Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવું નાટક આપણે કરી લીધું છે, કંઈક બીજું વિચારીએ

આવું નાટક આપણે કરી લીધું છે, કંઈક બીજું વિચારીએ

17 January, 2022 04:24 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

આવું કહ્યા પછી પણ મેં જેવા બે મત એ સ્ટોરીને મળ્યા કે તરત આગળ વધવા માટે હા પાડી હતી. જીવનમાં એટલા જક્કી ક્યારેય ન બનવું કે આવનારી તકને પણ તમે પારખી ન શકો

જ્યારે બધી જગ્યાએથી બેસ્ટ મળે ત્યારે સર્જન શ્રેષ્ઠ જ જન્મે. આ વાત નાટક ‘છગન મગન તારાં છાપરે લગન’ને સર્વોત્તમ રીતે લાગુ પડે છે.

જ્યારે બધી જગ્યાએથી બેસ્ટ મળે ત્યારે સર્જન શ્રેષ્ઠ જ જન્મે. આ વાત નાટક ‘છગન મગન તારાં છાપરે લગન’ને સર્વોત્તમ રીતે લાગુ પડે છે.


૨૦૦પની ૧૩ નવેમ્બર અને તેજપાલ ઑડિટોરિયમ.
સમય રાતે પોણાઆઠ વાગ્યાનો. મારા પ્રોડક્શનનું ૩૪મું નાટક અને ઉંમરના પડાવની દૃષ્ટિએ જીવનના ૪૬મા વર્ષે ‘છગન મગન તારાં છાપરે લગન’ રિલીઝ થયું અને સુપરહિટ રહ્યું. એવું નહોતું કે એ પહેલાં મેં ઍક્ટિંગ નહોતી કરી, પણ ઍક્ટિંગ-કરીઅર મારી પ્રાયોરિટીમાં સહેજ પણ નહોતી એ પણ એટલું જ સાચું. આપણે આ સિરીઝ શરૂ કરી ત્યારના શરૂઆતના એપિસોડમાં મેં કહ્યું હતું કે મને ઍક્ટર તરીકે પ્રસ્થાપિત કરવાનો જશ મને અને માત્ર મને જાય છે. મારી ઍક્ટિંગ-કરીઅરનો કોઈ ગૉડફાધર નથી. શરૂઆતના સમયમાં મને ઍક્ટર બનવાની ઇચ્છા હતી, પણ પ્રોડક્શનમાં ગળાડૂબ થયા પછી એ ઇચ્છા ક્યાંય દૂર-દૂર ધકેલાઈ ગઈ હતી. જોકે ‘છગન મગન તારાં છાપરે લગન’થી એ દિશા નવેસરથી ખૂલી ગઈ. ચંદ્રકાન્ત બક્ષીએ પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં લખ્યું છે કે હું મેટ્રિક સુધી લગભગ દિશાશૂન્ય હતો, મારે બિઝનેસમાં જવું હતું, પણ કિસ્મતમાં ચંદ્રકાન્ત બક્ષી 
થવાનું લખાયું હતું. હું અનુભવથી એક વાત શીખ્યો છું કે શતરંજના બોર્ડ પર આપણું છેલ્લું પ્યાદું જીવતું હોય ત્યાં સુધી હાર કબૂલવી નહીં. શ્રેષ્ઠની આશા રાખવી અને કનિષ્ઠની તૈયારી રાખવી.
આયાસ-અનાયાસ મારી સાથે પણ એવું જ બન્યું છે. દવાની દુકાને પણ કામ કર્યું અને અમારી પોતાની દુકાને પણ બેઠો, પણ કિસ્મતમાં સંજય ગોરડિયા બનવાનું લખાયું હતું અને એ બન્યો. તો લડી લેવાની બાબતમાં પણ એવું જ બન્યું છે. છેલ્લું પ્યાદું જ્યાં સુધી શતરંજના બોર્ડ પર રહ્યું છે ત્યાં સુધી મેં હાર માની નથી તો શ્રેષ્ઠની આશા પણ ક્યારેય છોડી નથી અને કનિષ્ઠની સંપૂર્ણ તૈયારી રાખી છે.
ફરી આપણે આવી જઈએ આપણી વાત એટલે કે ‘છગન મગન તારાં છાપરે લગન’ પર. આ નાટકથી મારી નવેસરથી શરૂ થયેલી ઍક્ટિંગ-કરીઅર માટે જો કોઈને હું નિમિત્ત માનું તો એ છે મારો ડ્રાઇવર વિનોદ. વિનોદ મને ૨૦૦૯માં છોડીને જતો રહ્યો. એ સમયે હું થોડા વખત માટે લિટરલી ડિપ્રેશનમાં આવી ગયો હતો. તમારું બધું જ કામ જે સંભાળતો હોય તે જતો રહે ત્યારે જે ખાલીપો સર્જાય એવો ખાલીપો મારી આસપાસ ઊભો થઈ ગયો હતો. જેમ ઘરમાં મને મારી વાઇફ ચંદા વિના ચાલે નહીં એવી રીતે ઘરની બહાર પગ મૂકું એટલે મને વિનોદ જોઈએ. આવી પરિસ્થિતિમાં તેનું મારાથી છૂટા પડવું એ નૅચરલી એક આઘાત સમાન હતું અને એ આઘાતમાંથી હું માંડ-માંડ બહાર આવ્યો હતો. બાય ધ વે, આ આખી વાત સાંભળતી વખતે તમને મનમાં એમ પણ થયું હશે કે જે વિનોદે મને પેલી મલયાલી ફિલ્મ જોવાનું સજેશન આપ્યું હતું એ વિનોદને શું મળ્યું હશે તો તમને કહી દઉં કે એ વિનોદને મેં ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા, ફિલ્મ સજેસ્ટ કરવા માટે. એ ફિલ્મ સજેસ્ટ કરવા માટે જેની વાર્તા સુધ્ધાં અમે લીધી નહોતી, પણ એ ફિલ્મની વાત કરતાં-કરતાં જ મને એક બીજી વાર્તા મળી હતી એટલે મેં એમ ધાર્યું હતું કે જો મલયાલી ફિલ્મની વાત જ ન નીકળી હોત તો હું ‘છગન મગન તારાં છાપરે લગન’ની વાર્તા વિશે વિચારોની એ ગલીમાં ગયો જ ન હોત, માટે વિનોદનો હક બને છે અને મારે તેને રેસિપ્રોકેટ કરવો જ રહ્યો.
ગયા વીકનો મારો આર્ટિકલ વાંચીને કવિ-ગીતકાર દિલીપ રાવલનો મને મીઠો ઠપકો આપતો મેસેજ આવ્યો, ‘બધાને યાદ કર્યા, પણ નાટકમાં જેણે ગીતો લખ્યાં હતાં તેને ભૂલી ગયા?’ સૉરી દિલીપ. 
‘છગન મગન તારાં છાપરે લગન’ નાટકમાં છેલ-પરેશ કમાલ કરી ગયા હતા, તો મ્યુઝિક-ડિરેક્ટર સચિન સંઘવીએ પણ જબરદસ્ત કામ કર્યું હતું. બધા કલાકારોની પણ એટલી જ મહેનત હતી, તો ડિરેક્ટર વિપુલ મહેતાએ પણ એટલું જ સરસ ડિરેક્શન કર્યું હતું. વિપુલને આ પ્રકારનાં નાટક ડિરેક્ટ કરવામાં બરાબરની ફાવટ આવવા લાગી હતી એમ કહું તો ખોટું નહીં કહેવાય.
‘છગન મગન તારાં છાપરે લગન’ પોતાની રીતે દોડવા માંડ્યું એટલે અમે લાગ્યા નવા નાટકની શોધમાં. વિપુલ મહેતા પાસે એક વાર્તા હતી, જે તેણે મને સંભળાવી. વાર્તા એવી એક મહિલાની હતી જે હસબન્ડથી પીડિત છે, બાળકોથી પીડિત છે. ઘરમાં તેનું કોઈ માન નથી, બધા તેને નાની-નાની વાતમાં હડધૂત કરતા રહે છે. તેની કોઈ ગણના જ નથી અને તે સૌકોઈ માટે ટેકન-ફૉર-ગ્રાન્ટેડ છે. બને છે એવું કે તેનો એક ભાણિયો અમેરિકા રહે છે અને તે ઇન્ડિયા આવે છે. ભાણિયો આ બધું જુએ છે અને ભાણિયો તેની નાનીને સમજાવે છે કે આ જેકંઈ તારી સાથે થાય છે એ ખોટું થાય છે. આ અન્યાય છે, તારે એનો જવાબ આપવો જોઈએ. એ લેડી ભાણિયા સાથે મળીને સકારાત્મક જવાબ આપે છે અને ભાણિયાની હેલ્પથી સુપર મૉડલ બને છે. એ પછી ફૅમિલીનું બિહેવિયર કેવું ચેન્જ થાય છે એના પર આખો સબ્જેક્ટ હતો. મારા માટે આ વાર્તા ખાસ નવી નહોતી. આ પ્રકારનાં નાટકો હું અગાઉ કરી ચૂક્યો હતો, જેની વાત તમને પણ મેં કરી છે. નાટક ‘બા રિટાયર થાય છે’ અને ‘શારદા’. આ જ વાત મેં વિપુલને કરીને કહ્યું કે મેં આ પ્રકારની વાર્તા સાથે નાટકો કરી લીધાં છે એટલે હવે આ નાટકનો કોઈ અર્થ નથી. 
અગાઉ રાઇટર ઇમ્તિયાઝ પટેલે મને કહ્યું હતું કે નવા નાટક માટે તેની પાસે એકબે સબ્જેક્ટ છે એટલે મેં ત્યારે જ વિપુલને કહ્યું કે તું ઇમ્તિયાઝ સાથે વાત કર, તેની પાસે એકબે સબ્જેક્ટ છે, સાંભળી જો. તને ગમે તો આપણે આગળ વધીએ.
મને પાક્કું યાદ છે કે જે રાતે અમારે ‘છગન મગન તારાં છાપરે લગન’ની ગુજરાતની ટૂર માટે નીકળવાનું હતું એ જ સાંજે મને ઇમ્તિયાઝનો ફોન આવ્યો. ઇમ્તિયાઝે મને કહ્યું કે સંજયભાઈ, તમે સ્પીકર ફોન પર છો અને બાજુમાં વિપુલ બેઠો છે. વિપુલે મને તેની પાસે જે વાર્તા હતી એ સંભળાવી અને મને વાર્તા ખૂબ ગમી છે. આપણે આ જ નાટક કરવું જોઈએ, હિટ સબ્જેક્ટ છે.
વાર્તા મારા ડિરેક્ટરની, જે મેં રિજેક્ટ કરી હતી, પણ હવે મારો લેખક પણ મને કહે છે કે આ જ વાર્તા કરવી જોઈએ. મારી પાસે ના પાડવાનું બીજું કોઈ કારણ તો રહેતું નથી એટલે મેં ગ્રીન લાઇટ આપતાં કહ્યું કે વાર્તાને ડેવલપ કરો. 
હું પૂરેપુરો કન્વિન્સ નહોતો એ એટલું જ સાચું, પણ મારા લેખક-દિગ્દર્શકને વિશ્વાસ હતો એટલે મેં એ વિશ્વાસને આગળ ધપાવ્યો અને આમ અમારા નવા નાટકનું કામ શરૂ થયું. એ નાટક કયું હતું એની વાત કરતાં પહેલાં મારે, મેં એક વાર રિજેક્ટ કરેલી વાર્તા પર આગળ વધવાની હા શું કામ પાડી એની વાત કરવી છે, પણ એ હવે કરીશું આવતા સોમવારે. 
ત્યાં સુધી જાતને સાચવો અને કોરોના થાય તો કોઈ પણ જાતના ગભરાટ વિના એનો સામનો કરો. આ વખતે આવેલો કોરોના નિરુપદ્રવી છે, એવો મારો સ્વાનુભવ છે, પણ ક્યારેય ઓવર-કૉન્ફિડન્સમાં ન રહેવું એ પણ મારો જાત-અનુભવ છે.

નવેસરથી શરૂ થયેલી ઍક્ટિંગ-કરીઅર માટે જો કોઈને હું નિમિત્ત માનું તો એ છે મારો ડ્રાઇવર વિનોદ. વિનોદ મને છોડીને ૨૦૦૯માં જતો રહ્યો. તે મને છોડીને ગયો ત્યારે થોડા સમય માટે હું લિટરલી ડિપ્રેશનમાં આવી ગયો હતો. તમારું બધું કામ જે સંભાળતો હોય તે જતો રહે ત્યારે જે ખાલીપો સર્જાય એવો ખાલીપો મારી આસપાસ ઊભો થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2022 04:24 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK