Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?

૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?

24 February, 2021 11:41 AM IST | Mumbai
Pallavi Aacharya

૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?

૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?

૨૦૨૧ના બજેટમાં વડીલોને શું મળ્યું? બાબાજી કા ઠુલ્લુ?


ભારતમાં ‍હાલમાં સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષ અને ૬૦થી ઉપરની વયના લોકોની સંખ્યા ૧૧.૩૦ કરોડ છે, એટલું જ નહીં, આ સંખ્યા વધી રહી છે. ગયા વર્ષે આખી દુનિયાને કોરોના‍એ ભરડો લીધો ત્યારે ભલભલા લોકોએ સપનામાંય નહીં વિચાર્યું હોય એવી ચીજોના મોહતાજ થવું પડ્યું. વિશ્વવ્યાપી કોરોનાએ દુનિયાના લોકોને તન, મન અને ધનથી પાયમાલ કરી નાખ્યા. આવા આ સમયમાં જનતાની નજર સરકાર દ્વારા કેવું બજેટ રજૂ થાય છે અને એમાં લોકોને કેવી આર્થિક રાહત મળશે એના પર રહે એ સ્વાભાવિક છે. ભારત દેશમાં આમ પણ વડીલોની હાલત સારી નથી. આરોગ્ય અને આર્થિક બાબતોમાં ૨૦૨૦નું વર્ષ વડીલો માટે બહુ મુશ્કેલ હતું, કારણ કે મોટા ભાગના વડીલો પાસે નિયમિત કોઈ આવક નથી હોતી અને એમાં કોરોનામાં પણ તેઓ વધુ સપડાયા આમ કોરોનાકાળે તેમની હાલત ખસ્તા-હાલ કરી મૂકી છે. આવા સમયે સ્વાભાવિક છે કે તેઓ સરકાર તરફથી વધુ રાહતો બજેટમાં મળે એની અપેક્ષા રાખે. આ વખતના બજેટમાં વડીલોને શું મળ્યું અને શું ન મળ્યું એની માહિતી આ ક્ષેત્રના નિષ્ણાતોએ આપી છે એ જોઈએ, જે વડીલોને ઉપયોગી સાબિત થશે.
વડીલોને શું મળ્યું?
૨૦૨૦-’૨૧ના બજેટમાં ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વડીલો માટે એક જાહેરાત કરી કે ૭૫ વર્ષથી ઉપરની વયના લોકોએ ઇન્કમ-ટૅક્સ રિટર્ન નહીં ભરવું પડે. ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવામાંથી વડીલોને રાહત મળી એ સારી વાત છે, કારણ કે ઇન્કમ‍-ટૅક્સ રિટર્ન માટે તેમણે ઘણું હેરાન થવું પડતું હતું. બજેટમાં આ વખતે બીજા કોઈ લોકો માટે ટૅક્સમાં કોઈ ફેરફાર નથી થયો, પણ સિનિયર સિટિઝનોને ફાયદો મળ્યો છે એમ જણાવતાં ફુલ સર્કલ ફાઇનૅન્શિયલ પ્લાનર્સ ઍન્ડ ઍડ્વાઇઝર્સના સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર કલ્પેશ આશર કહે છે, ‘સરકારે આ વખતે લોકો પર ટૅક્સનો ભાર નથી નાખ્યો, એટલું જ નહીં, બધો ભાર સરકારે પોતાના પર લઈ લીધો એથી જ શૅરબજારે બજેટ પછી ફૂલગુલાબી તેજી બતાવી. સરકારનું વધુ ફોકસ દેશ પર જ હતું છતાં ૭૫ વર્ષની ઉપરની વ્યક્તિઓને ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવામાં રાહત આપી છે. જોકે આમાં વડીલની આવક પેન્શનની અને ફિક્સ ડિપોઝિટના વ્યાજની જ હોવી જોઈએ. સાંભળવામાં સારી લાગતી આ બાબતનો ફાયદો બહુ ઓછા વડીલોને જ મળતો હશે, કારણ કે આ ક્લોઝ મુજબ ટૅક્સની રાહત તેમને તો જ મળશે જો તેમનું પેન્શનનું અને ફિક્સ ડિપોઝિટ કે કોઈ પણ બચતનું અકાઉન્ટ બૅન્કની એક જ શાખામાં હશે. આ દાયરામાં કેટલા લોકો આવી શકશે? એ શક્ય જ નથી કે આવક બધી બૅન્કની એક જ શાખામાં હોય. આ ઉપરાંત આ રાહત વડીલો માટે ફેવરેબલ એટલે નથી કે પેન્શન અને ફિક્સ ડિપોઝિટ સિવાયની કોઈ પણ આવક હશે તો તેમણે ટૅક્સ ભરવો જ પડશે. આ ઉપરાંત આ સ્લૅબમાં આવતા લોકોનું બૅન્કમાં ઑટોમૅટિક ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) કપાશે, પણ પછી એને ક્લેમ કરવા માટે અને એની અંદરની વિગતો જાણવા માટે પાછા તેણે સીએ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ) પાસે જવું જ પડશે.’
ટીડીએસ કપાય એ પછી વડીલોએ શું કરવું એની માહિતી આપતાં સી. કે. ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરીનાં સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર છાયા કોઠારી કહે છે કે જો ટીડીએસ કપાયો જ છે તો વડીલોએ રિટર્ન ફાઇલ કરવું પડશે, પરંતુ ક્યાં ટીડીએસ નહીં કપાય એની માહિતી આપતાં તેઓ ઉમેરે છે, ‘વડીલની ઉંમર ૬૦થી ૮૦ની વચ્ચે હોય તો તેમને ટૅક્સમાં બેઝિક એક્ઝમ્પ્શન ૩ લાખ મળે, ૮૦ની ઉપર હોય તો પાંચ લાખ ડિડક્શન મળે. એ ઉપરાંત ચૅપ્ટર-6a સેક્શન-80c હેઠળ ૧.૫૦ લાખ રૂપિયા બાદ તેઓ ઇન્શ્યૉરન્સ, પીપીએફ, શૅરબજાર વગેરેમાં ઇન્વેસ્ટ કરીને મેળવી શકે છે. સેક્શન 80D મુજબ તેઓ ૫૦,૦૦૦ રૂપિયા સુધી મેડિક્લેમના પ્રીમિયમમાં પણ બાદ મેળવી શકે છે‍. આમ બધું મળીને આ બીજા બે લાખ રૂપિયા પણ બાદ મળે છે. આમ કુલ જોઈએ તો પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર ટૅક્સ-મુક્તિ મળે છે. બૅન્કને ફૉર્મ 15H અને 15G સબમિટ કરવાથી ટીડીએસ નહીં કપાય, પણ તેમણે તેમની આવક ટૅક્સના દાયરામાં નથી આવતી એવું સાબિત કરવું પડે. બજેટમાં ૭૫ વર્ષથી ઉપરના વડીલોની આવક જો પેન્શન અને એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ)ના ઇન્ટરેસ્ટની હશે તો ટૅક્સમાં બહુ મોટી રાહત આપી છે.‍’

વડીલોને શું મળવું જોઈતું હતું?



વડીલો માટે કામ કરતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ બોરગાવકરનું માનવું છે કે ‘આ બજેટમાં સરકારે જે આપ્યું છે એનો લાભ ૫૦ ટકા લોકો પણ નહીં લઈ શકે એથી એક રીતે જોઈએ તો વડીલોને આ વખતે નામ પૂરતું પણ કશું નથી મળ્યું.’
વડીલો માટે ઉપયોગી લાકડી, ડાઇપર, હિયરિંગ એઇડ જેવાં સાધનો પર જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ન હોવો જોઈએ.
ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજના દર વડીલો માટે વધારે રાખવા જોઈએ, કારણ કે તેમનું ગુજરાન આના પાર જ ચાલતું હોય છે. આ રેટમાં ઘટાડો થવાથી તેમની આવક ઘટી ગઈ અને મોંઘવારી વધવાથી ખર્ચ વધી ગયો એમાં કોવિડને કારણે તેમની તકલીફો ઓર વધી ગઈ.
વરિષ્ઠો માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ ફ્રી હોવું જોઈએ અથવા તો મિનિમમ પ્રીમિયમમાં વધુ કવરેજ હોવું જોઈએ. ૬૦ વર્ષ પછી હેલ્થ ઇન્શ્યૉરન્સ જવલ્લે મળે છે અને મળે તો પ્રીમિયમ વધુ હોય છે જે વડીલો ભરી નથી શકતા.
ભારતમાં સાડાઅગિયાર કરોડની વડીલોની આબાદીમાં ૯૦ ટકા લોકોને કોઈ જ પેન્શન નથી મળતું. ૨૦૦૪-’૦૫માં સરકારે પેન્શન બંધ કરી દીધું હોવાથી હવે પછીના વડીલો માટે જીવવાનું દુષ્કર બનશે.
સરકારે રિવર્સ મૉર્ગેજ સ્કીમને ઇમ્પ્લીમેન્ટ કરવાની જરૂર છે. આ સ્કીમ અંતર્ગત વડીલો પોતાના મકાનને બૅન્કમાં ગીરવી રાખીને પોતાના ગુજરાન માટે પૈસા મેળવી શકે. તેમના ગયા પછી એ ઘર તેમનાં સંતાનોને બૅન્કે જે પૈસા તેમના વડીલને આપ્યા હતા એ પાછા લઈને સુપરત કરે. હેલ્પેજ ઇન્ડિયાનાં સૂત્રોનું કહેવું છે કે સરકાર આ સ્કીમ ઇમ્પ્લીમેન્ટ નથી કરતી, કારણ કે એમાં બૅન્કોને ઝાઝી કમાઈ નથી. આ સ્કીમ ઇમ્પ્લીમેન્ટ થાય તો જે વડીલોને સંતાનો ન રાખતા હોય, જીવનનિર્વાહની કોઈ જ આવક ન હોય, પણ પોતાનું એક ઘર હોય તો તેઓ ઘરને મૉર્ગેજ મૂકીને એમાંથી પૈસા મેળવી શકે.
વડીલોને ન સાચવતાં સંતાનોની સંખ્યા વધી રહી છે એથી સરકારે કમસે કમ એવાં સંતાનોને અમુક ટકા ટૅક્સમાં રાહત આપવી જોઈએ જે વડીલોને સાચવતાં હોય. જો આ ફાયદો મળે તો સંતાનો પોતાના વડીલોને સાચવવા પ્રેરાશે.


સરકારનું વધુ ફોકસ દેશ પર જ હતું છતાં ૭૫ વર્ષની ઉપરની વ્યક્તિઓને ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવામાં રાહત આપી છે. જોકે આમાં વડીલની આવક પેન્શનની અને ફિક્સ ડિપોઝિટના વ્યાજની જ હોવી જોઈએ. સાંભળવામાં સારી લાગતી આ બાબતનો ફાયદો બહુ ઓછા વડીલોને જ મળતો હશે, કારણ કે આ ક્લોઝ મુજબ ટૅક્સની રાહત તેમને તો જ મળશે જો તેમનું પેન્શનનું અને ફિક્સ ડિપોઝિટ કે કોઈ પણ બચતનું અકાઉન્ટ બૅન્કની એક જ શાખામાં હશે.
- કલ્પેશ આશર, સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર

વડીલની ઉંમર ૬૦થી ૮૦ની વચ્ચે હોય તો તેમને ટૅક્સમાં બેઝિક એક્ઝમ્પ્શન ૩ લાખ મળે, ૮૦ની ઉપર હોય તો પાંચ લાખ ડિડક્શન મળે. આ ઉપરાંત ઇન્શ્યૉરન્સ, પીપીએફ, મેડિક્લેમનું પ્રીમિયમ આમ બધું મળીને બીજા બે લાખ રૂપિયા પણ બાદ મળે છે. બૅન્કને ફૉર્મ 15H અને 15G સબમિટ કરવાથી ટીડીએસ નહીં કપાય, પણ તેમણે તેમની આવક ટૅક્સના દાયરામાં નથી આવતી એવું સાબિત કરવું પડે.
- છાયા કોઠારી, સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનર


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 11:41 AM IST | Mumbai | Pallavi Aacharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK