Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વેદાંતા-ફૉક્સકૉન : ઉદ્ધવ સેનાને ભાવતું હતું અને કેન્દ્રએ પીરસ્યું

વેદાંતા-ફૉક્સકૉન : ઉદ્ધવ સેનાને ભાવતું હતું અને કેન્દ્રએ પીરસ્યું

25 September, 2022 01:27 PM IST | Mumbai
Raj Goswami

આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતમાં પગપેસારો કરી રહી છે એ જોતાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ માટે એની એક પણ બેઠક ઓછી થાય એ નાલેશી જેવું છે, એવામાં એક લાખ ગુજરાતી યુવાનોને નોકરી આપે એવો આવડો મોટો પ્રોજેક્ટ ગુજરાત માટે લૉટરી જ છે

પ્રતીકાત્મક તસવીર

ક્રૉસલાઇન

પ્રતીકાત્મક તસવીર


‘સામના’માં એક તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો એનું કારણ બહુ સીધું છે - એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા બદલ ભાજપે ફેવર માગી હતી અને એ પ્રમાણે જ થયું.

૧.૫૪ કરોડ રૂપિયાનો વેદાંતા-ફૉક્સકૉન સેમીકન્ડક્ટર પ્રોજેક્ટ હવે મહારાષ્ટ્રને બદલે પાડોશી ગુજરાતમાં ઉત્પાદન કરશે. હાલના ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ૨૦૧૫માં સરકાર હતી ત્યારે આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાં સ્થાપવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ પ્રોજેક્ટથી રાજ્યમાં એક લાખ રોજગાર ઊભા થવાના હતા. હવે એ અવસર ગુજરાતને મળશે.



ગયા મંગળવારે ૧૩ સપ્ટેમ્બરે વેદાંતા રિસોર્સિસના સ્થાપક ચૅરમૅન અનિલ અગ્રવાલે જાહેરાત કરી કે ઇલેક્ટ્રૉનિક મૅન્યુફૅક્ચરિંગના માંધાતા ફૉક્સકૉન સાથે મળીને તેમણે ગુજરાતમાં સેમીકન્ડક્ટરનો પ્લાન્ટ નાખવા માટે ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગના કરાર કર્યા છે. કરાર વખતે રેલવે, વાણિજ્ય, ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન અશ્વિન વૈષ્ણવ ઉપસ્થિત હતા. અગ્રવાલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં બે વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થશે. એનાથી દેશની ઇલેક્ટ્રૉનિક્સ આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણા લોકોને એક લાખથી વધુ નોકરીઓ મળશે.’ 


વેન્દાંતાએ ભારતમાં સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવા માટે ફૉક્સકૉન સાથે ૬૦:૪૦ની ભાગીદારી કરી છે. મોટરકારથી લઈને મોબાઇલ ફોન સુધીની ડિજિટલ પ્રોડક્ટ્સમાં સેમીકન્ડક્ટર્સ અથવા માઇક્રોચિપ્સ અગત્યનો પાર્ટ છે. કંપની ઘણા મહિનાઓથી મહારાષ્ટ્ર સરકાર સાથે મંત્રણાઓ ચલાવી રહી હતી અને અચાનક એણે ગુજરાત સરકાર સાથે કરાર કર્યા એનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી આવી છે. 

આ વિવાદ ત્યારે જ ઊભો થયો છે જ્યારે શિંદે-ફડણવીસની ટીમ મુંબઈ સુધરાઈની અગામી ચૂંટણીમાં ઉદ્ધવ સેનાને પછાડવા માટે કમર કસી રહી છે. શિવસેનામાંથી બળવો કરીને તાબડતોબ ઊભી થયેલી તેમની સરકાર માટે સુધરાઈ બહુ અગત્યની છે, જેનું વાર્ષિક બજેટ ૨૭,૮૧૧ કરોડ રૂપિયાનું છે, જે દેશનાં નાનાં રાજ્યો જેટલું છે. સુધરાઈ અત્યારે ઉદ્ધવ સેના પાસે છે અને અસલી સેના (અને અસલી તાકાત) કોની પાસે છે એ સાબિત કરવા માટે સુધરાઈમાં ફરીથી એનો ઝંડો ફરકાવવો અગત્યનો છે. સુધરાઈની ચૂંટણીના પરિણામનો રાજ્ય વિધાનસભાની ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી પર મોટો પ્રભાવ પડશે. 


અપેક્ષિત રીતે જ વેદાંતા-ફૉક્સકૉન ‘ફિયાસ્કો’ને ઉદ્ધવ સેનાએ પકડી લીધો છે અને એને મહારાષ્ટ્રવિરોધી નિર્ણય ગણાવ્યો છે. એના યુવા નેતા અને ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ આ વિવાદની આગેવાની લીધી છે. તેમણે શિંદે-ફડણવીસ પર આરોપ મૂક્યો છે કે કેન્દ્રમાં ભાજપની સરકારના ઇશારે કામ કરતી મહારાષ્ટ્ર સરકારે પાડોશી ગુજરાતના હિતમાં આ પ્રોજેક્ટને હાથમાંથી જવા દીધો છે. મને ખુશી છે કે આ પ્રોજેક્ટ ભારતમાં જ છે, પણ જે પ્રોજેક્ટ નક્કી થઈ ગયો હતો એ જતો રહ્યો એ આઘાતજનક છે અને નવી સરકાર રાજ્યના વિકાસ માટે કેટલી ગંભીર છે એ આ બતાવે છે એમ કહીને આદિત્યએ દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવે એ માટે તેમણે જાતે મહેનત કરી હતી અને મહાવિકાસ આઘાડીની સરકારે લગભગ એને નક્કી કરી નાખ્યો હતો. 

એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાને લઈને કંપનીએ રાજકીય રીતે વધુ સ્થિર ગુજરાતમાં આ પ્લાન્ટને લઈ જવાનું નક્કી કર્યું છે. એવું હોય તો શિંદે સરકાર માટે એ સારા સમાચાર નથી. મહારાષ્ટ્રમાં જ્યારે સરકારના નામે માત્ર શિંદે અને ફડણવીસની જ કૅબિનેટ હતી ત્યારે જુલાઈમાં કંપનીએ એના પ્રોજેક્ટની સલામતી માટે કેન્દ્ર સરકારનું અલાઇનમેન્ટ અને કૅબિનેટની મંજૂરી માગી હતી. એ પછી મુખ્ય પ્રધાન શિંદેએ વેદાંતના ચૅરમૅનને એક પત્રમાં કહ્યું હતું કે ‘રાજ્ય પાસે (તમારી) બે મહત્ત્વની વિનંતીઓ કેન્દ્ર સરકારનું અલાઇનમેન્ટ અને કૅબિનેટની મંજૂરીની છે. તમને જણાવતાં આનંદ થાય છે કે બંને દિશામાં કામ આગળ વધી રહ્યું છે.’

જોકે એ પહેલાં કંપનીએ ‘વ્યાવસાયિક અને સ્વતંત્ર સલાહ’ને અનુસરીને ગુજરાત સાથે કરાર કરવાનું મુનાસિબ માન્યું હતું. ચૅરમૅન અગ્રવાલે કહ્યું હતું કે ‘અમારી અપેક્ષાઓ પૂરી થતી હોવાથી અમે મહિનાઓ પહેલાં ગુજરાત જવાનું નક્કી કર્યું હતું.’ દેખીતી રીતે જ ગુજરાત સરકારે કંપનીને મહારાષ્ટ્રની સરખામણીમાં બહેતર ઑફર કરી હોવી જોઈએ. 

એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે ત્રણ મહિના પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આમ આદમી પાર્ટી જે રીતે રાજ્યમાં પગપેસારો કરી રહી છે એ જોતાં ભાજપ માટે એની એક પણ બેઠક ઓછી થાય એ નાલેશી જેવું છે. દેખીતી રીતે જ કેન્દ્ર સરકાર ગુજરાતમાં એની બેઠકો વધારવા માટે તમામ પ્રયાસો કરશે. એવામાં વિકાસના એના નારાને સાબિત કરે એવો એક લાખ ગુજરાતી યુવાનોને નોકરીઓ આપે એવો આવડો મોટો પ્રોજેક્ટ ગુજરાત માટે લૉટરી જ છે. ઇન ફૅક્ટ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતમાં આ પ્રોજેક્ટ શરૂ થાય છે એની ખુશી વ્યક્ત કરી છે.

ઉદ્ધવ સેનાનો આરોપ છે કે શિંદે સરકાર કેન્દ્રની મોદી સરકાર સામે ઝૂકી ગઈ છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં એક તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો એનું કારણ બહુ સીધું છે - એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા બદલ ભાજપે તેમની પાસેથી એક ફેવર માગી હતી અને એ પ્રમાણે જ થયું. સામનાએ એમાં લખ્યું હતું કે ‘આ આરોપ નથી, પણ અમને ખાતરી છે. જે રીતે ફડણવીસે ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ હબને મુંબઈમાંથી ગુજરાત જવા દીધું, એકનાથ શિંદેએ ફૉક્સકૉન-વેદાંતા ગુજરાત જવા દીધું.’

આમાં એમએનએસના રાજ ઠાકરે પણ જોડાયા છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો છે કે લાખો રૂપિયાનો આ પ્રોજેક્ટ ગુજરાત જતો રહ્યો એમાં શું કંપની પાસે પૈસા માગવામાં આવ્યા હતા? આ વાતની તપાસ થવી જોઈએ. ઉદ્ધવ અને રાજ બંને મરાઠી માણૂસના નારા પર તેમની રાજનીતિ કરતા આવ્યા છે એટલે દેખીતી રીતે જ આમાં મહારાષ્ટ્ર વિરુદ્ધ ગુજરાતના જૂના જખમ તાજા થાય એમ છે. 

ડેપ્યુટી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બચાવની ભૂમિકામાં આવી ગયા છે. તેમણે વળતો ઘા મારીને કહ્યું છે કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં રહે એ માટે મહાવિકાસ આઘાડીની સરકારે ગંભીરતા બતાવી નહોતી અને પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો તો તેઓ એવી બૂમો પાડે છે કે જાણે ગુજરાત પાકિસ્તાનમાં હોય. દરમિયાનમાં, રાજ્ય સરકારને પણ અંદાજ છે કે ઉદ્ધવ સેના આને મુદ્દો બનાવશે. આ વેદાંતા-ફૉક્સકૉન પ્રોજેક્ટની ભરપાઈ માટે તેઓ ૩.૫૦ લાખ કરોડના રત્નાગિરિ રિફાઇનરી પ્રોજેક્ટને ધક્કો મારે અને કેન્દ્ર સરકાર એમાં સહયોગ કરે એમ મનાય છે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો એનાથી ઔદ્યોગિક રોકાણમાં મહારાષ્ટ્રની ‘સૌથી પસંદગીના’ રાજ્યની છબિને પણ ધક્કો લાગ્યો છે. પરંપરાગત રીતે મહારાષ્ટ્ર બિઝનેસ અને ઉદ્યોગો સ્થાપવામાં મોખરે રહ્યું છે, પરંતુ ૨૦૨૧ના રિઝર્વ બૅન્કના ડેટા અનુસાર દેશના મૅન્યુફૅક્ચરિંગ હબ તરીકે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે. સીએનબીસીના રિપોર્ટ પ્રમાણે મૅન્યુફૅક્ચરિંગમાં નાણાકીય વર્ષ ૧૨થી ૨૦ વચ્ચે ગુજરાતનું ગ્રોસ વૅલ્યુ ઍડિશન વાર્ષિક ૧૫.૯ ટકાના દરે વધ્યું છે, જ્યારે એ જ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રનો દર ૭.૫ ટકા રહ્યો હતો. 

બિઝનેસનાં રોકાણો માટે રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે એ સરવાળે દેશ માટે સારું જ છે, પરંતુ કેન્દ્ર સરકાર રાજ્યો સાથે જો સંતુલિત અને તંદુરસ્ત વ્યવહાર ન કરે તો કેન્દ્ર-રાજ્યો વચ્ચેના સંબંધો વરવા સાબિત થાય એમ છે. દેશમાં ઑલરેડી વિપક્ષોની રાજ્ય સરકારો સાથે કેન્દ્રના અન્યાયી વ્યવહારની ફરિયાદો ઊઠી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એવું બહુ જોવા મળ્યું હતું. 

આ નવા વિવાદમાં જોખમ એ છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના તંગ સંબંધો ૫૦ વર્ષ જૂના છે, જ્યારે ભાષાના આધારે બે રાજ્યો અલગ પડ્યાં હતાં અને મુંબઈને લઈને બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારથી ગુજરાત અને અમદાવાદ ઘણા બિઝનેસ આકર્ષિત કરી રહ્યું છે. વેદાંત-ફૉક્સકૉનનો પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો એમાં એવી છાપ મજબૂત થવાની સંભવાના છે કે મોદી સરકાર ગુજરાતને વધુ મહત્ત્વ આપે છે. ગુજરાતી-મરાઠીઓના સંબંધો માટે આવી છાપ જોખમી છે.

ગુજરાતીમાં કહેવત છે - ભાવતું હતું અને વૈદ્યે કહ્યું. મહારાષ્ટ્રમાં જૂન મહિનામાં સત્તામાંથી બહાર ફેંકી દેવાયેલી ઉદ્ધવ સેનાને શિંદે સેના પર વાર કરવા માટે કશુંક જોઈતું હતું અને કેન્દ્રની ભાજપની સરકારે એને તલવાર જ પકડાવી દીધી.

લાસ્ટ લાઇન : તમે જો કેન્દ્ર સરકારને સહરાના રણનો કારભાર સોંપો તો પાંચ વર્ષમાં રેતીની અછત સર્જાય. - મિલ્ટન ફ્રાઇડમૅન, અમેરિકન અર્થશાસ્ત્રી

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2022 01:27 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK