Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈ જ મુશ્કેલી વગરનું જીવન ઇચ્છો છો?

કોઈ જ મુશ્કેલી વગરનું જીવન ઇચ્છો છો?

03 July, 2022 07:40 AM IST | Mumbai
Kana Bantwa

મુશ્કેલીઓ, સમસ્યાઓ, તકલીફો, સંકટો, કડાકૂટ, ગૂંચવણ જ માણસને ઘડીને મજબૂત બનાવે છે

કોઈ જ મુશ્કેલી વગરનું જીવન ઇચ્છો છો?

Come On જિંદગી!

કોઈ જ મુશ્કેલી વગરનું જીવન ઇચ્છો છો?


જીવનમાં ઓછામાં ઓછી મુશ્કેલીઓ આવે એવું તમે ઇચ્છો છો? બધા જ એવું ઇચ્છતા હોય કે પોતાના જીવનમાં ઓછામાં ઓછી તકલીફો આવે; ઓછામાં ઓછી હાડમારી, કઠણાઈ, મુસીબત આવે. એટલે તમે પણ એમ જ ઇચ્છતા હો એ સ્વાભાવિક છે. માણસનું મન આરામપ્રિય છે. એને મહેનત કરવી ગમતી નથી. એને મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે આરામ ગમે છે. મનના આળસુપણાને લીધે માણસ સતત આરામ, સુવિધા શોધતો રહે છે. આ જગતમાં અત્યારે તમે જે કંઈ જુઓ છો એ માણસની સગવડ,  અનુકૂળતા,  સુગમતા,  સુવિધા, આસાએશ, સુવાણ, સોઈની શોધનું પરિણામમાત્ર છે. આ આરામપ્રિયતાને લીધે જ માણસ મુશ્કેલીઓથી ભાગતો ફરે છે. જીવનમાં ઓછામાં ઓછી અગવડો, અડચણો, અવરોધો આવે એવું દરેક માણસ સ્વાભાવિકપણે જ ઇચ્છતો હોય એટલે તમે પણ એ જ પ્રવાહમાં એવી ઇચ્છા રાખો એમાં કંઈ ખોટું નથી; પણ જરા થોભીને વિચારો કે કોઈ જ મુશ્કેલી, ચૅલેન્જ, હાડમારી વિનાનું જીવન કેટલું નીરસ હોય? નમક વગરની દાળ અને મૂછ વિનાની કિસ જેવું ફિક્કું લાગે એ જીવન. મુશ્કેલીઓ માત્ર રોમાંચ કે પડકારને પહોચી વળવાનું ગૌરવ કે આત્મસંતુષ્ટિ જ નથી આપતી, એ માણસને ઘડે પણ છે.
પતંગિયાં જેવી મહેનત
એક શાળાના ઓરડાની બારી પર એક ભમરીએ માટીનું એક નાનકડું ઘર બાંધ્યું. પ્રકૃતિપ્રેમી શિક્ષકે ભમરીના એ કોશેટા જેવા માટીના ઘરને હટાવવાની બધાને મનાઈ કરી અને બાળકોને કહ્યું કે હવે ગમે ત્યારે આ કોશેટામાંથી ભમરી બહાર આવશે અને એમાંથી પતંગિયું બનશે. બાળકો એ કોશેટા પર નજર રાખવા માંડ્યાં. એક દિવસ કોશેટાના મુખ પર નાની તિરાડ પડી. અંદરથી પતંગિયાએ બહાર આવવા માટે પ્રયત્ન કરવા માંડ્યો. પતંગિયાની મથામણ જોઈને બાળકોને દયા આવી. તેમને થયું કે આપણે આ પતંગિયાને બહાર નીકળવામાં મદદ કરવી જોઈએ. બાળકોએ હળવે હાથે એ માટીના કોશેટાના કાણાને તોડીને મોટું કર્યું. પતંગિયાને જરા પણ નુકસાન ન થાય એવી કાળજી રાખીને એને બહાર નીકળવામાં મદદ કરી. પતંગિયું બહાર નીકળ્યું, પણ એની પાંખો બરાબર ખૂલી નહીં. બાળકોએ બહુ સમય રાહ જોઈ, પણ પતંગિયુ ઊડી શકે એ રીતે પાંખો વિસ્તારી શકતું જ નહોતું એટલે બાળકોએ શિક્ષકને બોલાવ્યા. શિક્ષકે આવીને કોશેટાનું અને પતંગિયાનું અવલોકન કર્યું અને પછી પૂછ્યું કે આ કોશેટો કોણે તોડ્યો? પતંગિયાએ કે તમે? બાળકોએ નિર્દોષભાવે જવાબ આપ્યો કે બહાર નીકળવામાં પતંગિયાને ખૂબ મુશ્કેલી પડતી હતી એટલે અમે થોડી માટી તોડીને એને નીકળવામાં મદદ કરી. શિક્ષકે બાળકોને સમજાવ્યું કે તમે પતંગિયાને મદદ કરી એને કારણે જ એનો પૂરો વિકાસ ન થયો. માટીનું આવરણ તોડીને નીકળવા માટે નવજાત પતંગિયું જે મહેનત કરે છે એનાથી જ એની પાંખો ખૂલીને વિસ્તરે છે, એનાં અંગો વિસ્તરે છે અને એ ઊડવા માટે સક્ષમ બને છે. કોશેટો તોડવામાં જે મુશ્કેલી આવે છે એ જ આ પતંગિયાને જીવવા માટે સમર્થ બનાવે છે. 
મજબૂત બનાવે છે મુશ્કેલી
મુશ્કેલીઓ, સમસ્યાઓ, તકલીફો, સંકટો, કડાકૂટ, ગૂંચવણ વગરનું જીવન ભલે માણસને ગમતું હોય; વાસ્તવમાં મુશ્કેલીઓ જ માણસને ઘડીને મજબૂત બનાવે છે. માણસનું ટિમ્બર સમસ્યાઓ, પડકારો અને અડચણો જ બનાવે છે. જીવનમાં મુશ્કેલી આવે તો એનાથી ડરી જશો નહીં. આ મુશ્કેલી તમને સક્ષમ બનાવશે, તમને ગુરુ બનીને શીખવશે, તમને એ વજ્ર જેવા કઠણ બનાવશે જેથી તમે ભાંગી પડો નહીં. જે માણસ હાડમારીમાંથી પસાર થયો હોય તે ગમે એ પરિસ્થિતિમાં સફળ થાય છે. મોટા ભાગના સફળ માણસોએ આકરી મુસીબતો સહન કરી હોય છે. આ તકલીફો તેને સફળ બનાવવામાં મદદરૂપ થઈ હોવાને લીધે જ તે માણસ ટોચ પર પહોંચ્યો હોય છે. અત્યારે બાળકોને વધુમાં વધુ સગવડ, આરામ, સુવિધા મળે; એક પણ મુશ્કેલી ન નડે એ માટે માતા-પિતા બનતું બધું કરી છૂટે છે. સંતાનોનો માર્ગ સાવ સરળ રહે, એમાં કોઈ અડચણ આવે જ નહીં એવી તમામ વ્યવસ્થાઓ માતા-પિતા કરે છે. જોકે આવું કરવાથી બાળકોને નુકસાન થાય છે. બાળકો બરાબર ઘડાતાં નથી. તેઓ ઢીલાં-પોચાં રહી જાય છે. નાનકડી મુશ્કેલી આવે તો પણ તેઓ બેબાકળાં બની જાય છે. સમસ્યાઓ સામે લડતાં તેઓ શીખ્યા જ નથી હોતાં. તેમને જાણ જ નથી હોતી કે અડચણ આવે તો શું કરવું જોઈએ? તેમને અનુભવ જ નથી મળતો હાડમારી સામે લડવાનો. એટલે જ્યારે આ બાળકો વિશ્વના મંચ પર જીવન જીવવા માટે આવે ત્યારે તેઓ ડઘાઈ જાય છે. બજારમાં આવ્યા પછી તેઓ મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાનું શીખવાની શરૂઆત કરે છે, પણ ત્યાં સુધીમાં તો તેમણે ઘણો સમય ગુમાવી દીધો હોય છે. 
સમસ્યામાં સજ્જ થઈ જાય મગજ
માણસના મગજ વિશે એક ખૂબ ઘસાઈ ગયેલું, ચવાઈ ગયેલું પણ એકદમ સચોટ વાક્ય છે, ‘માણસનું મગજ પૅરૅશૂટ જેવું છે, મુશ્કેલી આવે ત્યારે જ ખૂલે છે.’ સામે કોઈ સંકટ હોય, મુશ્કેલી હોય ત્યારે માણસની અસલ તાકાત બહાર આવે છે. ત્યારે જ નવું વિચારવાની મજબૂરી સાવ આઉટ ઑફ બૉક્સ આઇડિયાને જન્મ આપે છે. ત્યારે જ અલગ કોઈ ન ગયું હોય એ દિશામાં ડગલાં માંડવામાં આવે છે. જ્યાં સુધી સમસ્યા નથી આવતી ત્યાં સુધી મન એદીની જેમ પડ્યું રહે છે. શાર્ક માછલીની હાજરીથી અન્ય માછલીઓમાં જેમ તરવરાટ આવી જાય છે એ જ રીતે માણસ પણ સમસ્યા આવે એટલે સજ્જ થઈ જાય છે. એટલે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે એવું ન વિચારશો કે મારા કમનસીબે મુશ્કેલી આવી. ત્યારે એમ સમજવું કે આ મુશ્કેલી મને વધુ સક્ષમ બનાવવા માટે આવી છે. જો આવા પૉઝિટિવ ઍટિટ્યુડ સાથે મુશ્કેલીની સામે જશો તો એની સામે સરળતાથી લડી શકશો. મહાભારતની કુંતીએ કૃષ્ણ પાસે દુઃખ માગ્યું હતું. તેની જેમ મુશ્કેલી વગરનું જીવન નહીં, મુશ્કેલી માગો. તમને વધુ સારું જીવન મળશે.

માણસનું ટિમ્બર સમસ્યાઓ, પડકારો અને અડચણો જ બનાવે છે. જીવનમાં મુશ્કેલી આવે તો એનાથી ડરી જશો નહીં. આ મુશ્કેલી તમને સક્ષમ બનાવશે, તમને ગુરુ બનીને શીખવશે, તમને એ વજ્ર જેવા કઠણ બનાવશે જેથી તમે ભાંગી પડો નહીં. જે માણસ હાડમારીમાંથી પસાર થયો હોય તે ગમે એ પરિસ્થિતિમાં સફળ થાય છે



વાર્તા રે વાર્તા


જપાનની એક માછીમારી કંપનીનું ઉદાહરણ સમજવા જેવું છે. આ માછીમારી કંપની જે જાતની માછલીઓ પકડતી હતી એની અછત કિનારાની નજીક વર્તાવા માંડી એટલે કંપનીનાં વહાણોને સમુદ્રમાં બહુ દૂર સુધી માછીમારી કરવાની ફરજ પડી. એનું પરિણામ એ આવ્યું કે પકડાયેલી માછલીઓને કાંઠા સુધી પહોંચાડવામાં વધુ સમય લાગવાને કારણે માછલીઓ વાસી થઈ જતી હતી અને એની યોગ્ય કિંમત મળતી નહોતી. કંપનીએ આ માટે એક ઉપાય કર્યો. માછલીઓને પાણીમાંથી બહાર કાઢીને એ મરેલી માછલીઓને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનું શરૂ કર્યું. વહાણોમાં વિશાળ કોલ્ડ સ્ટોરેજ બનાવીને માછલીઓને તાજી રાખવાનું શરૂ થયું, પણ કોલ્ડ સ્ટોરેજમાં રહેલી માછલીઓનો સ્વાદ બદલાઈ જતો હતો એટલે એની માગ ઘટી ગઈ. કંપનીએ નવો ઉપાય વિચાર્યો. માછલીઓને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાને બદલે જો એમને જીવતી જ પાણીમાં રાખવામાં આવે તો એ વાસી પણ થાય નહીં અને સ્વાદ પણ જળવાઈ રહે. વહાણોમાં પાણીની વિશાળ ટાંકીઓ બનાવવામાં આવી જેમાં માછલીઓને રાખવામાં આવી. આ આઇડિયા પણ સફળ થયો નહીં, કારણ કે ટાંકીઓમાં નિષ્ક્રિય પડી રહેલી માછલીઓ સાવ શિથિલ થઈ જતી હતી એટલે એનો સ્વાદ પણ જળવાતો નહોતો. આ સમસ્યાનો હલ શોધવામાં ન આવે તો કંપની બંધ થઈ જાય એમ હતી એટલે ખૂબ મનોમંથન થયું. એક કર્મચારીએ સૂચન કર્યું કે માછલીની ટાંકીમાં એક નાનકડી શાર્ક રાખવામાં આવે. શાર્ક થોડી માછલીઓને ખાઈ જશે; પણ એની હાજરીથી ટાંકીમાંની માછલીઓ આળસુ થઈને પડી નહીં રહે, સક્રિય રહેશે એટલે તાજી રહેશે. આ ઉપાય કામ કરી ગયો.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 07:40 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK