Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વૉકમૅન અને ડિસ્કમૅન નોકિયા અને બ્લૅકબેરી

વૉકમૅન અને ડિસ્કમૅન નોકિયા અને બ્લૅકબેરી

19 September, 2021 08:34 AM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

હા, આ બધાને ખાઈ જવાનું કામ સ્ટીવ જૉબ્સે કર્યું. સ્ટીવ જૉબ્સની લાઇફ પરથી બનેલી ‘સ્ટીવ જૉબ્સ’ નામની ફિલ્મ તમે જુઓ તો તમને સમજાય કે તેમણે કરેલાં ઇન્વેન્શનમાં ઇમોશન્સ હતાં, જે તેઓ પોતાની આજુબાજુમાંથી જ મેળવતા

વૉકમૅન અને ડિસ્કમૅન નોકિયા અને બ્લૅકબેરી

વૉકમૅન અને ડિસ્કમૅન નોકિયા અને બ્લૅકબેરી


આઇફોન-થર્ટીન.
મંગળવારે લૉન્ચ થયો અને હવે એનું બુકિંગ શરૂ થવાનું છે. પ્રાઇસની વાત કરીએ તો અપ્રોક્સ પ્રાઇસ એની સવા લાખ રૂપિયા જેવી હશે. ત્રણ વેરિઅન્ટ છે એટલે નૅચરલી એ મુજબના ભાવ હશે, પણ જો તમે આઇફોન-થર્ટીનનું હાઇએન્ડ મૉડલ લેવાનું વિચારો તો એ તમને દોઢેક લાખ રૂપિયાની આસપાસ મળશે. હા, તમારી કોઈ ભૂલ નથી આ પ્રાઇસ વાંચવામાં. હું ઍપલનો ફૅન છું અને મારા જેવા લાખો આશિક આપણા દેશમાં અને કરોડો ફૅન્સ જગત આખામાં છે. આઇફોન વાપરનારો આઇફોન સિવાય બીજું કશું વાપરી નહીં શકે. ઘણાને લાગે કે સ્ટેટસ ખાતર આવું થતું હોય છે; પણ ના, એવું નથી. ઍપલની પ્રોડક્ટ યુઝ કરનારો ખરેખર એની પ્રોડક્ટની ક્વૉલિટીને કારણે જ એ વાપરતો હોય છે. ઍપલની સિક્યૉરિટીના લેવલ પર પણ બીજી કંપનીઓ આવી શકે એમ નથી. ઍપલ એમ જ ‘ધી ઍપલ’ નથી બન્યું. ઇન્ડસ્ટ્રીની મૅક્સિમમ પૅટર્ન સૌથી પહેલાં ઍપલે ઇન્ટ્રોડ્યુસ કરી છે. આંખોથી મોબાઇલનું લૉક ખૂલે એ ફીચર પણ સૌથી પહેલાં ઍપલ લાવ્યું અને એ પહેલાં જે ફિંગર લૉક હતું એ પણ ઍપલ પહેલાં લાવ્યું. ઍપલ જ સૌથી પહેલાં સ્માર્ટફોન લાવ્યું અને એ પછી સ્માર્ટફોનનાં સસ્તાં વર્ઝન આવ્યાં.
ઍપલની આપણે આટલી વાતો એટલે કરીએ છીએ કે જીવનમાં ઍપલ જેવું બનવાનું છે. તમે તમારું એક સ્તર બનાવો, એક સ્ટૅન્ડ બનાવો અને એ પછી લોકપ્રિયતા મેળવવા, પોપ્યુલર થવા માટે ઍપલની જેમ સસ્તા ન થવાની માનસિકતા કેળવી લો. બનશે કે શરૂઆતમાં તમારો ગ્રોથ ધીમો થશે, પણ જે ગ્રોથ થયો હશે એનાં રૂટ્સ ઊંડાં હશે જેને કોઈ ઉખાડી નહીં શકે.
તમે આવવાના હો એની દુનિયા રાહ જોતી હોવી જોઈએ. પૉલ્ટ્રી ફાર્મ બનવાની જરૂર નથી કે દર બીજા દિવસે બે અને ચાર એગ્ઝને જન્મ આપ્યો હોય. બટાટા પણ બનવાની જરૂર નથી કે આખું વર્ષ એ મળ્યા જ કરે અને ઊગ્યા જ કરે. ના, જરા પણ નહીં. જીવનમાં જો બનવું હોય તો ઍપલ બનવાનું, જેની રાહ જોવી પડે અને એ જ્યારે બધાની સામે આવતા હોય ત્યારે દુનિયા આખી રાહ જોઈને સ્ક્રીન સામે બેસી રહે. કોવિડના આ ટાઇમમાં પણ ઍપલની નવી પ્રોડક્ટની રાહ જોનારો એવી રીતે રાહ જુએ જાણે કે ભગવાન આવવાના હોય. 
પિન ડ્રૉપ સાઇલન્સ અને એનું કારણ છે. ઍપલ પૉલ્ટ્રી ફાર્મ નથી અને પૉલ્ટ્રી ફાર્મ બનવામાં સાર પણ નથી. જો તમે દરરોજ એક બચ્ચાને જન્મ આપતા હો તો તમારા બચ્ચાનું મૂલ્ય થાય જ નહીં. વન્સ ઇન અ વાઇલ એની જ વૅલ્યુ છે અને એનું જ મહત્ત્વ અકબંધ રહે. સંબંધો હોય તો એમાં પણ એ જ લાગુ પડે. મૂલ્ય અકબંધ રહે એ સ્તર સુધીની નિકટતાને જ સ્વીકારવાની હોય અને એ સ્તર સુધી જ સંબંધોમાં આગળ વધવાનું હોય. આજે અનેક લવસ્ટોરી એક તબક્કા પછી તૂટી જતી દેખાય છે. એવું તે શું કારણ હશે કે એક સમયે એકબીજા માટે મરવા પણ તૈયાર હોય અને એ પછી હવે એકબીજાને મારવા તૈયાર થઈ જાય. ઓવરડોઝ. ઍપલે ક્યારેય ઓવરડોઝ થવા નથી દીધો. આજે એ સ્તર પર અમુક ફોન કંપનીઓ પહોંચી ગઈ છે, ગૅજેટ્સ કંપનીઓ પહોંચી ગઈ છે કે એમણે પોતાની બ્રૅન્ડની વૅલ્યુ જ નથી રહેવા દીધી. ફીચર્સ સરખાં હોય, ક્વૉલિટી પણ વત્તા-ઓછા અંશે સમાન હોય, પ્રાઇસમાં પણ જમીન-આસમાનનો તફાવત હોય અને એ પછી પણ વૅલ્યુ નહીંવત્ હોય. પ્રાઇસ અને વૅલ્યુ આ બન્ને શબ્દોને બરાબર સમજવાની જરૂર છે.
ઍપલે પ્રાઇસ નહીં ઘટાડીને એની વૅલ્યુ અકબંધ રાખી છે. ઍપલ પાસેથી ઘણું શીખવા જેવું છે, શીખવાનું છે. જો તમે એ શીખી ગયા તો તમે પણ ઍપલની જેમ અનટચેબલ લેવલ પર પહોંચી જશો. ઍપલને આ લેવલ આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ સ્ટીવ જૉબ્સ છે. ઍપલની આ જાહોજલાલીનો બધો જશ તમારે સ્ટીવ જૉબ્સને જ આપવો પડે, આપવો જોઈએ.
ઍપલ આઇફોન જ નહીં, ઍપલની તમામ પ્રોડક્ટ્સની પાછળ સ્ટીવ જૉબ્સનું ભેજું કામ કરતું હતું. તમને ખબર ન હોય તો કહી દઉં કે સ્ટીવ જૉબ્સ સાયન્ટિસ્ટ નહોતા. તેમને ટેક્નૉલૉજીનું કોઈ જ્ઞાન નહોતું એવું કહીએ તો પણ ચાલે, કારણ કે તેમણે એ બાબતમાં કોઈ સત્તાવાર એજ્યુકેશન નહોતું લીધું અને એ પછી પણ તેમણે ઍપલની એક આખી એવી રેન્જ ઊભી કરી જેણે દુનિયામાં રેવલ્યુશન લાવી દીધું. ઍપલ એ સ્ટીવ જૉબ્સનું સપનું હતું જેને તેમણે સાકાર કરીને દેખાડ્યું.
બટનવાળા નહીં, પણ જો ટચસ્ક્રીન સાથેના ફોન હશે તો આપોઆપ સ્ક્રીન તમે મોટી કરી શકશો એવો વિચાર પણ સૌથી પહેલાં સ્ટીવ જૉબ્સને આવ્યો હતો અને તેમણે જ આ દુનિયાને ટચ-ફોન આપવાનું કામ કર્યું. આ કામ તેમણે ત્યારે કર્યું જ્યારે દુનિયા આખી વિન્ડોઝ અને બ્લૅકબેરીના મોબાઇલ પાછળ ગાંડી હતી. બ્લૅકબેરી ફોન હાથમાં હોવો એ સ્ટેટસ હતું અને લોકો એ સ્ટેટસનો પૂરો લાભ પણ લેતા હતા. મોબાઇલની જરૂર ન હોય તો પણ મોબાઇલ બહાર કાઢીને રોફ જમાવવાનું જો કોઈએ શીખવ્યું હોય તો એ બ્લૅકબેરીએ અને એની એ રીતમાં પંક્ચર પાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ઍપલના સ્ટીવ જૉબ્સે. જે સમયે એકસમાન પ્લૅટફૉર્મ સાથે ફોન ચાલતા હતા અને નોકિયાથી આગળની દુનિયા કોઈએ જોઈ નહોતી ત્યારે ઍપલે આઇફોન લૉન્ચ કરીને દુનિયાને બતાવી દીધું કે ફોન અને કમ્પ્યુટર જોડીને કઈ રીતે સ્માર્ટ ડિવાઇસ બનાવી શકાય અને એ ડિવાઇસ કેવું રેવલ્યુશનરી બની શકે છે. બધાની બોલતી બંધ થઈ ગઈ અને એ બોલતીને નવેસરથી ચાલુ કરવાના હેતુથી જ ઍન્ડ્રોઇડ પ્લૅટફૉર્મ પર સ્માર્ટફોનનો આવિષ્કાર થયો. આ આવિષ્કાર ન થયો હોત જો ઍપલે દુનિયાના એલિટ અને સેલિબ્રિટી ક્લાસને પોતાના ગજવામાં ન કરી લીધો હોત. સ્ટીવ જૉબ્સને હું સપનાંઓનો ભૂખ્યો માણસ કહેતો આવ્યો છું.
એ માણસે કેટકેટલી ચીજોનો ભોગ લીધો છે એની યાદી બનાવજો એક વાર તમે. તમને પણ અચરજ થશે. સ્ટીવ જૉબ્સ વૉકમૉન અને ડિસ્કમૅન ખાઈ ગયા છે, તેઓ પર્સનલ કૅમેરા ખાઈ ગયા. સ્ટીવ જૉબ્સ નોકિયા અને બ્લૅકબેરી જેવી કંપનીઓ હજમ કરી ગયા અને સ્ટીવ જૉબ્સ અડધું કમ્પ્યુટર જમી ગયા અને એ પછી પણ તેમની ભૂખ અકબંધ હતી. જોકે કુદરતે તેમને પહેલાં બોલાવી લીધા એટલે દુનિયાએ જરા શાંતિનો શ્વાસ લીધો. જોકે સાવ એવું નથી કે ઍપલથી કોઈએ ડરવાનું નથી. સ્ટીવ જૉબ્સ તેમના મૃત્યુ પહેલાં ઑલમોસ્ટ આઇફોનની પંદરમી એડિશન સુધીનાં ફીચર્સનું પ્લાનિંગ તેમની ટીમ સાથે કરી ચૂક્યા હતા જેને લીધે આવતાં પાંચ વર્ષ સુધી હજી પણ જગતને સ્ટીવ જૉબ્સ અને ઍપલથી ડર લાગતો રહેવાનો છે.
આવો ડર તમારા કૉમ્પિટિટરને લાગવો જોઈએ. એ ડર તો જ લાગશે જો તમે ઍપલ હશો, એકલપંડે લડવાની જીદ હશે તમારામાં અને દર બીજા દિવસે ઈંડું આપવાની માનસિકતા નહીં હોય તમારી. જો એવું રાખશો તો જ દુનિયા તમારી રાહ જોશે, તમારા આગમનને વધાવશે અને તમારા આગમન સમયે આજુબાજુની જગ્યા ખાલી કરી આપશે.

સ્ટીવ જૉબ્સ વૉકમૅન અને ડિસ્કમૅન ખાઈ ગયા છે, તેઓ પર્સનલ કૅમેરા ખાઈ ગયા. સ્ટીવ જૉબ્સ નોકિયા અને બ્લૅકબેરી જેવી કંપનીઓ હજમ કરી ગયા અને સ્ટીવ જૉબ્સ અડધું કમ્પ્યુટર જમી ગયા અને એ પછી પણ તેમની ભૂખ તો અકબંધ જ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 08:34 AM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK