° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


ઉદ્ધવ : રમત હારી ગયા, દિલ જીતી ગયા

03 July, 2022 08:57 AM IST | Mumbai
Raj Goswami

એનસીપીના અજિત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગુવાહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરાય કચાશ રહી નહોતી

ઉદ્ધવ : રમત હારી ગયા, દિલ જીતી ગયા

ઉદ્ધવ : રમત હારી ગયા, દિલ જીતી ગયા

વડા પ્રધાન જર્મનીમાં લોકશાહીનાં ગુણગાન ગાતા હતા ત્યારે મહારાષ્ટ્રમાં એનું છડેચોક હરણ થઈ રહ્યું હતું. ૨૦૧૯માં ૮૦ કલાક માટે બીજી વાર મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે ત્યારે કહ્યું હતું કે ‘મી પુન્હા યેઇન’ (હું પાછો આવીશ). એ વખતે તો એનસીપીના અજિત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગુવાહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરાય કચાશ રહી નહોતી

ગ્રુપ ઑફ સેવન (જી-7) દેશોની શિખરમંત્રણામાં ભાગ લેવા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં કહ્યું હતું કે ‘આપણે ભારતીયો ક્યાંય પણ રહેતા હોઈએ, આપણી લોકશાહીનું કાયમ ગૌરવ કરીએ છીએ. દરેક ભારતીય ગર્વથી કહે છે કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, આહાર, વેશભૂષા, સંગીત અને પરંપરાનું વૈવિધ્ય આપણી લોકશાહીને જીવંત બનાવે છે. ભારતે એ બતાવ્યું છે કે લોકશાહી કારગત નીવડે છે.’
જી-7  મંત્રણા પછી ‘રિઝિલિયન્ટ ડેમોક્રસી’ નામનું એક સ્ટેટમેન્ટને રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં લોકશાહીને મજબૂત કરવા અને ઑનલાઇન-ઑફલાઇન અભિવ્યક્તિનું રક્ષણ કરવા માટે તમામ દેશોએ હામી ભરી હતી. વડા પ્રધાન જ્યારે પરદેશમાં લોકશાહીનાં વખાણ કરતા હતા ત્યારે ભારતમાં બે ઘટના બની જે લોકશાહી માટે ચિંતાજનક છે. એક, મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાવિકાસ આઘાડી સરકારના સહયોગી પક્ષ શિવસેનાના વિધાયકોનું એક જૂથ પહેલાં સુરત અને પછી ગુવાહાટી નાસી ગયું અને ત્યાંથી દાવો કર્યો કે તેમણે આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે. 
બીજી ઘટના ઉદયપુરમાં બની. ભારતીય જનતા પાર્ટીની (હવે સસ્પેન્ડેડ) પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર માટે અમુક વિધાનો કર્યાં એ પછી દેશ-દુનિયામાં એના પડઘા પડ્યા હતા. એમાં ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશ્યલ મીડિયા પોસ્ટ મૂકવા બદલ એક હિન્દુ દરજીની બે મુસ્લિમોએ હત્યા કરી નાખી અને પછી અપરાધનો એકરાર કરતો વિડિયો જારી કર્યો. ભારતમાં ઘણા વખતથી હિન્દુ-મુસ્લિમ સોહાર્દ ડહોળાયેલું છે. એને લઈને દેશમાં અનેક ઘટનાઓ સતત બનતી આવી છે. ઉદયપુરની ઘટના ઘણી આઘાતજનક હતી. 
મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરતાં એમ પણ કહ્યું કે ‘આ  શરમજનક અને દુખદ ઘટના છે. દેશમાં અત્યારે તનાવનું વાતાવરણ છે. પીએમ અને અમિત શાહ દેશને કેમ સંબોધતા નથી? લોકોમાં દહેશત છે. પીએમએ લોકોને સંબોધવા જોઈએ અને શાંતિની અપીલ કરીને કહેવું જોઈએ કે આવી હિંસા ચલાવી નહીં લેવાય.’
દેશના અલગ-અલગ ભાગોમાં હિંસાની અને નફરતની જે ઘટનાઓ બનતી રહી છે એ જોતાં દેશના વડા તરીકે નરેન્દ્ર મોદી કોમી સદ્ભાવની અપીલ કરે એ ઇચ્છનીય જ નહીં, અનિવાર્ય છે. વિદેશમાં જઈને લોકશાહી અને સહિષ્ણુતાનો ગર્વ લેવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી એનું જતન કરવા માટે નક્કર પગલાં લેવાનું છે. નૂપુર શર્માનો વિવાદ થયો ત્યારે પણ વિરોધ પક્ષોએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે તેઓ તેમનું મૌન તોડે. 
ઉદ્ધવની શાલીનતાથી વિદાય
વડા પ્રધાન જર્મનીમાં લોકશાહીનાં ગુણગાન ગાતા હતા ત્યારે મહારાષ્ટ્રમાં એનું છડેચોક હરણ થઈ રહ્યું હતું. ૨૦૧૯માં ૮૦ કલાક માટે બીજી વાર મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે ત્યારે કહ્યું હતું કે ‘મી પુન્હા યેઇન’ (હું પાછો આવીશ). એ વખતે તો એનસીપીના અજિત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગુવાહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરાય કચાશ રહી નહોતી. આ વખતે એવી રીતે પાછા આવ્યા કે શિવસેનાના વિધાયક દળને જ ઉપાડી ગયા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લઘુમતીમાં મૂકી ગયા. 
અંગ્રેજીમાં કહે છે કે રિવેન્જ સ્વીટ હોય છે. ૨૯ જૂનની રાતે સુપ્રીમ કોર્ટે ૨૪ કલાકમાં વિધાનસભામાં વિશ્વાસ લેવા માટે રાજ્યપાલે કરેલા આદેશ સામે ઉદ્ધવ ઠાકરેના જૂથને મનાઈહુકમ ન આપ્યો અને ઠાકરેએ ફેંસલાને માથે ચડાવીને રાજ્યપાલને રાજીનામું આપી દીધું ત્યારે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ફડણવીસને મોઢું મીઠું કરાવતા હોય એવો એક ફોટો ફ્લૅશ થયો હતો.  
નંબરની રમતમાં પડવાને બદલે અથવા વિદ્રોહી વિધાયકોને સામ-દામ-દંડ-ભેદથી પાછા માતોશ્રીમાં લાવવાની કવાયતમાં પડવાને બદલે ઉદ્ધવે શાલીનતાથી જતા રહેવાનું પસંદ કર્યું. જે લોકશાહી માટે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે એનું રક્ષણ કરવા માટે ઉદ્ધવે રાજ્યપાલ કોશ્યારીનો આભાર પણ માન્યો! એ શ્લેષ સમજાય એવો હતો. 
ઉદ્ધવ ઠાકરે રાજનીતિની રમત હારી ગયા, પરંતુ નૈતિક રહીને દિલ જીતી ગયા છે. ઉદ્ધવના જાની દુશ્મનો પણ એ વાતની ગવાહી આપશે કે અઢી વર્ષનો તેમનો કાર્યકાળ ખરાબ નહોતો. તો લોકશાહીનું ગૌરવ શેમાં હતું? તેમના અઢી વર્ષના એ કાર્યકાળમાં કે પછી તેમના વિધાયકોને બહાર મોકલી દઈને તેમને બહુમત સિદ્ધ કરવાનું કહેવામાં? જતાં-જતાં ઉદ્ધવ શિવસેનાના કાર્યકરોને કહેતા ગયા કે ‘આવતી કાલે નવી લોકશાહીનો જન્મ થશે, નવી શરૂઆત થશે. નવી સરકાર બને ત્યારે અવરોધ ઊભો ન કરતા.’
લોકશાહીની ‘હત્યા’ શબ્દ બોદો બની ગયો છે
લોકશાહીનું જતન કરવાની જવાબદારી નેતાઓની છે, કારણ કે ભારતમાં લોકશાહીનો વિચાર આઝાદીના ઘડવૈયાઓના મનમાં આવ્યો હતો. તેમણે જનતાને કહ્યું હતું કે આ તમારા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે અને જનતાએ એનો સ્વીકાર કર્યો હતો. એટલા માટે ભારતની લોકશાહીને ટૉપ ડાઉન - ઉપરથી આવેલી વ્યવસ્થા કહેવાય છે. દેશના લોકો એટલા ગરીબ અને અભણ છે કે તેમના માટે તેમની રોજી-રોટી સૌથી મોટી પ્રાથમિકતા છે. એવા સંજોગોમાં નેતાઓની એ ફરજ બને છે કે તેઓ લોકશાહીનાં મૂલ્યોની રક્ષા કરે. 
મહારાષ્ટ્રમાં જે થયું એને લોકશાહીની હત્યા કહેવી અતિશયોક્તિ નથી (‘લોકશાહીની હત્યા’ એ શબ્દ એટલી વાર વપરાઈ ગયો છે કે એ હવે બોદો બની ગયો છે). રાજકારણની અને લોકપ્રતિનિધિત્વના કાયદા-કાનૂનની આંટીઘૂંટીઓ આગળ ધરીને કોઈ એને ભલે શિવસેનામાં બળવો કહીને ઉચિત ઠેરવે, પણ મોટા ભાગના લોકોને ખબર જ છે કે એની પાછળ સામ-દામ-દંડ-ભેદનાં અનેક પરિબળો કામ કરી ગયાં છે. આવું પહેલી વાર થયું છે? ના, ભારતીય રાજકારણમાં એવાં અનેક પ્રકરણો છે જ્યાં સત્તા માટે આનાથી વરવા ખેલ થયા છે. ‘આયારામ-ગયારામ,’ ‘હૉર્સટ્રેડિંગ’ અને ‘ભાવતાલ’ આજકાલના શબ્દો નથી. 
ભારતમાં છેલ્લાં ૭૦ વર્ષમાં એક બાબત જો નિરંતર ‘પ્રગતિ’ કરી રહી હોય તો એ છે રાજકારણની અનૈતિકતાની. આપણા રાજકારણની ગુણવત્તાનું દિનપ્રતિદિન પતન થઈ રહ્યું છે. રાજકારણ માટે એક સભ્ય શબ્દ ‘રાજનીતિ’ છે જેનો અર્થ થાય છે શાસન કરવાની નીતિ. મતલબ કે શાસનવ્યવસ્થામાં નીતિ, નિયમ અને નૈતિકતા હોવી જોઈએ. આપણે જે જોઈ રહ્યા છે એમાં આ ત્રણેની ગેરહાજરી છે. આપણે જેને જોઈ રહ્યા છીએ એ રાજનીતિ નથી, રાજઅનીતિ છે. 
તમને યાદ છે કે આપણા પહેલા રેલવેપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આંધ્ર પ્રદેશમાં ૧૧૨ લોકોનો ભોગ લેનાર એક ટ્રેન-અકસ્માતની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું? આજે કયો પ્રધાન આવું નૈતિક સાહસ બતાવે? મહાત્મા ગાંધી બહુ આસાનીથી આઝાદ ભારતની સરકારમાં સત્તાની ખુરશીમાં બેસી શક્યા હોત, પણ તેઓ સત્તા કરતાં તેમના અમુક આદર્શોને વધુ વફાદાર હતા. આવું આજે કોણ કરે?
પ્રસિદ્ધ વકીલ અને બંધારણના નિષ્ણાત ફલી એસ. નરીમાને એક વાર લખ્યું હતું કે ‘અમેરિકન પત્રકારત્વના ભીષ્મપિતામહ ગણાતા જેમ્સ રેસ્ટોને તેમની કારકિર્દીની શરૂઆત સ્પોર્ટ્સ પત્રકાર તરીકે કરી હતી. તેમનું અવસાન થયું એનાં થોડાં વર્ષ પહેલાં ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ને તેમણે કહ્યું હતું કે સ્પોર્ટ્સમાં તો તમને દિવસના અંતે એ ખબર પડી જાય કે કોણ જીત્યું અને કોણ હાર્યું, રાજકારણમાં તમારે એ જાણવા માટે સાઠ વર્ષ રાહ જોવી પડે. આપણે સાઠ વર્ષ રાહ જોઈ છે અને હજીયે ખબર નથી પડતી કે શું થવાનું છે.’
નૈતિકતાનું પતન
રશિયન નેતા વ્લાદિમીર લેનિને કહ્યું હતું કે ‘રાજકારણમાં નૈતિકતા જેવું કશું હોતું નથી. એક નીચ એટલા માટે જ કામનો હોય છે કારણ કે તે નીચ છે.’
આપણને ઇચ્છા તો હોય છે કે આપણા રાજકારણીઓ એક ઉમદા માણસ સાબિત થાય અને નૈતિક વ્યવહાર કરે, પરંતુ આપણી આંખ સામે તેઓ આપણી અપેક્ષાઓના લીરા ઉડાવે છે. આપણે આવું નિયમિત જોતા આવ્યા છીએ અને પછી આપણને એની ટેવ પડી જાય છે કે રાજકારણીઓ તો ભ્રષ્ટ, બેઈમાન અને સ્વાર્થી જ હોય એવું આપણે સ્વીકારી લઈએ છીએ. તેઓ જુઠ્ઠું બોલે, જવાબદારી ન લે, ભૂલોનો સ્વીકાર ન કરે, ગેરમાર્ગે દોરે, સવાલોના જવાબ ન આપે તો એ આપણને નૉર્મલ લાગે છે. એ જ રાજકારણીઓ સફળતાનો યશ લેવા સૌથી આગળ હોય છે. એટલા માટે જ આપણી રાજકીય વ્યવસ્થાઓ અને એને ચલાવતા લોકોમાંથી આપણો વિશ્વાસ ઘટી ગયો છે. 
ભારતમાં લોકશાહીને જોઈને કોઈ ચીજનો લૂણો લાગ્યો હોય તો એ છે અનૈતિકતાનો. એક સમાજ તરીકે પણ આપણામાંથી નૈતિક મૂલ્યો ખોવાતાં જઈ રહ્યાં છે અને એનું જ પ્રતિબિંબ રાજકારણમાં જોવા મળે છે. જેમ એક ઘરમાં સંતાન તેના પેરન્ટ્સ અને પરિવારજનોના વિચારો અને આચરણ જોઈને મોટું થયા પછી એવો જ વ્યવહાર કરતું થાય છે એવી રીતે આપણી પેઢી પણ તેમના વડીલોના નકશે કદમ પર ચાલે છે. 
ભારતીય રાજકારણમાં એવું મનાય છે કે નૈતિક મૂલ્યોના પતનની શરૂઆત ઇન્દિરા ગાંધીના સમયથી થઈ હતી. ઇન્દિરાના પુરોગામી અને પિતા જવાહરલાલ નેહરુ નવી-નવી લોકશાહીને નૈતિકતાના ખીલે બાંધીને ઉછેરી રહ્યા હતા. તેમની બીજી અનેક નિષ્ફળતાઓ હશે, પણ તેમની રાજકીય નૈતિકતા સંદેહથી પર હતી. ઉપર વાત કરી તે લાલ બહાદુર શાસ્ત્રી તો નેહરુ કરતાંય આદર્શવાદી હતા. નેહરુ તો રઈસ ખાનદાનના હતા, પણ શાસ્ત્રી એક ગરીબ ખેડૂતના સંતાન હતા અને ગૃહપ્રધાન તેમ જ વડા પ્રધાન બન્યા હોવા છતાં ગરીબીમાં જ મૃત્યુ પામ્યા હતા. 
તેઓ ‘ગૃહ વગરના ગૃહપ્રધાન’ તરીકે ઓળખાતા હતા. શાસ્ત્રી સાદું જીવન અને ઉચ્ચ વિચારનું જીવતું ઉદાહરણ હતા. તેઓ બે રૂમના સરકારી ઘરમાં રહેતા હતા. રેલવેપ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી તેમણે તેમની સરકારી કાર જમા કરાવી દીધી હતી અને બસમાં ફરતા હતા. આજે દિલ્હીમાં પ્રધાનપદ છોડનારા રાજકારણીઓ તેમના સરકારી બંગલાઓ ખાલી કરતા નથી. 
ઇન્દિરા પછી સાદગીની જગ્યાએ રઈસી આવી. રાજકીય વિચારક એસ. ગુરુમૂર્તિ એક જગ્યાએ લખે છે કે ઇન્દિરા ગાંધીએ રાજકીય નૈતિકતાને પદભ્રષ્ટ કરીને રાજકીય સત્તાનો રાજ્યાભિષેક કર્યો હતો. ઇન્દિરાની એ ‘નવીન રાજનીતિ’નો સૌથી પહેલો પ્રયોગ ૧૯૬૯માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયો હતો. એ વખતે રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનના અવસાન પછી કૉન્ગ્રેસ પાર્ટીના જ સિન્ડિકેટ નામથી જાણીતા જૂથે નીલમ સંજીવ રેડ્ડીનું નામ સૂચવ્યું હતું. ઇન્દિરાએ પાર્ટી પર પોતાની પકડ મજબૂત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ વી. વી. ગિરિને ઊભા કર્યા હતા. કૉન્ગ્રેસના જ બે ઉમેદવાર! છેલ્લે ઇન્દિરાએ ‘આત્માના અવાજ’ પ્રમાણે મત આપવાની સંસદસભ્યોને અપીલ કરી હતી અને ગિરિ એમાં ચૂંટાઈ ગયા હતા. 
એ પછી ઇન્દિરાએ કૉન્ગ્રેસના જ વિરોધીઓની મદદ લઈને કૉન્ગ્રેસ પક્ષમાં બે ફાડિયાં કર્યાં હતાં અને આજની કૉન્ગ્રેસ (આઇ)નો એમાંથી જન્મ થયો હતો. પાર્ટી પર પોતાની લોખંડી પકડ મજબૂત કરવા તેમણે બંધારણ બદલી નાખ્યું હતું. જાણીતા અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ બંધારણનું મોઢું ‘કાળું’ કર્યું હતું. ગુરુમૂર્તિ કહે છે, ‘ઇન્દિરા ગાંધીએ રાજકારણમાં રાજકીય નૈતિકતા નહીં પણ રાજકીય સફળતાને માપદંડ બનાવ્યો હતો.’
ઇન્દિરા પહેલાં વડાં પ્રધાન હતાં જેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો. સસ્તી કાર (મારુતિ)ના નામે તેમની સરકારે તેમના દીકરા સંજય ગાંધીને બધી જ સવલત કરી આપી હતી અને એમાં સંજયે બહુ રૂપિયા બનાવ્યા હતા. તેઓ પહેલાં વડાં પ્રધાન હતાં જેમનું નામ ખૂનકેસમાં ઊછળ્યું હતું. તેમના જેવો જ અવાજ કાઢીને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી ૬૦ લાખ રૂપિયા ઉપાડી લેનારા રુસ્તમ સોહરાબ નગરવાલાનું જેલમાં સંદેહાસ્પદ અવસાન થતાં ઇન્દિરા તરફ આંગળી ચીંધાઈ હતી. આ આખી ઘટના પર સરકારે તપાસપંચ બેસાડ્યું હતું. 
‘આયારામ-ગયારામ’ અને પાટલી બદલવાના રાજકારણની શરૂઆત પણ ઇન્દિરા વખતે જ થઈ હતી. તેમની અનૈતિક રાજનીતિનું ‘ભવ્ય’ ઉદાહરણ ૧૯૭૫ની કટોકટી હતી, જ્યારે તેમણે લોકશાહીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દઈને એકહથ્થુ શાસન ચલાવ્યું હતું. ઇન્દિરાએ જેલમાં પૂરી દીધેલા તેમના વિરોધી જયપ્રકાશ નારાયણે જેલમાંથી લખ્યું હતું કે ‘ઇન્દિરાને લોકશાહીની મહાન વ્યવસ્થાઓ અને મૂલ્યો વારસામાં મળ્યાં હતાં, પણ તેમણે એને કાટમાળ બનાવી દીધો હતો.’
આપણે લોકશાહીનું નહીં, લોકશાહીના કાટમાળનું ગૌરવ લઈએ છીએ. 

03 July, 2022 08:57 AM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

મની લૉન્ડરિંગ ઍક્ટ: ભ્રષ્ટાચારમુક્ત ભારત કે ભયભીત ભારત?

છેલ્લા ઘણા સમયથી સીબીઆઇ ગાયબ થઈ ગઈ છે અને હાલ ચારે તરફ ઈડીની ‘બોલબાલા’ છે. એનું એક કારણ એ છે કે સીબીઆઇને રાજ્યમાં કાર્યવાહી કરવાની મંજૂરી આપવી કે ના આપવી એ રાજ્ય સરકારના હાથમાં છે

07 August, 2022 06:08 IST | Mumbai | Raj Goswami

ગડકરી અને રાજનાથ : રાજનીતિનું ઘનઘોર અંધારું સાફ કરવાનો પ્રયાસ

રાજનીતિ છોડી દેવાના નીતિન ગડકરીના ખિન્નતાભર્યા વિધાનનું સ્વાગત થવું જોઈએ. તેમની વાતનું મહત્ત્વ એ છે કે તેમણે હાલની રાજનીતિની સરખામણી મહાત્મા ગાંધીના સમયની રાજનીતિ સાથે કરી છે અને વચ્ચેની રાજનીતિના લાંબા સમયને છોડી દીધો છે

31 July, 2022 06:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાલિકા બધૂ : આજે પણ ‘બડે અચ્છે લગતે હૈં’

શક્તિ સામંતના આગ્રહથી અને તેમની શક્તિ ફિલ્મ્સના બૅનર હેઠળ ‘બાલિકા બધૂ’નું હિન્દીમાં નિર્દેશન કરવા માટે તરુણ મજમુદાર તૈયાર થયા

23 July, 2022 11:48 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK