Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સદાય યુવાન રહેવું છે? તો આ પાંચ આસનો કરો

સદાય યુવાન રહેવું છે? તો આ પાંચ આસનો કરો

16 June, 2021 11:48 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ફાઉન્ટન ઑફ યુથ તરીકે ઓળખાતા તિબેટિયન પરંપરામાંથી આવેલા આ પાંચ અભ્યાસો દરેક જણ રોજેરોજ કરી શકે એવા સરળ અને અસરકારક છે અને એની અકસીરતા અનુભવીઓની દૃષ્ટિએ અદ્ભુત છે

ઉષ્મા પરીખ

ઉષ્મા પરીખ


બૌદ્ધ પરંપરામાં પણ યોગ, આસનો, પ્રાણાયામ અને ધ્યાનની વાત જુદા શબ્દોમાં આવે છે. તિબેટની ૨૫૦૦ વર્ષની પરંપરામાં એક બહેતરીન પ્રૅક્ટિસ ખૂબ જાણીતી છે જેને કહેવાય છે તિબેટિયન રાઇટ્સ અથવા તો ફાઉન્ટન ઑફ યુથ. યોગની દૃષ્ટિએ પાંચ આસનો જ છે એક પ્રકારનાં. જોકે સૂક્ષ્મ સ્તર પર આ તિબેટિયન રાઇટ્સથી શરીરનાં સાત ચક્રોની સક્રિયતા વધારવા પર કામ થાય છે અને એટલે જ આ પાંચ આસનોને ક્રમમાં રોજ ૨૧ વખત કરે એ વ્યક્તિ હંમેશાં યુવાનોની જેમ સ્વસ્થ, મસ્ત અને ઊર્જાવાન રહી શકે છે. આજે વિસ્તારપૂર્વક જાણીએ આ તિબેટિયન રાઇટ્સ વિશે યોગ થેરપિસ્ટ ઉષ્મા પરીખ પાસેથી. 
૨૫૦૦ વર્ષનો વારસો
તિબેટમાં છેલ્લાં ૨૫૦૦ વર્ષથી આ પરંપરાને ફૉલો કરવામાં આવે છે. ઉષ્માબહેન કહે છે, ‘પીટર કેલ્ડર નામના ફૉરેનરે તિબેટની મુલાકાત લીધી અને ત્યાં તેને આ ‌ફાઉન્ટન ઑફ યુથ વિશે ખબર પડી અને તેણે એ પછી ‘ધ આઇ ઑફ રિવીલેશન’ નામનું પુસ્તક લખ્યું. આ પદ્ધતિ કોઈ પણ દેશની હોય અથવા એનું જે પણ નામ હોય, મારી દૃષ્ટિએ આ પાંચ કસરતનું કૉમ્બિનેશન ખૂબ જ ઇફેક્ટિવ છે અને તમારા ડેઇલી રૂટીનમાં ઉમેરવી જ જોઈએ. રાઇટ્સ એટલે કે પરંપરા, રીતભાત. વર્ષોથી તિબેટના સાધુઓ આ પદ્ધતિને લોકો પોતાનું રૂટીન બનાવે એ રીતે શીખવતા આવ્યા છે. જોકે એક અમેરિકન ઓથરના માધ્યમે આ પદ્ધતિ એંસીના દશકમાં લોકો સમક્ષ આવી. પાંચ પ્રકારની આ કસરતો કરો તો દરેક સ્તર પર હેલ્થને જબરી મદદ મળતી હોય છે. અહીં મહત્ત્વ માત્ર ફિઝિકલ સ્ટ્રેચિંગનું નથી પરંતુ દરેક મૂવમેન્ટ સાથે શરીરનાં સાત ચક્રોને એનર્જાઇઝ અને બૅલૅન્સ કરવાનું છે. એની આ સૂક્ષ્મતાને કારણે જ આ અભ્યાસ વધુ મહત્ત્વના છે. આ કસરત મારી પાસે ઇન્ટ્રોડ્યુસ કરનારા નિષ્ણાત મિતેશ જોશીએ પુસ્તક ઉપરાંત બ્રીધિંગને ઉમેરીને એની ઇફેક્ટિવનેસ વધારી છે.’

Aasan 1



શું કામ ખાસ?
સામાન્ય આસનો કરીએ એવાં જ આસનો છે છતાં આ ટેક્નિક ખાસ શું કામ છે એનાં કારણો આપતાં ઉષ્માબહેન કહે છે, ‘એક વાર તમે આ અભ્યાસ શીખી જાઓ અને નિયમિત અભ્યાસ શરૂ કરી દો એટલે દસથી પંદર મિનિટમાં જ તમને એની ઇફેક્ટ દેખાવાની શરૂ થઈ જશે. પંદર મિનિટમાં જાણે આખા દિવસની એનર્જી આપી દે એવું વર્કઆઉટ થયાનો અનુભવ થશે. એટલે એમ કહી શકાય કે આ પ્રૅક્ટિસનું રિટર્ન ઑફ ઇન્વેસ્ટમેન્ટ ખૂબ સારુ છે.  બીજું, આ પ્રૅક્ટિસ માટે તમારે કોઈ પણ જાતનાં ઇક્વિપમેન્ટ્સની જરૂર નથી પડતી. તમે ક્યાંય પણ કોઈ પણ સમયે આ કસરત કરી શકો છો. તમે એને યોગ, ઍરોબિક્સ, જૉગિંગ જેવી અન્ય કોઈ પણ પ્રૅક્ટિસ સાથે ક્લબ કરી શકો છો.’


Aasan 2

કોણે ન કરાય?
ફાઉન્ટન ઑફ યુથ પર ઘણાં પુસ્તકો લખાયાં છે. એનાં પુસ્તકોમાં આ અભ્યાસ કોણ ન કરી શકે એ સંદર્ભે કોઈ સ્પષ્ટતા નથી એમ જણાવીને ઉષ્મા પરીખ કહે છે, ‘જોકે આસનોના પ્રકારને જોઈને એમ કહી શકાય કે પિરિયડ્સ દરમ્યાન આ અભ્યાસ ન કરવો. અમુક પ્રકારના પ્રૉબ્લેમ ધરાવતી વ્યક્તિએ અમુક પ્રૅક્ટિસ અવૉઇડ કરવી જોઈએ. જેમ કે પહેલા પ્રકારની કસરતનો અભ્યાસ હું હાર્ટ પેશન્ટ, ફ્રોઝન શોલ્ડર, ખૂબ વધારે હાઈ બ્લડ-પ્રેશરવાળા વગેરેને કરવાની ના પાડીશ. વર્ટિગોના દરદીઓ વગેરેએ પ્રૉબ્લેમ પ્રમાણે અમુક પ્રૅક્ટિસ અવૉઇડ કરવી જોઈએ. સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસ, સ્લિપ્ડ ડિસ્ક, સાઇટિકા અથવા બૅકપેઇન હોય તેમણે બીજા નંબરની કસરત કરતી વખતે સહેજ ધ્યાન રાખવાનું અને મૉડિફિકેશન સાથે એ કરી શકાય.’


Aasan 3

આટલું ધ્યાન રાખવું
 દેખાવમાં સરળ લાગતી આ કસરતો જ્યારે કરશો તો એની તિવ્રતાનો અનુભવ થશે એટલે શરૂઆત હંમેશાં ધીમેથી કરો અને ધીમે-ધીમે ફ્રીક્વન્સી વધારતા જાઓ.
 કસરત કરતી વખતે શ્વસનનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે. પ્રત્યેક રાઉન્ડની શરૂઆતમાં ઊંડો શ્વાસ લેવો અને પ્રત્યેક રાઉન્ડની પૂર્ણાહુતિમાં મોં વાટે ફોર્સફુલી શ્વાસ છોડવો.
 પાંચ એક્સરસાઇઝની તિબેટિયન રાઇટ્સ રોજેરોજ ૨૧ વખત કરવાની બાબતમાં હથોટી આવી જાય એ પછી તમે છઠ્ઠી પદ્ધતિને ફૉલો કરી શકો છો. છઠ્ઠી પ્રૅક્ટિસ તમારામાં નવયુવાન જેવું જોમ ભરી શકે છે. જોકે એ વિષય પર લખનારા પહેલા લેખક પીટર કેલ્ડરના મતે આ છઠ્ઠી રાઇટ્સ કરતાં પહેલાં બ્રહ્મચર્યનું કડકાઈપૂર્વક પાલન કરવું જરૂરી છે. 

Aasan 4

કઈ પાંચ કસરતો કરવાની છે?

પહેલી કસરત : બન્ને હાથને જમીનથી સમાંતર રહે એ રીતે ખોલીને જમણીથી ડાબી બાજુએ ગોળાકાર ઘૂમવાનું છે. જેમ પાણીને ગોળ-ગોળ ઘુમાવો તો એક વમળ ઉત્પન્ન થાય અને ઊર્જાનો સ્રોત વધતો હોય છે એ જ રીતે તિબેટિયન રાઇટ્સની પહેલી કસરતથી સાતેય ઑલરેડી ઘૂમી રહેલાં ચક્રોને ગતિ આપવાનો પ્રયાસ થાય છે. આ કરતી વખતે નજર સામે અને ઘૂમતી વખતે નજર સમક્ષ આવતા પ્રત્યેક ઑબ્જેક્ટ પર નજર સ્થિર કરતાં-કરતાં થોડીક ક્ષણ માટે પ્રત્યેક પર ફોકસ રાખવાનું કહેવામાં આવે છે જેથી ગોળાકાર ઘૂમતા હોવા છતાં ચક્કર આવવાની સંભાવના ઘટી જાય છે.
બીજી કસરત : ગોળાકાર ઘૂમવાની કસરત થઈ ગયા પછી બીજા નંબરે જમીન પર ચત્તા સૂઈને પહેલાં ગરદન અને પછી ધીમે-ધીમે નાઇન્ટી ડિતગ્રી પર પગને ઉપર ઉઠાવવાના હોય છે. સાતત્યતાપૂર્વક આ મૂવમેન્ટ્સ કરવાની હોય છે. 
ત્રીજી કસરત : ઉષ્ટ્રાસન થાય એ રીતે ઘૂંટણને વાળીને બેસો અને  તમારા નિતંબથી નીચેના ભાગમાં બન્ને હાથનો સપોર્ટ લઈને પાછળની તરફ ઝૂકો. 
ચોથી કસરત : ટેબલટૉપ પોઝિશન તરીકે ઓળખાતી આ ચોથી કસરતમાં સૌથી પહેલાં દંડાસનમાં બેસી જાઓ. બન્ને હાથ જમીન પર રાખીને ધીમે-ધીમે છાતી અને નિતંબના હિસ્સાને ઉપર ઉઠાવતા જાઓ. બન્ને પગને ઘૂંટણથી વાળીને પગને જમીન પર દબાવીને શરીરને ઉપર ઉઠાવતા જાઓ. ધીમે-ધીમે ટેબલની સપાટી જેવો આકાર બનેલો જણાશે. ધીમે-ધીમે શ્વાસ છોડતા-છોડતા પાછા સામાન્ય પોઝિશનમાં આવી જાઓ.
પાંચમી કસરત : ભુજંગાસન અને પર્વતાસન બન્ને એક પછી એકનો અભ્યાસ કરો. જમીન પર પેટના બળે સૂઈ જાઓ અને હવે ધીમે-ધીમે છાતીના ભાગને ઉપર ઉઠાવો એ પછી ફરી એક વાર પર્વતાસનની જેમ કરોડરજ્જુને ઉપરની તરફ ખેંચીને પગની એડીઓ અને હથેળી જમીન પર અને નિતંબનો ભાગ ઉપર ઊઠેલો રહે એ રીતે રાખો.

Aasan 5

કેવા ફાયદા થાય?
 વેઇટલૉસમાં આ અભ્યાસ ઇફેક્ટિવ છે. 
 એનર્જી લેવલ વધી જાય. 
 પાચનશક્તિ બહેતર બને. 
 રક્તપરિભ્રમણ સુધરે. 
 ફેફસાંની ક્ષમતા બહેતર બને. 
 સેક્સ્યુઅલ હેલ્થ સુધરે.
 સાંધાના દુખાવામાં અને સ્ટિફનેસમાં રાહત થાય.
 સ્ટ્રેંગ્થ અને કો-ઑર્ડિનેશન સુધરે.
 ઊંઘ સુધરે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 11:48 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK