° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


રજનીગંધા : એક ફૂલ દો માલી

20 November, 2021 07:00 PM IST | Mumbai | Raj Goswami

એ વખતે કદાચ કોઈને અંદાજ નહીં હોય કે તેના ચહેરાની સૌમ્યતા અને રજનીગંધાનાં ફૂલની સાધારણતા વચ્ચે દર્શકોને સામ્ય નજર આવશે

રજનીગંધા : એક ફૂલ દો માલી

રજનીગંધા : એક ફૂલ દો માલી

ફિલ્મમાં દીપાના પાત્રમાં વિદ્યા સિંહાની પસંદગી જ એટલા માટે કરવામાં આવી હતી કે તેના દેખાવમાં ગર્લ નેક્સ્ટ ડોર ટાઇપની મધ્યમવર્ગીય યુવાન છોકરીની સાદગી હતી, પરંતુ એ વખતે કદાચ કોઈને અંદાજ નહીં હોય કે તેના ચહેરાની સૌમ્યતા અને રજનીગંધાનાં ફૂલની સાધારણતા વચ્ચે દર્શકોને સામ્ય નજર આવશે

ગઈ ૧૫ નવેમ્બરે ૯૦ વર્ષની ઉંમરે અલવિદા ફરમાવી ગયેલાં હિન્દી લેખિકા મન્નુ ભંડારીનું નામ ગુજરાતી વાચકોમાં જાણીતું ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ ૧૯૭૪માં આવેલી વિદ્યા સિંહા-અમોલ પાલેકરની ફિલ્મ ‘રજનીગંધા’ તો કદાચ બધાએ જોઈ હશે. હિન્દી સિનેમા જગતમાં મિડલ-ઑફ-ધ-રોડ ફિલ્મોની પરંપરાના જનક બાસુ ચૅટરજીની આ ફિલ્મ મહેન્દ્ર કુમારી ઉર્ફે મન્નુ ભંડારીની ૧૯૬૬માં પ્રકાશિત થયલી કહાની ‘યહી સચ હૈ’ પરથી બનાવવામાં આવી હતી. 
૧૯૬૬ના સમાજની સરખામણીમાં બોલ્ડ કહેવાય એવી આ કહાની હતી. મન્નુ ભંડારીએ ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને માનસિક, શારીરિક અને સામાજિક રીતે આઝાદ થયેલી એક સ્ત્રી બે પુરુષોના પ્રેમમાં ડૂબેલી હોય અને એના કારણે કેવા આંતરિક સંઘર્ષમાંથી પસાર થવાનું આવે એવા વિષય પર ‘યહી સચ હૈ’ કહાની લખી હતી. 
હિન્દી ફિલ્મોમાં એક છોકરીને બે છોકરા પ્રેમ કરતા હોય એવી વાર્તાઓની નવાઈ નથી, પણ એ જમાનામાં ‘રજનીગંધા’ પહેલી ફિલ્મ હતી જેમાં એક છોકરી બે છોકરાઓને ચાહે છે. આ ફરક મહત્ત્વનો છે. ‘એક ફૂલ દો માલી’ ટાઇપની ફિલ્મોમાં છોકરી તો બેચારી અને બેબસ હોય છે, તેની પાસે પસંદગીનો અવકાશ નથી હોતો. ‘રજનીગંધા’ છોકરીના દૃષ્ટિકોણ અને સંવેદનાથી બનેલી ફિલ્મ હતી. ફિલ્મમાં નાયિકા જાતને પૂછે છે પણ ખરી, ‘ક્યા હમ એક હી વક્ત મેં દો લોગોં કો નહીં ચાહ સકતે?’
બાસુ ભટ્ટાચાર્યની રાજ કપૂર-વહીદા રહેમાન અભિનીત ‘તીસરી કસમ’ ફિલ્મના નિર્દેશનમાં સહાયક રહી ચૂકેલા બાસુ ચૅટરજીએ ૧૯૬૯માં ‘સારા આકાશ’ ફિલ્મથી સ્વતંત્ર નિર્દેશક તરીકે સિનેમામાં ઝંપલાવ્યું હતું. આ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. બાસુદા સાહિત્યના પ્રેમી હતા. ‘સારા આકાશ’ તેમણે હિન્દી સાહિત્યના દિગ્ગજ લેખક રાજેન્દ્ર યાદવની એ જ નામની નવલકથા પરથી બનાવી હતી. એ નવલકથા પણ યાદવજીને પહેલી જ કૃતિ હતી.
‘સારા આકાશ’ની સફળતા પછી બાસુદા સારી વાર્તાની તલાશમાં હતા. તેમણે અમુક બંગલા-હિન્દી વાર્તાઓ વાંચી હતી. એવામાં તેમને મન્નુ ભંડારીની ‘યહી સચ હૈ’ વાર્તા વાંચવામાં આવી. મન્નુ ભંડારી પાછાં રાજેન્દ્ર યાદવનાં પત્ની થાય. એટલે તેમને તેમની આ વાર્તામાં પણ ‘સારા આકાશ’ જેવાં જ શુકન દેખાયાં.
‘યહી સચ હૈ’ ડાયરી સ્વરૂપે લખવામાં આવી હતી જેમાં કાનપુરમાં રહેતી દીપા તેને છોડીને કલકત્તા જતા રહેલા અતીતના પ્રેમી નિશીથ અને વર્તમાનના પ્રેમી સંજય વચ્ચેના ભાવનાત્મક દ્વંદ્વને લખે છે. બાસુદા આ કહાનીને મુંબઈ-દિલ્હી લઈ આવ્યા. ફિલ્મમાં દીપા (વિદ્યા સિંહા) દિલ્હીની ગ્રૅજ્યુએટ છે અને સંજય (અમોલ પાલેકર) સાથે લગ્ન કરવાની યોજના બનાવે છે.
સંજય ગપ્પીદાસ, હસમુખ, ભુલકણો પણ ઉમદા ઇન્સાન છે. દીપાને મુંબઈથી નોકરી માટે ઇન્ટરવ્યુ-કૉલ આવે છે. મુંબઈમાં તેને તેનો અતીતનો પ્રેમી નવીન (દિનેશ ઠાકુર) ભટકાય છે. નવીન સંજયથી સાવ વિપરીત છે. એ સમયની શિસ્તવાળો છે અને દીપાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. એમાં દીપાની લાગણીઓ પાછી જાગૃત થાય છે.  
ઇન્ટરવ્યુ આપીને તે દિલ્હી પાછી જાય છે. ત્યાં તેને દ્વિધા થાય છે, નવીન કે સંજય? તેને મુંબઈથી પત્ર મળે છે કે તેને નોકરીમાં સિલેક્ટ કરવામાં આવી છે. એ જ વખતે સંજય તેને સમાચાર આપે છે કે તેને પ્રમોશન મળ્યું છે. દીપાને હવે એવું લાગે છે કે તેણે તેના ભૂતકાળને ભૂલીને વર્તમાનને સ્વીકારી લેવો જોઈએ અને મુંબઈ જવાને બદલે સંજય સાથે લગ્ન કરીને દિલ્હીમાં જ રહેવું જોઈએ. 
કાનપુર આવીને દીપા નિશીથને એક પત્ર લખે છે અને તેના જવાબની રાહ જુએ છે. એના બદલે ચાર લીટીમાં નિશીથ તેને અભિનંદન આપે છે કે તેને નોકરી મળી ગઈ છે. એ જ વખતે સંજય આવે છે. મન્નુ ભંડારી કહાનીમાં લખે છે, ‘અને દરવાજો ખોલીને રજનીગંધાનાં બહુ બધાં ફૂલો સાથે હસતો-હસતો સંજય પ્રવેશ કરે છે. એક ક્ષણ તે અવાક બનીને તેને જુએ છે અને પછી દોડીને તેને આલિંગનમાં ભરી લે છે. બન્ને આલિંગનબદ્ધ અને દીપાને લાગે છે કે આ સ્પર્શ, આ ક્ષણ, આ સુખ જ સાચું છે; બાકી બધો ભરમ હતો.’
બાસુ ચૅટરજીએ એટલા માટે જ ફિલ્મનું નામ ‘રજનીગંધા’ રાખ્યું હતું. મન્નુ ભંડારી એક જગ્યાએ લખે છે, ‘મને પણ આ નામ વધુ આકર્ષક જ નહીં, વધુ સટીક પણ લાગ્યું.’ આ ફિલ્મમાં દીપાના પાત્રમાં વિદ્યા સિંહા (અને અમોલ પાલેકરની) પસંદગી જ એટલા માટે કરવામાં આવી હતી કે તેના દેખાવમાં મધ્યમવર્ગીય યુવાન છોકરીની સાદગી હતી, પરંતુ તેમને કદાચ એ વખતે અંદાજ નહીં હોય કે તેના ચહેરાની સૌમ્યતા અને રજનીગંધાનાં ફૂલની સાધારણતા વચ્ચે દર્શકોને સામ્ય નજર આવશે. 
વિદ્યા સિંહા અને અમોલ પાલેકર બન્નેની આ ડેબ્યુ ફિલ્મ. વિદ્યાના પિતા રાણા પ્રતાપ સિંહાએ ૧૯૪૮માં દેવ આનંદ અને સુરૈયાની ફિલ્મ ‘વિદ્યા’નું નિર્માણ કર્યું હતું. એ ટાઇટલ પરથી જ દીકરીનું નામ વિદ્યા પાડ્યું હતું. વિદ્યાના દાદા મોહન સિંહાએ ૩૨ ફિલ્મો બનાવી હતી. મધુબાલાનું નામકરણ પણ તેમણે જ કર્યું હતું. 
વિદ્યા ઍક્ટ્રેસ બને એમાં પિતા અને દાદા બન્નેની અનિચ્છા હતી. ૧૯ વર્ષની ઉંમરે તો તે પાડોશી તામિલિયનને પરણી ગઈ હતી. એમાં ‘રજનીગંધા’ અકસ્માતે મળી. ૧૯૬૮માં મિસ બૉમ્બે બની હતી. તે ખટાઉ, કોલગેટ, લિપ્ટન ચા જેવી જાહેરખબરોમાં કામ કરતી હતી. બાસુ ચૅટરજીએ તેને એક જાહેરખબરમાં 
જોઈ હતી. પરિવારની ઇચ્છા નહોતી, પણ ‘આ એક જ ફિલ્મ કરીશ, બીજી નહીં કરું’ એવું કહીને વિદ્યાએ પરવાનગી મેળવી હતી. 
અમોલ પાલેકર ત્યારે મરાઠી ફિલ્મો અને નાટકોમાં કામ કરતો હતો. એ ફિલ્મ સોસાયટીનો સભ્ય’ હતો જ્યાં વિદેશી ફિલ્મો જોવા મળતી હતી. બાસુદા પણ એના સભ્ય હતા. ‘સારા આકાશ’ પછી બાસુદાએ રાજેશ્રી પ્રોડક્શનવાળા તારાચંદ બડજાત્યા માટે ‘પિયા કા ઘર’ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. જયા ભાદુરી અને અનિલ ધવનની આ ફિલ્મમાં ગામડેથી પરણીને મુંબઈ શહેરમાં આવતી વધૂ કેવી રીતે ચાલની અંદર સંસાર માંડે છે એની હળવીફૂલ કહાની હતી. આ ફિલ્મમાં કિશોરકુમારનું ‘યે જીવન હૈ, ઇસ જીવન કા, યહી હૈ રંગરૂપ’ ગીત અત્યંત લોકપ્રિય થયું હતું. 
બાસુદાએ આ ફિલ્મની ઑફર પાલેકરને કરી હતી. તેમણે કહ્યું કે તું જઈને બડજાત્યાને મળી આવ. અમોલ પાલેકર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેં ધડ દઈને ના પાડી દીધી. તમે મને હીરો તરીકે પસંદ કર્યો હોય તો તમારે મને તેમની પાસે લઈ જવો જોઈએ. મારે ત્યાં જઈને લાઇનમાં નથી બેસવું.’
એમાં એ ફિલ્મ હાથમાંથી ગઈ. પાલેકરને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે બાસુદાએ ‘રજનીગંધા’ની ઑફર કરી. તેને એમ કે બાસુદાને ‘પિયા કા ઘર’ વખતની નારાજગી હશે. ‘તેમણે મને ત્રણ લાઇનમાં ફિલ્મની વાર્તા કહી,’ પાલેકર કહે છે, ‘અને પછી મને વાર્તા પકડાવીને કહ્યું કે ઇસે પઢ લો. એ હિન્દી લેખિકા મન્નુ ભંડારીની કહાની ‘યહી સચ હૈ’ હતી. દોઢ પાનાની કહાની હતી. મેં ફટાફટ વાંચી કાઢી અને બોલ્યો, સરસ છે, પણ તમે દોઢ પાનાની કહાની પરથી અઢી કલાકની ફિલ્મ કેવી રીતે બનાવશો? આમાં તો કોઈ ડ્રામા નથી, ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન પણ નથી. એ હસ્યા અને ડાયલૉગ સાથેનો આખો સ્ક્રીનપ્લે મને આપ્યો. તેમની સાથેની તમામ ફિલ્મોમાં આવી જ રીતે બધું તૈયાર રહેતું.’
આવો જ સંદેહ મન્નુ ભંડારીને પણ હતો કે એક મધ્યમવર્ગીય છોકરીના મનમાં ચાલતી ગડમથલ પરથી ફિલ્મ કેવી રીતે બને? બાસુદાએ કહેલું કે એ તમે મારા પર છોડી દો, મને ખાલી તમારી પરવાનગી જોઈએ છે. ફિલ્મ પૂરી થઈ અને મન્નુએ એને પડદા પર જોવાની ઇચ્છા વ્યક્ત કરી તો ખબર પડી કે ફિલ્મને લેવા માટે કોઈ ડિસ્ટ્રિબ્યુટર તૈયાર નથી.
તેમણે છ મહિના સુધી રાહ જોઈ. પછી તો વાતેય ભૂલી ગયાં હતાં! મન્નુને અફસોસ પણ થયો કે બાસુદાએ એકાદ જાણીતા અભિનેતાને લીધો હોત તો કોઈક ખરીદાર મળી ગયો હોત. વરસેક થયું અને બાસુ ચૅટરજીએ ઉત્સાહથી મન્નુને ખબર આપ્યા કે ફિલ્મને તારાચંદ બડજાત્યાએ ખરીદી લીધી છે. ફિલ્મ રિલીઝ થઈ અને એવી કમાલ થઈ કે સિલ્વર જ્યુબિલી મનાવી. આજની પેઢીને ખબર નહીં હોય પણ એક ફિલ્મ એક જ શહેરમાં ૨૫ સપ્તાહ સુધી ચાલે એને સિલ્વર જ્યુબિલી હિટ ફિલ્મ કહેવાય. 
ફિલ્મને અવૉર્ડ પણ મળ્યા અને દર્શકોનો પ્રેમ પણ. બજારમાં રજનીગંધા સાડી, રજનીગંધા પાન-મસાલા જેવી કેટલીય ચીજો નીકળી પડી. ખલનાયકી વગરની નિર્ભેળ પ્યારની એ ફિલ્મ હતી. ફિલ્મની નિર્દોષતા અને સહજતા એનાં જમા પાસાં હતાં. જાણે સાચે જ કોઈ ફૂલની કહાની હોય એવી નાજુકાઈ એમાં હતી.
સલીલ ચૌધરીના સંગીત અને મુકેશ તેમ જ લતા મંગેશકરના અવાજમાં માત્ર બે જ ગીતો હતાં, પણ અત્યંત મધુર હતાં. ‘આનંદ’ ફિલ્મથી મશહૂર થયેલા યોગેશે પણ ફિલ્મના હીરોની કશ્મકશને સરળ અને સરસ રીતે વ્યક્ત કરી હતી:
કઈ બાર યૂં ભી દેખા હૈ, 
યે જો મન કી સીમા રેખા હૈ
મન તોડને લગતા હૈ, 
અનજાની પ્યાસ કે પીછે
અનજાની આસ કે પીછે, 
મન દૌડને લગતા હૈ
એક જુદા પ્રકારની કશ્મકશ નાયિકામાં હતી, પણ તેને જ્યારે સ્પષ્ટતા થઈ જાય છે ત્યારે તે કહે છે;
અધિકાર યે જબ સે સાજન કા હર ધડકન પર માના મૈંને 
મૈં જબસે ઉનકે સાથ બંધી, 
યે ભેદ તભી જાના મૈંને
કિતના સુખ હૈ બંધન મેં
રજનીગંધા ફૂલ તુમ્હારે, 
મહેંકે યૂંહી જીવન મેં

મન્નુ ભંડારી સાથે અલપઝલપ...

‘બાસુદા મારી સામે આ કહાની પરથી ફિલ્મ બનાવાનો પ્રસ્તાવ મૂક્યો તો મને આશ્ચર્ય થયું હતું. મારી ઇચ્છા તો હતી કે મારી કોઈ કહાની પરથી ફિલ્મ બને, પણ ‘યહી સચ હૈ’ની વાત આવી તો મને અનેક સવાલ થયા. એ સાચું કે કહાની છપાયા પછી મને બહુ પ્રશંસા મળી હતી, પણ એના ફિલ્માંકનને લઈને મને સંદેહ હતો. કારણ એની થીમ હતી. આ કહાની એક છોકરીના માનસિક દ્વંદ્વની ડાયરીરૂપે હતી. આપણી એકદમ અંગત વાતોને આપણે ડાયરીમાં લખીએ છીએ અને પાછું દ્વંદ્વ પણ એવું હતું કે એક છોકરી માત્ર ડાયરીમાં જ લખી શકે. જ્યારે કહાની લખી ત્યારે ક્યારેય કલ્પના કરી નહોતી કે એની ફિલ્મ બનશે. કહાની સાહિત્ય જગત સુધી જ સીમિત હતી, આજે એ જનતા વચ્ચે છે એનું શ્રેય માત્ર ફિલ્મ ‘રજનીગંધા’ને જાય છે.’

20 November, 2021 07:00 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

એક ગુનેગાર હોય છે

ઘણી વખત સુખ આપણી સામે જ હોય છતાં એને ઓળખવામાં આપણે થાપ ખાઈ જઈએ. અનેક ઉતાર-ચડાવ અને અવરોધો વચ્ચે એક એવો સંબંધ હોવો જોઈએ જે આપણને જીવવા પ્રેરે

28 November, 2021 02:06 IST | Mumbai | Hiten Anandpara

હું ઈશ્વરનો મહેમાન અને ઈશ્વર મારા યજમાન

ઈશ્વરના આ આવાસમાં આપણે ટૂંકી મુદત માટે કોઈક કામે આવ્યા છીએ. આ કામ શું છે એ માણસ પોતે જ જો સમજી લે તો તે ભારે સુખી થાય છે. દુર્ભાગ્યે માણસ છેલ્લા શ્વાસ સુધી પોતાનું કામ સમજી શકતો નથી અને પરિણામે કેટલાંક કામોમાં હવાતિયાં મારે છે

28 November, 2021 02:05 IST | Mumbai | Dr. Dinkar Joshi

સબ અપની અપની મહેફિલોં મેં ગુમ થે, ઔર મૈં અપને ચાહનેવાલોં મેં બિખર ગયા

સૌના હૃદયમાં સ્થાન પામવું એ કાંઈ નાનીસૂની વાત નથી. બહુ ઓછા લોકો આ સિદ્ધિ મેળવી શકે. એ બદલ મારા ચાહકોનો હું જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. આજીવન હું તેમનો ઋણી રહીશ.

28 November, 2021 02:01 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK