° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


ટીવી ચૅનલોનો અગ્નિપથ : હવે મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા કરશે?

19 June, 2022 02:13 PM IST | Mumbai
Raj Goswami

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સૅક્રેડ ગેમ્સ’માં એક સંવાદ હતો : દુનિયા કી બાઝાર મેં ધરમ હી સબસે બડા ધંદા હૈ. આ લાઇન ટીવી ચૅનલો માટે એકદમ ફિટ બેસતી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સૅક્રેડ ગેમ્સ’માં એક સંવાદ હતો : દુનિયા કી બાઝાર મેં ધરમ હી સબસે બડા ધંદા હૈ. આ લાઇન ટીવી ચૅનલો માટે એકદમ ફિટ બેસતી હતી. ભારતના અત્યંત હરીફાઈવાળા ટીવીના બજારમાં હિન્દુ-મુસ્લિમનો ઍન્ગલ વ્યુઅરશિપ માટે કામનો હતો. મીડિયા વર્તુળોમાં એવું ઉઘાડેછોગ ચર્ચાય છે કે કયા ટીવી પર રાત્રે શું ચર્ચા ગોઠવાશે એ રાજકારણીઓ અને ચૅનલોનાં વૉટ્સઍપ ગ્રુપમાં અગાઉથી જ ફિક્સ થઈ જતું હતું


દેશની ટીવી ચૅનલો સામે દુવિધા ઊભી થઈ છે. સૈન્યની હંગામી રોજગાર યોજના ‘અગ્નિપથ’ સામે બેરોજગાર યુવાનોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. અનેક રાજ્યોમાં એનો જબરદસ્ત વિરોધ થયો છે અને હિંસા થઈ છે. ૪-૫ વર્ષ પછી ‘નિવૃત્ત’ થનારા ૭૫ ટકા યુવાનોના ભવિષ્યનું શું થશે એની આ ચૅનલોએ ડિબેટ કરવી જોઈએ કે પછી ૧૦ લાખ નોકરીઓ ઊભી કરવાની ઘોષણા કરનાર મોદી સરકારે ૮ વર્ષ અગાઉ દર વર્ષે બે કરોડ નોકરીઓ ઊભી કરવાનું વચન આપ્યું હતું એનું શું થયું એ સવાલો કરવા જોઈએ?

આ દુવિધા ઊભી થવાનું કારણ છે. ચૅનલો પાછલાં કેટલાંય વર્ષોથી મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓને છોડીને હિન્દુ-મુસ્લિમો વચ્ચે લડાઈ ઊભી કરવાનું કામ કરતી હતી. હવે અચાનક, એ ગમતો વિષય છીનવાઈ ગયો છે. 

દેશના યુવાનો ત્રણ દિવસથી હિંસક બની ગયા છે એને માત્ર ‘અગ્નિપથ’ યોજનાના વિરોધ તરીકે જ ન સમજવું જોઈએ. બેરોજગારીનો પ્રશ્ન કોરોનાકાળ પહેલાંથી ઊભો થયો હતો પરંતુ એના પર વિચાર કરવાની ન તો સરકાર પાસે ફુરસદ હતી કે ન તો ટીવી ચૅનલોને. મીડિયાનું કામ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું છે, પરંતુ બેરોજગારીનો મુદ્દો સિફતપૂર્વક  હિન્દુ-મુસ્લિમ ડિબેટમાં ગાયબ કરી દેવામાં આવ્યો હતો. 

જ્યારે જનતાના મનમાં અન્યાય અને આક્રોશ ભેગો થાય ત્યારે એને વ્યક્ત કરવા માટે લોકતાંત્રિક વ્યવસ્થામાં ઉપાયો અને માધ્યમો હોય છે. જ્યારે ત્યાં અવાજ પહોંચતો ન હોય ત્યારે લોકો સડકો પર ઊતરે છે. જે દેશનું મીડિયા સડકો પર ઊતરતા લોકોને દેશદ્રોહી સાબિત કરવામાં વ્યસ્ત હોય ત્યારે સમજી શકાય છે કે એ આક્રોશની શી વલે થાય.

કૃષિ કાનૂનના વિરોધમાં ઉતારેલા ખેડૂતોને આતંકવાદી, દેશદ્રોહી અને ખાલિસ્તાની સાબિત કરવામાં ચૅનલોએ બાકી રાખ્યું નહોતું. એ વિરોધ લોકતાંત્રિક ઢબે શરૂ થયો હતો અને અનેક હિંસક ઉતાર-ચડાવ વચ્ચે એક વર્ષ સુધી ચાલ્યો હતો. છેવટે સરકારે એને ગંભીરતાથી લેવો પડ્યો હતો અને કાનૂન રદ કરવા પડ્યા હતા. 

કોરોનાકાળમાં પણ જનતાની પડખે રહેવાને બદલે ચૅનલોએ તેમાં હિન્દુ-મુસ્લિમના રંગ ઘોળ્યો હતો અને મહામારી સામે એક થવાની જરૂર હતી ત્યારે દેશને વિભાજિત કરી દીધો હતો. એ પહેલાં નોટબંધી અને જીએસટીની યોજનાને લઈને જનતાની મુશ્કેલીઓમાં ચૅનલોની ભૂમિકા મદદરૂપ નહોતી. હવે જ્યારે ‘અગ્નિપથ’ યોજના સામે ભયાનક વિરોધ અને હિંસા ફાટી નીકળી છે ત્યારે ગોદી મીડિયાની દુવિધા એ થઈ છે કે આ યુવાનોને કઈ રીતે દેશદ્રોહી સાબિત કરવા. અત્યાર સુધી તો ચૅનલો માટે પથ્થરો અને આગનો ધર્મ હતો, તો અત્યારે જે પથ્થરો ફેંકાઈ રહ્યા છે એમાં કયો ધર્મ શોધવો?

દુવિધાનું કારણ
‘ટાઇમ્સ નાઓ’ ચૅનલ પર જ્ઞાનવ્યાપી મસ્જિદમાંથી મળેલા ‘શિવલિંગ’ની ચર્ચામાં બીજેપીની તત્કાલીન પ્રવક્તા નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર માટે એલફેલ કહ્યું એનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે જે વિરોધ થયો અને દેશમાં હિંસક દેખાવો થયા એ તો ‘મુખ્ય સમાચાર’ હતા જ, એની આડઅસરરૂપે ત્રણ પૂરક ઘટનાઓ પણ બની. દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકીને પીવે એ ન્યાયે, ભારતીય જનતા પાર્ટીએ તેના પ્રવક્તાઓ અને નેતાઓ માટે ટેલિવિઝનની ડિબેટમાં શું બોલવું અને શું ન બોલવું એની લક્ષ્મણરેખા દોરી. વિશેષ તો ૨૦૨૪ની લોકસભાની અને તે પહેલાંની રાજ્યોની ચૂંટણીઓ માટે બીજેપી મોદી સરકારનાં આઠ વર્ષની ઉજવણી કરી રહી છે એટલે પ્રવક્તાઓ-નેતાઓને સૂચના આપવામાં આવી કે ટીવી પર જઈને માત્ર સરકારનાં લોકકલ્યાણનાં કામોની જ વાત કરવાની છે. 

એક અગ્રણી હિન્દી અખબાર અનુસાર ભાજપે મુસ્લિમોની ધાર્મિક લાગણીઓ દુભાવવાનું કામ કરતા પાર્ટીના ૩૮ નેતાઓની યાદી બનાવી છે. એમાં ૨૭ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિષયો પર બોલતાં પહેલાં પાર્ટીની નેતાગીરીની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે. આ જ અહેવાલ કહે છે કે પાર્ટીએ કરેલા વિશ્લેષણ અનુસાર આ નેતાઓ દ્વારા છેલ્લાં ૮ વર્ષમાં ૫૨૦૦ બિનજરૂરી બયાનો આપવામાં આવ્યાં હતાં અને ૨૭૦૦ બયાનોમાં સંવેદનશીલ શબ્દો વાપરવામાં આવ્યા હતા. 

બીજી પ્રતિક્રિયા ભારતમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતા ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ તરફથી આવી. ટેલિવિઝન ચૅનલોની ડિબેટોમાં ધાર્મિક ઉન્માદ ફેલાવતી ચેષ્ટાઓને રોકવા માટે બોર્ડે ઇસ્લામિક વિદ્વાનોને તેમાં ભાગ નહીં લેવા કહ્યું છે. એક પત્ર જાહેર કરીને બોર્ડે કહ્યું છે કે ટીવી ડિબેટોનો હેતુ રચનાત્મક ચર્ચા કરીને કોઈ નિષ્કર્ષ પર જવાનો નથી. એમાં ભાગ લેવાથી ઇસ્લામ અને મુસલમાનોની મજાક ઊડે છે. એવા કાર્યક્રમોમાં જઈને ઉલેમાઓ તેમના ધર્મને મજાક બનાવે છે. ઉલેમાઓ અને બુદ્ધિજીવીઓ અજાણતામાં આ ડિબેટોના કાવતરામાં ફસાઈ જાય છે. એટલે આપણે જો આવા કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું તો આ ચૅનલો એમના ઇરાદામાં સફળ નહીં થાય. 

ત્રીજી તરફ ભારતમાં અખબારો અને સામયિકોની સ્વતંત્રતા અને ગુણવત્તા પર નજર રાખવાનું કામ કરતી ધ એડિટર્સ ગીલ્ડ ઑફ ઇન્ડિયાએ ટીઆરપી વધારવાના ચક્કરમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય વધારે તેવી સામગ્રીઓ આપતી ચૅનલોને આત્મમંથન કરવા કહ્યું છે. ચૅનલો બિનસાંપ્રદાયિકતાની બંધારણીય પ્રતિબદ્ધતા અને પત્રકારત્વની નીતિમત્તાનું ધ્યાન રાખે તો બેઇજ્જતીને ટાળી શકાય. ગીલ્ડે કહ્યું કે દેશમાં એકબીજા પ્રત્યે નફરત ફેલાય તેવા સંજોગો ઊભા કરવાની અમુક ટીવી ચૅનલોની ચેષ્ટા નિંદનીય છે. 

કુલ મળીને વાત એટલી કે દેશમાં પાછલા એક દાયકાથી ટેલીવિઝનના માધ્યમથી નફરતનું ઝેર ઘોળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી તેમાં, નૂપુર શર્માના ફિયાસ્કો પછી શુદ્ધીકરણ શરૂ થયું છે. એ સફળ થશે? એનો જવાબ શોધીએ એ પહેલાં આવો આપણે એ સમજીએ કે આ ડિબેટો ગોઠવાય છે કેવી રીતે.

ડિબેટોનું મૅચફિક્સિંગ
૨૦૨૦માં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે રિપબ્લિક ટીવી સામે કાર્યવાહી કરી ત્યારથી ટીઆરપી વધારવા માટે ચૅનલો કેવા પેંતરા રચે છે એ સામે આવ્યું હતું. આ એ જ સમય હતો જ્યારે ટીવી ચૅનલોમાં પ્રાઇમ ટાઇમમાં દર્શકોને ખેંચવા માટે ‘ગરમાગરમ’ બહસો શરૂ કરવામાં આવી હતી. પહેલાં એ રાજકીય મુદ્દાઓ પર આયોજિત થતી હતી, પછી એનો રંગ બદલાઈને હિન્દુ-મુસ્લિમ થઈ ગયો. 
નવાઝુદ્દીન સિદ્દીકીની ‘સેક્રેડ ગેમ્સ’માં એક સંવાદ હતો : દુનિયા કી બાઝાર મેં ધરમ હી સબસે બડા ધંદા હૈ. આ લાઇન ટીવી ચૅનલો માટે એકદમ ફિટ બેસતી હતી. ભારતના અત્યંત હરીફાઈવાળા ટીવીના બજારમાં, આખી મારામારી દર્શકોને ખેંચવાની છે. એમાં આ હિન્દુ-મુસ્લિમનો એન્ગલ ચૅનલોને વ્યુઅરશિપ માટે કામનો હતો અને નેતાઓ માટે ચૂંટણીમાં ફાયદેમંદ હતો. મીડિયા વર્તુળોમાં એવું ઉઘાડેછોગ ચર્ચાય છે કે કયા ટીવી પર રાત્રે શું ચર્ચા ગોઠવાશે એ રાજકારણીઓ અને ચૅનલોનાં વૉટ્સઍપ ગ્રુપમાં અગાઉથી જ ફિક્સ થઈ જતું હતું.

ચૅનલોને આ વ્યવસ્થા માફક આવી ગઈ, પછી તેમણે બૅલૅન્સ કરવા માટે મુસ્લિમ મુલ્લા-મૌલવીઓ અને હિન્દુ સાધુઓને સ્ટુડિયોમાં બોલાવવાનું શરૂ કર્યું. ચૅનલના ઍન્કરો ઇરાદાપૂર્વક કોમી ધ્રુવીકરણ ઊભું થાય એવા સવાલો કે મુદ્દાઓ રિંગમાં ફેંકતા અને મુલ્લા-બાવાઓ એને ઝપટી લેતા. એ પછી સામસામે અનાપસનાપ બોલવાનું શરૂ થતું. દર્શકોમાં તો એવા પણ સવાલો ઊઠવા લાગ્યા કે તેમણે ક્યારેય નામ પણ સાંભળ્યાં ન હોય એવા ધર્મપુરુષો કેવી રીતે તેમના ધર્મના પ્રતિનિધિ બનીને ડિબેટોમાં ગોઠવાઈ જાય છે? 

સરકારો તેમનો પ્રચાર કરવા માટે મીડિયાનો ઉપયોગ કરતી હોય એ વાત નવી નથી. અલગ-અલગ ભાષામાં ૭૫,૦૦૦થી વધુ અખબારો અને ૧૦૦૦થી વધુ ચૅનલો એકબીજા સામે ગાળાકાપ હરીફાઈ કરતી હોય ત્યારે રાજકીય મહેરબાની નૉર્મલ બની જાય છે. જેસિકા લાલ, પ્રિયદર્શી મટ્ટુ, બીજલ જોશી, આરુષી તલવાર, સુશાંત સિંહ-રિયા ચક્રવર્તી કેસમાં ચૅનલોએ સ્ટુડિયોમાં રીતસર ‘અદાલતો’ જ ભરી હતી પરંતુ બીજેપીની સરકાર બની એ પછી ચૅનલોમાં ખુલ્લેઆમ હિન્દુ-મુસ્લિમ વચ્ચે નફરત ફેલાય એવી સામગ્રીઓ આવવાનું શરૂ થયું. 

ચૅનલોમાં આ એટલું બેફામ થઈ ગયું હતું કે ૨૦૨૧માં, પ્રદૂષણ વિશેના કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ એન. વી. રામન્નાએ ટીપ્પણી કરી હતી કે ભારતમાં બીજા બધા કરતાં ટીવીની ડિબેટ્સ વધુ પ્રદૂષણ ફેલાવે છે. તેઓ તેમના એજન્ડા પ્રમાણે ટિપ્પણીઓ કરતાં રહે છે. 

ચૅનલો સુધરી જશે?
એવું નથી કે સરકારને ખબર નહોતી કે ચૅનલો મર્યાદા ઓળંગીને જોખમ ઊભું કરી રહી છે, પણ જ્યાં સુધી સરકારનું હિત સચવાતું હતું ત્યાં સુધી તેણે આંખ આડા કાન કર્યા. એપ્રિલમાં યુક્રેન સંકટ વખતે અને દિલ્હીના જહાંગીરપુરીનાં તોફાનો વખતે, માહિતી-પ્રસારણ વિભાગે ટીવી ચૅનલોને તેમની ભડકાઉ ડિબેટો પર લગામ કસવા કહ્યું હતું. 

એ વખતે એક ઍડ્વાઇઝરી જાહેર કરીને વિભાગે કહ્યું હતું, ‘તાજેતરમાં જોવામાં આવ્યું છે કે અમુક સૅટેલાઇટ ટીવી ચૅનલોએ અમુક ઘટનાઓનું કવરેજ ખોટી રીતે, ગેરમાર્ગે દોરે એ રીતે, સનસનાટીપૂર્ણ રીતે, અસામાજિક અને અસભ્ય ભાષામાં અને કોમવાદી માનસિકતાથી કર્યું છે.’

આ ઍડ્વાધઝરીની પણ કોઈ અસર પડી નહોતી. કાં તો એવી ઍડ્વાઇઝરી પાછળ મજબૂત ઇચ્છાશક્તિ નહોતી અથવા ચૅનલોને તેની કોઈ પડી નહોતી. એટલા માટે રોજ રાત પડે સ્ટુડિયોમાં બાબાઓ અને મૌલાનાઓને સામસામે બેસાડીને ગોલા લડાઈનો ખેલ બેરોકટોક ચાલુ રહ્યો. ‘ટાઇમ્સ નાઓ’ ચૅનલ પર આવી જ એક ગોલા લડાઈમાં, બીજેપીની પ્રવક્તાએ પયગંબર માટે અનાપસનાપ કહ્યું તો સામેથી એવી દલીલો આવી કે શિવલિંગ માટે પણ અનાપસનાપ બોલવામાં આવે છે ત્યારે કોઈ કેમ કંઈ બોલતું નથી? એક દુષ્ટતાને જાયજ ઠેરવવા માટે બીજી દુષ્ટતાનું ઉદાહરણ ‘તાર્કિક’ તો છે, પણ નૈતિક નથી. ટીવી પર ઘટિયા વિચારો વ્યકત કરવાની છૂટ શા માટે હોવી જોઈએ એ પાયાનો પ્રશ્ન કોઈ પૂછતું નથી. અભિવ્યક્તિની આઝાદીના નામ પર એક ધર્મના લોકોને બીજા ધર્મના લોકો માટે નફરત થાય તેવું ટીવીના સંચાલકો કે સરકાર શા માટે ચલાવી લે? કાં તો એમાં પરસ્પર એકબીજાનું હિત સચવાતું હોય કાં ચૅનલો એટલી તાકાતવર છે કે કાનૂન અને બંધારણની બહાર જઈને વર્તે છે. 

ભારતમાં ભલે આ પહેલી વાર થતું હોય. દુનિયા આનાં પરિણામ જોઈ ચૂકી છે. ૨૦૧૮માં, જ્યારે ભારતમાં ટીવી ડિબેટોમાં કોમવાદી સૂર ઊભો થવા લાગ્યો હતો ત્યારે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના ફેલો અને ઇન્ડિયન એક્સપ્રેસના ડેપ્યુટી એડિટર સુશાંત સિંહે મધ્ય આફ્રિકાના દેશ રવાન્ડામાં નરસંહારના એક ઇતિહાસ યાદ કરીને ટીવી ચૅનલોને ચેતવી હતી. તેમણે લખ્યું હતું:
‘હજી કબરો ભરાઈ નથી.’ રવાન્ડામાં ૧૯૯૪ની ભયાનક કત્લેઆમ દરમ્યાન ખાનગી રેડિયો પર આવો નારો બ્રૉડકાસ્ટ થતો હતો. એ ૧૨ સપ્તાહમાં હુતુઓએ ૮૦૦,૦૦૦ તુત્સીઓને રહેંસી નાખ્યા હતા. આ નરસંહારનાં મૂળિયાં આમ તો રવાન્ડાના ગુલામીના ઇતિહાસમાં છે, પણ એનો ભડકો રેડિયો પરથી થયો હતો. રવાન્ડાનો નરસંહાર ભડકાવવા અને દિશા નક્કી કરવા માટે રેડિયો પાવરફુલ સાધન બન્યો હતો. ૨૩ વર્ષ પછી ભારત ભલે આવા નરસંહારથી જોજનો દૂર લાગતું હોય, એના પાઠ આજે પણ પ્રાસંગિક છે. વૉટ્સઍપના ફેક મેસેજિસ, નફરતના વિડિયો અને ઘટિયા ઠઠ્ઠા-મશ્કરીઓને ફાલતુ ગણીને ખારીજ કરવા જેવા નથી. આ ઘૃણા આવનારા સમયનો પૂર્વાભાસ છે. 

રવાન્ડાના રેડિયોના મેસેજ ડ્યુક યુનિવર્સીટીમાં સચવાયેલા પડ્યા છે. એમાં કેવી રીતે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા એની સાબિતીઓ છે. ખાલી એક ટ્રાન્ઝિસ્ટર અને બે બૅટરીઓથી રેડિયો જો પાવરફુલ માધ્યમ બની જતો હોય તો આજે વૉટ્સઍપ અને મોબાઈલ છે. આજે નફરત ફેલાવતા જે ઢગલાબંધ મેસેજિસ વૉટ્સઍપમાં આવે છે, એ રવાન્ડાના રેડિયોની જેમ, ફૅબ્રિકેટડ ઇતિહાસ પેશ કરે છે અને આપણને ‘ઍક્શન’ લેવા ઉકસાવે છે.’

નૂપુર શર્માના કારણે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે બેઇજ્જતી થઈ અને સરકાર જાગૃત થઈ એ દિવસથી ચૅનલો પર બાબાઓ અને મૌલાનાઓ ગાયબ થઈ ગયા છે અને તેની સાથે હિન્દુ-મુસ્લિમ ધર્મોની બહસો પણ અટકી ગઈ છે. આ સારી નિશાની છે. સવાલ એટલો જ છે કે આ કાયમી બદલાવ છે? ચૅનલો હવે મોંઘવારી અને બેરોજગારીની ચર્ચા કરશે? કે પછી ટીવી સ્ટુડિયોમાં તોફાન પહેલાંની શાંતિ છે? ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોમાં ચૅનલો દેશદ્રોહીઓ શોધવાનું કામ ચૅનલો કરશે? 

જનહિતના પ્રશ્નોનો અગ્નિપથ

આમ લોકોમાં એક ધારણા એવી બંધાઈ છે કે ન્યુઝ ચૅનલો હિન્દુ-મુસ્લિમનું ધ્રુવીકરણ એટલા માટે કરે છે જેથી તેઓ મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા પ્રશ્નોથી બચી શકે. કેમ? કારણ કે તેમાં સરકારની નીતિઓની ટીકા કરવી પડે અને સરકાર નારાજ થઈ જાય. ઇન્ડો-એશિયન ન્યુઝ સર્વિસ (આઇએએનએસ) માટે જનમત સંગ્રહનું કામ કરતી સંસ્થા સીવોટરે કરેલા એક સર્વેક્ષણમાં ૭૭ ટકા ભારતીયોએ કહ્યું છે કે ચૅનલોએ કોમી ધ્રુવીકરણ થાય તેવા કાર્યક્રમો ન કરવા જોઈએ, જ્યારે ૨૩ ટકા લોકોને એમાં કશું ખોટું લાગ્યું નથી. સર્વેક્ષણ કહે છે આમ નાગરિકને ખાવા-પીવા અને રોજગારીના પ્રશ્નોની ચિંતા વધુ છે. 

દિલ્હીની ઇન્સ્યટટ્યૂટ ઑફ પર્સેપ્શન સ્ટડીઝ દ્વારા ટીવી ડિબેટોની બે લાખ સેકન્ડ્સના પ્રાઇમ ટાઇમ ટ્રેકર અભ્યાસમાં ખબર પડી હતી કે એપ્રિલમાં માત્ર ૧૦ ટકા પ્રાઇમ ટાઇમમાં જ ભાવ વધારાની ચર્ચા કરવામાં આવી હતી. બાકીનો ૯૦ ટકા સમય રશિયા-યુક્રેન યુદ્ધ, હિન્દુ-મુસ્લિમ લડાઈ, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ, વડા પ્રધાન અને વિપક્ષોના રાજકારણ, બીજેપી અને શ્રીલંકા પર ખર્ચ કરવામાં આવ્યો હતો. 

પ્રજાને પજવતા મુદ્દા કેટલા મહત્ત્વના છે એ હકીકત એ વાત પરથી સાબિત થાય છે કે આ અઠવાડિયે સરકારે બે મોટી ઘોષણા કરી છે. સરકાર બેરોજગારી પ્રત્યે ઉદાસીન છે તેવા વિપક્ષોના નિયમિત આરોપથી જાગેલી સરકારે આગામી ૧૮ મહિનામાં વિવિધ મંત્રાલયો અને વિભાગોને ૧૦ લાખ નોકરીઓ ઊભી કરવા સૂચના આપી છે. જ્યારે બીજી તરફ, સંરક્ષણ મંત્રાલયે સશસ્ત્ર દળો માટે અગ્નિપથ યોજના જાહેર કરી છે. 

એમાં, અગ્નિપથ યોજના સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિરોધનો મૂળ મુદ્દો એ છે કે ૪ વર્ષ માટે ભરતી કરાયેલા યુવાનોમાંથી ૨૫ ટકાને કાયમી નોકરી આપવામાં આવશે, જયારે ૭૫ ટકા જવાનોને ‘અગ્નિવીર’ નામ આપીને ઘરે પાછા મોકલી દેવામાં આવશે. એવું કહેવાય છે કે સરકારે પેન્શન અને અન્ય ખર્ચાઓ બચાવવા માટે ૪ વર્ષની હંગામી યોજના ઘડી છે. યુવાનોને ચિંતા એ છે કે ૪ વર્ષ પછી તેમના ભવિષ્યનું શું? એની પાસે ન તો કોઈ પ્રોફેશનલ ડિગ્રી હશે કે ન તો ઉંમર તેના પક્ષમાં હશે તો બાકીના જીવનમાં એ શું કામ કરશે?

19 June, 2022 02:13 PM IST | Mumbai | Raj Goswami

અન્ય લેખો

ઉદ્ધવ v/s એકનાથ : સેના માટે લડાઈ!

ભાવુક થઈને રાજીનામું આપવાનો ઉદ્ધવનો ઊભરો શાંત થઈ ગયો છે અને સરકાર બચાવવા તેમ જ શિંદે કૅમ્પમાંથી અમુક વિધાયકોને પાછા લાવવા (અમુકને ગેરલાયક ઠેરવવા) માટે લાંબી લડાઈ લડવાનું નક્કી કર્યું છે

26 June, 2022 01:35 IST | Mumbai | Raj Goswami

અગ્નિપથ : અશ્રુ સ્વેદ રક્ત સે લથપથ

એ વખતે તેમની પાછળ ‘ગંગા જમુના સરસ્વતી’, ‘તૂફાન’, ‘જાદુગર’ અને ‘મૈં આઝાદ હૂં’ જેવી નિષ્ફળ ફિલ્મોની ‘લાશ’ પડેલી હતી.

25 June, 2022 01:38 IST | Mumbai | Raj Goswami

ફૉરેસ્ટ ગમ્પઃ અમેરિકાની શરમગાથા

વાત જો એટલી જ હોત તો આમિર ખાન માટે એ પાત્ર કરવું બહુ આસાન હોત, પરંતુ ફિલ્મમાં તન-મનથી પછાત એક છોકરાની જીવનયાત્રાની સાથે એક રાષ્ટ્રની જીવનયાત્રા પણ ચાલે છે.

18 June, 2022 01:18 IST | Mumbai | Raj Goswami

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK