. ખેડૂતોની સમસ્યાઓના નિવારણ માટે મૉડર્ન સાયન્સ કઈ રીતે ઉપયોગી થઈ શકે એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. મેં ફાઇનૅન્સનો અભ્યાસ કર્યો છે અને ટેક્નૉલૉજી ડેવલપ કરવા સાયન્સ બૅકગ્રાઉન્ડ જોઈએ. તેથી સૌથી પહેલાં આઇઆઇટીમાં સ્ટડી કરતા ફ્રેન્ડ્સને ઇન્વૉલ્વ કર્યા. તેમના માધ્યમથી સાયન્સ ફીલ્ડનું નૉલેજ ધરાવતા અન્ય મેમ્બરો જોડાયા. ઇન્ડિયામાં અમારી ૧૦ જણની ટીમને હું લીડ કરું છું, જ્યારે ઇઝરાયલમાં ૨૦ જેટલા ફ્રીલાન્સ રિસર્ચર કામ કરી રહ્યા છે. અભ્યાસ દરમિયાન એક પ્રોજેક્ટ માટે ઇઝરાયલના પ્રોફેસર સાથે અસોસિએટ હતો. સ્કાય બ્લિક્સના વિચારને અમલમાં મૂકતાં પહેલાં તેમ જ કૉસ્ટ ઇનપુટ કરતાં પહેલાં મેં તેમની સાથે ઘણી વાતચીત કરી હતી. પ્રોજેક્ટ ઇન્ટરેસ્ટિંગ લાગતાં મજબૂત ટીમ બની અને સ્કાય બ્લિક્સનો જન્મ થયો. રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ દોઢ વર્ષથી ચાલે છે, પરંતુ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થોડા દિવસ પહેલાં જ થઈ છે.’

પ્રયોગ ચાલે છે
વર્ટિકલ ફાર્મિંગ માટે ફળદ્રુપ જમીનની આવશ્યકતા નથી પણ ઓપન પ્લૉટ જોઈએ, કારણ કે પ્લાન્ટ્સ સોલર એનર્જીથી ગ્રો કરે છે. સૌરાષ્ટ્રના ધારીમાં અમારા રિલેટિવનો પ્લૉટ ખાલી પડ્યો હતો એમાં ટ્રાયલ ચાલે છે એવી માહિતી આપતાં ધૈર્ય કહે છે, ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પ્લાન્ટ્સ ઉગાડવા માટે ખેડૂતોએ સીઝનની રાહ જોવાની જરૂર નથી. કોઈ પણ મોસમમાં તેઓ પ્લાન્ટ્સ ઉગાડીને આવક ઊભી કરી શકે છે. પ્રાયોગિક ધોરણે અમારી ટીમે સ્ટ્રૉબેરી, લેટસ અને કેલ ઉગાડી જોયાં છે. ઇન્ડિયાની વેધર અને ક્લાઇમેટમાં પૉસિબલ નથી એવા પ્લાન્ટ્સ પણ ટ્રાય કર્યા છે. આ ટેક્નિકથી ટ્રેડિશનલ ફાર્મિંગ કરતાં પચાસ ટકા વધુ ઝડપથી પ્લાન્ટ ઉગાડીને બતાવ્યા છે. પ્રોડક્શન પણ ડબલ નોંધાયું છે. 
વર્ટિકલ ફાર્મિંગમાં ઘઉંની ખેતી શક્ય છે કે નહીં એ માટે ઇઝરાયલમાં ટ્રાયલ ચાલે છે.’ 

મુંબઈ યુનિવર્સિટીથી બૅચલર ઑફ કૉમર્સ, શ્રી વિલે પાર્લે કેળવણી મંડળની NMIMS ગ્લોબલથી અપ્લાઇડ ફાઇનૅન્સમાં માસ્ટર્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM), અમદાવાદથી ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજી (ફિન-ટેક)નો અભ્યાસ કરનારા ધૈર્ય બજરિયાનું વિઝન અને મિશન ક્લિયર છે. તે માને છે કે અદ્યતન તકનીકના ઉપયોગ અને ભારતમાં ફિન-ટેક સેક્ટરના વિકાસથી ખેડૂતોને સાચા અર્થમાં ફાયદો થઈ શકે છે. 

રેવન્યુ જનરેશન

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીના માધ્યમથી રેવન્યુ કઈ રીતે જનરેટ કરશો? શું તમે ખેડૂતોને ટેક્નૉલૉજી વેચશો? આ પ્રશ્નનો જવાબ આપતાં ધૈર્ય કહે છે, ‘સરકારના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પોર્ટલ પર પેટન્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હાલમાં ઇન્સ્પેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. બધું સમુંસૂતરું પાર ઊતરશે એવી અમને ખાતરી છે. ખેડૂતો પહેલેથી શોષિત પ્રજા છે તેથી અમે તેમને ફ્રીમાં ટેક્નૉલૉજી આપવાના છીએ. યસ, રેવન્યુ જનરેશનનું પ્લાનિંગ કર્યું છે. ટેક્નૉલૉજીની અવેજીમાં ખેડૂતો પાસેથી પૈસા નહીં પણ ચોક્કસ સમય બાદ હિસ્સો માગવામાં આવશે. વર્ટિકલ ફાર્મિંગ માટે ખેડૂતો જે બૉક્સ વાપરશે એના પર સ્કૅનર કૅમેરા ​બેસાડવામાં આવ્યા છે જે ક્રૉપ્સને સ્કૅન કરશે. આ કૅમેરા કમ્પ્યુટરાઇઝ્ડ ઑપરેટિંગ સિસ્ટમથી અમારા ક્લાઉડ કમ્પ્યુટર સાથે કનેક્ટેડ હશે. સેન્સરની મદદથી અમે પ્રોડક્શન પર વૉચ રાખીશું. પ્રોડક્શન ડબલ થયા બાદ ખેડૂતોએ ૭૫ ટકા હિસ્સો અમને આપવો પડશે. હાલના પ્લાનિંગ પ્રમાણે આવતાં પાંચ વર્ષની અંદર અમારી કૉસ્ટ નીકળી જશે અને ત્યાર બાદ નફો થશે.’

કી પૉઇન્ટ્સ

 વર્ટિકલ ફાર્મિંગમાં પાણીને રીસાઇકલ કરવામાં આવે છે તેથી ૯૫ ટકા જેટલા પાણીની બચત થાય છે. વાવણી અને લણણીનું કામ રોબો કરશે તેથી સમયની પણ બચત થશે.
 આ ટેક્નૉલૉજી તાપમાન, ભેજ, કાર્બન ડાયોક્સાઇડને મૉનિટર અને કન્ટ્રોલ કરવા સક્ષમ છે. 
 ખાતર, હર્બિસાઇડ્સ અને જંતુનાશકોની જરૂર ન હોવાથી પાકની ગુણવત્તા પોષક વૅલ્યુ જળવાઈ રહેશે.
 વર્ટિકલ ફાર્મિંગ આખું વર્ષ ખેતી શક્ય બનાવે છે અને ક્લોઝ ચેમ્બર ટેક્નૉલૉજી દરેક પ્રકારના પાકને અનુકૂળ વાતાવરણ બનાવે છે.
 પર્યાવરણની સુરક્ષા માટે ક્લોઝ ચેમ્બર ફાર્મિંગ પર્ફેક્ટ ચૉઇસ છે, કારણ કે તે ખેતીનાં સાધનો વાપરવા માટે જરૂરી અશ્મિભૂત ઈંધણના જથ્થાને મોટા પ્રમાણમાં ઘટાડે છે.
 ભારતનાં વિવિધ રાજ્યોના ખેડૂતો ખેતીવાડીની આ અદ્યતન ટેક્નૉલૉજીને સરળ રીતે સમજી શકે એ માટે એને જુદી-જુદી પ્રાદેશિક ભાષામાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. જે ખેડૂતો પાસે ફળદ્રુપ જમીન નથી તેમના માટે આ પદ્ધતિ વરદાન છે.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2022 06:38 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK