° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


એક જ કિડની સાથે આ બહેન કેટકેટલું કરી લે છે?

23 November, 2021 07:49 PM IST | Mumbai | Bhavini Lodaya

આજે ૫૩ વર્ષની વયે આ બહેન ૧૦૮ સૂર્યનમસ્કાર કરી લે છે, સાઇક્લિંગ, સ્વિમિંગ અને ટફેસ્ટ ગણાતી હર્ડલ રેસમાં પણ અવ્વલ પર્ફોર્મન્સ કરી જાણે છે

એક જ કિડની સાથે આ બહેન કેટકેટલું કરી લે છે?

એક જ કિડની સાથે આ બહેન કેટકેટલું કરી લે છે?

૨૮ વર્ષની વયે કૅન્સરને કારણે એક કિડની ગુમાવ્યા પછી બોરીવલીનાં પ્રીતિ મહેતાને ડૉક્ટરે પાંચ કિલોથી વધુ વજન નહીં ઉપાડી શકાય અને ખૂબ રિસ્ટ્રિક્શન્સ સાથે જીવવું પડશે એવું કહેલું. જોકે આજે ૫૩ વર્ષની વયે આ બહેન ૧૦૮ સૂર્યનમસ્કાર કરી લે છે, સાઇક્લિંગ, સ્વિમિંગ અને ટફેસ્ટ ગણાતી હર્ડલ રેસમાં પણ અવ્વલ પર્ફોર્મન્સ કરી જાણે છે

કૅન્સર જેવી બીમારી માણસને શરીરથી જેટલી નબળી નથી પાડતી એટલી જ મનથી નબળી પાડી દે છે. જોકે એ સમયે મનને કાબૂમાં લઈ લેવામાં આવે તો જિંદગીનો જંગ તો જીતી જ જવાય છે પણ સાથે એમાં જબરદસ્ત ઝિંદાદિલી પણ ઉમેરાય છે. બોરીવલીમાં રહેતાં ૫૩ વર્ષનાં પ્રીતિ મહેતા આનું પ્રેરણાદાયી ઉદાહરણ છે જેમણે ૨૫ વર્ષ પહેલાં કૅન્સરમાં એક કિડની ગુમાવી હતી. જે સમયે લોકો સામાન્ય સ્વસ્થ જીવન જીવવાનો સંઘર્ષ કરે ત્યારે પ્રીતિબહેને ફિઝિકલ ફિટનેસનાં એક પછી એક એવાં શિખરો સર કર્યાં છે કે આજે તેમને જોઈને માન્યામાં ન આવે કે આ કોઈ કૅન્સર સર્વાઇવર છે. 
ભયંકર બીમારીનો સામનો કેવી રીતે અને કયા સંજોગોમાં થયો એ વિશે ખૂબ સ્વસ્થતાપૂર્વક વાત કરતાં પ્રીતિબહેન કહે છે, ‘૨૮ વર્ષની ઉંમરે મને બ્રેસ્ટમાં ક્રૅમ્પ્સ આવવાની શરૂઆત થયેલી. તરત ડૉક્ટરનો સંપર્ક કર્યો અને ડૉક્ટરને બ્રેસ્ટ-કૅન્સર જેવું લાગતાં ફુલ બૉડી સ્કૅનિંગ કરવાનું કહ્યું. એમાં ખબર પડી કે કિડની પર કૅન્સરની ગાંઠ છે. સારવાર માટે એક કિડની ઑપરેશન કરીને કાઢી નાખવી પડી. અચાનક નાની તકલીફ આટલું મોટું સ્વરૂપ લેશે એવી કલ્પના પણ કોઈએ કરી નહોતી, પરંતુ જિંદગીનું બીજું નામ અણધારી ઘટનાઓ જ છે. સમભાવમાં રહીને એક હકારાત્મક અભિગમને કારણે ચાર મહિનામાં બે ઑપરેશન કરાવવા પડ્યાં એની મેં મારા મન ઉપર કોઈ વિપરીત અસર ન થવા દીધી અને આગળ કઈ રીતે સ્વસ્થ જીવન જીવીશ એના વિશેની યોજનાઓ મગજમાં પ્લાન કરવા લાગી.’
કિડની એક પણ... |  એક કિડનીના સહારે જીવન જીવવાનું હોવાથી ડૉક્ટરો તરફથી ઘણાં રિસ્ટ્રિક્શન હતાં. પાંચ કિલો વજન પણ ઉપાડવાની મનાઈ હતી, પણ લાઇફમાં આવેલા સ્પીડબ્રેકર પાસે આપણે ગતિ ધીમી પાડીએ છીએ, અટકાવી ન દેવાની હોય એવું માનતાં પ્રીતિબહેન કહે છે, ‘મનમાં નિર્ધાર પાકો હતો કે મારે મારી લાઇફમાં આવેલા સ્પીડબ્રેકર પછી પણ જીવનની ગાડી સાવચેતીથી પણ દોડાવવી તો છે જ. આગળ વધવું જ છે. આથી મેં પોતાને ઍક્ટિવ રાખવા માટે ધાર્મિક શિક્ષણ અને ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું, શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે સૌથી પહેલાં મેં મારા ઓવરવેઇટ શરીરને ઘટાડવા માટે જિમ જૉઇન કર્યું. સામાન્ય વર્કઆઉટથી શરૂઆત કરી. આત્મવિશ્વાસ વધતો ગયો અને હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. ડૉક્ટરનું ફૉલોઅપ અને રિપોર્ટ ટેસ્ટ વગેરે નિયમિત કરાવતી જતી હતી. આમ મેં વીસ કિલો વજન ઘટાડી નાખ્યું, જે મારા માટે હેલ્થ ગોલની પહેલી મોટી જીત હતી.’
ડર ગયો, ખુશી આવી |  પ્રીતિબહેનને ફિઝિકલ ફિટનેસનું એવું ઘેલું લાગી ગયું કે તેમણે એક પછી એક નવી ચૅલેન્જ ઍક્સેપ્ટ કરવાનું શરૂ કરી દીધું. નવા વર્કઆઉટ શીખવા અને એને લગતી ઇવેન્ટમાં ભાગ લેતાં થઈ ગયેલાં પ્રીતિબહેન કહે છે, ‘આ શોખ એટલો વધતો ગયો કે ઇન્સ્ટાગ્રામ પર ડેવિલ સ્ટેફિટની ૧૫ હર્ડલની ઇવેન્ટમાં પણ હું ભાગ લેતી થઈ ગઈ. એમાં ૧૨ હર્ડલ હું સરળતાથી પાર કરું છું. ૨૬ મિનિટમાં ૧૦૮ સૂર્યનમસ્કાર કરી શકું છું. ડમ્બેલ્સ  ઉપાડવા, ડાન્સ,  લેગ રેપ્સ ડેડલિફ્ટ અને 
સ્કિપિંગ વગેરે એક્સરસાઇઝ કરું છું. ૨૦૦૦ સ્કિપિંગ વગર બ્રેકે કરી શકું છું.’

દર રવિવારે ૫૦ કિલોમીટર સાઇક્લિંગ તેઓ કરે છે. હમણાં બોરીવલીથી પનવેલ નાઇટ સાઇક્લિંગ પણ કર્યું. સ્વિમિંગ, રનિંગ અને સાઇક્લિંગ એમ ત્રણેય કરીને આયર્ન  વુમન રેસમાં પણ ભાગ લીધો હતો.

થૅન્ક્સ ટુ ઇલનેસ

હેલ્થ ફિટનેસને તેમના જીવનનું લક્ષ્ય બની ગયું છે એનું શ્રેય પોતાની બીમારીને આપતાં પ્રીતિબહેન કહે છે, ‘જો આ બીમારી ન આવત તો હું આ રાહ પર ન નીકળી હોત. હું આ ન કરી શકું એમ નહીં પણ કઈ રીતે કરી શકું એ જ વિચારું છું. આ પૉઝિટિવિટી શરીરના દરેક અવયવને કામ કરવા પ્રેરિત કરે છે. એક ભાગ નીકળી જવાથી શરીરના બીજા અવયવોને કાર્યહીન કરવા એ નિવારણ નથી. પરંતુ બીજા અવયવોને મજબૂત બનાવવી જીવવું એ જ ઝિંદાદિલી છે. શરીરને હેલ્ધી બનાવવાના પ્રયત્નોની શરૂઆત કરો. એનાથી માત્ર તમારું શરીર સ્વસ્થ થશે ને બીજી અનેક સફળતાનાં પગથિયાં પર તમે આગળ વધશો.’

23 November, 2021 07:49 PM IST | Mumbai | Bhavini Lodaya

અન્ય લેખો

એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

05 December, 2021 07:51 IST | Mumbai | Manoj Joshi

૮૦૦૦ મીટરથી ઊંચાં ૧૪શિખરો ૬ મહિના અને છ દિવસમાં સર

અદ્ભુત, અસંભવ અને અકલ્પનીય લાગે એવી આ સિદ્ધિ છે નેપાલના નિર્મલ પુરજાની. આ જાંબાઝનું સાહસ કઈ રીતે પૉસિબલ બન્યું એની ડૉક્યુ ફિલ્મ ‘૧૪ પીક્સ : નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ’ આવી છે. સપનાં જોવાની હામ ધરાવતા દરેકે ૩૮ વર્ષના આ યુવકની જિંદગીમાંથી શીખવા જેવું છે

05 December, 2021 07:49 IST | Mumbai | Aashutosh Desai

મહિલાઓ દ્વારા ચાલતું આ પ્રિન્ટિંગ પ્રેસ વર્ષેદહાડે કરે છે બે કરોડનું ટર્નઓવર

ઉત્તર ગુજરાતના વીસનગરમાં મહિલા દ્વારા સ્થપાયેલા અને મહિલાઓ દ્વારા જ ચાલતા પ્રિન્ટિંગ પ્રેસે પુરુષોના વર્ચસવાળા ફીલ્ડમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ઓછું ભણેલી અને બિનઅનુભવી સ્ત્રીઓ પણ જો સાથે મળીને કંઈક કરવા ધારે તો શું થઈ શકે?!

05 December, 2021 07:41 IST | Mumbai | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK