Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બેસ્ટ શિક્ષકના અવૉર્ડમાં મળેલી રકમમાંથી શરૂ થયું અનોખું શેરી શિક્ષણ અભિયાન

બેસ્ટ શિક્ષકના અવૉર્ડમાં મળેલી રકમમાંથી શરૂ થયું અનોખું શેરી શિક્ષણ અભિયાન

26 December, 2021 06:12 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ખંભાતના શિક્ષક શૈલેશ રાઠોડે સ્કૂલમાંથી ડ્રૉપઆઉટ થતા વિદ્યાર્થીઓને તેમના ઘરઆંગણે જઈને ભણાવવાનું શરૂ કર્યું અને નવેસરથી તેમનામાં એજ્યુકેશન માટે રુચિ જગાવી.

બેસ્ટ શિક્ષકના અવૉર્ડમાં મળેલી રકમમાંથી શરૂ થયું અનોખું શેરી શિક્ષણ અભિયાન

બેસ્ટ શિક્ષકના અવૉર્ડમાં મળેલી રકમમાંથી શરૂ થયું અનોખું શેરી શિક્ષણ અભિયાન


ખંભાતના શિક્ષક શૈલેશ રાઠોડે સ્કૂલમાંથી ડ્રૉપઆઉટ થતા વિદ્યાર્થીઓને તેમના ઘરઆંગણે જઈને ભણાવવાનું શરૂ કર્યું અને નવેસરથી તેમનામાં એજ્યુકેશન માટે રુચિ જગાવી. આ કામ એટલું સંતોષ આપનારું હતું કે એ જોઈને બીજા પાંચ શિક્ષકો અને હાયર સેકન્ડરીના હોશિયાર વિદ્યાર્થીઓ પણ છોટે શિક્ષક બનીને મદદ કરવા આગળ આવ્યા

આજે પણ ભારતમાં એજ્યુકેશન બાબતે એટલી સજાગતા નથી. અંતરિયાળ ગામડાંઓમાં બાળકો પ્રાથમિક શિક્ષણ લે એને માટે મથવું પડે છે અને જ્યાં સ્કૂલો છે એવાં ગામડાંઓમાં બાળકો સ્કૂલ છોડી ન દે એ માટે મથવું પડે છે. એનાં કારણો અનેક છે. કોઈ ગરીબીને કારણ ગણી શકે તો કોઈક સુવિધાઓના અભાવને. પણ મુખ્ય કારણ એ છે કે હજીયે સમાજમાં ભણતર, ભણતરને કારણે આવતી સમજણ અને આત્મવિશ્વાસનું મહત્ત્વ નથી સમજાતું. આ જ કારણસર ભારતમાં આજેય સેકન્ડરી સ્કૂલમાં ડ્રૉપઆઉટનું પ્રમાણ લગભગ ૧૭ ટકા જેટલું છે. 
પેરન્ટ્સ પણ એજ્યુકેશનનું મહત્ત્વ ન સમજતા હોવાથી સંતાનોને પણ ભણવામાં રસ નથી પડતો. આવા વિદ્યાર્થીઓને ભણવામાં રસ લેતા કરવા, તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવવું ખૂબ અઘરું હોય છે. આ અઘરું કામ ઉપાડ્યું છે ખંભાતના એક શિક્ષકે. 
વાત એમ છે કે ખંભાતની ધી કૅમ્બે એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી માધવલાલ શાહ હાઈ સ્કૂલના ઉદ્યોગ શિક્ષક શૈલેશ રાઠોડને ૨૦૧૮-’૧૯ના વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ શિક્ષકનો અવૉર્ડ મળ્યો હતો. અવૉર્ડની સાથે તેમને ૫૧,૦૦૦ રૂપિયા પણ મળ્યા હતા. શિક્ષણક્ષેત્રની કથળતી જતી હાલતથી ભલીભાંતિ વાકેફ એવા શૈલેશભાઈ રાઠોડને થયું કે જે રકમ મને ઉત્તમ શૈક્ષણિક કાર્ય માટે મળી છે એ રકમને એવા જ કોઈ ઉત્તમ કાર્ય માટે ખર્ચવી જોઈએ. ખંભાત તેમ જ આજુબાજુના વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ કોઈક ને કોઈક કારણસર સ્કૂલ છોડી દીધી હોવાના બનાવો તેમના ધ્યાનમાં હતા જ. સૌથી પહેલાં તો તેમણે અભ્યાસ હાથ ધર્યો કે શા માટે બાળકો સ્કૂલ છોડી રહ્યાં છે? શૈલેશભાઈ કહે છે, ‘બેસ્ટ શિક્ષક તરીકે મળેલી રકમનો મેં શિક્ષણના કામમાં જ ખર્ચ કરવાનું નક્કી કરેલું. ખંભાત તાલુકામાં ડ્રૉપઆઉટ રેશિયો ખૂબ છે. આ વિદ્યાર્થીઓ અભ્યાસ કેમ અધવચ્ચેથી છોડી દે છે એનાં કારણો સમજવા હું આ વિસ્તારોમાં ખૂબ ફર્યો. ત્યારે ખબર પડી કે અમુક જગ્યાએ પાંચમા ધોરણ સુધીની જ સ્કૂલ હોય છે એટલે આગળ અભ્યાસ કરવા માટે બાજુના ગામમાં જવું પડે છે. એને કારણે પરાંઓમાં રહેતા ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલ જવાનું છોડી દે છે. ઘણા વિદ્યાર્થીઓનાં નામ સ્કૂલમાં દર્જ કરાવેલાં ભલે હોય, પણ માબાપ મજૂરીકામમાં વ્યસ્ત હોય અને કોઈ કહેનારું ન હોય એટલે તેઓ સ્કૂલ ન જતાં હોય. આવાં બાળકોને કદાચ ત્યારે તો નહીં સમજાય, પણ ભણતર વિના તેમનું ભવિષ્ય ખરાબ થાય છે એ વાત તેમને સમજાવવી જરૂરી હતી. આ બાબતે લિટરલી અભિયાનની જેમ કામ કરવું જરૂરી હતું એટલે મેં ડ્રૉપ થતા વિદ્યાર્થીઓને પરાંઓમાં જઈ-જઈને ભણાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો. ગ્રૅજ્યુએશન કરી રહેલા મારા સ્ટુડન્ટ આકાશ ક્રિશ્ચિયન સાથે વાત કરી. બેઝિક શિક્ષણની પદ્ધતિ તૈયાર કરી તેને શીખવી અને અમે શેરી શિક્ષણનો આરંભ કર્યો.’
વિદ્યાર્થીઓ પણ જોડાયા
શરૂઆતમાં સાંજે માત્ર એક કલાક એક શેરીમાં જઈને ભણાવવાથી શરૂઆત થયેલી, પણ એ કામ જોઈને બીજા શિક્ષકોને પણ મન થયું કે આ તો કરવા જેવું કામ છે. શેરી શિક્ષણ અભિયાનના બે પહેલુ હતા. એક તો સ્ટુડન્ટ્સ વાંચતાં-લખતાં શીખે અને બીજું જે સ્ટાન્ડર્ડથી ભણવાનું છોડ્યું હોય ત્યાંથી અભ્યાસ આગળ વધારે. કહેવાય છે કે એક દીવો પ્રગટે તો એનાથી અસંખ્ય દીવા પ્રગટી શકે છે એ ન્યાયે બીજા વિદ્યાર્થીઓને પણ શેરી શિક્ષણ અભિયાનમાં રસ પડ્યો. એ વિશે વાત કરતાં શૈલેશભાઈ કહે છે, ‘જેમ-જેમ વાત ફેલાતી ગઈ, શિક્ષકો ઉપરાંત ૮, ૯ અને ૧૦મા ધોરણના લગભગ ૬ વિદ્યાર્થીઓને પણ આ પ્રોજેક્ટમાં રસ પડવા લાગ્યો. અમે એવું આયોજન કર્યું કે આ બાળકો તેમના ફળિયા કે વિસ્તારમાં જ બીજાં બાળકોને અભ્યાસ કરાવે જેથી તેમનો વધુ સમય બગડે નહીં. મારી જ સ્કૂલના બીજા પાંચ શિક્ષકો પણ આમાં જોડાયા જેથી અમે એકસાથે વધુ વિસ્તારોમાં સાંજના સમયે શેરી શિક્ષણ શરૂ કરી શક્યા. અભ્યાસમાં શું કરાવવાનું એની રૂપરેખા પણ તૈયાર કરી. સૌથી પહેલાં અત્યંત પ્રાથમિક પાયો જ મજબૂત કરવા પર ફોકસ કર્યું. ૧થી ૧૦૦ સુધીનું ગણિત, ગુજરાતી કક્કો-બારાખડી ઉપરાંત અંગ્રેજી પણ શીખવવાનું શરૂ કર્યું. જે બાળકો અલગ-અલગ ધોરણમાંથી ડ્રૉપઆઉટ થયેલાં તેમને અભ્યાસમાં ફરીથી રસ પડે એવું કંઈક અમારે કરવાનું હતું એટલે અમે અક્ષરજ્ઞાનની સાથે રમતો રમાડવાનું અને મોરલ વૅલ્યુઝની વાર્તાઓ અને ઍક્ટિવિટીઝ પણ કરાવતા, જેથી ગમ્મત સાથે તેમને જ્ઞાન મળતું અને ભણવામાં રુચિ ઊભી થતી.’
શેરી શિક્ષણ અભિયાન અંતર્ગત બાવા બાજીસા, જીન પાધરિયા, નાની ચુનારવાડ, રેલવે-સ્ટેશન, સલાટવાડ જેવા ખંભાતના અને એની આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને કોણ સ્કૂલ નથી જતું, કોણે ભણવાનું છોડી દીધું એની તપાસ કરીને બાળકોને એકઠાં કર્યાં છે.  કેટલાંય બાળકો એવાં હતાં જેમને કશું જ નહોતું આવડતું. શૈલેશભાઈ કહે છે, ‘અમને એ વાતનો આનંદ છે કે અમારી મહેનત ઊગી નીકળી છે. સ્કૂલમાંથી એક સમયે ડ્રૉપઆઉટ થયેલા ૬૬ જેટલા વિદ્યાર્થીઓને અમે ભણવામાં ફરીથી રસ લેતા કર્યા છે અને તેઓ ફરીથી સ્કૂલ જતા થયા છે. ’
મદદ પણ મળતી ગઈ
શેરી શિક્ષણ અભિયાનની વાત છેક મુંબઈ સુધી પહોંચી અને આ અભિયાનમાં મુંબઈનો પણ સપોર્ટ મળવાનો શરૂ થયો. મુંબઈના ચર્ની રોડ પર રહેતાં પૂનમ ભાવસાર કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન સામાજિક કારણસર મારે ખંભાત આવવાનું થયું હતું. અહીં થોડો સમય રહેવાનું થયું હતું એ દરમ્યાન શૈલેશ રાઠોડના શેરી શિક્ષણ અભિયાનની મને જાણ થઈ. સ્કૂલ છોડી દેતાં બાળકોને બેઝિક સાક્ષરતાની જરૂર છે અને એ માટે કામ કરતા આ લોકોનું કાર્ય સરાહનીય જણાયું એટલે મને થયું કે હું તેમને સપોર્ટ કરું. હું લાયન્સ ક્લબ ઑફ બૉમ્બે ચર્ચગેટની સભ્ય છું. જ્યારે હું મુંબઈ પાછી ફરી ત્યારે અમારી ક્લબમાં આ કાર્ય માટે સપોર્ટ કરવા પ્રસ્તાવ મૂક્યો. ખંભાતમાં અમે બાળકોને રમતાં-રમતાં શીખવા મળે એવી પઝલ ગેમ, મેકૅનિક ગેમ એજ્યુકેશનલ ગેમ્સ સહિતનાં ટૉય, બુક્સ, લખવા માટેનાં બોર્ડ, સ્ટેશનરી, પેન્સિલ, કલર, ડ્રૉઇંગબુક જેવી કિટ પ્રોવાઇડ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ અન્ય બાળકોને અભ્યાસ કરાવી રહ્યાં છે તેઓ પ્રોત્સાહિત થાય એ માટે તેમને પણ કિટ બનાવીને આપી હતી. લોકોના સહયોગથી આ કામ કર્યું હતું.’



ખુદ નવમામાં ભણતી આ છે છોટી ટીચર        


શેરી શિક્ષણના પ્રોજેક્ટથી બાળકો ભણી રહ્યાં છે એ તો છે જ, પણ સાથે ભણવામાં હોશિયાર અને મદદ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓની અંદર રહેલો શિક્ષક પણ જાગી ગયો છે. ખંભાતથી તારાપુર જતા માર્ગ પર આવેલા ભાત તલાવડી વિસ્તારમાં રહેતી રિક્ષાચાલકની દીકરી મમતા ઈશ્વરભાઈ સલાટ પણ આવી જ શિક્ષિકા છે. ખુદ ભણે છે, પણ સાથે તેના વિસ્તારમાં ડ્રૉપઆઉટ થયેલા વિદ્યાર્થીઓ અને અભ્યાસ ન કરતા છોકરાઓ માટે છોટી ટીચર બનીને અભ્યાસ કરાવે છે.
શ્રી માધવલાલ શાહ હાઈ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતી મમતા સલાટ કહે છે, ‘મને ભણવાનો અને ક્રિકેટનો શોખ છે. હું સ્કૂલમાંથી ક્રિકેટ પણ રમું છું. જ્યારે મને મારા વિસ્તારમાં સ્કૂલમાંથી ડ્રૉપઆઉટ બાળકોને અભ્યાસ કરાવવાના અભિયાન વિશે ખબર પડી ત્યારે મને પણ થયું કે હુંયે મદદ કરી શકું છું. એનું કારણ એ છે કે મને બીજા છોકરાઓને ભણાવવાનું ગમે છે. મારા વિસ્તારમાં હું પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને બેથી ત્રણ કલાક અભ્યાસ કરાવું છું. તેમને એકડા-બારાખડી શીખવાડું છું, દાખલા ગણવા આપું છું. જે છોકરાઓ સ્કૂલ જતા નથી તેઓ મારે ત્યાં અભ્યાસ કરવા આવે છે અને ભલે હું ઉંમરમાં નાની છું, પણ તેઓ મારું કહ્યું માને પણ છે. તેઓને લેશન કરવા આપું તો કરે છે અને મન લગાવીને અભ્યાસ પણ કરે છે. હું તો કહું છું કે દરેક બાળકે અભ્યાસ કરવો જોઈએ અને ભણીગણીને આગળ વધવું જોઈએ. મને ખુશી છે કે હું મારાથી નાનાં બાળકોને ભણવામાં મદદ કરી શકું છું.’


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2021 06:12 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK