Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અંકલ ઝિંદા રહના હૈના? આવી ધમકી મળ્યા પછીયે નથી અટક્યા આ દાદા

અંકલ ઝિંદા રહના હૈના? આવી ધમકી મળ્યા પછીયે નથી અટક્યા આ દાદા

16 June, 2021 12:47 PM IST | Mumbai
Bhavini Lodaya

મુલુંડના ૭૮ વર્ષના આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ભગવાનભાઈ કારિયાએ એકલા હાથે ૨૫૦૦થી વધુ નાની-મોટી આરટીઆઇ અરજીઓ કરી હોવાથી ઘણી વાર સ્થાપિત હિતો તરફથી ધમકીઓ મળતી રહી છે, પણ તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમામ સરકારી વિભાગો સામે નીડરતા અને પ્રામાણિકતાથી પંગો લઈ લીધો છે

અંકલ ઝિંદા રહના હૈના? આવી ધમકી મળ્યા પછીયે નથી અટક્યા આ દાદા

અંકલ ઝિંદા રહના હૈના? આવી ધમકી મળ્યા પછીયે નથી અટક્યા આ દાદા


લોકશાહી શાસન ધરાવનાર આપણા દેશમાં અનેક કાયદાઓ અને અધિકારો છે જેમાંનો એક અધિકાર એટલે કે રાઇટ ટુ ઇન્ફર્મેશન એટલે કે માહિતીનો અધિકાર. મુલુંડના ૭૮ વર્ષના ભગવાનભાઈ મૂળજી કારિયા એવા જાગૃત નાગરિક છે જેમણે આ માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને યુવાનોને શરમાવે એવાં કામો કર્યાં છે. લોકોના પૈસાનો વેડફાટ થતો હોય કે પછી કોઈ સરકારી સિસ્ટમમાં લૂપહોલ્સ હોય, એને ઉજાગર કરીને તેમણે એકલા હાથે કેટલાક એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે અને સોસાયટીમાં બદલાવનું બીડું ઝડપ્યું છે એ કાબિલે તારીફ છે. 
પ્લાસ્ટિકના કલર સપ્લાય કરવાનો બિઝનેસ ધરાવતા ભગવાનજીભાઈને વારંવાર સરકારી ઑફિસોમાં જવાનું થતું અને લોકોને અમલદારોની જોહુકમીને કારણે કેવો ત્રાસ પડી 
રહ્યો છે એવું તેમણે ખુદ અનુભવેલું. એ જોઈને ભ્રષ્ટાચાર સામે લડવાનું નક્કી કરનારા ભગવાનજીભાઈ કહે છે, ‘પ્યુનથી લઈને ઑફિસર સુધીના દરેક પોતાની કિંમત માગે છે. ભ્રષ્ટ કર્મચારીઓને સંતોષી કામગીરી કરવું શક્ય ન હોવાને કારણે મારાથી બિઝનેસ ન થતો. મેં નક્કી કરી લીધું કે આવા ભ્રષ્ટ લોકોથી મુક્ત સમાજ બનાવવાની કામગીરી કરવી છે. બીજી તરફ મારા ભાઈએ બિઝનેસ સંભાળી લીધો અને દર મહિને એક ચોક્કસ રકમ તેઓ મને આપે છે જેમાંથી ૬૦ ટકા રકમ હું આરટીઆઇ કરવા પાછળ ખર્ચું છું.’
બોગસ વેઇટ મશીનો 
અત્યાર સુધીમાં નાની-મોટી ૨૫૦૦થી વધુ આરટીઆઇ અરજીઓ કરી ચૂકેલા ભગવાનજીભાઈએ કેટલાક કેસમાં તો ખાઈખપૂચીને સિસ્ટમને બદલાવ માટે મજબૂર કરી છે. આપણને પહેલાં રેલવે-સ્ટેશનો પર વજન કરવાનાં વેઇટ મશીનો દેખાતાં હતાં, પણ હવે વેસ્ટર્ન લાઇનમાંથી એ દૂર થઈ ગયાં છે. થૅન્ક્સ ટુ ભગવાનજીભાઈ. તેઓ કહે છે, ‘સાતેક વર્ષ પહેલાં મુલુંડ સ્ટેશન પર વેઇટ મશીનમાં બે રૂપિયાનો સિક્કો નાખ્યો જેમાં એક મશીનમાં સિક્કો ગયો પરંતુ વજન ટિકિટ બહાર ન આવી અને બીજા મશીનમાંથી ૧૫ કિલો વજન વધુ આવ્યું. આથી હું સ્ટેશન માસ્ટરને ફરિયાદ કરવા ગયો કે મારા ચાર રૂપિયા પાછા આપો તો તે બોલ્યો સીએસટી જઈને ફરિયાદ કરો. હું સીએસટી પહોંચી ગયો. ત્યાં પણ મારી ફરિયાદ ન સાંભળતાં મેં કન્ઝ્યુમર કોર્ટમાં કેસ કર્યો.  મેં કહ્યું એક રૂપિયાનાં મશીન રોજનું એક કરોડનું ટર્નઓવર કરે છે તો આ ઘણું મોટું સ્કૅન્ડલ છે. તો જજ બોલ્યા કે હું હાથ જોડું છું. મેં કહ્યું, હું ડબલ હાથ જોડું છું પણ આ સ્કૅન્ડલને રોકો. જો અમારા માલમાંથી સો ગ્રામ વજન પણ વધારે આવે તો એક્સાઇઝવાળા અમને છોડતા નથી, અમારો માલ પણ જપ્ત કરી લે. તો મારું વજન ૧૫ કિલો વધુ આવ્યું છે એનું શું? મારી આ લડતના પરિણામ રૂપે દરેક મશીનમાં લાઇસન્સ લગાડવાનું નક્કી કર્યું જેનાથી મહારાષ્ટ્ર સરકારને ૫૦ લાખ રૂપિયા કંપનીઓ તરફથી લાઇસન્સ અને પેનલ્ટી રૂપે મળ્યા. ત્યાર બાદ ચર્ચગેટ પર લાઇસન્સ ન હોવાની ફરિયાદ કરી તો સ્ટેશન માસ્ટરે પાછળથી લેટર ફાડીને ફેંકી દીધો હતો એ મને દિલ્હીમાં કરેલી આરટીઆઇ દ્વારા જાણવા મળ્યું. મારી એ ફરિયાદની કાર્યવાહી દ્વારા ચર્ચગેટથી વિરાર દરેક જગ્યાએથી મશીનોને દૂર કરવામાં આવ્યાં, પરંતુ સેન્ટ્રલ રેલવેમાં ભાઈ લોકોનો સારો દબદબો હતો. દાદરમાં મશીનમાંથી વજન ટિકિટ કાઢી અને સીધો રેલવે પ્રધાન સુરેશ પ્રભુને લેટર લખ્યો કે જો રેલવે ટિકિટ પર ટાઇમ, તારીખ અને સિરિયલ ક્રમાંક લખેલો હોય છે તો વેઇટ મશીનની ટિકિટ ઉપર કેમ નથી? જો સરકાર જ બે નંબરના ધંધા કરશે તો લોકો કરે એમાં નવાઈ શું? આમ સુરેશ પ્રભુએ બધાં લાઇસન્સ રદ કર્યાં અને ત્યાર બાદ વેસ્ટર્ન અને સેન્ટ્રલ દરેક જગ્યાએથી બોગસ મશીનો હટાવવામાં આવ્યાં.’
મુંબઈ શહેરમાં ચર્ચગેટથી વિરાર અને કરી રોડથી કર્જત સુધી સ્ટેશન પાસેના વિસ્તારોમાં ગટરના પાણીથી શાકભાજી ખૂબ ઉગાડવામાં આવતી હતી. આવી ભાજી ખાઈને લોકો બીમારીનો શિકાર બને છે. આ મુદ્દાને ભગવાનજીભાઈએ ઉપાડ્યો. તેઓ કહે છે, ‘ગટરના પાણીથી રેલવેની જગ્યામાં શાકભાજી ઉગાડવાના મુદ્દે મેં લડત શરૂ કરી. અપીલ છેક દિલ્હી સુધી લઈ ગયો અને જેના પરિણામરૂપે હવે વેસ્ટર્ન લાઇનમાં ૮૦ ટકા જગ્યાઓએ એ બંધ થઈ ગયું છે, પરંતુ સેન્ટ્રલ લાઇનમાં હજી પણ સંપૂર્ણ બંધ નથી થયું. મેં લડેલા મુદ્દાઓમાં બીજો એક મુદ્દો પોસ્ટ-ઑફિસનો હતો.  મુલુંડ પોસ્ટ ઑફિસની આવક-જાવકની આરટીઆઇ કરી તો જાણવા મળ્યું કે નવ બ્રાન્ચ મળીને ત્રણ વર્ષે ૨૧ કરોડની સૅલેરી અપાય છે અને સામે આવક માત્ર ૩૦ લાખની છે. આ તો ફક્ત મુલુંડની વાત છે. આવી જ રીતે દરેક જગ્યાએથી નીકળે તો દેશના લોકોના કરોડો રૂપિયા વ્યર્થ જઈ રહ્યા છે.’
બિલ પરની ઇન્ક
હાલમાં તેમણે ગ્રોસરીઝ અને મૉલના બિલ સામે અવાજ ઉઠાવ્યો છે. આ બિલમાં થર્મલ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં વપરાતી ઇન્ક ૮થી ૧૫ દિવસમાં ઊડી જાય છે. ભગવાનભાઈ કહે છે, ‘કાયદાઓની જોગવાઈઓ અનુસાર ૫૦ રૂપિયાની ઉપરની ખરીદીની કિંમતના બિલની પ્રિન્ટ આઠ વર્ષ સુધી ચાલવી જોઈએ. પરંતુ હાલના  વિવિધ સ્ટોર અને ઈ-સ્ટોરમાંથી અપાતા થર્મલ પેપરનાં બિલની ઇન્ક વધુમાં વધુ ૧૫ દિવસમાં ઊડી જાય છે. એટલે આના સંદર્ભમાં મેં રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ચીફ સેક્રેટરી ગવર્નમેન્ટ ઑફ મહારાષ્ટ્રના ખાતામાં તેમ જ પ્રાઇમ મિનિસ્ટરની ઑફિસે પણ લેટર મોકલ્યો છે. કાયદા અનુસાર બોગસ બિલ સામે ૫૦ ટકા પેનલ્ટી લાગે. એ અનુસાર કરોડોની પેનલ્ટી ભેગી થઈ શકે. ક્રૉફર્ડ માર્કેટના ડ્રાયફ્રૂટ સેલરો માટે પણ જીએસટી ડિપાર્ટમેન્ટને ફરિયાદ મોકલી છે, કારણ કે આ લોકો કાં તો બોગસ બિલ આપે છે કાં તો બિલ વગર જ ડ્રાયફ્રૂટ આપે છે જેના માટે મને ભાઈ લોકોના કૉલ પણ આવેલા કે અંકલ, ઝિંદા રહના હૈ? મેં કહ્યું કોઈ ઘર મેં મરતા હૈ તો કોઈ હૉસ્પિટલમાં મરતા હૈ ઔર કોઈ રોડ પર. મરવાનું તો છે જ તો ભારત માટે ભગતસિંહ હોવો જોઈએને? તમે કહો ત્યાં આવું છું તમને મળવા. બસ ખાલી કહો ક્યાં. બસ, આટલું બોલ્યો અને તેમણે ફોન મૂકી દીધો. આવી રીતના ધમકી ભરેલા મને બેથી ત્રણ ફોન આવેલા છે. મેં મારી પત્નીને જણાવી દીધું છે કે જો હું ન આવું તો સમજી લેજે કે મારો સમય પૂરો થઈ ગયો છે.’
એ અને બી એમ બે કૅટેગરીના આરટીઆઇ ઍક્ટિવિસ્ટ હોય તેમ કહેતાં તેઓ કહે છે, ‘સાચા અર્થમાં સમાજ માટે ભ્રષ્ટાચાર નાબૂદ કરનારાઓ એ કૅટેગરીમાં હોય અને બાકીના બી કૅટેગરીના લોકો આરટીઆઇ દ્વારા કમાણી કરનારા હોય. મારું ધ્યેય છે કે હું જીવીશ ત્યાં સુધી લડતો રહીશ. હું  થાકતો નથી. મારી પ્રવૃત્તિઓ મને જીવવાની પ્રેરણા આપે છે. હરિભાઈ કોઠારીને હું ગુરુ માનું છું. મારી ઉંમર ભલે વધે, પણ લડત ચાલુ રાખીશ. મારી કામગીરી માટે અન્ન નાગરિક પુરવઠા ખાતાના મિનિસ્ટર શ્રી ગિરીશ બાપટે મહારાષ્ટ્ર સરકારને નામ આપ્યું હતું અને દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયમાં જનતા દરબારમાં મને બેસ્ટ સોશ્યલ વર્કર તરીકે સન્માનિત કર્યો હતો. રત્નાકર ગાયકવાડે પણ મારી કામગીરી માટે મારી ૨૦૧૮થી ૨૦૨૧ની દક્ષતા વિભાગની કમિટીમાં નિમણૂક કરી હતી પરંતુ એક વર્ષ બાદ મેં રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે હું સ્વબળે ભ્રષ્ટાચાર સામે લડીશ. શક્ય હોય તેટલું ચાલીને જાઉં છું જેથી બચેલા પૈસા હું ટાઇપ કરવા માટે ખર્ચી શકું.’        

 ઉંમર જેમ વધે એમ યાદશક્તિ ઓછી થાય, પરંતુ મારી યાદશક્તિ વધતી જાય છે. સમાજ માટે મારી ભૂમિકા નિભાવવાનો સંતોષ જ મને પ્રેરણા આપે છે. પ્રામાણિકતાથી જીવન જીવું છું. 
ભગવાનભાઈ કારિયા



 ભગવાનભાઈએ ૨૫૦૦થી વધુ મુદ્દાઓ પર આરટીઆઈ કરીને તેમણે સત્ય ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 12:47 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK