Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કાશ, જિંદગીને સુપેરે ગોઠવવાની તાલીમ પણ ક્યાંકથી મળી જતી હોત

કાશ, જિંદગીને સુપેરે ગોઠવવાની તાલીમ પણ ક્યાંકથી મળી જતી હોત

Published : 10 January, 2025 07:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રત્યેકના જીવનસંસારમાં કોઈક એવી ભયંકર કપરી પરિસ્થિતિ ઊભી થઈ હશે જેને તેઓ વધુ સહન કરી શકે તેમ નહીં હોય

પ્રતીકાત્મક તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર


નવા વર્ષને આવકારતા શુભેચ્છા સંદેશાઓના ઢગલાઓ વચ્ચે અખબારો અને સોશ્યલ મીડિયા પર નોંધાયેલી એક વાત તરફ તમારું ધ્યાન ગયું? ૨૦૨૫ના પહેલા સપ્તાહમાં દેશમાં સાત આત્મહત્યાઓના કિસ્સા નોંધાયા! એ સાતેય વીસથી એકસઠ વર્ષની વયની વ્યક્તિઓ હતી. કોઈએ પત્ની અને તેનાં પિયરિયાંના ત્રાસથી હારીને, કોઈએ લાંબા સમયની માંદગીથી કંટાળીને, કોઈ યુગલે આર્થિક વિટંબણાઓથી થાકીને તો કોઈએ કંઈક અન્ય કારણસર જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરનાર એક યુગલે તો પોતાનાં બે બાળકોની પણ હત્યા કરી હતી! પ્રત્યેકના જીવનસંસારમાં કોઈક એવી ભયંકર કપરી પરિસ્થિતિ ઊભી થઈ હશે જેને તેઓ વધુ સહન કરી શકે તેમ નહીં હોય. શક્ય છે કે તેઓ થોડા સમયથી કે પછી લાંબા સમયથી એ ભીંસ કે એ ત્રાસદાયક સ્થિતિનો પોતપોતાની સમજણ અને પુખ્તતાથી સામનો કરી રહ્યાં હોય. તેમણે એ માટે પોતાની તમામ ધીરજ, હિમ્મત અને કાબેલિયત પણ ખર્ચી હોય. અને અત્યાર સુધી ટકી રહ્યાં હોય પરંતુ આખરે થાકી-હારીને તેમણે પોતાની સમસ્યા સામે શસ્ત્રો નાખી દીધાં હશે.


જ્યારે-જ્યારે જિંદગીને આમ હારી જતાં જોઈ છે ત્યારે મને એક વિચાર અવશ્ય આવ્યો છે - એ કઠોર નિર્ણયમાંથી તેમને પાછાં ખેંચી લે એવી કોઈ વ્યક્તિ, વાત કે સ્મૃતિ તેમને એ વખતે સાંભરી હોત તો!



હકીકતમાં એવા ઘણા સાચા કિસ્સા સાંભળ્યા છે જ્યારે આવી સ્મૃતિએ બાજી બદલી નાખી હોય. બીજો એક વિચાર ઘણી વાર આવે છે : આજકાલ શિક્ષણ, રમત-ગમત, પાકકલા, સંગીત, નૃત્ય, સ્વિમિંગ, પર્સનલ ગ્રૂમિંગ કે ઈવન ઘરસજાવટ અને ટેબલ સજાવવાની પણ તાલીમ ઉપલબ્ધ છે. તો ઘરસંસાર ચલાવવાની કે ગૃહસ્થી જીવનની તાલીમ પણ કેમ પ્રાપ્ય નથી? એ જીવનમાં સફળ થવા માટે જરૂરી કલા અને કસબ શીખવનાર કેમ કોઈ નથી મળતું? અરે, ઘરની, કિચનની ઘરવખરી કે કપડાં ઇત્યાદિને કેમ સારી રીતે ગોઠવીને રાખવાં એની તાલીમ આપતી કૉન મૅરી નામની અમેરિકન મહિલાએ પોતાનું મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કર્યું છે.  જિંદગીને સુપેરે ગોઠવવાની તાલીમ પણ પ્રાપ્ય હોય તો!    


મારા નાના મગનલાલ ગુલાબચંદ દફતરીની ડાયરી મને યાદ આવે છે. એમાં આજથી અઠાણું વર્ષ પહેલાં ત્રેવીસ નવેમ્બર ૨૦૨૬ના દિવસે લગ્નોત્સુક યુવાઓને સંબોધીને તેમણે લખ્યું હતું: ‘ગૃહસ્થીપદના ઓ ઉમેદવારો, ગૃહસ્થ થતાં પહેલાં એમાં રહેલી જોખમદારીઓ અને એની સાથે રહેલી તમારી ફરજો, તમારા ઉચ્ચ મનોરથો અને એને નડતાં અનેક સંસારી બંધનો - એ સર્વનો વિચાર કરી લેજો. તેમ જ એ સર્વમાંથી પાર ઊતરવાની તાકાત મેળવી લેજો. પછી ગૃહસ્થ બનજો. તો જ તમારો સંસારમાં વિજય થશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK