Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઠસો માઇલ દૂરથી આવેલા રમા નાયકે મુંબઈમાં શું શરૂ કર્યું?

આઠસો માઇલ દૂરથી આવેલા રમા નાયકે મુંબઈમાં શું શરૂ કર્યું?

24 September, 2022 05:53 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૯૪૨માં આ હોટેલ શરૂ થઈ ત્યારથી જે વાનગીઓ પીરસાતી, એ આજેય પીરસાય છે. હા, ભાવ વધ્યા છે, છતાં મધ્યમ વર્ગને પોસાય એવા

કેળના પાન પરનું જમણ.

કેળના પાન પરનું જમણ.


શ્રીકૃષ્ણ મંદિરના પાકગૃહમાં રાંધવાના અનુભવ પરથી તેમને મુંબઈના રામકૃષ્ણ મિશનના ર સોડામાં કિચન બૉયની નોકરી મળી અને પછી એ અનુભવ પરથી તેમણે શરૂ કરી ઉડિપી શ્રીકૃષ્ણ બોર્ડિંગ, જે મુંબઈની પહેલી ઉડિપી હોટેલ બની. અહીં મળે સવાર-સાંજ બંને વખત ઘર જેવું સાદું, પણ સ્વાદિષ્ટ ભોજન. ૧૯૪૨માં આ હોટેલ શરૂ થઈ ત્યારથી જે વાનગીઓ પીરસાતી, એ આજેય પીરસાય છે. હા, ભાવ વધ્યા છે, છતાં મધ્યમ વર્ગને પોસાય એવા

 આજે મુંબઈમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં નાની-મોટી એક-બે ઉડિપી હોટેલ ન હોય. અસલ ઉડિપી હોટેલ હજી કેવળ શાકાહારી વાનગીઓ જ પીરસે, પણ ઘણી હવે નૉન-વેજ વાનગી પણ બનાવે છે



મુંબઈથી  આગબોટમાં બેસી દરિયાકિનારે દક્ષિણમાં ૮૦૦ માઇલ દૂર જઈએ તો પહોંચાય કર્ણાટક રાજ્યના એક બહુ મોટા નહીં એવા ગામમાં. ગામ ભલે નાનું, પણ એનું નામ આખા દેશમાં જ નહીં, દુનિયાના અનેક દેશોમાં જાણીતું અને માનીતું થઈ ગયું છે. ભારતીય ફિલસૂફીના ધુરંધરોમાંના એક મધ્વાચાર્ય. દ્વૈત સિદ્ધાંતના પ્રણેતા. તેમણે ૧૩મી સદીમાં અહીં શ્રીકૃષ્ણના મઠ કહેતા મંદિરની સ્થાપના કરી. વખત જતાં એની નામના કર્ણાટકમાં જ નહીં, આખા દેશમાં પ્રસરી. આ મંદિરની એક વિશિષ્ટતા: રોજ જેટલા લોકો દર્શન કરવા આવે તે બધાને બપોરે પેટ ભરીને જમાડવાના – એક પૈસો પણ લીધા વગર. એટલે ઘણા ભક્તો આ મંદિરને ‘અન્નક્ષેત્ર’ તરીકે પણ ઓળખે. રોજેરોજ, કેટલાય બ્રાહ્મણો ‘પ્રસાદમ’ની વાનગીઓ રાંધવામાં રોકાયેલા હોય. કયે દિવસે કઈ વાનગી, એ કઈ રીતે બનાવવાની, એમાં શું-શું, અને કેટલું નાખવાનું, બધું નક્કી. અને હા, શુદ્ધ શાકાહારી ભોજન. કોઈ ભક્ત ભૂખ્યો ન જાય એની ખાસ તકેદારી. અને ભક્ત એટલે ભક્ત. એમાં પછી ન્યાત કે વર્ણના ભેદભાવ નહીં. એક જ વાત: ભગવાનને ઘરેથી કોઈ ભૂખ્યું પાછું જવું ન જોઈએ.


પ્રિય વાચકોને થતું હશે કે આજે મુંબઈને બદલે છેક કર્ણાટકના કોઈ ગામની અને ત્યાંના મંદિરની વાત કેમ માંડી હશે? મુંબઈના ખડિયામાં શાહી ખૂટી હશે? ના, જી. આજે આ ગામની વાત માંડી છે, કારણ એની અને મુંબઈની વચ્ચે ગાઢ સંબંધ છે. કઈ રીતે? એ ગામનું નામ સાંભળતાં જ ચતુરસુજાણ વાચકો સમજી જશે. એ ગામનું નામ ઉડિપી. 

એ ગામનો એક છોકરો, ઉંમર વરસ અગિયાર. નામ? એ. રમા નાયક. થોડો વખત શ્રીકૃષ્ણ મંદિરના પાકગૃહમાં કામ કરેલું એટલે રાંધતાં આવડે. ૧૯૩૦ની આસપાસ નસીબ અજમાવવા આવ્યો મુંબઈ. આવીને નોકરી શોધી. પેલા મંદિરમાં રાંધવાનો અનુભવ મદદે આવ્યો. મુંબઈના રામકૃષ્ણ મિશનના રસોડામાં ‘કિચન બૉય’ની નોકરી મળી ગઈ. પૂરાં દસ વરસ તનમનથી કામ કર્યું એટલે અનુભવ બહોળો, અને ધન પણ એકઠું કર્યું, થોડુંક. એટલે નક્કી કર્યું પોતાની હોટેલ કાઢવાનું. ક્યાં? જ્યાં દક્ષિણ ભારતથી આવેલા ગરીબો રહેતા હોય ત્યાં જ કાઢવી હોટેલ. સવાર-સાંજ બંને વખત ઘર જેવું સાદું, પણ સ્વાદિષ્ટ ભોજન. હોટેલનું નામ લાંબુંલચક: એ. રમા નાયકની ઉડિપી શ્રીકૃષ્ણ બોર્ડિંગ. આજે તો એ કિંગ્ઝ સર્કલનો વિસ્તાર ‘પૉશ’ ગણાય છે. એના રેલવે-સ્ટેશનને અડીને આવેલી આ હોટેલ. ફોર્માઇકા મઢેલાં ટેબલ. સાદી ખુરસીઓ. આજે પણ પીરસણિયા કહેતા વેઇટર લુંગી પહેરીને વચમાંની સાંકડી જગ્યામાં આવનજાવન કરતા રહે. વાનગીઓ પીરસાય કેળના પાનમાં. અન્નકૂટ ધરવાનો હોય તેટલી વાનગીઓ નહીં. પણ બધી શુદ્ધ, સ્વાદિષ્ટ. ૧૯૪૨માં આ હોટેલ શરૂ થઈ ત્યારથી જે વાનગીઓ પીરસાતી, તે આજેય પીરસાય છે. હા, ભાવ વધ્યા છે, છતાં મધ્યમ વર્ગને પોસાય એવા. આજે તો મુંબઈમાં રોકડા બે મેંદુવડાંની પ્લેટના ત્રણસો રૂપિયા પડાવી લેતી હોટેલો પણ છે. અને સાથે સાંભાર અને ચટણી? અલગ-અલગ વાડકીમાં નહીં. શિવલિંગ પર જળાધારીમાંથી પાણી ટપકતું હોય  તેમ બે વડાં પર થોડો સાંભાર રેડ્યો હોય અને આચમનીમાંથી દૂધનો અભિષેક કર્યો હોય એમ નાળિયેરની સફેદ ચટણી રેડી હોય! જ્યારે અહીં આજેય ‘અનલિમિટેડ’ થાળીના દોઢસો રૂપિયા! આ હોટેલ મુંબઈની પહેલવહેલી ઉડિપી હોટેલ છે એની જાણ કરતું પાટિયું આજેય હોટેલની બહાર ઝૂલે છે.


૧૯મી સદીમાં અને વીસમીની શરૂઆતમાં ગુજરાત, દક્ષિણ ભારત, પંજાબ, બંગાળ કે બીજેથી પણ જે લોકો મુંબઈ આવી વસ્યા તેમની એક ખાસિયત: પોતાના ગામ, ન્યાત, જાતનો બીજો કોઈ આવે તો એને આશરો આપે. નાનું-મોટું કામ સોંપે. વખત જતાં એ માણસ પોતાનો અલગ ધંધો શરૂ કરે તોય વધાવી લે, બને તેટલી મદદ પણ કરે. રમા નાયકની સફળતાની વાતો સાંભળી ઉડિપીથી બીજા છોકરા-જુવાનોય મુંબઈ આવવા લાગ્યા. એ જ પૅટર્ન. પહેલાં નાની-મોટી નોકરી, પછી પોતાની હોટેલ. શ્રીકૃષ્ણ મંદિરનો અનુભવ અહીં બધાને કામ લાગે. ૧૯૭૦ સુધીમાં તો મુંબઈમાં ઠેર-ઠેર ઉડિપી હોટેલનું જાળું પથરાઈ ગયું. બધી ઉડિપી હોટેલોની એક ખાસિયત: માલિકની, કે થડા પર બેઠેલા મૅનેજરની એક આંખ વેઇટરો પર, બીજી આંખ સફાઈ કરનારાઓ પર. વેઇટરો વિનય-વિવેકથી વર્તે છે કે નહીં, પોતાનું કામ ઝડપથી કરે છે કે નહીં, વગેરે જોતા રહે. તો દરેક ટેબલની અને ફર્શની સફાઈ વખતોવખત થવી જ જોઈએ. ઘણી ઉડિપી હોટેલો તો ગ્રાહક રસોડું જોવા ઇચ્છે તો એ પણ બતાવે. કારણ, ખાતરી હોય કે બધું વ્યવસ્થિત અને ચોખ્ખુંચણાક હશે જ. ઈરાની હોટેલની જેમ અહીં પણ જાત-જાતની સૂચનાઓ લખેલી જોવા મળે: જમતાં પહેલાં ટોકન ખરીદી લેવા. ન વપરાયેલી કૂપન બીજે દિવસે વાપરી શકાશે. કેળના પાનમાં અને ચમચી વાપર્યા વગર ખાવાનો પ્રયત્ન કરવો. વગેરે. રમા નાયક અને તેણે શરૂ કરેલી હોટેલ હવે તો મુંબઈનું એક ખાસ આકર્ષણ બની ગયાં છે. 

બીજો એક છોકરો. સાત ધોરણ સુધી ભણેલો. તેર વરસની ઉંમરે આવ્યો ઉડિપીથી મુંબઈ. નાનપણમાં જ પિતા ગુમાવ્યા. કુટુંબની આર્થિક દશા સારી નહીં. મુંબઈ આવીને વર્સોવાની એક ઉડિપી હોટેલમાં વેઇટરની નોકરી મળી. ઘરબાર નહીં એટલે રાતે એ જ હોટેલના ઓટલા પર ટૂંટિયું વાળીને સૂઈ રહે. એ કહે છે કે આજે પણ હું એક હાથમાં એકસાથે ચાના પાંચ કપ ઉપાડી શકું છુ, પણ સાથોસાથ ભણવાનું ચાલુ રાખ્યું. રાતે રસ્તાની લાઇટ નીચે બેસીને ભણવાનું. આઠ વરસની મહેનત પછી ગ્રૅજ્યુએટ થયો. એક પ્લમરને ત્યાં નોકરી કરી. પગાર મહિને ત્રણ હજાર. અને પછી જોડાયો મુંબઈ પોલીસમાં. એ છોકરાનું નામ દયા નાયક. વખત જતાં ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ તરીકે જાણીતો થયો. ૮૦ જેટલાં ‘સમાજકંટક’નાં ઢીમ ઢાળી દીધાં. પોલીસ ખાતામાં ઘણી ચડતી-પડતી જોઈ. તેની સામે આરોપો મુકાયા, કેસ થયા, પણ કશું પુરવાર થયું નહીં. નાગપુર બદલી થઈ તો તેણે સરકારને ઘસીને ના પાડી દીધી. છેવટે બદલીનો હુકમ રદ થયો, પણ એન્કાઉન્ટરના કામથી દૂર થતા ગયા દયા નાયક. પોતાના વતનમાં માના નામે સ્કૂલ બંધાવી. એ અંગે પણ આરોપો થયા એટલે સ્કૂલ સરકારને સોંપી દીધી. આ દયા નાયક એ પણ ઉડિપી હોટેલની જ એક દેણ. 

આજે મુંબઈમાં ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે જ્યાં નાની-મોટી એક-બે ઉડિપી હોટેલ ન હોય. અસલ ઉડિપી હોટેલ હજી કેવળ શાકાહારી વાનગીઓ જ પીરસે, પણ ઘણી હવે નૉન-વેજ વાનગી પણ બનાવે છે તો માટુંગા રેલવે-સ્ટેશન સામે આવેલી ‘શારદા ભવન’ મૅન્ગલોરિયન બ્રેકફાસ્ટ માટે જાણીતી. વાનગીઓ મર્યાદિત, પણ એક-એકથી ચડે એવી. કઢી-ઈડલી અહીંની ખાસિયત. ૧૯૫૦માં શરૂ થયેલી આ હોટેલનાં સાંભાર અને ચટણીનો સ્વાદ છેલ્લાં વીસેક વરસથી એનો એ જ. 

માટુંગા-ઈસ્ટમાં ભાંડારકાર રોડ પર આવેલી રામ આશ્રય સવારે પાંચ વાગ્યાથી ધમધમતી થઈ જાય. તમે દાખલ થાવ ત્યારે થાય કે આ તો સાવ મામૂલી હોટેલ લાગે છે, પણ એક વાર એનાં ઈડલી, ઢોસા, ઉત્તપાનો સ્વાદ દાઢે વળગે પછી છૂટે નહીં. ના, મેનુકાર્ડ નહીં. વાનગીઓનાં નામ અને ભાવ બ્લૅક બોર્ડ પર ચોકથી ચીતરેલાં. 

અસલ નામ કિંગ્ઝ સર્કલ, હવેનું નામ માહેશ્વરી ઉદ્યાન. ત્યાં આવેલી આનંદ ભવન. દાયકાઓથી નથી દેખાવ બદલાયો, નથી વાનગીઓની ગુણવત્તા ઓછી થઈ. અહીંના બીસીબેલે ભાત તો અફલાતૂન. તો કોટ વિસ્તારમાં મિન્ટ રોડ પર આવેલી સ્પેશ્યલ આનંદ ભવનમાં ‘મદ્રાસી’ વાનગીઓની સાથોસાથ પંજાબી અને ઇન્ડિયન ચાઇનીઝ વાનગીઓ પણ મળે. તો આ જ વિસ્તારમાં આવેલી કાફે મૈસોરમાં એક વાનગી સાથે ક્રિકેટર રાહુલ દ્રવિડનું નામ જોડ્યું છે. મુલુંડ-પશ્ચિમમાં આવેલી ‘વિશ્વભારતી’ બે ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ ઍર-કન્ડિશન્ડ, બીજો સાદો. માટુંગામાં જ આવેલી ‘મણીઝ લંચ હોમ’ના ચાહકો ઈડલી-ઢોસા-વડાં પર ઓવારી જાય. આ બધી હોટેલો આમ આદમીના ખિસ્સાને પોસાય એવી. વાનગીઓ ઉત્તમ, પૈસા મધ્યમ, માફકસરના. આ ઉપરાંત હવે ઠેકઠેકાણે અપ-માર્કેટ ‘સાઉથ ઇન્ડિયન’ હોટેલો જોવા મળે. વાનગીઓ સારી. વિવિધતા ઘણી. પંજાબી કે ગુજરાતી વાનગીઓ સાથેનું ફ્યુઝન પણ ત્યાં મળે. પણ ભાવ એવા કે એ વાંચ્યા પછી અડધી ભૂખ ઘણાની મારી જાય. 

એક વખત મુંબઈની આગવી ઓળખાણ જેવી ઈરાની હોટેલો વીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં હાંફવા લાગી અને પછી હારી ગઈ એનું એક કારણ આ ઉડિપી હોટેલો પણ ખરું. બંનેમાં વાનગીઓની ગુણવતા અને એનો સ્વાદ બેનમૂન. ભાવ માફકસરના. સાદગી, ચોખ્ખાઈનો આગ્રહ. બંને પ્રકારની હોટેલોને પોતાનો બંધાણી વર્ગ, પણ ઉડિપીની વાનગીઓનો સ્વાદ ‘દેશી’ જીભને વધુ માફક આવે એવો. વળી ઈરાની હોટેલો નૉન-વેજ વાનગીઓ પણ પીરસે. એટલે કેટલાક ત્યાં જવાનું ટાળે. બંનેમાં ન્યાતજાતના ભેદ નહીં. અને ખાસ તો એ કે સમયની માગ પ્રમાણે ઉડિપી હોટેલો બદલાતી રહી. (કેટલીયના સાંભારનો સ્વાદ હવે ગળચટ્ટો હોય છે, ગુજરાતીઓને માફક આવે એટલે.) જ્યારે ઈરાની હોટેલોએ જેમ બ્રિટિશપરસ્તી આજ સુધી ચાલુ રાખી તેમ વાનગીઓની બાબતમાં પણ ‘આગુ સે ચલી આતી હૈ’ને પણ વળગી રહી. કેટલાક દાખલા તો એવા પણ જોવા મળે કે દિવસનો મોટો ભાગ લગભગ ખાલી રહેતી ઈરાની હોટેલની જગ્યા કોઈ ખરીદે અને ત્યાં ઉડિપી હોટેલ ધમધોકાર ચાલતી થાય. 

દક્ષિણથી ઉડિપી હોટેલો મુંબઈ આવે તો દેશના બીજા ભાગો કેમ રહી જાય? એવી બીજા પ્રદેશોની થોડી હોટેલોની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 05:53 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK