Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨)

29 October, 2022 05:46 PM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

મેહરાએ દેખીતી રીતે તો પોલીસ-કમિશનર શેખનો પાર્ટીમાં આવવા માટે આભાર માન્યો પરંતુ મનોમન તો ખરા સમયે પાર્ટીમાં આવવા માટેય આભાર માન્યો, કારણ કે નહીં તો શાહનવાઝના સ્વભાવ પ્રમાણે તેણે હજી મેહરાને અપમાનજનક શબ્દો કહેવાનું ચાલુ રાખ્યું હોત

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૨)


ફરસ પર ઊંધા પડેલા પૃથ્વીના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું એ જોઈને સોફિયા અને પાયલ આઘાતથી ચીસ પાડી ઊઠી.
બીજાં બધાં પણ હતપ્રભ બનીને ઊંધા પડેલા પૃથ્વી સામે અને તેના શરીરમાંથી વહી રહેલા લોહી સામે જોઈ રહ્યાં.  
એ દરમિયાન પૃથ્વીની ટૉમબૉય સમી સેક્રેટરી સીમા પૃથ્વી પાસે ધસી ગઈ હતી. તેણે પૃથ્વીના જમણા હાથનું કાંડું પકડીને નાડી ચકાસી અને બૂમ પાડી : થૅન્ક ગૉડ! હી ઇઝ અલાઇવ. કૉલ ઍમ્બ્યુલન્સ ઇમિજિયેટલી...
lll
બૉલીવુડની નંબર વન હિરોઇન પાયલ મિશ્રાની કૉકટેલ પાર્ટીની રાતના ત્રણ મહિના અગાઉ...
‘આઇએ આઇએ, શાહનવાઝજી. થૅન્ક યુ ફૉર સ્પેન્ડિંગ ટાઇમ ફૉર અસ,’ ‘ગ્લૅમર વર્લ્ડ’ મૅગેઝિનના તંત્રી અને માલિક પ્રણવ મેહરાએ ‘ગ્લૅમર વર્લ્ડ’ની ચાલીસમી ઍન્યુઅલ પાર્ટીમાં આવેલા સુપરસ્ટાર શાહનવાઝને આવકારતાં કહ્યું. 
‘અરે! થૅન્ક યુ તો મારે કહેવું જોઈએ, મેહરાજી! તમે મારા જેવા નાના માણસને તમારી પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપ્યું,’ શાહનવાઝે હસતાં-હસતાં કહ્યું.
મેહરા તેના એ શબ્દો પાછળનો ભાવ સમજતો હતો. તે અસ્વસ્થ થઈ ગયો.
જોકે મેહરા કશું બોલે એ પહેલાં શાહનવાઝે વધુ એક શાબ્દિક ચાબખો માર્યો, ‘તમારો ખૂબ ખૂબ આભાર મેહરાસાહેબ! તમે વર્ષોથી મને તમારી પાર્ટીઝમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવો છો. બાકી આ ઇન્ડસ્ટ્રીમાં તો સૌકોઈ ઊગતા સૂરજને પૂજે છે.’ 
શાહનવાઝ તેની ઉદ્ધતાઈ માટે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતો હતો. તેનો બાપ બિલ્ડર હતો અને તેના સંબંધ અન્ડરવર્લ્ડ ડૉન હૈદર ખાન સાથે હતા. શાહનવાઝનો બાપ હૈદરનો ફ્રન્ટમૅન હતો અને હૈદરના પૈસે જ તેની કન્સ્ટ્રક્શન કંપની ચાલતી હતી. હૈદરે શાહનવાઝને લૉન્ચ કરવા માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ પ્રોડક્શન કંપનીના માલિક ધર્મરાજ ઑબેરૉય પર દબાણ કર્યું હતું. જોગાનુજોગ શાહનવાઝની પહેલી જ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી અને તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને દેશભરમાં છવાઈ ગયો હતો. એક તો અબજપતિ બાપનો દીકરો અને ઉપરથી પ્રચંડ અને અકલ્પનીય સફળતાનો નશો! શાહનવાઝને અહંકારી બનાવી દેવા માટે આ કૉમ્બિનેશન કાફી હતું. અધૂરામાં પૂરું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાની સાથે તેની દોસ્તી ઘણાબધા ખેપાનીઓ સાથે થઈ ગઈ હતી. વળી અન્ડરવર્લ્ડ ડૉન હૈદરનું છત્ર હતું એટલે ‘ઊંટ અને પાછું ઉકરડે ચડ્યું’ એવો ઘાટ થયો હતો. 
શાહનવાઝની પહેલી ફિલ્મ દસ કરોડ રૂપિયામાં બની હતી, પણ એ ફિલ્મને અકલ્પ્ય સફળતા મળી એટલે તેને એક ફિલ્મ માટે દસ કરોડ રૂપિયા ફી મળવા લાગી હતી. અને પછી તો તેની સળંગ છ ફિલ્મો એકધારી સુપરહિટ સાબિત થઈ હતી એને કારણે બધા તેની આગળપાછળ ફરતા થઈ ગયા હતા. એક તબક્કે તો તે એક ફિલ્મની ફી સો કરોડ રૂપિયા લેતો થઈ ગયો હતો. તેણે અઢી દાયકા સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર એકચક્રી રાજ કર્યું હતું, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી તેની ઉંમર દેખાવા લાગી હતી એટલે પ્રેક્ષકો બીજા નવા સ્ટાર્સ તરફ વળી રહ્યા હતા. 
એ દરમિયાન પ્રખ્યાત ટીવી ઍક્ટર પૃથ્વીરાજ સિંહ શેખાવતને એક જાણીતા ફિલ્મ નિર્માતા મયૂર રસ્તોગીએ પોતાની નવી ફિલ્મમાં બ્રેક આપ્યો હતો. પૃથ્વીરાજની એ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી અને એ સાથે જ ડઝનબંધ ફિલ્મ નિર્માતાઓએ તેને સાઇન કરી લીધો હતો.
શાહનવાઝે ભૂતકાળમાં મયૂર રસ્તોગીનું હડહડતું અપમાન કર્યું હતું. એ પછી રસ્તોગીએ શાહનવાઝ સાથે એક પણ ફિલ્મ નહીં કરવાના સોગંદ ખાધા હતા. અને સામે શાહનવાઝે પણ અનેક ઇન્ટરવ્યુમાં અને અનેક ઇવેન્ટ્સમાં સ્ટેજ પરથી પણ કહ્યું હતું કે ‘મયૂર રસ્તોગી બેવકૂફ ફિલ્મ નિર્માતા છે. તેની સાથે હું મારી જિંદગીમાં ક્યારેય કામ નહીં કરું.’
શાહનવાઝને લાગ્યું હતું કે ટીવી વર્લ્ડના સુપરસ્ટાર પૃથ્વીરાજને બ્રેક આપીને રસ્તોગીએ તેને પડકાર ફેંક્યો છે. પહેલાં તો તેણે રસ્તોગીની ઠેકડી ઉડાવી હતી, પરંતુ પૃથ્વીરાજની પહેલી જ ફિલ્મ ‘પ્યાર કરતે હૈં હમ તુમ્હે સનમ’ સુપરહિટ સાબિત થઈ ગઈ હતી અને એ સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સમીકરણો બદલાઈ ગયાં હતાં. એક બાજુ પૃથ્વીરાજની ફિલ્મને અકલ્પ્ય સફળતા મળી હતી તો બીજી બાજુ એ જ સમયમાં રિલીઝ થયેલી શાહનવાઝની ફિલ્મ ‘જીતે હૈં હમ તુમ્હારે લિએ જાન’ બૉક્સ-ઑફિસ પર બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી.
પૃથ્વીરાજની પહેલી ફિલ્મ રિલીઝ થઈ એ જ દિવસે શાહનવાઝે પોતાની નવી ફિલ્મ રિલીઝ કરવા માટે પોતાના ફ્રેન્ડ એવા પ્રોડ્યુસર અમોલ આહુજા પર દબાણ કર્યું હતું. શાહનવાઝને એમ હતું કે પોતાની ફિલ્મ એ જ દિવસે રિલીઝ થશે એટલે રસ્તોગી અને પૃથ્વીરાજ બન્ને રસ્તા પર આવી જશે, પણ તેનો દાવ ઊંધો પડ્યો હતો અને તેની હાલત કફોડી થઈ ગઈ હતી. એ પછી તેની બીજી ત્રણ ફિલ્મ પણ સુપર ફ્લૉપ થઈ ગઈ હતી. એને કારણે પ્રોડ્યુસર્સ તેનાથી દૂર ભાગવા લાગ્યા હતા. થોડા જ મહિનાઓમાં એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે તમાચો મારીને ગાલ લાલ રાખવાની જેમ શાહનવાઝે પોતાના મિત્રોને ફાઇનૅન્સ આપીને પોતાની નવી ફિલ્મ્સ અનાઉન્સ કરાવવી પડી હતી! આ વાતની ખબર સામાન્ય લોકોને નહોતી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહત્ત્વના માણસો સુધી તો એ વાત પહોંચી જ ગઈ હતી.
શાહનવાઝ જ્યારે મેહરા સાથે તોછડાઈથી વાત કરી રહ્યો હતો ત્યારે વાસ્તવમાં તો એ શબ્દો પાછળ તેના અહંકાર કરતાંય વધુ તો તેની અસલામતી હતી. તે એ વાત દેખીતી રીતે તો સ્વીકારતો નહોતો કે તેનાં વળતાં પાણી શરૂ થઈ ગયાં છે, પણ અંદરથી તે બહુ જ ડરી ગયો હતો. એક વાર સફળતાના શિખર પર ચડ્યા પછી નીચે ઊતરવાની કલ્પના પણ ધ્રુજાવી દેનારી હોય છે. અને કોઈ સફળ માણસ જે માણસને ધિક્કારતો હોય એ માણસને ઉપર ચડતો જુએ ત્યારે તેને બહુ તકલીફ થતી હોય છે.    
શાહનવાઝ અને પૃથ્વીરાજના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું. ‘ગ્લૅમર વર્લ્ડ’ના ઍન્યુઅલ ઇશ્યુના કવર પર પૃથ્વીરાજનો ફોટો હતો. એ કવરનાં મસમોટાં બૅનર્સ અને હોર્ડિંગ્સ મુંબઈ સહિત દેશનાં ટોચનાં શહેરોમાં લાગ્યાં હતાં. જ્યાં ‘ગ્લૅમર વર્લ્ડ’ની ઍન્યુઅલ પાર્ટીનું આયોજન થયું હતું એ મુંબઈની  ફાઇવસ્ટાર સુપર ડિલક્સ હોટેલ ‘ધ ડ્રીમ્સ લૅન્ડ’ના મેઇન ગેટ પર, લૉબીના ગેટ પર અને પૂલસાઇડ એરિયામાં પાર્ટી યોજાઈ હતી ત્યાં જવાની એન્ટ્રી પર પણ ‘ગ્લૅમર વર્લ્ડ’ના ઍન્યુઅલ ઇશ્યુનાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ અને સ્ટૅન્ડીઝ લગાવાયેલાં હતાં. એ જોઈને શાહનવાઝના પેટમાં જાણે ઊકળતું તેલ રેડાયું હતું. એને કારણે મેહરા સાથે વાત કરતી વખતે તેના અવાજમાં થોડી વધુ કડવાશ ભળી ગઈ હતી.
મેહરાય પાવરફુલ માણસ હતો. તેને પણ થોડી અકળામણ થઈ આવી, કારણ કે શાહનવાઝે તેને મહેણું માર્યું એ વખતે તેની આજુબાજુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીક નામાંકિત વ્યક્તિઓ ઊભી હતી. એક ક્ષણ માટે તેના મનમાં શાહનવાઝને જડબાતોડ જવાબ આપવાની ઇચ્છા ઊભરી આવી, પણ એક તો આ તેની પોતાની પાર્ટી હતી અને શાહનવાઝ ડૉન હૈદરનો માણસ હતો એને કારણે તેની સાથે ઝઘડો કરવાનું તેને પરવડે એમ નહોતું. એટલે મનમાં તો ભયંકર ગુસ્સો આવ્યો હોવા છતાં તેણે ચહેરા પર નકલી સ્મિત જાળવી રાખીને કહ્યું, ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકથી દસ સુધી શાહનવાઝનું જ નામ આવે છે. બીજું કોઈ પણ નામ અગિયારમા નંબરથી શરૂ થાય છે.’
એ સાથે જ શાહનવાઝે થોડે દૂર પૃથ્વીરાજ સિંહની તસવીર ઊડીને આંખે વળગતી હતી એવી એક સ્ટૅન્ડી તરફ ઇશારો કરતાં કહ્યું, ‘યસ, એમ છતાં ગ્લૅમર વર્લ્ડના ઍન્યુઅલ ઇશ્યુના કવર પર બૉલીવુડના એકાવનમા નંબરના ઍક્ટર પર કવર-સ્ટોરી છે!’
 એ દરમિયાન જ મુંબઈના પોલીસ-કમિશનર સલીમ શેખનું આગમન થયું. મેહરાને હાશકારો થયો. મેહરા તેમને આવકારવા તેમના તરફ આગળ વધ્યો. 
 શાહનવાઝ પણ પોલીસ કમિશનરને મળવા ગયો. તેણે તેમના તરફ સ્મિત ફરકાવીને હસ્તધૂનન માટે હાથ લંબાવતાં કહ્યું, ‘હલ્લો સર.’
મેહરાએ દેખીતી રીતે તો પોલીસ-કમિશનર શેખનો પાર્ટીમાં આવવા માટે આભાર માન્યો પરંતુ મનોમન તો ખરા સમયે પાર્ટીમાં આવવા માટેય આભાર માન્યો, કારણ કે નહીં તો શાહનવાઝના સ્વભાવ પ્રમાણે તેણે હજી મેહરાને અપમાનજનક શબ્દો કહેવાનું ચાલુ રાખ્યું હોત. 
એ પછી પોલીસ-કમિશનર શેખ સાથે બે-ત્રણ મિનિટ આડીઅવળી વાતો કરીને શાહનવાઝ આગળ વધ્યો એ સાથે તેના ચમચાઓ તેને ઘેરી વળ્યા. અત્યાર સુધી તેઓ સહેજ દૂર ઊભા રહીને એ વાતની મજા માણી રહ્યા હતા કે શાહનવાઝ ‘ગ્લૅમર વર્લ્ડ’ના તંત્રી-માલિક મેહરાનું અપમાન કરી રહ્યો હતો. 
શાહનવાઝ કોઈ શહેનશાહની અદાથી તેના ચમચાઓની વચ્ચે છાતી કાઢીને ટટ્ટાર ઊભો રહ્યો. એ દરમિયાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીય પર્સનાલિટીઝ વારાફરતી તેને મળવા માટે આવતી ગઈ. શાહનવાઝની નજર એ પાર્ટીમાં ચોતરફ ફરી રહી હતી. તે હંમેશાં કોઈ પણ પાર્ટીમાં છેલ્લે જતો હતો, જેનાથી તેનો દબદબો સાબિત થાય. અત્યારે પણ તે પાર્ટી પૂરી થવાના સમય પર આવ્યો હતો.
તેણે તેના એક ચમચાને પૂછ્યું, ‘વો ગધા આકે ગયા ક્યા?’
તેનો ચમચો સમજી ગયો કે શાહનવાઝ પૃથ્વીરાજ વિશે પૂછી રહ્યો છે. એ ચમચો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શોધવા માટે ફરી રહ્યો હતી એ વખતે શાહનવાઝની ચમચાગીરી તેને ફળી હતી અને શાહનવાઝે તેને સેકન્ડ લીડ રોલ્સ અપાવ્યા હતા. શાહનવાઝને કારણે એ ચમચાને તેની ઓકાત કરતાં ઘણું વધુ મળી ગયું હતું. 
‘નહીં, ભાઈ. લગતા હૈ એક ફિલ્મ થોડી-બહોત ચલ ગઈ ઉસકે બાદ વો શાયદ હવા મેં ઊડને લગા હૈ!’ ચમચાએ જવાબ આપ્યો.
શાહનવાઝને એમ હતું કે તે સૌથી છેલ્લો હશે, પરંતુ તેના આશ્ચર્ય અને આઘાત વચ્ચે તે પાર્ટીમાં પહોંચ્યો એની વીસેક મિનિટ પછી પૃથ્વીરાજનું આગમન થયું.
પૃથ્વીરાજનું આગમન થયું એ સાથે પાર્ટીમાં ઉપસ્થિત મોટા ભાગના લોકો તેના તરફ ધસી ગયા. થોડી મિનિટ્સ અગાઉ જ પોતે ‘ગ્લૅમર વર્લ્ડ’ના તંત્રી મેહરાને જે શબ્દો કટાક્ષમાં કહ્યા હતા એ શબ્દોને સાર્થક થતા શાહનવાઝ જોઈ રહ્યો! હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊગતા સૂરજની એટલે કે નવા સુપરસ્ટાર પૃથ્વીરાજની પૂજા કરતી થઈ ગઈ હતી એ વાતનો તેને એહસાસ થયો. તેને એવું લાગ્યું કે કોઈએ તેને ઊંચા પર્વતના સૌથી ઊંચા શિખર પરથી તળેટીમાં ફંગોળી દીધો છે! તે હતપ્રભ બની ગયો. વાસ્તવિકતા પચાવતાં તેને થોડી વાર લાગી. તેના મનમાં અકલ્પ્ય ખુન્નસની લાગણી ઊભરાઈ આવી અને તે બબડ્યો : તારા ગોલ્ડન ડેઝ શરૂ નથી થયા, પૃથ્વી #*#*#*. તારી જિંદગીના અંતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે!
શાહનવાઝને એવું લાગ્યું હતું કે તે મનોમન એ શબ્દો બોલ્યો છે, પરંતુ અકળામણ અને ઉશ્કેરાટને કારણે તે એ શબ્દો વ્યક્ત રીતે બોલી ગયો હતો!
અને તેની પાછળ જ ઊભેલા પોલીસ-કમિશનર સલીમ શેખે એ શબ્દો સાંભળી લીધા હતા!

વધુ આવતા શનિવારે...


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2022 05:46 PM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK