સંસાર વિશે આપણને સતત વિવિધ માર્ગે અને માધ્યમથી અનુભવો મળતા રહે છે. આ ગહન વિષયને આપણી હિન્દી ફિલ્મોના ગીતકારો બહુ સરળતાથી આપણને સમજાવે છે
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં એક સંબંધીના અવસાન નિમિત્તે સ્મશાનમાં જવાનું થયું, સામાન્ય રીતે સ્મશાનમાં મૃતદેહને લાવવામાં આવે ત્યારે ‘શ્રીરામ, શ્રીરામ’, ‘રામ નામ સત્ય હૈ’ વગેરે જેવા ઉચ્ચારો થતા હોય છે. આ વખતે કદાચ પહેલી વાર અમારા કાને નવા શબ્દો સાંભળ્યા, ‘સંસાર અસાર હૈ, ધર્મ હી સાર હૈ, સંસાર અસાર હૈ, ધર્મ હી સાર હૈ.’
‘સંસાર અસાર હૈ’ આ શબ્દો વિચારોની એક અલગ દિશામાં લઈ ગયા, કારણ કે જેઓ સંસાર અસાર હૈ બોલતા આવેલા તેઓ બધા થોડી વારમાં વિવિધ સાર સાથે સંસારમાં પરોવાઈ ગયા, અમુક લોકો ચા પીતાં-પીતાં ધંધાપાણીની તો કોઈ ટોળામાં ઊભા રહી શૅરબજારની, કોઈ અમેરિકાની, વળી અમુક ડોનલ્ડ ટ્રમ્પની, સૈફ અલી ખાનની, આવનારા બજેટની ચર્ચામાં લાગી ગયા હતા. થોડી મિનિટોમાં જ સંસારમાં સાર પાછો ફરી ગયો હતો. શું આમ ન થવું જોઈએ? જો આમ ન થાય તો શું થાય? બધા ઉદાસ કે મૌન બેઠા રહે? કેટલો સમય? કોણ-કોણ આમ કરશે? ના દોસ્તો, એ સંભવ નથી, આ જ તો સંસાર છે, એ કેટલો પણ અસાર હોય, પરંતુ એમાં જ સાર શોધ્યા વિના માણસોને ચાલતું નથી.
ADVERTISEMENT
એથી જ સ્મશાન-વૈરાગ્ય જેવા શબ્દો સદીઓથી જીવી રહ્યા છે. જેમ મૃત્યુ સનાતન છે એમ સ્મશાન-વૈરાગ્ય પણ સનાતન છે. મૃત્યુ આપણને જીવનને સમજવા બાબતે સાવ નજીક લઈ જાય છે, પરંતુ અનેક મૃત્યુ જોતા રહ્યા બાદ પણ આપણે જીવનને સમજવાથી દૂર જ રહીએ છીએ. સવાલ એ થવો જોઈએ કે શું આપણે સંસારને ખરેખર સમજ્યા છીએ ખરા?
સંસાર વિશે આપણને સતત વિવિધ માર્ગે અને માધ્યમથી અનુભવો મળતા રહે છે. આ ગહન વિષયને આપણી હિન્દી ફિલ્મોના ગીતકારો બહુ સરળતાથી આપણને સમજાવે છે, જેમ કે એક ગીત કહે છે, ‘સંસાર હૈ એક નદિયા, સુખ-દુઃખ દો કિનારે હૈ’. બીજું ગીત કહે છે, ‘સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો ક્યા તુમ પાઓગે’, અર્થાત્ સંસારથી દૂર ભાગી જવાથી સંસાર દૂર થઈ જતો નથી કે પરમાત્માને પામી શકાતા નથી. ત્રીજું ગીત કહે છે, ‘સંસાર કી હર શય કા ઇતના હી ફસાના હૈ, એક ધુન્દ સે આના હૈ, એક ધુન્દમેં જાના હૈ’. તો શું કોઈ મૃતદેહને સ્મશાનમાં લઈ જતી વખતે કંઈ ન બોલવું? આ પરંપરા ખોટી કે અર્થહીન છે? ખરેખર તો આ બહુ મહત્ત્વનો ગહન સંદેશ છે જેને આપણે માત્ર પરંપરાનો ભાગ બનાવ્યો છે. મૃત્યુ આપણું પણ થવાનું જ છે, બીજાઓ આપણા મૃતદેહને પણ લઈ જતી વખતે ‘રામ નામ સત્ય હૈ’ કે ‘સંસાર અસાર હૈ’ બોલશે. વાસ્તવમાં સંસારનો સ્વીકારભાવ થશે તો સંસારની અસારતાનો અને સ્મશાન-વૈરાગ્યનો ભાવ સમજાશે. બાકી તો સ્મશાનમાં વરસો સુધી કામ કરતા દરેક કામદાર-કર્મચારીને સ્મશાન-વૈરાગ્ય સમજાઈ ગયો હોત. આપણા મૃત્યુ પહેલાં આપણને આ સત્ય સમજાય તો સંસાર અને જીવન બન્ને સાર્થક.

