Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્માર્ટ કિચન હવે દૂર નથી

સ્માર્ટ કિચન હવે દૂર નથી

08 November, 2022 11:50 AM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ વિભાગે રજૂ કરેલા અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં ૨.૭ ટકા તેમ જ શહેરોમાં ૧૦.૩ ટકા ગૃહિણીઓ વીજળી સંચાલિત ઉપકરણોનો ઉપયોગ કરવા લાગી છે. બદલાતા આ ટ્રેન્ડ વિશે મહિલાઓ સાથે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


રાંધણ ગૅસમાં સતત ભાવવધારાના કારણે ભારતમાં પણ ઈ-સ્ટવ નું ચલણ વધ્યું છે. ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ વિભાગે રજૂ કરેલા અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં ૨.૭ ટકા તેમ જ શહેરોમાં ૧૦.૩ ટકા ગૃહિણીઓ વીજળી સંચાલિત ઉપકરણોનો ઉપયોગ કરવા લાગી છે. બદલાતા આ ટ્રેન્ડ વિશે મહિલાઓ સાથે વાત કરીએ

પ્રદૂષણ ઘટાડવાના ભારતના પ્રયાસમાં સ્માર્ટ કિચન મૉડલ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. મેટ્રો સિટીમાં ઈ-ઉપકરણોનો વપરાશ વધશે તો ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં રાંધણ ગૅસની માગને પહોંચી વળવામાં સરકારની મદદ થશે. 



તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ ભારતના મેટ્રો સિટીમાં રસોઈ બનાવવા માટે વીજળી સંચાલિત ઉપકરણોનો વપરાશ વધ્યો છે. કાઉન્સિલ ઑન એનર્જી, એન્વાયરન્મેન્ટ ઍન્ડ વૉટર (CEEW) ના અહેવાલમાં આ હકીકત સામે આવી છે. મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, કલકત્તા જેવાં મહાનગરો તેમ જ કેરળ, તમિલનાડુ અને તેલંગણા રાજ્યમાં ગૃહિણીઓ રાંધણ ગૅસની જગ્યાએ માઇક્રોવેવ, રાઇસ કુકર, ઇન્ડક્શન કુકટૉપ્સ, અવન જેવાં ઈ-ઉપકરણો વાપરવાનું વધુ પસંદ કરી રહી છે. ઊર્જા, પર્યાવરણ અને જળ પરિષદ વિભાગે રજૂ કરેલા આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારમાં ૨.૭ ટકા તેમ જ શહેરી વિસ્તારમાં ૧૦.૩ ટકા ઘરોમાં ઈ-ઉપકરણો જોવા મળે છે. દિલ્હી અને તામિલનાડુમાં ૧૭ ટકા ગૃહિણીઓની પહેલી પસંદ ઇલેક્ટ્રિક ગૅસ છે. ઈ-ઉપકરણો તરફ ગૃહિણીઓનો ઝુકાવ વધ્યો હોવાનાં અનેક કારણોમાં રાંધણ ગૅસમાં ભાવવધારો મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું છે. રાંધણ ગૅસના વર્તમાન ભાવ કરતાં વીજળી સસ્તી પડે છે એ વાતમાં કેટલો દમ છે તેમ જ રોજિંદા જીવનમાં મહિલાઓ કેવાં ઉપકરણો વાપરે છે એ જોઈએ. 


વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ

અત્યારના જમાનામાં ઊર્જા એ વિકાસનો પર્યાય છે. અગાઉના સમયમાં રાંધવા માટેના સાધનો ઓછાં હતાં તેથી રસોડામાં વીજળીનો ઉપયોગ નહીંવત હતો. ઇન્ડક્શન, ઇ-સ્ટવ જેવા સાધનો હવે સામાન્ય થઈ ગયાં છે. પૅન્ડેમિક બાદ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે એવામાં કૉસ્ટ-કટિંગ વિશે વિચારવાનો સમય પાકી ગયો છે. દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં રહેતાં દીપ્તિ દેઢિયા ઉપરોક્ત રિપોર્ટ સંદર્ભે વાત કરતાં જણાવે છે, ‘આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો માહોલ અને ફુગાવાને કારણે આજની પરિસ્થિતિમાં હસબન્ડ-વાઇફ બન્નેએ કમાવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. લૉન્ગ વર્કિંગ અવર્સ અને મુંબઈની હેક્ટિક લાઇફમાં વર્કિંવ વિમેન માટે ઝટપટ રસોઈ બની જાય એવા વિકલ્પો શોધવા સિવાય છૂટકો નથી. એટલે જ આપણા રસોડામાં ઈ-સ્ટવ કૉમન થતાં જાય છે. ઈ-ઉપકરણો વાપરવામાં સરળ, સલામત અને સહેલાઈથી સાફ કરી શકાય એવાં હોવાથી મહિલાઓનો ઝુકાવ વધ્યો છે. રાંધણ ગૅસમાં જે રીતે ભાવવધારો થઈ રહ્યો છે એ જોતાં વીજળી સંચાલિત સાધનો સસ્તાં પડે છે એવો સર્વે પણ સો ટકા સાચો છે. ઘણી મહિલાઓને ઈ-સ્ટવ ખરીદવાં થોડાં મોંઘાં લાગે છે, પરંતુ આ વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. સમયની બચત સાથે કિચનનું બજેટ જળવાઈ રહેતાં લાંબા ગાળે ફાયદેમંદ સાબિત થાય છે. અનેક વાનગીઓ બનાવવા માટે હું ઇન્ડક્શન વાપરવાનું પસંદ કરું છું.’


સિલેક્ટેડ ઉપકરણો

હર્ષા શાહ

વીજળીથી ચાલતાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એ વાત સાચી. જોકે આપણા દેશમાં આ ટ્રેન્ડ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. ગૃહિણીઓ સિલેક્ટેડ સાધનો જ વાપરે છે એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરનાં હર્ષા શાહ કહે છે, ‘આજકાલ અનેક ઘરોમાં રાંધવા માટેના જુદા-જુદા પ્રકારનાં ઉપકરણો જોવા મળે છે. માઇક્રોવેવ અને રાઇસ કુકર મોસ્ટ કૉમન કહી શકાય. જોકે અમારા ઘરમાં પરંપરાગત ગૅસના ચૂલાનો જ વપરાશ વધુ છે. હા, ખાખરા બનાવવા માટેનું સ્પેશ્યલ મશીન વસાવ્યું છે. ખાખરા ગુજરાતીઓનો રેગ્યુલર નાસ્તો હોવાથી મોટા પ્રમાણમાં બનાવવા પડે છે. મશીન વસાવી લેવાથી સમયની ઘણી બચત થાય છે અને મહેનત પણ ઓછી પડે છે. ગૃહિણીઓને હજી સુધી ઈ-સ્ટવની જરૂરિયાત ઊભી થઈ નથી. તેઓ સિલેક્ટેડ ઉપકરણો વસાવવાનું પસંદ કરે છે. રાંધવા માટે ઈ-ઉપકરણો વાપરવાનો મુખ્ય હેતુ સમયની બચત હોવાથી વર્કિંગ વિમેન માટે તમામ પ્રકારનાં સાધનો ચોક્કસ વરદાન છે. ઈ-સ્ટવની મદદથી તેઓ રસોઈ બનાવવાનું કામ સમયસર કરી શકે છે. પરિણામે ઑફિસનાં કામકાજ તેમ જ પારિવારિક જવાબદારીઓ વચ્ચે બૅલૅન્સ જળવાઈ રહે છે. નોકરિયાત મહિલાઓની સંખ્યા જે રીતે વધી રહી છે એ જોતાં આવનારા સમયમાં ઈ-ઉપકરણોનો ઉપયોગ વધવાનો છે. મુંબઈમાં વીજળીના દર પણ ઊંચા જ છે તેથી રાંધણ ગૅસની તુલનામાં ઈ-ઉપકરણો સસ્તાં છે કે નહીં એનો આઇડિયા નથી.’

ઈઝી, સેફ અને હેલ્ધી કુકિંગ

રાઇસ કુકર અને માઇક્રોવેવ જૂની ટેક્નિક છે. હવે અત્યાધુનિક ઈ-ઉપકરણો આવી ગયાં છે એવી જાણકારી આપતાં કુકિંગ એક્સપર્ટ ભાવિકા ભુતા કહે છે, ‘મૉડર્ન ટેક્નૉલૉજીએ આપણા રોજિંદા કુકિંગને ફાસ્ટ અને ઈઝી બનાવ્યું છે. ઇન્ડક્શન, સ્ટવ, ઍરફ્રાયર જેવી ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજીથી આપણું કિચન સ્માર્ટ બન્યું છે. ઇન્ડક્શન કુકટૉપ ખૂબ જ સેફ છે. મૅગ્નેટિક કરન્ટ વેવથી કામ કરતા આ ઉપકરણની ખાસિયત એ છે કે એમાં ફ્લેમની જગ્યાએ કૉપર કોઇલ છે. સ્વિચ ઑન કરો પછી કરન્ટ પાસ થાય, પણ જ્યાં સુધી એના પર વાસણ ન મૂકો એ ગરમ થતું નથી. વાસણ મૂક્યા પછી જ મૅગ્નેટિક વેવ ઉત્પન્ન થાય છે તેથી પરંપરાગત ગૅસની જેમ લીકેજ થવાનો, દાઝવાનો કે આગ લાગવાનો ભય રહેતો નથી. ઇન્ડક્શન કુકટૉપ પર દૂધ કે દાળ-કઢી ઊભરાતાં નથી. રસોઈ ઓવરકુક પણ થતી નથી. આપણા કિચનનું ટેમ્પરેચર મેઇન્ટેન રહેતાં ગૃહિણીઓને રસોઈ બનાવવાનું કામ કંટાળાજનક નથી લાગતું. ટેક્નૉલૉજીનો હીટ પર કમ્પ્લીટ કન્ટ્રોલ હોવાથી જેમના ઘરમાં નાનાં બાળકો અને પેટ્સ છે તેમના માટે આ ઉપકરણ પર્ફેકટ ચૉઇસ છે.’

રસોઈને બીજી વાર ગરમ કરવા તેમ જ સર્વિંગ બાઉલમાં કાઢવામાં વધુ વાસણો બગડે છે. એને ધોવા માટે પાણીનો વ્યય થાય છે. ઈ-ઉપકરણોમાં આવી માથાકૂટ નથી. મૉડર્ન ઉપકરણો રસોઈને હેલ્ધી પણ બનાવે છે એવી વાત કરતાં ભાવિકા કહે છે, ‘હેલ્ધી લાઇફસ્ટાઇલ પ્રત્યે લોકોમાં સભાનતા આવતાં તળેલી વાનગીઓ ખાવાનું ચલણ ઓછું થઈ ગયું છે. જોકે સમોસા, વડાં, ફ્રેન્ચ ફ્રાઇઝ, પનીર ફ્રાય જેવી વાનગીઓ ખાવાનો ચસકો છે. જે ગૃહિણી એની ફૅમિલીને ટેસ્ટી, હેલ્ધી અને લો કૅલરી વાનગીઓ પીરસવાનું પસંદ કરે છે તેમના માટે ઍરફ્રાયર સ્માર્ટ કિચન ફ્રેન્ડ બની શકે છે. અગાઉ જે વાનગીઓ આપણે તળીને ખાતા હતા એ બધી જ ડિશને સહેજ તેલ લગાવી ઍરફ્રાયરમાં બનાવી શકાય છો. સમોસાના આઉટર લેયર પર તેલ લગાવી ટ્રેમાં ગોઠવીને મૂકી દો. હૉટ ઍરથી ઝડપથી ક્રિસ્પી બની જાય છે. પાણીપૂરી માટેની પૂરી પણ હું ઍરફ્રાયરમાં બનાવું છું. તમારા કિચનમાં આ સાધન ખાસ હોવું જોઈએ. બીજાં ઘણાં ઉપકરણો છે જે ગૃહિણીની લાઇફને ઈઝી બનાવી શકે છે. ઈ-ઉપકરણો પર રસોઈ ફટાફટ બની જતાં રાંધણ ગૅસની તુલનામાં સસ્તાં પડે છે.’

ઈ-ઉપકરણો વાપરવામાં સરળ, સલામત અને સહેલાઈથી સાફ કરી શકાય એવાં તેમ જ રાંધણ ગૅસની તુલનામાં આ સાધનો સસ્તાં છે : દીપ્તિ દેઢિયા

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 11:50 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK