Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જબ ચલ પડે હમ તો રુકતે નહીં

જબ ચલ પડે હમ તો રુકતે નહીં

25 March, 2021 11:13 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જાતજાતના નુસખાઓ અપનાવીને પણ ટ્રાવેલ તો કરવાનું જ એવું માનનારા મનમોજીલા પ્રવાસીઓ સાથે વર્ષા ચિતલિયાએ વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો

જબ ચલ પડે હમ તો રુકતે નહીં

જબ ચલ પડે હમ તો રુકતે નહીં


ઘણા લોકોને પ્રવાસ દરમ્યાન માથાનો દુખાવો, ઊલટી અથવા ગભરામણ થવાની ફરિયાદ હોય છે. ઊંચા પર્વતો પર શ્વાસ લેવાની તકલીફ થાય. અનેક સમસ્યાઓ હોવા છતાં અમુક પ્રવાસપ્રેમીઓનો જીવનમંત્ર હોય છે, જબ ચલ પડે હમ તો રુકતે નહીં, આંધી કે આગે ભી ઝુકતે નહીં. જાતજાતના નુસખાઓ અપનાવીને પણ ટ્રાવેલ તો કરવાનું જ એવું માનનારા મનમોજીલા પ્રવાસીઓ સાથે વર્ષા ચિતલિયાએ વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો

સૂકાં આમળાં ચગળતા જવાનું ને રસ્તો કપાતો જાય - સ્નેહા ગાંધી, કાંદિવલી



ફ્રેન્ડ્સ સાથે અંતાક્ષરી રમતાં અને થેપલાં, ખાખરા, ગાંઠિયા જેવા અસ્સલ ગુજરાતી નાસ્તાની લિજ્જત માણતા ફરવા જવાનો ભડભડિયો હોવા છતાં કાંદિવલીનાં ફૅશન-ડિઝાઇનર પ્રવાસ દરમિયાન માથું નીચું રાખી રસ્તો ક્યારે કપાશે એની રાહ જોયા કરે. વળાંકવાળા ઘાટ પરથી કાર પસાર થાય ત્યારે મિત્રો અથવા ફૅમિલી મેમ્બરો સાથે ગોકીરો કરવાની અદમ્ય ઇચ્છાને મનમાં દબાવી રાખવાનું કારણ છે ચક્કર અને ઊલટીઓ. તેઓ કહે છે, ‘નાનપણથી ઘાટ ચડતી વખતે માથું ભમવા લાગે છે, પણ આ કારણસર કંઈ ફરવાનું માંડી વાળવાનું? જર્નીમાં એન્જૉય કરવા ન મળે તો કંઈ નહીં, ડેસ્ટિનેશન પર જઈને મજા કરવાની. મહાબળેશ્વર, લોનાવલા, ઊટી-કોડાઈ, નૈનિતાલ, સિક્કીમ બધે આ તકલીફ સાથે ફરી આવી છું. સૂકાં આમળાં અને ખાટી-મીઠી પેપરમેન્ટની ગોળીઓ હાથમાં જ હોય. સામાન્ય રીતે ખાલી પેટે જ મુસાફરી કરું જેથી પેટમાં ઊછળે નહીં. ઘણી વાર એવું બને કે વૉમિટ થતી હોય અને ઘાટ પર સાંકડી જગ્યામાં ગાડી સાઇડમાં ઊભી રાખવાની જગ્યા ન મળે. સિક્કીમ ગયા હતા ત્યારે એક વાર મનમાં થયું કે મારા કારણે બધાનો મૂડ ખરાબ થઈ જાય અને વારંવાર ગાડી ઊભી રાખવી પડે એના કરતાં ટ્રિપ ડ્રૉપ કરી ઘરભેગી થઈ જાઉં. પછી બધા મોટિવેટ કરે, તું તો જિગરજાન છે, તારા વગર ફરવાની મજા નહીં આવે. મારા હસબન્ડનું કહેવું છે કે ટ્રાવેલ સિકનેસ એ સાઇકોલૉજિકલ પ્રૉબ્લેમ છે. ડ્રાઇવરની બાજુમાં બેસીને બહારનો નજારો જોવામાં ધ્યાન આપીશ તો ઊલટી નહીં થાય. હવે મારી સીટ ફિક્સ છે. પ્રકૃતિનું સૌંદર્ય માણવામાં માઇન્ડને ડાઇવર્ટ કરવાનું કારગર નીવડે છે.’


પૉપકૉર્ન અને કપૂરની પોટલી લઈને ડુંગરા ખૂંદવા નીકળું - પરેશ બજરિયા, બોરીવલી

કાર જેમ-જેમ ઊંચાઈ પર ચડે, બોરીવલીના બિઝનેસમૅન પરેશ બજરિયાને શ્વાસ લેવામાં તકલીફ પડે. ઑક્સિજન સિલિન્ડર વગર ડેસ્ટિનેશન સુધી પહોંચી જ ન શકે એવી હાલત હોય છતાં ભારતના મોટા ભાગના પર્વતો પર તેઓ ફરી આવ્યા છે અને હજીયે ડુંગરા ખૂંદવાનો મોહ ઓછો થતો નથી. ઉત્સાહભેર વાત કરતાં તેઓ કહે છે, ‘લેહ-લદાખ તો ઇન્ડિયાનું સ્વિટ્ઝરલૅન્ડ છે. સિક્કિમ-નતોલા બાયપાસ, ચીનની બૉર્ડર, રોહતંગ, કાશ્મીરની ખીણમાં આવેલા ઊંચા પર્વતો પર ઑક્સિજનનો પ્રૉબ્લેમ થાય છે એ સાચું, પરંતુ જન્નત સમાન આ સ્થળોની સફર કરવા તમામ રિસ્ક લેવા તૈયાર છું. ઑક્સિજન ઓછો પડશે તો જોયું જશે, બાકી ફરવા જવાનું પાકું છે એવું તેમને પણ કહી રાખ્યું છે. લેહ-લદાખ ગયા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સાત જણના ગ્રુપે અધવચ્ચે ટૂર પડતી મૂકી દિલ્હી પાછા ફરવાનો વિચાર કર્યો હતો, પણ પ્રોગ્રામ ચેન્જ કરવાની મેં ના પાડી દીધી. પાછા ફરવાનો સવાલ જ ઊભો થતો નથી. ભગવાનનું નામ લઈ કારમાં સિલિન્ડર સાથે રાખીને નીકળી ગયા. જેટલી વાર રસ્તામાં મિલિટરી કૅમ્પ આવે બધા મજાક કરે, જા જઈને ઑક્સિજન ભરતો આવ. ફરવા જતી વખતે પૉપકૉર્ન અને કપૂરની પોટલી સાથે રાખું છું. પૉપકૉર્ન ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. થોડી-થોડી વારે કપૂર સૂંઘી લઉં જેથી નાક બંધ ન થઈ જાય. ખરેખર, જોખમો ખેડીને ફરવાની જુદી જ મજા છે.’


ટ્રાવેલિંગમાં કોઈ ટુચકા કામ નથી લાગતા તોય ફરવા જવાનું - જિજ્ઞા મહેતા, ઘાટકોપર

દેશ-વિદેશની ટૂર કરી ચૂકેલાં ઘાટકોપરનાં ઇન્ટીરિયર ડિઝાઇનર જિજ્ઞા મહેતાને જબરદસ્ત ટ્રાવેલિંગ સિકનેસ છે. પ્લેન ટેક ઑફ કરે કે કાર ઘાટ ચડે તેમને વૉમિટિંગ માટે બૅગની જરૂર પડે ને પડે જ. પ્લેનમાં બેસતાં જ હસબન્ડ અને બાળકો પોતાની બૅગ આપી દે અને ઉપરથી યાદ દેવડાવે કે બે-ત્રણ એક્સ્ટ્રા લઈ લેજે. પ્લેનમાંથી ઊતર્યા બાદ રોડ ટ્રાવેલમાં કામ લાગશે. આ બાબતને લાઇટલી લેતાં તેઓ કહે છે, ‘ટ્રાવેલ સિકનેસથી બચવા આટલાં વર્ષોમાં અઢળક નુસખાઓ ટ્રાય કર્યા છે. કોઈ કહે કપૂર સૂંઘો, કોઈ આદું ચગળવાની ને તજ-લવિંગ ચાવવાની સલાહ આપે તો એ પણ કર્યું છે. એક જણે તો વળી કૉપર કૉઇન મોઢામાં મૂકવાની ભલામણ કરી હતી. ટ્રાવેલ સિકનેસને મિનીમાઇઝ કરવા ડૉક્ટરની દવા સહિત તમામ પ્રયાસો કરી જોયા છે, કોઈ ફરક પડ્યો નથી. પ્લેન અને કારમાં તો સમસ્યા થાય જ છે, સી સિકનેસ પણ છે. ન્યુ ઝીલૅન્ડમાં મિડ સી વેવ્સ જોવા એક્સાઇટેડ હતી. દરિયામાં વચ્ચોવચ્ચ બોટ પહોંચી કે વૉમિટિંગ સ્ટાર્ટ. બોટની અંદર મોટા ભાગના ટ્રાવેલર્સને આવો અનુભવ થયો હતો. ઘણી વાર જાહેર સ્થળે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જઈએ છીએ, પરંતુ ઇલાજ નથી. આ બધી સમસ્યા સાથે બે વાર યુરોપ સહિત ઘણી જગ્યાએ ફરી છું. સિકનેસ કરતાં ફરવાનું એક્સાઇટમેન્ટ એટલું વધુ હોય કે જો હોગા દેખા જાએગા. આપણે તો મજા કરવાની.’

જાણી લો ટ્રાવેલ સિકનેસથી બચવાની
હોમ રેમેડીઝ
ટ્રાવેલિંગ દરમિયાન સમસ્યા થતી હોય એના કારણે ફરવાનું કૅન્સલ ન કરાય, પરંતુ હેલ્થનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. આયુર્વેદ નિષ્ણાત સાયલી મોદીએ શૅર કરેલી નીચેની હોમ રેમેડીઝ પ્રવાસપ્રેમીઓને ચોક્કસ કામ લાગશે.
આદુંની પાતળી સ્લાઇસ કાપી એના પર મીઠું અને લીંબુનો રસ ઉમેરો. લાંબી મુસાફરી શરૂ કરતાં પહેલાં એને ચગળી જવાથી ઊબકા નહીં આવે.
ઘાટ ચડતી વખતે શરૂઆતની ૨૦ મિનિટ આદુંનો ટુકડો ચૂસતા રહેવાથી ચક્કર અને ઊબકામાં રાહત થશે ઉપરાંત ઠંડીમાં શ્વાસ લઈ શકાશે.
રૂમાલમાં શુદ્ધ કપૂરને બાંધીને પોટલી હાથમાં રાખો. શ્વાસમાં કપૂરની સુગંધ લેવાથી ફાયદો થાય છે.
જર્ની સ્ટાર્ટ કરતાં પહેલાં મિન્ટ લીવ્ઝ ચાવવા અથવા મીઠું અને હળદર નાખેલી શેકેલી વરિયાળી ચાવો.
કારની વિન્ડોને ખુલ્લી રાખી તાજી હવા શ્વાસમાં ભરવાથી ગભરામણ ઓછી થાય છે.
મ્યુઝિક સાંભળો. ઇયરફોન કાનમાં ભરાવવાથી ફાયદો થશે.

પ્રવાસ દરમ્યાન તરસ લાગે તો પ્રમાણસર માત્રામાં પાણીની જગ્યાએ સિપ બાય સિપ થોડુંક લેમન જૂસ પીવાનું રાખો. કપૂર, વરિયાળી, આદું જે માફક આવે એ લઈ શકાય. બીજું, મનને બીજે વાળવા મનગમતું મ્યુઝિક સાંભળો - સાયલી મોદી, આયુર્વેદ નિષ્ણાત

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2021 11:13 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK