° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 September, 2022


ગરબો ઝગમગ-ઝગમગ થાય

20 September, 2022 12:47 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આદ્યશક્તિ મા જગદંબાની આરાધના માટે નારીશક્તિએ પોતાના હાથે શણગારેલાં પાનેતર, ઘરચોળું અને લહેરિયાની ડિઝાઇનવાળા ગરબાનો ઝગમગાટ જોઈને તમે પણ મોહિત થઈ જશો

રંજન જેસાણી નવરાત્રિ ઉત્સવ

રંજન જેસાણી

વર્ષા ચિતલિયા 
varsha.chitaliya@mid-day.com

શારદીય નવરાત્રિ નજીક આવે એટલે ખેલૈયાઓનાં હૈયાં હિલોળે ચડે એવી જ રીતે ઘરની અંદર ગરબો, ચૂંદડી, આરતીની થાળી, બાજોઠ વગેરેની સજાવટ માટે ગૃહિણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. નોરતાંમાં લગભગ દરેક ગુજરાતીના ઘરમાં પરંપરાગત રીતે ગરબાની સ્થાપના થતી હોય છે. સમયની સાથે ગરબાની ડિઝાઇનમાં પણ વૈવિધ્ય ઉમેરાતું જાય છે. પહેલાંના સમયમાં સફેદ કે લાલ માટીના સાદા અથવા ઘરમેળે શણગારેલા ગરબામાં દીવો પ્રગટાવવામાં આવતો હતો. ત્યાર બાદ કુંભારવાડામાં જથ્થાબંધ બનાવવામાં આવેલા રેડીમેડ ડિઝાઇનર ગરબાનું આકર્ષણ જોવા મળ્યું. હવે હોમમેડ ગરબા મહિલાઓની પહેલી પસંદગી બન્યા છે. જોકે ડિઝાઇનર પીસ બનાવવા માટે ક્રીએટિવ આઇડિયા અને સમય હોવા જોઈએ. આજે મોટા ભાગની મહિલાઓ પાસે એટલો સમય હોતો નથી એટલે તેઓ અન્ય મહિલાને ઑર્ડર આપી દે છે. આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનું પર્વ હવે ઢૂંકડું છે ત્યારે જોઈ લો નારીશક્તિ દ્વારા ડેકોરેટ કરવામાં આવેલા ડિઝાઇનર ગરબાઓની એક ઝલક.

બારીવાળા ગરબા

ગરબામાં હોમમેડ ડેકોરેશનનું આકર્ષણ છે, પરંતુ દર વખતે એક જ સ્ટાઇલ ન ચાલે. ડિઝાઇનમાં સતત નવીનતા ઉમેરવી પડે એવી વાત કરતાં બોરીવલીના આર્ટિસ્ટ રંજન જેસાણી કહે છે કે ‘ક્રીએટિવ માઇન્ડ હોવાથી હું રંગોળી, તોરણ, દીવા વગેરે સાતેક વર્ષથી બનાવતી હતી. ઘરના ગરબાનો શણગાર પણ જાતે કરતી. દર્શન કરવા આવનારા ભક્તો ગરબાનો ઝગમગાટ જોઈને ખૂબ વખાણ કરે. પૅન્ડેમિકમાં બહાર જવામાં જોખમ હતું ત્યારે સર્કલમાંથી ત્રણ ગરબાનો ઑર્ડર મળ્યો. જોકે પહેલા વર્ષે ડિઝાઇનમાં વધુ એક્સપરિમેન્ટ્સ નહોતા કર્યા. ગયા વર્ષે ૧૫ મહિલાઓએ સંપર્ક કરતાં ઇનોવેશન કર્યું. તેમને પિન્ક અને વાઇટ કલરના કૉમ્બિનેશન સાથે ઇલેક્ટ્રિક મોટર સંચાલિત રોટેટિંગ ગરબા બનાવી આપ્યા હતા. માર્કેટમાં અવેલેબલ ન હોય એવી ડિઝાઇન આપું છું એવી જાણ થયા બાદ ઘણી મહિલાઓએ પૂછપરછ કરી. આપણી ઓળખાણ કામથી થાય છે એટલે નવું શું આપવું એની મથામણ રક્ષાબંધનથી ચાલતી હતી. બહાર ક્યાંય ન મળે એ મારી પાસે હોવું જોઈએ એવો આગ્રહ. ઘણી ખણખોદ બાદ બારીવાળા કાચા ગરબા શોધવા કુંભારવાડાની મુલાકાત લીધી. જોકે અહીં પણ બહુ ઓછા કુંભારો બારીવાળા ગરબા બનાવે છે. કલાકોની શોધખોળ બાદ એક કુંભાર પાસે આ ડિઝાઇન જોવા મળી. પહેલાં તો તેણે ના પાડી કે હજી નવરાત્રિને બહુ વાર છે એટલે હમણાં નહીં આપીએ. મારું કામ જણાવ્યા બાદ ૧૫ ગરબા આપ્યા. ત્યાર બાદ બીજા ૧૦ ગરબા લઈ આવી. ગરબાનો આકાર જુદો છે એવી રીતે શણગારમાં પણ રેડ, ગ્રીન, વાઇટ અને યલો કલરનું વેરિયેશન આપ્યું છે. માતાજીએ ઘરચોળું અથવા પાનેતર પહેર્યું હોય એવો ભાવ છે. ડાયમન્ડ અને મોતીનું વર્ક પણ અટ્રેક્ટિવ લાગે છે. એક દિવસમાં એક ગરબો ડેકોરેટ થઈ જાય, પણ કલર કરવાનું કામ વહેલું કરવું પડે.’

ગોટાપટ્ટી અને પૅચવર્ક

માતાજીનો ગરબો શણગારવાની પરંપરા નવી નથી એમ જણાવતાં ઘાટકોપરનાં આર્ટિસ્ટ કલ્પના ઠક્કર કહે છે કે ‘ડેકોરેટિવ ગરબા હંમેશાંથી લોકપ્રિય છે. ફરક એટલો કે પહેલાં મહિલાઓ આભલાં અને તૂઈથી સજાવેલા ગરબા બજારમાંથી ખરીદીને લાવતી હતી. પૅન્ડેમિકમાં અનેક મહિલાઓએ આ ફીલ્ડમાં ઝંપલાવ્યું છે. જોકે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારથી ગરબાને ડેકોરેટ કરું છું. યંગએજમાં અમારા પાડોશમાં રહેતાં એક બહેન સાથે મળીને જાત-જાતની ડિઝાઇન બનાવી છે. આડોશપાડોશની મહિલાઓ અમારી પાસેથી જ ગરબા ખરીદતી હતી. એ બહેને ધીમે-ધીમે કામકાજ ઘટાડી દીધું, પણ મને શોખ હોવાથી મેં ચાલુ રાખ્યું. ૧૧ ગરબાના ઑર્ડરથી શરૂઆત કરી હતી, આજે ૧૦૦ ગરબાનો ઑર્ડર એકલા હાથે પૂરા કરવા બે મહિના અગાઉથી કામ શરૂ કરવું પડે છે. સાદા ગરબા ઘાટકોપરમાંથી મળી જાય. ૨૫-૨૫ કરીને લઈ આવું. હાથ એવો બેસી ગયો છે કે ત્રણ કલાકમાં એક ગરબો ડેકોરેટ થઈ જાય. કટિંગવાળો ગરબો હોય તો થોડી વધુ વાર લાગે. ડેકોરેશન થતું જાય એમ ફોટા પાડીને વૉટ્સઍપ પર શૅર કરું. આર્ટિસ્ટનું દરેક ક્રીએશન એકબીજાં કરતાં સહેજ જુદું હોય. ડિઝાઇન સેમ ટુ સેમ ન થાય એથી બુકિંગ થાય એમ કસ્ટમરના નામની ચિટ્ઠી નાખી એને પૅક કરીને સાઇડમાં મૂકતી જાઉં. એ ગરબો પછી કોઈને બતાવવાનો નહીં. આ સીઝનમાં ગોટાપટ્ટી અને પૅચવર્કની ડિઝાઇન ઇન્ટ્રોડ્યુસ કરી છે. લહેરિયું, પાનેતર અને ઘરચોળું સદાબહાર ડિઝાઇન કહી શકાય. કલર્સમાં ઝાઝાં એ​ક્સપરિમેન્ટ નથી કરતી. લાલ, લીલો, પીળો અને સફેદ આટલા રંગનો ઉપયોગ કરી મજાની ડિઝાઇન બનાવી શકાય છે. મટિરિયલમાં તો અઢળક વરાઇટી અવેલેબલ છે. પહેલાં પ્લાસ્ટિકના સ્ટોન ચાલતા હતા; હવે કાચના સ્ટોન, કુંદન અને ડાયમન્ડ ચોંટાડેલા મનમોહક ગરબા મહિલાઓને ખૂબ ગમે છે.’

કાર્વિંગ ગરબા પર પેઇન્ટિંગ

સાંતાક્રુઝમાં રહેતાં નેહા ગિરનારાએ પણ કેટલાક ગરબા ડેકોરેટ કર્યા છે. ગરબા ડેકોરેશન ક્યારથી સ્ટાર્ટ કર્યું અને એની ખાસિયત વિશે વાત કરતાં તેઓ કહે છે કે ‘ગરબાને ડેકોરેટ કરવાનો વિચાર ફર્સ્ટ લૉકડાઉન વખતે આવ્યો હતો. પહેલાં તો પોતાના ઘર માટે ગરબા પર પેઇન્ટિંગ અને સિમ્પલ ડેકોરેશન કર્યું. ગયા વર્ષે પાડોશી અને મલાડમાં રહેતાં મમ્મી માટે ગરબા પર સુંદર કારીગરી કરી આપી. EYJKGGના છેલ્લા દિવસે મમ્મી ગરબાને વળાવવા ગયાં ત્યારે અન્ય મહિલાઓએ ડિઝાઇનનાં ખૂબ વખાણ કર્યાં. તેમનો ગરબો નાની સાઇઝનો હતો તેમ જ એના પર ફ્લોરન્ટ ઑરેન્જ કલરથી પેઇન્ટ કર્યું હતું એ જોઈને ઘણાને અચરજ થયું. પેઇન્ટિંગનો શોખ હોવાથી હવે તો મજા આવે છે. હસબન્ડના સજેશનથી કલર કૉમ્બિનેશન ડિસાઇડ કરું છું. આ ત્રીજું વર્ષ છે, પણ હજી પ્રોફેશનલ લેવલ પર કામ શરૂ નથી કર્યું. ઓળખીતા પરિવારો માટે જ બનાવવાના હોવાથી વધુ ગરબાની જરૂર નથી પડતી એમ છતાં નવી સ્ટાઇલના ગરબા શોધવા કુંભારવાડા ગઈ હતી. લોકલ માર્કેટમાં ગરબાની વધારે ચૉઇસ નથી મળતી, જ્યારે કુંભારવાડામાં જુદા-જુદા આકારના ગરબા મળી જાય છે. અહીં મળતા કાર્વિંગવાળા ગરબા જોતાંવેંત ગમી ગયા. ઘરના મંદિરમાં વ્યવસ્થિત રીતે રાખી શકાય એ સાઇઝના કાર્વિંગવાળા ગરબા પર પહેલાં પેઇન્ટિંગ અને પછી મોતી, કુંદન, તૂઈ વગેરે મટિરિયલથી ડેકોરેશન કર્યું છે.’

20 September, 2022 12:47 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK