Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

26 June, 2022 01:35 PM IST | Mumbai
Raj Goswami

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

ઉદ્ધવ v/s એકનાથ

ઉદ્ધવ v/s એકનાથ


ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે. હવે શિવસેનાની આ લડાઈ વિધાનસભામાં, કોર્ટમાં અને સડકો પર એમ ત્રણ જગ્યાએ લડાશે. એ ત્રણે માટે શિંદે ઍન્ડ કંપનીએ પાછા તો આવવું પડશે. તેઓ આસામમાં બેસીને મહારાષ્ટ્રમાં રાજ કરવાનું સપનું સાકાર નહીં કરી શકે

અટલ બિહારી વાજપેયી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આમ તો જોજનોનું અંતર છે, પરંતુ ૨૨ જૂને ઉદ્ધવે પાર્ટી અને રાજ્યના નાગરિકોને સંબોધ્યા ત્યારે ઘણા લોકોને વાજપેયીનું એ ભાષણ યાદ આવી ગયું હતું જે તેમણે ૧૯૯૬માં સંસદમાં તેમની સામે આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર આપ્યું હતું. તેમની પાસે બહુમત નહોતો અને તેમણે રાષ્ટ્રપતિને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું. ૩૧ મેના રોજ સંસદમાં એનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું...



‘મારા પર આરોપ છે કે હું સત્તાનો લાલચુ છું અને પાછલા ૧૦ દિવસમાં જે પણ કર્યું છે એ બધું સત્તા માટે કર્યું છે. ૪૦ વર્ષથી હું આ સદનનો સભ્ય છું. સભ્યોએ મારો વ્યવહાર જોયો છે. અમે ક્યારેય સત્તા માટે ખોટું કામ કરવા તૈયાર નથી થયા. હું કહી દઉં છું કે જો મારે પાર્ટી તોડીને સરકાર બનાવવી પડી તો એવી સત્તાને હું ચીપિયાથી પણ નહીં પકડું. સત્તાનો ખેલ ચાલતો રહેશે... સરકાર આવશે અને જશે, પાર્ટી બનશે અને બગડશે; પણ દેશનું લોકતંત્ર અમર રહેવું જોઈએ.’


શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં (અને ગુજરાત તેમ જ આસામમાં બીજેપી સરકારની પોલીસના સક્રિય સહયોગમાં) પાર્ટીના ૩૫ વિધાનસભ્યોએ ‘બળવો’ કર્યો એ પછી બુધવારે સાંજે એક લાઇવ ટેલિકાસ્ટ મારફત કોવિડગ્રસ્ત ઉદ્ધવ ઠાકરેએ જે રીતે મુખ્ય પ્રધાનપદ છોડવાની ઑફર કરી હતી એમાં વાજપેયી જેવો જ જુસ્સો હતો. તેમણે તેમના પિતા બાળ ઠાકરેની આક્રમક શૈલીથી વિપરીત સૌમ્ય અને લાગણીસભર ભાવથી કહ્યું હતું...

‘આપણે કૉન્ગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા હતા. ખુરશી છોડવાનું મને તેમણે નથી કહ્યું. મારા માટે દુઃખની વાત એ છે કે મારા પોતાના લોકોએ મારામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે. હું તો તેમને મારા ગણું છું. મને તેમના વિશે ખબર નથી. હું રાજીનામું આપવા તૈયાર છું, પણ મારી સામે આવો અને આંખમાં આંખ નાખીને કહો. મને કહી દો કે મારે રાજીનામું આપી દેવું જોઈએ અને હું આપી દઈશ. મને આ ખુરશી અનપેક્ષિત રીતે મળી હતી અને મારા લોકો કહેશે તો પાછી આપી દઈશ. લોકશાહીમાં સૌથી વધુ સંખ્યા જેની પાસે હોય તે શક્તિશાળી કહેવાય છે, પણ હું બધાને સમાન ગણું છું એટલે એક સભ્ય પણ જાય એને હું નિષ્ફળતા ગણું છું. આ મારું સૌથી મોટું સંકટ નથી. આપણે પાછા આવીશું અને ઘણાં સંકટોનો સામનો કરીશું. હું સંકટથી ભાગી જનારાઓમાં નથી.’


મહારાષ્ટ્રની સરકારનું શું થાય છે એ એક બીજો મુદ્દો છે, પરંતુ જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરેનો પ્રશ્ન છે ત્યાં સુધી તેમણે જે શુદ્ધતા અને ઈમાનદારી બતાવી છે એ ભારતની ગંદી રાજનીતિમાં એક તાજગી સમાન છે. કોરોનાની મહામારી વખતે ઉદ્ધવે જે નિષ્ઠાથી વહીવટ કર્યો હતો એનાં બહુ લોકો વખાણ કર્યાં હતાં અને બુધવારના તેમના ભાષણ પછી ઘણા લોકોમાં તેમના માટે માન વધી ગયું છે. એવા કેટલા નેતા તમને યાદ છે જેઓ તેમનું સરકારી નિવાસસ્થાન તાબડતોબ ખાલી કરે દે? ઉદ્ધવે તેમનું ભાષણ ખતમ કર્યું એ પછી રાતે મુખ્ય પ્રધાનનું અધિકૃત નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો ખાલી કરી દીધો હતો.

તેમની પાસે સંખ્યાબળ નહોતું એટલે તેમણે યેનકેન પ્રકારેણ ખુરશી જાળવી રાખવા કોઈ પ્રયાસ નથી કર્યો. એને બે રીતે જોઈ શકાય : સંખ્યાબળની રાજનીતિમાં એને અણઆવડત કહેવાય. પાર્ટીમાં અસંતોષ હતો અને સાગમટે આટલા બધા વિધાયકો સુરત જતા રહ્યા એ એક મુખ્ય પ્રધાનને ખબર ન પડી અને તેઓ ગાફેલ રહ્યા એવું કહેવાય. બીજી બાજુ પિચ પર વિરોધીઓ અને અસંતુષ્ટો દ્વારા અંચઈ થતી હોય તો પણ એમાં સામેલ થયા વગર નિયમપૂર્વક જ રમવું એ અંગત શુદ્ધતાનું પ્રતીક છે. વાજપેયીએ આવી જ રીતે અંચઈ કરવાની ના પાડી દીધી હતી. ઉદ્ધવે પણ એવો જ રસ્તો અપનાવ્યો છે એની પ્રશંસા તો બને છે.

એટલા માટે જ તેમણે પડદા પાછળ ખેલ પાડવાને બદલે ફેસબુક લાઇવ થઈને વિધાયકોને સીધા જ સંબોધવાનું મુનાસિબ માન્યું હતું. તેમની વાતમાં અને અવાજમાં એક પ્રામાણિક અપીલ હતી. તેમને ખબર હતી કે તેઓ શિવસેનાના ઇતિહાસમાં સૌથી મોટા બળવાનો સામનો કરી રહ્યા હતા. અગાઉ શિવસેનાએ રાજ ઠાકરે, છગન ભુજબળ અને નારાયણ રાણેનો વિદ્રોહ જોયો હતો. સંખ્યાબળ તેમના પક્ષમાં નહોતું એટલે જ ઉદ્ધવે શિવસેના અને બાળાસાહેબના વારસાના સમ આપીને પાર્ટીના હિતમાં ખુરશી છોડી દેવાની ઑફર કરી હતી. 

ત્રણ દાયકા પહેલાં ૧૯૯૨માં ખુદ બાળાસાહેબ ઠાકરેએ પણ આવી જ રીતે ઑફર કરી હતી. તેમની કામ કરવાની પદ્ધતિને લઈને શિવસેનામાં નારાજગી હતી. ખાસ તો શિવસેનાના જૂના જોગી માધવ દેશપાંડેએ જ એ સવાલ ઉઠાવીને આરોપ મૂક્યો હતો કે તેમનો ભત્રીજો રાજ ઠાકરે અને દીકરો ઉદ્ધવ ઠાકરે પાર્ટીમાં બહુ દખલઅંદાજી કરે છે. 

એનાથી વિચલિત થયેલા બાળાસાહેબે પાર્ટીના મુખપત્ર ‘સામના’માં એક લેખમાં કહ્યું હતું, ‘જો એક પણ શિવસૈનિક મારા કે મારા પરિવારની વિરુદ્ધ થઈ જાય અને કહે કે તમારા કારણે અમે પાર્ટી છોડી દીધી છે તો મારે આ મિનિટે જ શિવસેનાનું અધ્યક્ષપદ છોડી દેવું છે. મારો પૂરો પરિવાર શિવસેના છોડી રહ્યો છે.’

એના પગલે પાર્ટીમાં ઘમસાણ મચી ગયું હતું. બધા વિરોધ અને ફરિયાદો બાજુએ મૂકીને બાળાસાહેબને મનાવવા માટે કવાયત ચાલી હતી. અમુક શિવસૈનિકોએ તો આત્મવિલોપનના પ્રયાસ કર્યા હતા. છેલ્લે ઘીના ઠામમાં ઘી એવું પડ્યું કે બાળાસાહેબ જીવ્યા ત્યાં સુધી કોઈએ ચૂં કે ચાં ન કરી.

ઉદ્ધવની અપીલ કેમ કારગત ન નીવડી?
ઉદ્ધવ ઠાકરેએ પણ પિતાની જેમ ઇમોશનલ અપીલ કરીને બળવાખોર વિધાયકોના હૃદયપરિવર્તનની કોશિશ કરી હતી, પરંતુ એની ધારી અસર પડી નહોતી. ઇન ફૅક્ટ, ૩૫ વિધાયકો સુરતથી ગુવાહાટી પહોંચ્યા અને ઉદ્ધવે ફેસબુક લાઇવ પર તેમને અપીલ કરી એ પછી પણ બીજા વધુ વિધાયકો ગુવાહાટીમાં બળવાખોર છાવણીમાં જઈને બેઠા હતા. 
વાસ્તવમાં ઉદ્ધવના ભાષણ સુધી એવું લાગતું હતું કે આ બળવો મુખ્ય પ્રધાન સામે છે. ખુદ ઉદ્ધવે જે રીતે અંગત સંદર્ભો આપીને વાત કરી હતી એમાં તેમને પણ એવું જ લાગતું હતું કે આ બધી મગજમારી મુખ્ય પ્રધાનની ખુરશી માટેની છે અને હું ખસી જઈશ તો નારાજગી દૂર થઈ જશે. જોકે તેમના ભાષણ પછી બળવાખોર જૂથ તરફથી (ટ્વીટ મારફત) એવા સંકેત આવવા લાગ્યા કે આ બળવો મુખ્ય પ્રધાન સામે નથી, આ બળવો એનસીપી અને કૉન્ગ્રેસ સાથે શિવસેનાના ગઠબંધન સામે છે અથવા વધુ સ્પષ્ટ રીતે કહીએ તો બળવાખોર વિધાયકો શિવસેનાએ હિન્દુત્વને પડતું મૂક્યું એટલે નારાજ હતા અને આ ‘અપવિત્ર’ ગઠબંધન તોડવા માગતા હતા.

૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાની સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે મુખ્ય પ્રધાનપદ અને અન્ય મહત્ત્વના વિભાગોને લઈને મતભેદો થતાં ઉદ્ધવ ઠાકરેએ બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને મહાવિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું હતું. શિવસેનાએ બિનસાંપ્રદાયિક દળો સાથે સત્તાની ગોઠવણ કરી એનાથી બીજેપીને તો ચચરી જ ગઈ હતી અને એનો બદલો લેવાની ફિરાકમાં એ હતી (૨૦૧૯માં એનસીપીના ડેપ્યુટી મુખ્ય પ્રધાન અજિત પવાર બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને સરકાર રચવા સુધી પહોંચી ગયા હતા). બીજી તરફ બાળાસાહેબના કટ્ટર હિન્દુત્વના અનુયાયીઓને ઉદ્ધવનું ‘સૉફ્ટ હિદુત્વ’ માફક આવતું નહોતું. તેમને લાગતું હતું કે શિવસેનાનું મૌલિક વ્યક્તિત્વ એનસીપી-કૉન્ગ્રેસના સંગથી કલંકિત થઈ રહ્યું છે. 

શિવસેનાના બુનિયાદી મરાઠી મતદારોમાં એવી લાગણી પ્રબળ બની હતી કે બાળાસાહેબની કટ્ટર હિન્દુત્વની વિચારધારાથી શિવસેના છૂટી પડી ગઈ છે અને સત્તા માટે એનસીપી-કૉન્ગ્રેસની વિરોધી નૌકામાં બેસી ગઈ છે. અઠવાડિયા પહેલાં જ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ અયોધ્યાની મુલાકાત લીધી હતી એની પાછળ શિવસેનાનો સંકેત એ જ હતો કે એ હજી પણ હિન્દુત્વની રક્ષક છે. ઇન ફૅક્ટ, એ મુલાકાતમાં એકનાથ શિંદેને સાથે રાખવામાં આવ્યા નહોતા એ પણ નારાજગીનું એક કારણ છે. 

એટલે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની ઑફર કરી તો એકનાથ શિંદેએ વળતી માગણી એવી કરી કે હિન્દુત્વની વિચારધારાની રક્ષા કરવા માટે શિવસેનાએ એનસીપી સાથેનો સંબંધ કાપી નાખવો જોઈએ. ઉદ્ધવના ભાષણ પછી શિંદેએ ટ્વીટ કરી હતી કે મહાવિકાસ આઘાડીના ગઠબંધનનો ફાયદો માત્ર એના સાથી પક્ષોને થઈ રહ્યો છે અને સેનાના કાર્યકરોને નુકસાન થઈ રહ્યું છે.
સૉફ્ટ હિન્દુત્વના શિંદેના આરોપ પર ઉદ્ધવે એવી સ્પષ્ટતા કરી હતી કે સેના અને હિન્દુત્વ કાયમ બરકરાર છે. ન સેનાને હિન્દુત્વથી અલગ કરી શકાય કે ન તો હિન્દુત્વને સેનાથી અલગ કરી શકાય. શિંદે અને તેમના સમર્થકોનો બળવો એ વાતની સાબિતી છે કે એનસીપી-કૉન્ગ્રેસના સંગમાં અઢી વર્ષથી શિવસેનાએ જે નરમ અભિગમ અપનાવ્યો હતો એ પાર્ટીના મૂળ સ્વભાવથી અલગ હતો અને શિવસૈનિકો દિશાવિહીન અનુભવ કરતા હતા. 

એકનાથ શિંદેએ પણ તેમને સત્તાની ભૂખ છે એવો સંદેશો ન જાય અને પૂરી સેનાનું સમર્થન મળે એ માટે હિન્દુત્ત્વની ઢાલ આગળ ધરી છે. ‘બાળ ઠાકરે ઍન્ડ ધ રાઇઝ ઑફ શિવસેના’ પુસ્તકના લેખક વૈભવ પુરંદરે એક ટીવી-મુલાકાતમાં કહે છે, ‘આ વિદ્રોહથી પાર્ટીની નેતાગીરી પર સવાલ ઊભા થયા છે. જે રીતે પાર્ટી કામ કરી રહી છે, જે મુદ્દા પાર્ટીએ ઉઠાવ્યા છે, જે પાર્ટીઓ સાથે સેનાએ ગઠબંધન કર્યું છે એના પર અને ગઠબંધન પહેલાં સેનાએ વિધાયકોને વિશ્વાસમાં લીધા હતા, શું સેના ઠાકરે પરિવારના અમુક લોકો ચલાવી રહ્યા છે એ સવાલો પણ પુછાઈ રહ્યા છે.’

શિવસેના કોની?
શિંદેનો કૅમ્પ જે સંકેતો આપી રહ્યો હતો એ પ્રમાણે સાચી શિવસેના કઈ? ઉદ્ધવ ઠાકરે પાસે છે એ કે શિંદે પાસે જે જૂથ છે એ? એવો પ્રશ્ન ઊભો થયો હતો. શિંદે એક જૂથ વતીથી કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બોલતા નહોતા. તેઓ આખી શિવસેના વતી એનસીપી-કૉન્ગ્રેસ વિરુદ્ધ બોલતા હતા અને ઉદ્ધવને પણ એ જ અપીલ કરી હતી. 

આનું એક કારણ છે. શિંદે જો શિવસેના પાર્ટી તોડે તો તેમના પર પક્ષાંતરવિરોધી કાનૂન લાગુ પડે અને વિધાયકો ગેરબાતલ ઠરે. એમાંથી બચવા માટે શિવસેનાએ બીજેપી સાથે હાથ મિલાવવા પડે. શિંદે ઉદ્ધવને મહાવિકાસ આઘાડી છોડવાનું કહેતા હતા એનું કારણ જ એ છે કે તેમને બીજેપીનું સમર્થન હતું. આખી ને આખી શિવસેના જો બીજેપી સાથે ગઠબંધન કરે તો કાનૂની ગૂંચ ઊભી ન થાય. એટલા માટે એકનાથ શિંદેએ નવો ચોકો બનાવવાનો ખેલ નથી કર્યો. તેમણે ઉદ્ધવ સહિત તમામ સેના વિધાયકોને અપીલ કરી છે કે તમે મને સપોર્ટ કરો, મને બીજેપીનો સપોર્ટ છે અને આપણે સરકારમાં ચાલુ રહીશું. 

લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પીડીટી આચાર્યએ ‘સ્ક્રૉલ’ પોર્ટલને કહ્યું હતું કે ‘અસલી શિવસેના કઈ છે એ ચૂંટણી પંચ દ્વારા નક્કી થશે. પાર્ટીનાં જ્યારે બે ફાડિયાં થાય અને બંને પક્ષ ઓરિજિનલ હોવાનો દાવો કરે ત્યારે મામલો ચૂંટણી પંચ પાસે જાય. શિવસેનાને ચૂંટણી પંચે માન્યતા આપી છે એટલે સ્વાભાવિક રીતે જ પંચ જ એ નક્કી કરશે કે અસલી પાર્ટી કઈ છે. વિધાયકો કે સ્પીકરની એમાં કોઈ ભૂમિકા નથી.”

આચાર્યના મતે રાજ્યમાં ઊભા થયેલાં રાજકીય સંકટમાં ત્રણ સંભવાનાઓ છે:
1. સરકાર વિધાનસભાને બરખાસ્ત કરવાની રાજ્યપાલને ભલામણ કરી શકે છે. મહાવિકાસ આઘાડીનો બહુમત પુરવાર થયેલો છે એટલે રાજપાલે આ ભલામણ સ્વીકારવી પડે.
2. બીજેપીના વિધાયકો સાથે એકનાથ શિંદે રાજ્યપાલ પાસે જઈને એવું કહી શકે કે શિવસેનાએ મહાવિકાસ આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. એ પછી રાજ્યપાલ મુખ્ય પ્રધાનને બહુમત સાબિત કરવા કહે. જો બહુમત સાબિત ન થાય તો રાજ્યપાલ વિરોધ પક્ષને સરકાર રચવા આમંત્રણ આપે.
3. શિવસેના વિધાયકોની બેઠક બોલાવે અને છૂટા પડેલા વિધાયકો એમાં હાજર ન રહે તો એવું જાહેર કરે કે તેમણે પાર્ટીનું સભ્યપદ છોડી દીધું છે. એવું થાય તો એ વિધાયકો ગેરલાયક ઠરે. એવું ન થાય એ માટે સેનાના બે-તૃતીયાંશ વિધાયકોએ બીજેપીમાં જોડાઈ જવું પડે. આ વિચિત્ર પ્રસ્તાવ છે. એટલે પ્રશ્ન એ થાય કે અસલી પાર્ટી કઈ?

જોકે શિંદે જૂથે ૩૫ વિધાયકોના હસ્તાક્ષરવાળો એક પત્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને આપીને શિવસેનાના મુખ્ય વ્હીપને બદલ્યા હોવાનો દાવો કર્યો છે. સાથે જ જૂથે શિવસેનાના ચૂંટણી-પ્રતીક ‘તીર-કામઠા’ પર પણ દાવો કર્યો છે. 

એક વાત ચોક્કસ છે. શિવસેના પહેલાં જે હતી એવી હવે રહેવાની નથી. સેના-સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન પછી જ સેના કમજોર પડવાની શરૂઆત થઈ હતી. એને સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો હતો જ્યારે ૨૦૦૫માં રાજ ઠાકરેએ ઉદ્ધવથી અલગ થઈને સમાંતર સેનાની રચના કરી હતી. ૧૯૯૦માં છગન ભુજબળે ૧૮ વિધાયકો સાથે છે એવો દાવો કરીને બળવો કર્યો હતો. ૨૦૦૫માં નારાયણ રાણેએ ૪૦ વિધાયકોના કથિત સમર્થન સાથે બળવો કર્યો હતો. આ વખતે એકનાથ શિંદેએ માત્ર બળવો જ નથી કર્યો. તેમણે શિવસેના પર જ કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. 
કમજોરીનું મૂળ કારણ એ છે કે ૫૦ વર્ષના અસ્તિત્વ પછી પણ શિવસેના એકહથ્થુ શાસનવાળી પાર્ટી જ રહી છે. એ એક સંગઠનથી આગળ વધીને એક પરિપક્વ રાજકીય તાકાત બની શકી નથી. કોઈ પણ સંગઠન અથવા રાજકીય પક્ષમાં નિર્ણયો લેવાની પ્રક્રિયા કેવી છે એના પર એની પ્રગતિનો આધાર હોય છે. એમાં જ્યારે એકથી વધુ નેતાઓ અને હજારો કાર્યકરો જોડાયેલા હોય ત્યારે એમાં સૌનો અવાજ સંભળાતો હોય એવી નિર્ણય-પ્રક્રિયા હોવી જોઈએ. શિવસેનાની આ પહેલા જ દિવસથી ખામી રહી છે કે એમાં ઠાકરે પરિવાર જ બધા નિર્ણયો લેતો હતો અને બીજાઓએ એનો આંખ બંધ કરીને અમલ કરવાનો હતો.

બાળ ઠાકરે હતા ત્યાં સુધી તો તેમના અંગત કરિશ્માને કારણે એ રીત કારગત રહી, પરંતુ તેમના ગયા પછી નિયમિત રીતે એની કૅડરમાં એવી લાગણી મજબૂત થતી ગઈ કે તેમને કશું પૂછવામાં આવતું નથી. સેનામાં અત્યાર સુધી જે બળવા થયા છે એનું મૂળ કારણ જ એ છે કે સરકાર ચલાવવામાં, જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવામાં, પક્ષનો વ્યાપ વધારવામાં કે ઈવન સેનાને રાજ્યના સીમિત દાયરામાંથી બહાર કાઢવા જેવી મહત્ત્વાકાંક્ષી બાબતોમાં ન તો કોઈને પૂછવામાં આવતું હતું કે ન તો કશું કહેવામાં આવતું હતું. 

જોકે વિધાયકોના બળવાના શરૂઆતના આઘાતમાંથી ઉદ્ધવ ઠાકરે બે દિવસ પછી બહાર આવી ગયા છે અને શરદ પવારના સાથસહકાર અને સમજ પ્રમાણે તેઓ એકનાથ શિંદેની અસલી તાકાતને વિધાનસભાના ફ્લોર પર માપવા માટે કમર કસી રહ્યા છે. 

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે. હવે મહારાષ્ટ્રની શિવસેનાની આ લડાઈ વિધાનસભામાં, કોર્ટમાં અને સડકો પર એમ ત્રણ જગ્યાએ લડાશે. એ ત્રણે માટે શિંદે ઍન્ડ કંપનીએ પાછા તો આવવું પડશે. એ આસામમાં બેસીને મહારાષ્ટ્રમાં રાજ કરવાનું સપનું સાકાર નહીં કરી શકે. 

આ કારણોથી બળવો થયો

થાણેમાંથી શિવસેનાના વિધાયક અને અર્બન ડેવલપમેન્ટ ઍન્ડ પબ્લિક વર્ક્સ પ્રધાન એકનાથ શિંદે ૧૯૯૭થી સેનામાં કાર્યરત છે. ત્યારથી લઈને તેમણે પાર્ટીમાં, વિધાનસભામાં અને સરકારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૧૯થી મહાવિકાસ આઘાડી સરકારમાં તો તેમને મહત્ત્વનું કામ મળ્યું હતું, પરંતુ પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હતી. મહત્ત્વના નિર્ણયોમાં તેમને પૂછવામાં આવતું નહોતું. ઉદ્ધવ તેમના પસંદગીના વિશ્વાસુઓ સાથે પાર્ટી ચલાવતા હતા. શિંદેને કદ પ્રમાણે વેતરાઈ ગયાનો અહેસાસ થતો હતો એ તેમના બળવા માટે પ્રમુખ કારણ છે.

શિંદેએ ટ્વિટર પર દાવો કર્યો હતો તેઓ બાળ ઠાકરેના અનુયાયી છે અને રાજકીય ફાયદા માટે ક્યારેય એમાં સમાધાન નહીં કરે. આમાં ઉદ્ધવ પ્રત્યે શ્લેષ છે, કારણ કે ઉદ્ધવે સત્તા મેળવવા માટે હિન્દુત્વ સાથે છેડો ફાડીને બિનસાંપ્રદાયિક પક્ષોનો સાથ લીધો હતો.

એકનાથ શિંદેની નારાજગીનું એક કારણ એવું મનાય છે કે તેમને પાર્ટીમાં તેમની ઉપેક્ષા થતી હોવાનું લાગતું હતું. તેમને અને તેમના સમર્થકોને લાગતું હતું કે શિવસેનામાં પેઢીગત બદલાવ (આદિત્ય ઠાકરે એવું વાંચવું) આવી રહ્યો હતો અને ઘણા સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. અઠવાડિયા પહેલાં જ વિધાનપરિષદની ચૂંટણીને લઈને શિંદેને આદિત્ય તેમ જ સંજય રાઉત સાથે બોલાચાલી પણ થઈ હતી.

એક ચર્ચા સુરક્ષા-કવચને લઈને પણ છે. શિંદેને ઝેડ સિક્યૉરિટી કવર હતું, પરંતુ તેમને અન્ય મોટા નેતાઓની જેમ ઝેડ-પ્લસ કવરની ખ્વાહિશ હતી. કહે છે કે તેમણે એ માગણી કરી હતી, પરંતુ એની ઉપેક્ષા કરવા આવી હતી.

મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલો અને ઉદ્ધવ ઠાકરેના પારિવારિક નિવાસ ‘માતોશ્રી’માં અમુક જ લોકોને અવરજવર રહેતી હતી એવી એક ફરિયાદ છે. ઉદ્ધવે તેમના ભાષણમાં આ ઉલ્લેખ પણ કર્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એ વાત ખોટી છે. ઇન ફૅક્ટ, તેમણે બંગલો ખાલી કર્યો ત્યારે બળવાખોર જૂથના એક નેતાએ કહ્યું પણ હતું કે બહુ વખત પછી ‘વર્ષા’ના દરવાજા ખુલ્લા જોવા મળ્યા.

એક કારણ શરદ પવારની રાષ્ટ્રીય કૉન્ગ્રેસ પાર્ટી હતી. શિંદે સહિત અનેક નેતાઓને એવું લાગતું હતું કે સરકારમાં એનસીપીનું જ બહુ ચાલે છે અને સેનાના નેતાઓને તેમના ભવિષ્યને લઈને ચિંતા થાય છે.

બીજેપી કા સાથ, શિંદે કા વિકાસ

ભારતીય જનતા પાર્ટીની મદદ વગર એકનાથ શિંદે આટલા બધા વિધાયકોને અલગ લઈને ઊભા થઈ ગયા હોત? વરિષ્ઠ મરાઠી પત્રકાર ગિરીશ કુબેર એક જગ્યાએ લખે છે, ‘શિંદેએ હિન્દુત્વ પર પ્રેમ ઊભરાઈ આવ્યો છે એટલે શિવસેના તોડી છે એવું માનવું નાદાની કહેવાય. શિંદે અને તેમના સમર્થકોને બીજેપીએ લલચાવ્યા છે એવો સેનાનો આરોપ અસ્થાને નથી. શિવસેનાએ એનસીપી-કૉન્ગ્રેસ સાથે ગઠબંધન કર્યું એનું અપમાન બીજેપી ભૂલી નહોતી. એનો બદલો લેવા માટે બીજેપીએ બે રીત અપનાવી હતી. એક તો તેઓ નિયમિત રીતે મહાવિકાસ આઘાડીના પ્રધાનોને ભ્રષ્ટાચારના કેસો કરવાની બીક બતાવતા રહ્યા હતા. બીજી બાજુ તેઓ સેનાના અમુક નેતાઓમાં ‘ઇન્વેસ્ટમેન્ટ’ કરી રહ્યા હતા. એમાં એક એકનાથ શિંદે હતા. શિંદે પાસે અર્બન અને રોડ ડેવલપમેન્ટનો સૌથી માલદાર વિભાગ હતો. કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટવાળા આ વિભાગમાં બીજેપીને કેમ કોઈ ભ્રષ્ટાચાર ન દેખાયો?’

‘બીજેપી ચિત્રમાં ક્યાંય નથી’ એવું ચિત્ર ઊભું થયું છે એનું એકમાત્ર કારણ ૨૦૧૯માં થયેલો અજિત પવારનો ફિયાસ્કો છે. બીજેપીને છેહ દઈને સેનાએ મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી ત્યારથી મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ભવિષ્યવાણી ભાખતા હતા કે સરકાર ગમે ત્યારે પડી જશે. અત્યારે તે એવું કહે છે કે ‘આ શિવસેનાનો અંદરનો મામલો છે.’ વાસ્તવમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપીના અજિત પવારને સાધીને વહેલી સવારે શપથ લઈ લીધા હતા, પરંતુ શરદ પવારની કુનેહને કારણે બે દિવસમાં એ સરકાર પડી ભાંગી હતી અને અજિત પવાર પાછા આવતા રહ્યા હતા. એમાંથી શીખ લઈને આ વખતે બીજેપીએ સંપૂર્ણપણે પડદા પાછળ રહેવાનું નક્કી કર્યું છે. બાકી શિંદેને ગુજરાત-આસામમાં આવવા-રહેવાની, પોલીસ-સુરક્ષાની અને મહાવિકાસ આઘાડીની સરકારને પાડવા માટેની રાજકીય મદદ બીજેપી જ પૂરી પાડી રહી છે એવું સૌ માને છે. ફરક એટલો જ છે કે બીજેપીના એક પણ નેતાને એક પણ જાહેર ટિપ્પણી કરવાની ના ફરમાવવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 01:35 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK