Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મધમાખીના ઉછેર માટે મામાનું ઘર

મધમાખીના ઉછેર માટે મામાનું ઘર

12 December, 2021 04:20 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ચીખલી તાલુકાના સોલધરા ગામમાં પટેલ દંપતીએ ઘરના બે છેડા ભેગા કરવા માટે બે પેટીથી હનીબી ઉછેરવાનું કામ શરૂ કરેલું જે આજે ૪૦૦૦ પેટી સુધી પહોંચ્યું છે.

મધઉછેરમાં માસ્ટર દંપતી અસ્મિતા અને અશોક પટેલ

મધઉછેરમાં માસ્ટર દંપતી અસ્મિતા અને અશોક પટેલ


ચીખલી તાલુકાના સોલધરા ગામમાં પટેલ દંપતીએ ઘરના બે છેડા ભેગા કરવા માટે બે પેટીથી હનીબી ઉછેરવાનું કામ શરૂ કરેલું જે આજે ૪૦૦૦ પેટી સુધી પહોંચ્યું છે. આસપાસનાં ગામોમાં પણ તેમણે મધમાખી ઉછેર વિશે જાગૃતિ કાર્યક્રમો કરીને બીજા સેંકડો લોકોને પણ આ કામમાં પળોટ્યા છે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને નૅચરલી જ મધ કેવી રીતે  વધુ મેળવી શકાય એ કળામાં હવે તેમની એટલી માસ્ટરી આવી ગઈ છે કે ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં પ્રૅક્ટિકલ જ્ઞાન લેવા માટે આવે છે.

એક સરસ મજાનું ટ્રી હાઉસ હોય, એમાં બધું જ ઇકો-ફ્રેન્ડ્લી ફર્નિચર હોય, આસપાસમાં નાનકડી નર્સરી જેવું હોય, જરૂરી શાકભાજી અને ફળો જાતે ઉગાડી શકાય એવું નાનું કિચન ગાર્ડન હોય, બને ત્યાં સુધી સોલર પાવરથી જ ઘર અને ચૂલો બન્ને ચાલતાં રહે. કુદરતના ખોળે જીવન જીવવાની ખેવના ધરાવતી વ્યક્તિનું આ સપનું હોય અને આ સપનું ખરા અર્થમાં સાકાર કરી રહ્યું છે નવસારીના ચીખલી તાલુકાના સોલધરા ગામનું પટેલ દંપતી.
ગામમાં આવકનાં સાધનો ટાંચાં હોય. એવામાં જાતે જ ખેતી કે વ્યવસાય દ્વારા આત્મનિર્ભર થવું પડે. સોલધરા ગામનાં પ્રકૃતિપ્રેમી અસ્મિતા પટેલે બારેક વર્ષ પહેલાં આત્મનિર્ભરતા માટે એક એવા ક્ષેત્રમાં ખેડાણ કર્યું જેમાં મહેનત અને જોખમ ઝાઝાં અને વળતર ઓછું હતું. ઘરના બે છેડા ભેગા કરવા માટે પતિને કોઈક રીતે મદદ કરવાના હેતુથી તે ગ્રામીણ મહિલાએ મધમાખી ઉછેરની તાલીમ લીધી ત્યારે અનેક લોકો તેને ખરીખોટી સંભળાવી ગયા, પણ પતિએ સાથ આપ્યો અને કામ આગળ વધ્યું. રાત-દિવસ જોયા વિના મહેનત કરી, મધમાખીના ડંખ પણ ખાધા અને પ્રકૃતિગત કુદરતી આફતોનો પણ સામનો કર્યો; પણ હિંમત હાર્યા વિના તેમણે મધમાખી ઉછેરનું કામ ચાલુ રાખ્યું. વર્ષોના અનુભવ પછી હવે તેઓ આ ક્ષેત્રમાં એટલું શીખી ગયાં છે કે તેમણે પોતાના જેવું જ સાહસ કરવાની તાલીમ બીજા ખેડૂતોને અને અન્ય વિસ્તારની મહિલાઓને પણ આપવાનું શરૂ કરી દીધું છે. 
મધમાખી ઉછેરના કામમાં ક્યાંય પ્રકૃતિને કે જીવને હાનિ ન થાય એની ખૂબ તકેદારી રાખતાં અસ્મિતાબહેને ગામડાંની બહેનોને ઉદ્યમી બનાવીને આત્મનિર્ભર કરી છે. ડેડિકેશન સાથે કામ કરો તો બે પાંદડે નહીં, ચાર પાંદડે પણ થઈ શકાય છે એ વાત આ યુગલે સાર્થક કરી છે. ગ્રામ્ય લેવલે પણ ઑન્ટ્રપ્રનરશિપ સંભવ છે અને એનું ઉદાહરણ છે અસ્મિતા પટેલ. એટલું જ નહીં, તેમણે અન્ય મહિલાઓને પણ આ વ્યવસાયમાં આવવા માટે પ્રોત્સાહિત કરીને સેંકડો લોકોને આત્મનિર્ભર બનાવવામાં ફાળો આપ્યો છે અને હવે ખેડૂતોને આ બિઝનેસની ટ્રિક શીખવી રહ્યાં છે. વઘઈ, ધરમપુર, ગાંધીનગર સહિતની ઍગ્રિકલ્ચર કૉલેજના સ્ટુડન્ટ્સને તેમના ઘરે પ્રકૃતિના ખોળે રાખીને નિઃશુલ્ક તાલીમ પણ આપે છે. 
શરૂઆત કઈ રીતે થઈ?
બારેક વર્ષ પહેલાં બે પેટી સાથે મધમાખીના ઉછેરનો વ્યવસાય શરૂ કરીને અત્યારે ચાર હજાર પેટી સાથે મધમાખીનો ઉછેર કરી રહેલાં અસ્મિતા પટેલે કહે છે, ‘મારા હસબન્ડ પ્રકૃતિપ્રેમી છે. ૨૦૦૯-’૧૦માં અમે નવસારીમાં ખાદી ગ્રામોદ્યોગ ભવનમાંથી મધમાખીના ઉછેરની તાલીમ લીધેલી. એ પહેલાં મધમાખીનો ઉછેર કેવી રીતે થાય, મધ કેવી રીતે કાઢવું એની અમને જરાય ખબર નહોતી. એ પછી તો મધમાખી ઉછેર માટેનાં અનેક પુસ્તકો વાંચ્યાં અને પંજાબ જઈને ઍડ્વાન્સ ટ્રેઇનિંગ લીધી. મધમાખીના ઉછેરનું કામ ચાલુ કર્યું ત્યારે અમારી પાસે મધમાખીની બે પેટી હતી. અત્યારે અમારી પાસે મધમાખીનાં ચાર હજાર બૉક્સ છે. મધમાખીને એક જગ્યાએ લાંબા સમય સુધી રાખી શકાતી નથી. જે જગ્યાએ જથ્થામાં ફૂલો હોય ત્યાં પેટીઓ મૂકવી પડે. મધમાખીની પેટીઓ લઈને ખેડૂતોનાં ખેતરોમાં કે પછી ખરાબાની જગ્યા હોય ત્યાં રાખવી પડે. જેમ-જેમ કામ વધતું ગયું છે એમ અલગ-અલગ જગ્યા ભાડે રાખીએ અને માણસો રોકીને અમે મધનું કામ કરીએ છીએ. આજુબાજુના બે કિલોમીટર એરિયામાં ફૂલો હોય ત્યાં પેટીઓ મૂકીએ એટલે મધમાખી એનો ખોરાક મેળવીને પાછી પેટીમાં આવી જાય. સનફલાવર, અજમાનાં ફૂલ, વરિયાળીનાં ફૂલ, ધાણા–તલનાં ફૂલ, જંગલનો રજકો, રાઈનાં ફૂલ, સુવાનાં ફૂલ, બાવળનાં ફૂલ પર મધમાખી આવે છે. હાલમાં ભાવનગર, મહુવા, મોરબી અને રાજસ્થાનમાં મધપેટીઓ મૂકી છે.’
કુદરતી મુશ્કેલીઓ 
શરૂઆતના તબક્કામાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરતાં અસ્મિતા પટેલ કહે છે, ‘આ વ્યવસાય શરૂ કર્યો ત્યારે તકલીફો બહુ આવી. વાદળવાળી વેધર હોય તો મધમાખી બહાર નીકળતી નથી. માવઠું થાય તો એની અસર પણ રહે છે. મધ નીકળતું નથી. શરૂઆતના તબક્કામાં ખેતરોમાં મધમાખીની પેટીઓ મૂકવા જઈએ ત્યારે લોકો મારવા પણ આવતા એવી ઘટનાઓ બની છે. પેટીમાંથી ફૂલો સુધી મધમાખી ઊડીને જાય એટલે ઘણી વખત એવું પણ બનતું કે કોઈકને મધમાખી ડંખે. એટલે ઘણા લોકો ભમરા આવ્યા એમ કહીને મારવા આવે. ક્યારેક અમારા માણસોને પણ મારીને ભગાડી મૂકે. એ જ કારણોસર ખેડૂતોને મધમાખી ઉછેર બાબતે જાગૃત કરવા જરૂરી હતા. અમે જાગૃતિનું કામ સઘનતાથી કર્યું એટલે હવે એવું બની રહ્યું છે કે ખેડૂતો સામેથી બોલાવતા થયા છે. જે ખેડૂતો મધમાખીના ઉછેરની વાત સમજી શક્યા છે તેમને અમે ટ્રેઇનિંગ આપી છે અને આવા ખેડૂતોએ વ્યવસાય પણ ચાલુ કરી દીધો છે. અમે બનાસ ડેરીમાં પણ ટ્રેઇનિંગ આપી છે. વઘઈમાં આવેલી ઍગ્રિકલ્ચર કૉલેજમાંથી અત્યારે વિદ્યાર્થિનીઓ અમારે ત્યાં અભ્યાસના ભાગરૂપે મધમાખીના ઉછેરનો અભ્યાસ કરવા આવે છે.’ 
બહેનો દ્વારા જ 
સહ્યાદ્રિ સખી મંડળ અને સહ્યાદ્રિ હનીહટ નામથી મધનું કામકાજ કરતાં અસ્મિતા પટેલ કહે છે, ‘મધ કાઢવાનું કામ અમારી સાથે બહેનો કરી રહી છે. આ ઉપરાંત એનું પ્રોસેસિંગ કરીને પૅકિંગ કરવાનું, કુરિયર કરવાનું અને માર્કેટિંગનું કામ પણ મારી સાથે બહેનો કરી રહી છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, નાશિક, પુણે, હૈદરાબાદ, દિલ્હી, કર્ણાટક સહિતનાં શહેરોમાં અને રાજ્યોમાં અમે મધ મોકલીએ છીએ. અમારે ત્યાંથી વર્ષે દહાડે ચાર-પાંચ હજાર કિલો મધ નીકળે છે તેમ જ બીજાં આઉટલેટ્સ પરથી પણ મધ વેચાય છે.’ 
પહેલાં શાકભાજી, ચીકુ, શેરડી સહિતનાં ખેતીકામ કરીને ગુજરાન ચલાવતું આ કપલ કેવી રીતે મધના મધમીઠા વ્યવસાયમાં આવ્યું એની વાત કરતાં અશોક પટેલ કહે છે, ‘થોડાં વર્ષો પહેલાં બે છેડા ભેગા ન થાય એવું હતું. ખેતીના ધંધામાં એટલા પૈસા આવતા નહોતા. ખેતીમાં એ વખતે મંદી ચાલતી હતી. હું નેચર લવર છું. મધમાખીના પાલન વિશે જાણીને એમાં આગળ વધવામાં રસ પડ્યો. પહેલાં અમે મધમાખીનાં બૉક્સ લઈને ફરતા. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર જઈએ. જ્યાં ફૂલો હોય ત્યાં જગ્યા ભાડે રાખીને કામ કરતા. એક બૉક્સમાં અંદાજે ૨૦થી ૨૫ હજાર મધમાખી હોય છે. એવાં ચાર હજાર બૉક્સ અમારી પાસે છે. હાલમાં અમારી પાસે ૧૦ કરોડ જેટલી મધમાખીઓ છે. ગયા વર્ષે ૮૦ હજાર કિલો મધનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે બે લાખ કિલો મધનું ઉત્પાદન થાય એવી ધારણા છે. અમારે ત્યાં મહિલાઓ સહિત ૬૦ લોકો કામ કરે છે.’ 
પ્રકૃતિ મંદિર
તેમના ઘરને તેઓ પ્રકૃતિ મંદિર તરીકે ઓળખાવે છે એની વાત કરતાં અશોક પટેલ કહે છે, ‘મને પ્રકૃતિથી લગાવ છે. મારા ઘરને પ્રકૃતિ મંદિર તરીકે ડેવલપ કર્યું છે. ૨૦થી ૨૫ વ્યક્તિ રહી શકે એવું ટ્રી હાઉસ છે. ગાર્ડનિંગ છે જ્યાં પતંગિયાં આવે છે. ઘર પાસે તળાવ છે જ્યાં પ્લાન્ટેશન અને કિચન ગાર્ડન પણ છે. અમારે ત્યાં સ્કૂલ અને કૉલેજમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. આ વિદ્યાર્થીઓને મધમાખી ઉછેર, ખેતી, ફ્રૂટ પ્લાન્ટેશનનું પ્રૅક્ટિકલ જ્ઞાન અહીં મળે છે. અમારા વિસ્તારમાં સાપ બહુ હોય છે અને સાપ પણ પ્રકૃતિનો જ એક ભાગ છે એટલે એમને હાનિ ન પહોંચે એ રીતે રેસ્ક્યુ કરવાનું પણ શીખવવામાં આવે છે. અમે પ્રકૃતિનું જતન કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે બીજા લોકો પણ એ શીખે. અમારે ત્યાં સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ પ્રકૃતિની આ લેણદેણ કેવી રીતે થાય છે એ જાણવા-સમજવા અને શીખવા આવે છે. વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પ્રૅક્ટિકલ જ્ઞાન અહીંથી લઈને જાય એ અમારો હેતુ હોવાથી તેમને પ્રકૃતિની નિકટ લઈ જઈએ છીએ.’ 
ઑર્ગેનિક મધ
મધમાખીની અવેરનેસ માટે તેમ જ પ્રકૃતિ શિક્ષણનું કામ કરતા અને અનેક સંસ્થાઓ તેમ જ સ્કૂલ–કૉલેજોમાં પ્રકૃતિના લેક્ચર માટે જતા અશોક પટેલનો દાવો છે કે ‘અમારું ઑર્ગેનિક, અહિંસક અને સંપૂર્ણ શુદ્ધ મધ છે. અમે મધમાખીને મારતા નથી. એ જીવે ત્યાં સુધી પાળીએ છીએ. મધ કાઢ્યા પછી એને સનલાઇટમાં મૂકી દઈએ છીએ જેથી અશુદ્ધિ હોય તો એ ઉપર આવી જાય છે. અશુદ્ધિ કાઢીને મધને ગાળીને ભરી લઈએ છીએ.’ 
મધમાખીનો ઉછેર શીખવા માટે મામાનું ઘર
દક્ષિણ ગુજરાતમાં અસ્મિતા પટેલ અને અશોક પટેલનું નિવાસસ્થાન વિદ્યાર્થીઓમાં ‘મામાના ઘર’ તરીકે જાણીતું બન્યું છે. મધમાખી ઉછેર સહિત ઍગ્રિકલ્ચર અભ્યાસના ભાગરૂપે સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. હાલમાં તેમને ત્યાં વઘઈ ઍગ્રિકલ્ચર કૉલેજની ૧૬ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે.
વ્યારામાં રહેતી અને બીએસસી ઍગ્રિકલ્ચરના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી રિયા ભાલોડિયા કહે છે, ‘અમારે અભ્યાસમાં હનીબીનો સબ્જેક્ટ આવે છે એની ટ્રેઇનિંગ માટે અહીં આવ્યા છીએ. અહીં ફ્રૂટ-ક્રૉપ, કલમ, કિચન ગાર્ડન, પ્લાન્ટિંગ તેમ જ માર્કેટિંગનું કામ કેવી રીતે થાય છે, હનીબીમાં કૅપ્ચરિંગ કેવી રીતે થાય છે, મધ કેવી રીતે નીકળે, મધમાખીની એકમાંથી બીજી કૉલોની કેવી રીતે બનાવવી, મૉન્સૂનની સીઝનમાં મધમાખીને ફૂડ ન મળે તો કેવી રીતે ફૂડ અપાય જેવી ખૂબ નાની-નાની પણ રસપ્રદ વાતો શીખવા મળી. અમારી કૉલેજ તરફથી આ પ્રોગ્રામ છે. ટ્રી હાઉસમાં રહેવાનું હોય છે અને જાતે જ રસોઈ બનાવીએ છીએ. મારી સાથે મારી કૉલેજની ૧૬ સ્ટુડન્ટ્સ અહીં શીખવા આવી છે.’ 
ગોંડલથી વઘઈ ઍગ્રિકલ્ચર કૉલેજમાં અભ્યાસ કરવા આવેલી દૃષ્ટિ પાદરિયા તેનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘હનીનું કલેક્શન કેવી રીતે વધારવું, નર્સરીનું મૅનેજમેન્ટ કેવી રીતે કરવું, કસ્ટમર સાથે કેવી રીતે ડીલ કરવી એ સહિતની માર્કેટિંગ સ્કિલ અમને અહીં અશોકમામા અને અસ્મિતામામી પાસેથી શીખવા મળી છે. આ ઘરને બધા મામાનું ઘર કહે છે, કેમ કે અશોકભાઈ અને અસ્મિતાબહેન બધા વિદ્યાર્થીઓને એટલા પ્રેમથી રાખે છે કે બધા તેમને મામા–મામી કહીને બોલાવે છે. તેમના ઘરને ઇકો-પૉઇન્ટ તરીકે પણ બધા ઓળખે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2021 04:20 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK